Shree Sundarkand - 10 in Gujarati Spiritual Stories by Uday Bhayani books and stories PDF | શ્રી સુંદરકાંડ ભાગ - ૧૦

Featured Books
Categories
Share

શ્રી સુંદરકાંડ ભાગ - ૧૦

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

“શ્રી જાનકીવલ્લભો વિજયતે”

શ્રીસુંદરકાંડની આ સુંદર લેખમાળાના શરૂઆતના નવ મણકાઓમાં આપણે અતિપવિત્ર એવી કિષ્કિંધાકાંડની અંતિમ ચોપાઈઓની કથા જોઈ. આજના આ લેખથી શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર, પંચમ સોપાન શ્રીસુંદરકાંડની કથાનો પ્રારંભ કરીએ છીએ. શ્રીસુંદરકાંડની શરૂઆત ભગવાન શ્રીરામચંદ્રજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલી વંદનાથી થાય છે. દરેક વિશેષણને તેનું પોતાનું મહત્વ અને ગુઢ અર્થ છે. પ્રથમ શ્લોક આ મુજબ છે –

:: શ્લોક ::

શાન્તં શાશ્વતમપ્રમેયમનઘં નિર્વાણશાન્તિપ્રદં, બ્રહ્માશમ્ભુફણીન્દ્રસેવ્યમનિશં વેદાન્તવેદ્યં વિભુમ્‌ ।

રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્‌ ॥૧॥

શાંત, સનાતન, પ્રમાણોથી પર, નિષ્પાપ, મોક્ષરૂપી પરમ શાન્તિ પ્રદાન કરનારા, બ્રહ્મા, શંભુ અને શેષનાગજી દ્વારા નિરંતર પૂજિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોના ગુરુ, માયાથી મનુષ્યરૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓમાં શિરોમણિ અને રામનામે પ્રસિધ્ધ એવા જગદીશ્વરની હું વંદના કરું છું.

શાન્તમ્‌ એટલે કે શાંત. ભગવાન શાંત સ્વરૂપ છે? શ્રીતુલસીદાસજીએ બાલકાંડમાં શાંતરસનો ઉલ્લેખ કંઇક આવી રીતે કર્યો છે, ‘બૈઠે સોહ કામરિપુ કૈસેં, ધરેં સરીરુ શાંતરસુ જૈસેં.’ ભગવાન શ્રીરામનું શાંત સ્વરૂપ દર્શાવતા એક-બે પ્રસંગો જોઈએ. પહેલો, નારદજી જ્યારે વિશ્વમોહિની સાથે પરણી ન શક્યા, ત્યારે ભગવાન ઉપર અતિશય ક્રોધ કરે છે, ન બોલવાના શબ્દો બોલે છે અને છેલ્લે શ્રાપ પણ આપે છે. તેમ છતાં શ્રીહરિ નારદજીને બાળ સહજ સમજી શાંતમુદ્રામાં સસ્મિત શ્રાપનો સ્વીકાર કરે છે. બીજો, મિથિલામાં સીતા સ્વયંવર વખતે શીવ-ધનુષના ભંગ બાદ પરશુરામજી આવે છે અને અતિશય ક્રોધ સાથે ઘણું બધુ કહી દે છે. ત્યારે પણ પ્રભુ શ્રીરામ તેઓને જ મહત્તા આપે છે. આ બન્ને પ્રસંગોમાં ભક્તવત્સલ ભગવાન એકદમ શાંતચિત્તે પરિસ્થિતિ સંભાળે છે. આ બન્ને પ્રસંગો તેઓના શાંત સ્વરૂપની ઝાંખી કરાવે છે. શાન્તમ્‌ના બીજા અર્થો ઇન્દ્રિયો ઉપર અંકુશ અને જેને ક્રોધ વ્યાપ્તો નથી તેવા અક્રોધી એવા પણ થાય છે. જિતેન્દ્રિય અને અક્રોધી એ બધા ભગવાનના જ ગુણો છે. શાંતમ્‌ કા એક મતલબ ઐસા ભી હોતા હૈ કી, ઉનકે દર્શનસે દૂસરોકો શાન્તિ મીલતી હૈ, ઉનકે દર્શનસે ચિત્ત શાંત હો જાતા હૈ, ઉનકે દર્શનસે સુકૂન મિલતા હૈ. આમ, ભગવાનનો સ્વભાવ એકદમ શાંત છે.

શાશ્વતમ્‌ એટલે કે સનાતન અથવા તો નિરંતર. શ્રીતુલસીદાસજી કહે છે, “મહિમા નિગમુ નેતિ કહિ કહઈ, જો તિહુઁ કાલ એકરસ રહઈ.” એટલે કે શ્રીરામની મહિમાનું વેદો ‘નેતિ’ ‘નેતિ’ આ નહિ, આ પણ નહિ એવું કહિને સતત વર્ણન કરતા રહે છે અને જેઓ ત્રણેય કાળમાં એકરસ રહે છે. અહીં અગાઉના પદમાં શાંતરસ અને પછીના પદમાં એકરસનો ભાવ પ્રગટ કરવામાં આવેલો છે.

ત્યારબાદ આવે છે, અપ્રમેયમ્‌ વિશેષણ જેનો અર્થ થાય છે, પ્રમાણોથી પર. જે અનંત છે, જેનું કોઈ ચોક્કસ માપ નથી તેવા. “આદિ અંત કોઉ જાસુ ન પાવા” જેનું પ્રાગટ્ય કે અંત કોઈ નથી જાણી શક્યું કે જાણી શકવાનું પણ નથી, તેવા નિર્વિકાર, નિર્ગુણ અને સનાતન. અનઘમ્‌ એટલે કે નિષ્પાપ. અહીં એક એવો પ્રશ્ન થાય કે, જેણે આટલા રાક્ષસોને માર્યા, તેઓને નિષ્પાપ કેમ કહી શકાય? તેનું સમાધાન એવું છે કે, ભગવાનનો માનવદેહ માધ્યમ માત્ર છે, તેઓનો માનવદેહ માયા માત્ર છે. બાકી રાક્ષસો પોતાના કર્મફળ નિમિતે જ નાશ પામે છે. આમ, ભગવાન શ્રીરામ અનઘમ્‌ એટલે કે પાપ-પૂણ્યથી પર છે.

નિર્વાણ શાન્તિપ્રદમ્‌ નિર્વાણ એટલે મોક્ષ અને શાન્તિપ્રદમ્‌ એટલે શાન્તિ પ્રદાન કરનારા. આખો અર્થ થાય છે, મોક્ષરૂપી પરમ શાન્તિ પ્રદાન કરનારા. જૈન ધર્મમાં નિર્વાણનું ખૂબ જ મહત્વ છે અને બૌદ્ધ ધર્મમાં પણ નિર્વાણનો અર્થ કંઇક એવો કરવામાં આવેલો છે કે, આપણા સંસ્કારોને લીધે આપણે વારંવાર જન્મના બંધનમાં પડીએ છીએ. તેના ઉચ્છેદ દ્વારા ભવબંધનનો નાશ થઈ શકે, જેને નિર્વાણ કહેવામાં આવે છે. ટૂંકમાં, ભવોભવના ફેરામાંથી મુક્તિ એટલે નિર્વાણ કે મોક્ષ. ઘણા લોકોનો મત છે કે, ખરેખર અહીં ગીર્વાણ શાન્તિપ્રદમ્‌ શબ્દ ઉપયોગમાં લેવો યથાર્થ છે. તેનો અર્થ થાય છે, દેવતાઓને શાંતિ પ્રદાન કરનારા. ભગવાનના જન્મનું કારણ જ विनाशाय च दुष्कृताम् એટલે કે પૃથ્વિ ઉપરથી અસુરોનો ભાર હળવો કરવાનો હોય છે. રાક્ષસોને મારીને ભગવાન દેવતાઓને શાંતિ આપે છે. લંકાકાંડમાં રાવણના મૃત્યુ બાદ દેવો ભગવાનની સ્તુતિ કરે છે, ત્યારે શ્રી તુલસીદાસજીએ લખ્યું છે ‘જબ જબ નાથ સુરન્હ દુખ પાયો, નાના તનુ ધરિ તુમ્હઈઁ નસાયો’ આમ, આ બન્ને સંબોધનો યથાર્થ જ છે. પરંતુ, હું વ્યક્તિગત રીતે, પ્રભુ ભજનથી મોક્ષ પ્રાપ્તિ એવું માનતો હોઇ, નિર્વાણ શાન્તિપ્રદમ્‌ને સમર્થન આપુ છું.

બ્રહ્માશમ્ભુફણીન્દ્રસેવ્યમનિશમ્‌, અહીં બ્રહ્મા એટલે કે સૃષ્ટિની રચના કરનારા શ્રીબ્રહ્માજી, શંભુ એટલે કે મહાદેવ શંકર ભગવાન, ફણીન્દ્ર એટલે કે શેષનાગજી, સેવ્યમ્‌ એટલે કે તેઓ દ્વારા પૂજિત અને અનિશમ્‌ અર્થાત સદાય કે નિરંતર. આમ, બ્રહ્માજી, શંકર ભગવાન અને શેષનાગ જેઓની નિરંતર સેવા કરતા રહે છે, તે શ્રીરામચંદ્રજી. સાકેતધામમાં પરબ્રહ્મ પરમાત્મા તરીકે તો બ્રહ્માજી, ભગવાન શંકર અને શેષનાગ ભગવાન શ્રીરામની સતત સેવામાં રહે છે; પરંતુ, મનુષ્યદેહે અવતરેલા ભગવાનની સેવા કરવા બ્રહ્માજી જામવંત સ્વરૂપે, શીવજી હનુમાન સ્વરૂપે અને શેષનાગજી લક્ષ્મણજી સ્વરૂપે પૃથ્વિ ઉપર સેવા કરવા ઉપસ્થિત રહ્યાં છે. આમ, આ ત્રણેય પ્રભુ સેવામાં કોઈ અંતરાલ આવવા દેવા માંગતા નથી, તેમ હે માનવ! તું પણ ભગવાનની સેવામાં સતત મગ્ન રહે, તેવો ભાવ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે. આપણે અહીં એક એવો તર્ક પણ કરી શકીએ કે શ્રીતુલસીદાસજી મહારાજ એવું કહેવા માંગે છે કે, ત્રણેય લોક પ્રભુની સેવામાં સતત મગ્ન રહે છે અને તેના પ્રતિક સ્વરૂપે અહીં આવું લખ્યું છે. જેમાં બ્રહ્માજી એટલે કે બ્રહ્મલોક, શંકરજી એટલે કે મૃત્યુલોક અને શેષનાગજી એટલે કે પાતાળલોક. આમ, ત્રણેય લોક પ્રભુની સેવા કરે છે અને તેના આધિપત્યમાં છે. શ્રીતુલસીદાસજીએ આ સંદર્ભમાં એવું પણ લખ્યું છે કે, ‘સારદ સેષ મહેસ બિધિ આગમ નિગમ પુરાન, નેતિ નેતિ કહિ જાસુ ગુન કરહિં નિરંતર ગાન.’ જે સૃષ્ટિની રચના કરવા, સંહાર કરવા અને ધારણ કરવા સક્ષમ છે, તેઓ પણ પ્રભુ શ્રીરામનું સતત સ્મરણ કરતા રહે છે, તો હે માનવ! તેઓથી વધુ ભજવા લાયક બીજું કોણ હોઈ શકે? આવા પ્રભુ શ્રીરામને સતત ભજો, તેઓનું નિરંતર સ્મરણ કરો. તેઓ જ આ ભવસાગર પાર કરાવવા સર્વ શક્તિમાન છે.

વેદાંતવેદ્યમ્‌ એટલે કે વેદાંતોથી જાણવા યોગ્ય. વેદાંત એટલે વેદોનો અંત ભાગ જેને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. આપણા મોટાભાગના ઉપનિષદો ગુરુ-શિષ્ય સંવાદ સ્વરૂપે છે. ભગવાનને જાણવા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેનું વર્ણન કરવામાં આવે છે. આમ, ભગવાનને જાણવા થયેલી અનેકાનેક ચર્ચાઓ તથા તેના વિવિધ વર્ણનો અને મંતવ્યો આપણને ઉપનિષદોમાંથી મળી રહે છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ હોય, આવી રીતે કંઈક જાણી શકાય છે.

વિભુમ્‌ એટલે સમર્થ કે સર્વવ્યાપક. પ્રભુ છાસમાં રહેલા માખણની જેમ સર્વવ્યાપક છે. એક વખત પૂજ્ય મોરારીબાપુની કથા સાંભળતો હતો, તેઓએ આ વાત શાયરાના અંદાજમાં બહુ સરસ રીતે સમજાવી હતી. ‘જાહિદ શરાબ પીને દે મસ્જીદ મેં બેઠકર, વર્ના ઐસી જગા બતા દે જહાં ખુદા ન હો.’ પ્રભુ ક્યાં નથી? હરિ વ્યાપક સર્વત્ર સમાના. વિભુમ્‌નો એક અર્થ સમર્થ એવો પણ થાય છે. પ્રભુ કંઈપણ કરવા સમર્થ એટલે કે સર્વશક્તિમાન છે, માટે શ્રીતુલસીદાસજીએ લખ્યું છે, પ્રભુ સમરથ કોસલપુર રાજા.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં ભગવાન શ્રીરામના કરુણાનિધાન સ્વભાવની વાત અને વાર્તા સાથે આગળ જોઈશું.

સર્વે વાચકોને મારા જય સિયારામ…

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||