Prayshchit - 78 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 78

Featured Books
Categories
Share

પ્રાયશ્ચિત - 78

પ્રાયશ્ચિત પ્રકરણ 78

છેલ્લા એક વર્ષમાં કેતનની સોસાયટીમાં તમામ લોકો રહેવા આવી ગયા હતા. તમામ બંગલા ફુલ થઇ ગયા હતા. બધા જ પાડોશીઓ કેતનને વ્યક્તિગત રીતે ઓળખતા હતા અને કેતનની સેવાની પ્રવૃત્તિઓને જાણતા હતા. આખી સોસાયટીમાં કેતનનું માન હતું. કેતન બધાને ઓળખતો ન હતો પરંતુ જાનકી બોલકી હતી એટલે એની બધાં સાથે ઓળખાણ થઈ હતી.

કેતને હોસ્પિટલ તો છોડી દીધી હતી પરંતુ ઓફિસે રેગ્યુલર જતો હતો અને કન્યા છાત્રાલય તથા આશ્રમમાં અવાર નવાર જતો હતો. વચ્ચે વચ્ચે દ્વારકાના સદાવ્રતની વિઝીટ પણ લઈ આવતો હતો અને દ્વારકાધીશનાં દર્શન પણ કરી આવતો હતો.

રોજ સવારે ૧૦ થી ૧૨ એ નિયમિત ઓફિસમાં બેસતો જ્યારે સાંજના ટાઇમે એ ફરતો રહેતો. કોઈને કંઈ પણ કામ હોય તો કેતનને સવારે ૧૦ થી ૧૨ માં ઓફિસે મળી શકાતું.

રાજેશ દવે પણ એક દિવસ સવારે ૧૧ વાગે કેતન સરને મળવા આવ્યો.

" સર અંદર આવું ? " કેતનની ચેમ્બરમાં દાખલ થતા પહેલા રાજેશ દવેએ રજા માગી.

" હા આવ ને રાજેશ. હોસ્પિટલમાં કેમ ચાલે છે બધું ? " કેતને પૂછ્યું.

" સર એ બાબતે થોડી વાત કરવા માટે જ આવ્યો છું. આમ તો મેં પરમ દિવસે જયેશ સર સાથે પણ વાત કરી હતી પરંતુ એમણે કહ્યું કે આ વાત મોટા શેઠને કરવી પડે એટલે આજે ખાસ તમને મળવા આવ્યો છું. " રાજેશ દવે કેતનની સામે ખુરશીમાં બેસીને બોલ્યો.

" ઓકે બોલ... શું વાત હતી ? " કેતને પૂછ્યું.

" સર માફ કરજો. હું તો બહુ નાનો માણસ છું પણ કેટલીક વાત કરવી જરૂરી છે એટલે આવ્યો છું. "

" રિલેક્સ. જે પણ હોય તું મને કહી શકે છે. " કેતને કહ્યું.

" સર આખી હોસ્પિટલ શાહસાહેબ થી નારાજ છે. પોતાની જ માલિકીની હોસ્પિટલ હોય તે રીતે વધુ પડતા કડક બનીને બધા પાસેથી કામ લે છે. ગમે ત્યારે ગમે એનું ઈનસલ્ટ કરી દે છે. સ્ટાફ તો ઠીક પણ ડોક્ટરોને પણ ગમે તેમ બોલતા હોય છે. નર્સો તો એમનાથી ડરતી થઈ ગઈ છે. "

" પેલાં રિસેપ્શનિસ્ટ નીતાબેન એકવાર પાંચ મિનિટ મોડાં આવ્યાં તો બધા ઓપીડીના પેશન્ટોની હાજરીમાં ધમકાવી નાખ્યાં. ગમે ત્યારે વોર્ડમાં ચેકિંગ કરે અને હજાર સવાલ પૂછે. કેટલોક સ્ટાફ હવે યુનિયનમાં જોડાવાનું અને સ્ટ્રાઈક ઉપર જવાનું વિચારે છે. જો એવું થશે તો આપણી હોસ્પિટલની મોટી બદનામી થશે. એટલા માટે જ મારે ખાસ આવવું પડ્યું છે." રાજેશ બોલ્યો.

આ સાંભળીને કેતનને આંચકો લાગ્યો. એણે બઝર દબાવીને જયેશભાઇને અંદર બોલાવ્યા.

" આ રાજેશ કહે છે એમ શાહસાહેબ માટે હોસ્પિટલ ના સ્ટાફની જે ફરિયાદ છે એ વાત સાચી છે ? " કેતને પૂછ્યું.

" હા શેઠ. ફરિયાદ તો બે ત્રણ મહિનાથી ચાલુ થઈ છે પણ હવે ઘણી બધી વધી ગઈ છે. ખબર નહીં શાહ સાહેબ કેમ આવા સરમુખત્યાર જેવા થઈ ગયા ? મને રાજેશે પરમ દિવસે વાત કરેલી પણ મેં કહ્યું કે મોટા શેઠને જ વાત કરવી પડે. " જયેશ બોલ્યો.

" અરે જયેશભાઈ હોસ્પિટલ તમારી છે. તમને જ્યારે ખબર પડી ત્યારે જ મને કહી શકતા હતા. આ બધું સાંભળીને મને ખૂબ દુઃખ થાય છે. ખૂબ જ ગંભીર મામલો છે. મારે વહેલી તકે નિર્ણય લેવો પડશે કારણ કે મારી પ્રતિષ્ઠાનો સવાલ છે." કેતન બોલ્યો.

" રાજેશ તું જા. હોસ્પિટલમાં બધાને કહી દેજે કે સર સાથે વાત થઈ ગઈ છે અને તાત્કાલિક ઉકેલ લાવી દેશે. " કેતન બોલ્યો.

રાજેશ અને જયેશ ગયા પછી કેતન વિચારે ચડી ગયો. સેવાના યજ્ઞ માટે કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલી આટલી સરસ હોસ્પિટલ કોઈની જાગીર બની જાય એ ના ચલાવી લેવાય. પપ્પા સાચું જ કહેતા હતા. વધુ પડતો વિશ્વાસ મુકવામાં આ જ મુશ્કેલી છે. મારે કોઈ સારો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર નીમવો પડશે. અને ત્યાં સુધી મારે પોતે જ હોસ્પિટલનો ચાર્જ લેવો પડશે.

ઘરે આવીને એણે સાંજે જાનકીને આ વાત કરી. કેતનની વાત સાંભળીને જાનકીને પણ બહુ દુઃખ થયું.

" એક વાત કહું ? આપણી સોસાયટીમાં ૧૭ નંબરના બંગલામાં પેલો ધવલ રહે છે. એણે એમબીએ કર્યું છે. છોકરો ઘણો હોશિયાર છે. એના પપ્પા ડોક્ટર છે એટલે થોડું મેડિકલ નૉલેજ પણ હોય જ. છોકરો ખૂબ જ સારો છે. એનાં મમ્મી પણ ઘણીવાર આપણા ત્યાં આવે છે. " જાનકી બોલી.

" હું ઓળખું છું એને. બે ત્રણ વાર મને મળ્યો છે. હજુ એ એકદમ યંગ ગણાય જાનકી. હમણાં જ એને ડિગ્રી મળી છે. કોઈ જાતનો હજુ અનુભવ નથી. એ ના ચાલે. આટલી મોટી હોસ્પિટલ ચલાવવી એ એના ગજા બહારની વાત છે. " કેતન બોલ્યો.

" હું પોતે જ કાલથી હોસ્પિટલમાં બેસવાનું ચાલુ કરી દઉં છું. હમણાં તો ડાયમંડના ધંધામાં પણ મંદી છે. પપ્પા હવે તબિયત ના કારણે ખાસ રસ લેતા નથી. જો સિદ્ધાર્થભાઈ જામનગર આવવા તૈયાર થાય તો એમને પૂછી લઉં છું. " કેતને કહ્યું.

જો કે કેતને કહેતાં તો કહી દીધું પણ પછી એને અભિશાપની વાત યાદ આવી . સિદ્ધાર્થ ને બોલાવતાં પહેલાં મારે સ્વામીજીને પૂછવું પડશે. કારણ કે સિદ્ધાર્થભાઈ ને જો હું બોલાવું તો મમ્મી પપ્પાને સુરતમાં એકલાં ના મૂકી શકાય એટલે પરિસ્થિતિ તો ફરી પાછી એ ની એ જ ઊભી થાય !!

બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને એ ધ્યાનમાં બેસી ગયો અને સતત સ્વામીજીને યાદ કર્યા. દિલથી સ્વામીજીનું સ્મરણ કર્યું અને આગળનું માર્ગદર્શન આપવા વિનંતી કરી.

" તારો અભિશાપ લગભગ દૂર થઈ ગયો છે. હરીશે પણ સાવંતને મારીને પોતાનું વેર લઈ લીધું છે. તું પરિવાર સાથે હવે રહી શકે છે. હોસ્પિટલ અંગેની તારી ચિંતા યોગ્ય છે. માલિકીપણા ના ભાવથી સેવાની આ હોસ્પિટલ ચલાવી શકાય નહીં." સ્વામીજીની સૂક્ષ્મ વાણી કેતનને સંભળાતી હતી.

" હોસ્પિટલમાં ઘણી નેગેટિવ એનર્જી ઊભી થઈ ગઈ છે. અસંતોષ, ગુસ્સો, નારાજગી, આક્રોશ જેવા ભાવો ત્યાંના વાતાવરણને દૂષિત કરી રહ્યા છે. યોગ્ય વ્યક્તિના હાથમાં એનું સુકાન સોંપાય તે જરૂરી છે. "

ધ્યાનમાં થી બહાર આવીને કેતન એકદમ પ્રફુલ્લિત થઇ ગયો. અભિશાપ દૂર થયાનો આનંદ એના આખા તનબદનમાં છવાઈ ગયો. હવે કુટુંબ સાથે રહી શકાશે એ એકમાત્ર વિચારથી એ ખુશ થઈ ગયો. આજે જ રાત્રે ભાઈ સાથે વાત કરી લઉં.

૧૦ વાગે મનસુખ આવી ગયો એટલે કેતને ગાડી હોસ્પિટલમાં લેવા માટે સૂચના આપી.

ઘણા સમય પછી કેતને આજે હોસ્પિટલ માં પ્રવેશ કર્યો હતો. મોટા શેઠની ગાડી આવી એટલે બધા સિક્યોરિટી વાળા સાવધાન થઈ ગયા. કેતનને ઘણા સમય પછી જોઈને નીતાના હૈયાને પણ ઠંડક મળી.

કેતન સૌથી પહેલાં દરેક વોર્ડમાં એકલો જ ગયો અને નર્સિંગ સ્ટાફ સાથે એણે વાતચીત કરી. એમની બધી જ ફરિયાદો સાંભળી. સ્વિપરો સાથે પણ વાત કરી.

" સાહેબ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ અમને એક મિનિટ પણ બેસવા દેતા નથી. જમવાની રિસેસમાં પણ ૩૦ મિનિટ થાય એટલે તરત જ બૂમાબૂમ કરે છે. ચાર વાર કચરા-પોતાં કરાવે છે. સામે કંઈ પણ જવાબ આપીએ તો કાઢી મૂકવાની ધમકી આપે છે. " એક સ્વિપર બોલ્યો.

કેન્ટીન વાળાની પણ ફરિયાદ હતી કે નાની નાની ભૂલો કાઢીને ધમકાવે છે. સૌના દિલમાં આક્રોશ હતો.

કેતન વોર્ડમાંથી સીધો પોતાની ચેમ્બરમાં ગયો. બેલ મારી જયદીપને બોલાવ્યો. જયદીપ દોડતો આવ્યો.

" શાહ સાહેબને મોકલ. " કેતને આદેશ આપ્યો.

દસેક મિનિટમાં શાહ સાહેબ આવ્યા. આવીને કેતનની સામે બેઠા.

" અરે તમે ક્યારે આવ્યા ? મને કોઈએ જણાવ્યું પણ નહીં. " શાહ સાહેબ બોલ્યા.

" બસ હજુ પાંચ દસ મિનિટ જ થઈ છે. મને હવે હોસ્પિટલ સંભાળવાની ઈચ્છા થઈ છે. બીજી બધી પ્રવૃત્તિઓ સરસ રીતે ચાલે છે અને મારું ત્યાં કંઈ કામ નથી એટલે આજથી હવે હું રેગ્યુલર અહીં આવીશ. તમારો ભાર આજથી હળવો કરી દઉં છું. " કેતન બોલ્યો.

" અરે આ તો તમારો સરસ નિર્ણય છે. જાણીને આનંદ થયો. " શાહ સાહેબ બોલ્યા.

" હા તમે પણ હવે તમારા પેશન્ટો ઉપર અને ઓપરેશન ઉપર વધુ ધ્યાન આપી શકશો. " કેતન બોલ્યો.

શાહ સાહેબ ધીમે રહીને ઊભા થયા. હાથમાં આવેલી સત્તા છીનવાઈ ગઈ એ અંદરથી તો એમને ગમ્યું નહીં પરંતુ એ લાચાર હતા. હવે કદાચ વધારાનો ૫૦ ટકા પગાર પણ કપાઈ જશે !!

કેતને થોડો વિચાર કર્યો અને પછી જયદીપને બોલાવ્યો.

" અદિતિ ક્યાં બેસે છે અત્યારે ? "

" સર એ નીચે ઇન્કવાયરી અને કેસ કાઢવાના રૂમમાં બેસે છે. " જયદીપ બોલ્યો.

" એને મોકલ. કહેજે કે રાઇટિંગ પેડ લઈને આવે. " કેતને કહ્યું.

" જી...સર " કહેતો જયદીપ દોડતો અદિતિને બોલાવી લાવ્યો.

" જી સર... નમસ્તે !!" અદિતિ ચેમ્બરમાં આવીને ઊભી રહી.

" બેસ. એક નોટિસ લખાવું છું. એને કોમ્પ્યુટર માં ટાઈપ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લે. વીસેક કોપી કાઢજે. " કેતન બોલ્યો.

" જી.. સર. " અદિતિ બોલી.

# જાહેર નોટીસ....
આજે તારીખ ૫ ફેબ્રુઆરી ૨૦૧૪ થી શ્રી જમનાદાસ ચેરીટેબલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો સંપૂર્ણ ચાર્જ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કેતન સાવલિયા સંભાળશે. હોસ્પિટલના તમામ નાના-મોટા સ્ટાફને વિદિત કરવામાં આવે છે કે હવે પછી તમામ સ્ટાફે રિપોર્ટિંગ સીધા મેનેજીંગ ટ્રસ્ટીને જ કરવું. કોઇ પણ ફરિયાદ હોય તો પણ ટ્રસ્ટીના ધ્યાનમાં લાવવી. તમામ સ્ટાફને જમવાની રિશેસ નો ટાઈમ એક કલાકનો રહેશે. હોસ્પિટલ તમારી પોતાની છે એ રીતે આજ પછી બધા પોતપોતાની ડ્યુટી દિલથી નિભાવે.
કેતન સાવલિયા.#

" પ્રિન્ટ કઢાવીને આ નોટીસ દરેક ડોક્ટરની ચેમ્બરમાં, દરેક વોર્ડમાં, ઓટીમાં, ઈમેજીંગ સેન્ટરમાં, પેથોલોજી લેબોરેટરીમાં અને કેન્ટીનમાં પહોંચાડી દે. એ સિવાય એક નોટિસમાં બધા સિક્યુરિટી સ્ટાફની , સ્વિપર સ્ટાફની અને હેલ્પરોની સાઈન લઈ લે. નોટીસ બોર્ડ માં પણ એક નોટિસ ભરાવી દે." કેતને કહ્યું.

" દરેક વોર્ડમાં જે નોટીસ આપે તેમાં પણ દરેક નર્સ અને વોર્ડ બોય વાંચીને સહી કરે એવી સૂચના આપી દેજે. સહી લેવા માટે તારે જાતે બધા પાસે જવાની જરૂર નથી. પ્રિન્ટ કાઢીને તું બધી નોટીસ રાજેશને આપી દેજે. " કેતન બોલ્યો.

" જી સર. તમારા આવવાથી આજે હોસ્પિટલમાં જાણે કે રોનક આવી ગઈ છે. " અદિતિ ઉભી થઈને બોલી.

" તને અહીં ફાવે તો છે ને ? કે પછી ઓફિસમાં જવું છે ? " કેતને પૂછ્યું.

" સર મને ઓફીસનું વાતાવરણ ગમે છે. ત્યાં કાજલબેનની કંપની પણ સારી છે." અદિતિ ધીમે રહીને બોલી.

" ઓકે.. કાલથી ઓફીસમાં બેસજે અને કાજલની મદદમાં રહેજે. મારે ઓફિસમાં પર્સનલ સેક્રેટરીની એટલી બધી જરૂર નથી હોતી." કેતન બોલ્યો.

" જી... સર. થેન્ક્યુ વેરી મચ. " અદિતિ બોલી.

કેતન બપોરના સાડા બાર વાગ્યા સુધી હોસ્પિટલમાં જ રોકાઈ રહ્યો. દરેક ડોક્ટરની ચેમ્બરમાં એણે વિઝિટ કરી.
એક કલાકની અંદર કેતને ડીક્ટેશન આપેલી નોટિસ તમામ સ્ટાફે વાંચી લીધી. આખી હોસ્પિટલમાં આનંદનો માહોલ છવાઈ ગયો. કેટલોક સ્ટાફ તો કેતનની ચેમ્બરમાં આભાર માનવા પણ આવ્યો.

" અંદર આવું સર ? " લગભગ બધો જ સ્ટાફ આવી ગયા પછી કેતનની ચેમ્બરમાં સૌથી છેલ્લે નીતા મિસ્ત્રી આવી.

" હા... આવને નીતા. તારે રજા લેવાની થોડી હોય ? "કેતને કહ્યું.

" નહીં સર ઓફિસ ડેકોરમ તો જાળવવું જ પડે. "

" હા.. બોલ કેમ ચાલે છે ? " કેતને હસીને પૂછ્યું.

" તમારા વિના અત્યાર સુધી બરાબર નહોતું. પણ હવે તમે આવી ગયા છો અને તમારી નોટીસ પણ વાંચી એટલે મારું દિલ તો બાગ-બાગ થઈ ગયું છે. " નીતા બોલી.

જે દિવસે કેતન નીતાને મળતો અને વાત કરતો એ દિવસે હંમેશા એ વિચલિત થઈ જતો હતો. એ પોતાની જાત ઉપરનો કાબુ પણ ગુમાવી દેતો હતો. એ સંસ્કારી પરિવારનો હતો એટલે ગમે તેમ કરીને મનને સંયમમાં લઈ લેતો હતો. નહીં તો લપસી પડતાં વાર લાગે એમ ન હતી.

" તું ક્યારેક ક્યારેક એવું બોલી નાખે છે નીતા કે મને કંઇક થઇ જાય છે. ગમે તેમ તોય પુરુષ તો છું જ !! માયા તો મને પણ વળગેલી જ છે. " કેતન થોડો વિચલિત થઈ ગયો.

નીતામાં એવું એક જબરદસ્ત આકર્ષણ હતું કે કેતન નીતાની આંખોથી આંખો મેળવી શકતો નહોતો. એની સામે જોતાં જ એ ખૂબ જ વિવશ થઇ જતો હતો. નીતાનું સૌંદર્ય દઝાડી દે એવું હતું. આખી હોસ્પિટલમાં નીતા સૌથી સુંદર હતી અને ઘણા યુવાન ડૉક્ટરો પણ એનાથી આકર્ષાયા હતા.

" હું પણ શું કરું સર ? મારી લાગણીઓ ઉપર મારો જ કંટ્રોલ નથી. તમને જ્યારે પણ હું જોઉં છું મને કંઇક થઇ જાય છે. હવે તમારાં લગ્ન પણ થઇ ગયાં છે એટલે હું મારા મનને કચડી રહી છું. તમારા સુખી લગ્નજીવનમાં હું કોઈ પ્રોબ્લેમ ઉભો કરવા નથી માગતી સર. " નીતા બોલતી હતી.

" પહેલીવાર મેં એવો પ્રેમ કર્યો છે કે જેનું કોઇ ભવિષ્ય નથી. નિર્દોષ મૈત્રીની તમારી વાત પણ મેં માથે ચડાવી છે એટલે અમુક હદથી હું આગળ વધી શકતી નથી. પરંતુ મારો પ્રેમ સાચો છે ભલે એ એક તરફી હોય !! મીરાં બનીને આખી જિંદગી કુવારી કાઢી નાખીશ. હું લગ્ન જ નહીં કરું. તમારા ઉપર ભલે ના હોય પણ મારા ઉપર તો મારો પોતાનો અધિકાર છે જ. " નીતા બોલી.

" તારો પ્રેમ એક તરફી નથી નીતા. તને પહેલી વાર જોઈ છે ત્યારથી જ તારું ખેંચાણ મને પણ છે. મારે તને મારી ઓફિસમાં જ મારી સામે બેસાડવાની ઈચ્છા હતી. પરંતુ એમાં ભય સ્થાનો ઘણાં હતાં. એટલે મેં હોસ્પિટલમાં તારુ પોસ્ટીંગ કર્યું. " કેતન બોલ્યો.

" આજે મારા દિલને ખરેખર સંતોષ થયો છે સર કે તમે ભલે તમારા ઘરમાં મને સ્થાન નથી આપ્યું પણ દિલમાં તો આપ્યું છે. મને એટલાથી સંતોષ છે સર !! " નીતા બોલી અને એની આંખો પણ ભીની થઈ ગઈ. એ વધારે વાર રોકાઈ નહીં. ઉભી થઈને બહાર નીકળી ગઈ.

કેતન એને જતી જોઈ રહ્યો અને એક નિસાસો નાખ્યો ! રાગ અને ત્યાગની વચ્ચે કેતનનું હૈયું ઝૂલતું હતું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)