Shree Sundarkand - 9 in Gujarati Spiritual Stories by Uday Bhayani books and stories PDF | શ્રી સુંદરકાંડ ભાગ - ૯

Featured Books
Categories
Share

શ્રી સુંદરકાંડ ભાગ - ૯

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગમાં આપણે જોયું હતુ કે, શ્રીહનુમાનજી જામવંતજીને ઉચિત શિખામણ પુછે છે. જામવંતજી તેને લંકા જવા, ત્યાં જઇ માતા સીતાજીની ભાળ મેળવવા અને પાછા ફરી પ્રભુશ્રીરામને માતા સીતાજીનો સંદેશો આપવા માર્ગદર્શન આપે છે. જામવંતજી એવું પણ કહે છે કે, ત્યારબાદ રાજિવનયન શ્રીરામજી પોતાના બાહુબળથી રાવણનો રાક્ષસકુળ સહિત સંહાર કરશે અને માતા સીતાજીને આદર સાથે લઈ આવશે. કિષ્કિંધાકાંડની પૂર્ણાહુતિમાં માનસકારે આજ વાત માટે છંદ પણ મૂકેલ છે.

છંદ

કપિ સેન સંગ સઁઘારિ નિસિચર રામુ સીતહિ આનિહૈં ।

ત્રૈલોક પાવન સુજસુ સુર મુનિ નારદાદિ બખાનિહૈં ॥

જો સુનત ગાવત કહત સમુઝત પરમ પદ નર પાવઈ ।

રઘુબીર પદ પાથોજ મધુકર દાસ તુલસી ગાવઈ ॥

અર્થાત પ્રભુ શ્રીરામજી વાનર વીરોની સેના લઈને રાક્ષસોનો સંહાર કરશે અને માતા સીતાજીને લઈ આવશે. આ સમયે દેવતાઓ અને નારદ વગેરે મુનિઓ ભગવાનના ત્રણેય લોકોને પવિત્ર કરનારા સુંદર યશના વખાણ કરશે. જેના શ્રવણ, ગાન, કથા અને સમજવાથી મનુષ્ય પ્રભુના પરમપદને પામે છે અને આ સુંદર પવિત્ર યશ શ્રીરઘુવીરનાં ચરણકમળનો ભમરો શ્રી તુલસીદાસજી ગાય છે.

શ્રીરામચરિતમાનસના વખાણ કરવામાં નારદજી સૌથી આગળ છે અને મુખ્ય પણ છે; જેથી અહીં ‘નારદાદિ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. આગળ છંદમાં લખ્યું છે, ‘જો સુનત ગાવત કહત સમુઝત પરમ પદ નર પાવઈ’ અહીં નર શબ્દ વાંચી ફક્ત પુરુષો એવો અર્થ કરવો સંકુચિતતા જ ગણાશે. શ્રીતુલસીદાસજીએ માનસમાં ઘણી જગ્યાએ છંદ, ચોપાઈ, સોરઠા વગેરેના પ્રાસને ધ્યાનમાં લઈ, માનવમાત્ર માટે નર શબ્દનો ઉપયોગ કરેલો જોવા મળે છે. વધુમાં, આ માનસની કથા જે સાંભળશે, ગાશે, કહેશે કે સમજશે તે પ્રભુનું પરમપદ સાકેતધામ પ્રાપ્ત કરશે, તેવું કહેવામાં આવ્યું છે. અહીં ‘સુનત’ એટલે કે સાંભળવું. સાંભળીને ભક્તિ કરવી એટલે કે શ્રવણ ભક્તિ. નવધાભક્તિમાં પણ શ્રવણ ભક્તિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ‘ગાવત’ એટલે કે ભગવાનના ભજન-કિર્તન કે ગુણ-ગાન ગાઈને કરવામાં આવતી ભક્તિ. પ્રભુના ભજન-કિર્તન અને ગુણ-ગાન ગાઈ પણ શકાય અને અને કથા સ્વરૂપે કહી પણ શકાય. આ બન્ને પ્રભુભક્તિના જ સ્વરૂપ છે. અહીં બન્નેને અલગ-અલગ દર્શાવવા ગાવત પછી ‘કહત’ શબ્દ પણ વાપરવામાં આવ્યો છે, પરંતુ બન્નેનો ભાવ એક જ છે. છેલ્લે ‘સમુઝત’ એટલે કે સમજીને અથવા તો સ્મરણ થકી ભક્તિ કરવાનું લખ્યું છે. આ ચારેય પૈકી ઉત્તમ કઈ? તો આ ચારેય પ્રકારની ભક્તિનું ફળ એકસમાન જ છે, પરમપદની પ્રાપ્તિ. જેને જે રીતે અનુકૂળ હોય તે રીતે ભગવાનને ભજી શકે છે, બસ ભાવ શુદ્ધ હોવો જોઈએ. શ્રીતુલસીદાસજીએ પોતાના માટે ‘રઘુબીર પદ પાથોજ મધુકર દાસ તુલસી ગાવઈ’ લખી સ્પષ્ટ કરી દીધું કે તેઓ ભગવાનના ચરણોનો ભમરો બની ગુંજીને – ગાઈને ભક્તિ કરવાની ઇચ્છા ધરાવે છે. શ્રીતુલસીદાસજી શ્રીરામચંદ્રજીના ચરણારવિંદમાં અનુરાગ સાથે મગ્ન થઈ ગુંજન કરે છે, ગુણ-ગાન ગાય છે, તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દોહા

ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિં જે નર અરુ નારિ ।

તિન્હ કર સકલ મનોરથ સિદ્ધ કરહિં ત્રિસિરારિ* ॥

શ્રી રઘુવીરનો પવિત્ર યશ ભવરૂપી રોગનો રામબાણ ઇલાજ છે. જે સ્ત્રી-પુરુષ તેને સાંભળશે તેઓના સર્વે મનોરથો ત્રિશિરાના શત્રુ શ્રીરામજી સિદ્ધ કરશે. ત્રિપુરારિ – સર્વે મનોરથો ત્રિપુરારિ એટલે કે ભગવાન શંકર પુરા કરશે.

શ્રીરામચરિતમાનસ આપણા ભવરોગનું અમોઘ ઓસડ છે. મારા પ્રથમ લેખમાં જ મેં લખ્યુ છે કે શ્રીરામચરિતમાનસની દરેક ચોપાઇ એક મંત્ર છે. માનસ એક મહાકાવ્ય જ કે ધાર્મિક પુસ્તક માત્ર નથી, આપણું પોતાનું જીવનદર્શન પણ છે. જીવનમાં ડગલેને પગલે આવતા પ્રશ્નોનો જવાબ આપણને માનસમાંથી મળી રહે છે અને માનસના સહારે માણસ ભવસાગરને પાર કરી જાય છે. આ દોહામાં મારી પાસે ઉપલબ્ધ ગીતાપ્રેસ, ગોરખપુરની બુકમાં ‘ત્રિસિરારિ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. અમૂક સંતોનો એવો મત છે કે શ્રીતુલસીદાસજીએ અહીં ‘ત્રિપુરારિ’ શબ્દ વાપરેલો છે. રામભક્તિના આચાર્ય શ્રીમહાદેવજી છે, અર્થાત રામભક્તિ કરનારા વિદ્યાર્થીઓ અને તેનું જ્ઞાન આપનારા કે પ્રભુભક્તિ તરફ વાળનારા શિક્ષકો ઘણા હોય છે, પરંતુ શ્રીમહાદેવજી આ સ્કુલના આચાર્ય છે. આ કાંડના અધિષ્ઠાતા દેવ પણ ભગવાન શંકર છે. આ માટેનો તર્ક એવો છે કે, સાતકાંડવાળા આ માનસને સપ્તપુરી કહેવામાં આવે છે. જે પૈકી કિષ્કિંધાકાંડ ચોથો કાંડ છે અને સપ્તપુરીમાં ચોથી પુરી કાશી છે. તો આ કાંડના અધિષ્ઠાતા દેવ પણ કાશીપુરીની જેમ મહાદેવ શ્રીશંકરજી જ થયા. આ કાંડનું ફળ ભગવાન શંકર આપે છે. એક વધુ સાબિતી જોઈએ તો, આ કાંડની શરૂઆતમાં શ્રીતુલસીદાસજી મહારાજે શંકર ભગવાનની વંદના પણ કરેલ છે. આમ, અહીં ત્રિપુરારિ શબ્દ પણ યથાર્થ જ છે એટલે કે આ કાંડના ફળરૂપે ભગવાન શંકર આપણા સર્વે મનોરથો પૂર્ણ કરે છે.

સોરઠા

નિલોત્પલ તન સ્યામ કામ કોટિ સોભા અધિક ।

સુનિઅ તાસુ ગુન ગ્રામ જાસુ નામ અઘ ખગ બધિક ॥

જેમનું શરીર નીલકમળના સમાન શ્યામ છે, જેમની શોભા કરોડો કામદેવોથી પણ અધિક છે અને જેમનું નામ પાપરૂપી પક્ષીઓને મારવા માટે બધિક (શિકારી) સમાન છે, તે શ્રીરામના ગુણોના સમૂહને અવશ્ય સાંભળવા જોઇએ.

અંતિમ સોરઠામેં શ્રીતુલસીદસજીને એક બહુત હી સુંદર એવમ્‌ ગુઢ બાત કહ દી હૈ. નિલોત્પલ તન સ્યામ કામ કોટિ સોભા અધિક ચોપાઈના આ ભાગમાં ભગવાન શ્રીરામના નીલકમળ સમાન શ્યામ રૂપનું ધ્યાન ધરવાનું કહ્યું છે. તાસુ ગુન ગ્રામમાં પ્રભુના ગુણ ગાવાનું અને તેને હૃદયમાં ધરવાનું કહ્યું છે. જાસુ નામમાં પ્રભુનું નામ સ્મરણ કરવાનું કહ્યું છે. આમ, શ્રીતુલસીદાસજી શ્રીરામજીના રૂપ, ગુણ અને નામનું મહત્વ સમજાવી આ અલૌકિક કાંડને સમાપ્ત કરે છે.

ઇતિ શ્રીમદ્‌રામચરિતમાનસે સકલકલિકલુષવિધ્વંસને ચતુર્થ: સોપાન: સમાપ્ત: ।

કળિયુગનાં સમસ્ત પાપોના નાશ કરનાર શ્રીરામચરિતમાનસનું આ ચોથું સોપાન (કિષ્કિંધાકાંડ) સમાપ્ત થયું.

હવે આપણે કિષ્કિંધાકાંડની એક ગૂઢ વાત જાણીએ. કિષ્કિંધાકાંડ આટલો નાનો અને આટલો મહત્વનો કેમ છે? તો આ કાંડ સંપૂટ સ્વરૂપે છે, જેની આગળ ત્રણ કાંડ છે અને પાછળ ત્રણ કાંડ છે. વચ્ચેનો આ કાંડ સંપૂટના આત્મા સ્વરૂપે છે. જેના પઠનથી, અધ્યયનથી સર્વે મનોરથો પૂર્ણ થાય છે. કરુણાનિધાન ભગવાન શ્રીરામચંદ્રજી આપણા સહુની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સહ કિષ્કિંધાકાંડની કથા પૂર્ણ કરીએ છીએ.

શ્રીરામચરિતમાનસના સાતેય કાંડની અલગ-અલગ ફળશ્રુતિ છે. બાલકાંડમાં ભગવાનના જન્મ, વિદ્યા, લગ્ન વગેરેનું સુખદ વર્ણન છે, જેથી તેનું ફળ ‘સુખ અને ઉત્સાહમાં વધારો’ એવું જણાવવામાં આવેલ છે. અયોધ્યાકાંડમાં ભરતજીના પ્રેમ અને વૈરાગ્યનું વર્ણન છે, જેથી તેનું ફળ ‘પ્રેમ અને વૈરાગ્યની પ્રાપ્તિ’ છે. અરણ્યકાંડમાં સ્ત્રીવિરહનું વર્ણન છે, જેનું ફળ ‘આસક્તિવિહિન નિર્મલ વૈરાગ્યની પ્રાપ્તિ’ છે. કિષ્કિંધાકાંડમાં શ્રીહનુમાનજીનો ભગવાન સાથે મિલાપ થયો અને ભગવાન શ્રીરામના માતા સીતાજીને શોધવાના મનોરથો સફળ થયા, માટે કિષ્કિંધાકાંડનું ફળ “સર્વે મનોરથોની પૂર્તિ” છે. સુંદરકાંડમાં જહાજ વગર જ સાગર પાર કરવાનું જ્ઞાન મળ્યું, માટે તેનું ફળ ‘જ્ઞાન પ્રાપ્તિ થકી ભવસાગર પાર’ છે. લંકાકાંડમાં ભગવાનના વિજયનું વર્ણન છે, તેથી તેનું ફળ ‘વિજય, વિવેક અને વિભૂતિની પ્રાપ્તિ’ છે. ઉત્તરકાંડમાં રાજ્યાભિષેકનું વર્ણન છે, જેથી રાજા પાસેથી માંગવાનો ભાવ છે. જે અન્વયે શ્રીતુલસીદાસજી ‘હરહુ બિષમ ભવ ભીર’ અર્થાત જન્મ-મરણના ભયાનક દુ:ખો હરવાનું માગે છે, માટે ‘ભવોભવના ફેરામાં મુક્તિ’ એ ઉત્તરકાંડનું ફળ છે.

થોડું અલગ રીતે સમજીએ, તો બાલકાંડમાં ધર્મ, અયોધ્યાકાંડમાં પ્રેમ અને વૈરાગ્ય, અરણ્યકાંડમાં વિમલ વૈરાગ્ય, કિષ્કિંધાકાંડમાં સંતોષ, સુંદરકાંડમાં જ્ઞાન, લંકાકાંડમાં વિજ્ઞાન અને ઉત્તરકાંડમાં અવિરલ હરિભક્તિનો મહિમા કહેવામાં આવેલ છે. હરિભક્તિ મેળવવાની સીડીના પગથિયા આ જ ક્રમમાં છે. ધરમનું ફળ વૈરાગ્ય છે, વૈરાગ્યનું ફળ સંતોષ છે, સંતોષનું જ્ઞાન, જ્ઞાનનું વિજ્ઞાન અને વિજ્ઞાનનું ફળ હરિભક્તિ છે. એક કાંડની પૂર્ણાહુતિ સારી રીતે થાય એટલે તેના ફળ રૂપે આગળના કાંડની શુભ શરૂઆત થઇ શકે એટલે કે હરિભક્તિ પ્રપ્ત કરવા એક પગથીયું ચડીએ એટલે ત્યારપછીનું પગથીયું ચડવાની પાત્રતા પ્રાપ્ત થાય. આજના લેખમાં કિષ્કિંધાકાંડની જ્ઞાનસભર વાતો સાથે સુંદર પૂર્ણાહુતિ કરીએ છીએ. જેના ફળરૂપે પ્રભુ આ લેખમાળાના મુખ્ય વિષય એવા સુંદરકાંડ, જેની ફળશ્રુતિ “જ્ઞાન પ્રાપ્તિ” છે, તેની શુભ શરૂઆત કરાવે. હવે પછીના લેખથી શ્રીરામચરિતમાનસના ક્રમ મુજબની ચોપાઇઓથી સુંદરકાંડની કથા શરુ કરીશું.

સર્વે વાચકોને મારા જય સિયારામ…

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||