શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_004/)માં ‘પવન તનય બલ પવન સમાના’ ચોપાઈમાં આપણે શ્રી હનુમાનજીને પવનપુત્ર સંબોધન અને તેઓના અતુલિત બળ વિશે વાત કરી હતી. આજની કથા આગળ વધારતા પહેલા ‘પવન તનય’ સંદર્ભમાં એક વધુ વાત કહેવી છે. પવનનો એક અર્થ ‘પાવન કરનાર’ એવો પણ થાય છે અને તનયનો અર્થ ‘પુરુષ વંશજ’ એવો થાય છે; એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. રામાયણમાં અહીંથી આગળની કથામાં શ્રી હનુમાનજી મૈનાક, સુરસા, સિહિંકા, લંકિની અને ત્યારબાદ લંકાના દરેક ઘરને સ્પર્શી (આગ લગાડવા) પાવન જ કરવાના હોય, શ્રીતુલસીદાસજીએ અહીં પવન તનય સંબોધન કર્યુ હોઇ શકે.
શ્રીતુલસીદાસજી લખે છે કે, આગળ જામવંતજી શ્રીહનુમાનજીને ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના’ બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ કહ્યા છે. કોઈપણ કાર્ય ફક્ત બળથી જ કરી શકાય નહીં, તેના માટે બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાન એટલે કે ફક્ત જ્ઞાન જ નહીં વિશેષ કે શાસ્ત્રિય જ્ઞાનની પણ આવશ્યકતા રહે છે. બળ સાથે આ ત્રણેયના સંગમથી જ કોઈપણ કાર્ય સિદ્ધ થઈ શકે છે અને સફળતા હાંસલ થાય છે. શ્રીહનુમાનજી બળની સાથે આ ત્રણેયનો પણ ભંડાર છે.
શ્રીહનુમાનજીનું “બુદ્ધિ” ચાતુર્ય અવર્ણનિય છે. તેનો પરિચય જ્યારે સુગ્રીવજી શ્રીહનુમાનજીને બે વનવાસી માનવો(શ્રીરામ અને શ્રીલક્ષ્મણજી)નો ભેદ લેવા મોકલે છે, ત્યારે શ્રીરામ ભગવાનના સ્વમુખે જ કહેલી વાતમાં જોવા મળે છે. શ્રી હનુમાનજી બહુ જ ચાતુર્ય પૂર્વક તેઓના વખાણ કરે છે, તેઓનું વર્ણન કરે છે અને પોતે જે જાણવા માંગે છે, તે વાત ચતુરાઈથી જણાવે છે. જે સાંભળી પ્રભુ શ્રીરામ કહે છે કે જેણે વેદોનો અભ્યાસ કર્યો હોય અને જેને ચારેય વેદોનું જ્ઞાન હોય, તેઓ જ આવી સુંદર ભાષામાં વાર્તાલાપ કરી શકે. જેણે વ્યાકરણનો ઘણીવખત સ્વાધ્યાય કર્યો હોય, તેઓ જ આવી અશુદ્ધિ વગરની લાંબી વાત કરી શકે છે. તેઓ બોલે છે ત્યારે પણ મુખ, નેત્ર કે અન્ય અંગો ઉપર કોઇ દોષ જણાતો નથી. વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા હોવી એ સત્યનું પ્રમાણ છે. આપણે તો લોકો કહે કંઇક, કરે કંઇક અલગ અને તેના મનમાં વિચારો તો તેનાથી પણ કંઇક અલગ ચાલતા હોય છે. અહીં શ્રીહનુમાનજીના વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા છે, તેઓના બોલવા અને શરીરના હાવભાવમાં સામ્યતા છે. તેઓ અચકાઇ-અચકાઇને કે શબ્દોને મારી-તોડીને બોલતા નથી, તેઓ સ્પષ્ટ અને ટૂંકમાં ઘણું બધુ તથા મધુર બોલનારા છે. તેઓનો સ્વર ન વધારે છે ન ધીમો છે, તેઓ મધ્યમ સ્વરમાં વાત કરે છે. આવા ગુણવાન શ્રીહનુમાનજી માટે પ્રભુ શ્રીરામ જણાવે છે કે – ‘સંસ્કારક્રમસમ્પન્નામદ્ભુતામવિલમ્બિતામ્ । ઉચ્ચારયતિ કલ્યાણીં વાચં હૃદયહર્ષિણીમ્ ॥’ અર્થાત શ્રીહનુમાનજી સંસ્કારસંપન્ન, ક્રમયુક્ત, અદ્ભુત, અવિલંબિત તથા હૃદયને આનંદ આપનારી કલ્યાણમય વાણીનું ઉચ્ચારણ કરી રહ્યા છે. વ્યાકરણના નિયમોને સુસંગત શુદ્ધ વાણીને સંસ્કારસંપન્ન વાણી કહેવામાં આવે છે. શબ્દોના ઉચ્ચારણની શાસ્ત્રીય પદ્ધતિને ક્રમ કહેવામાં આવે છે. જરા પણ રોકાયા વગર અવિરત ધારારૂપે બોલવું તેને અવિલંબિત કહેવામાં આવે છે. આવી સંસ્કારસંપન્ન, ક્રમયુક્ત અને અવિલંબિત વાણી શાસ્ત્રોનો જ્ઞાતા અને બુદ્ધિશાળી વ્યક્તિ જ બોલી શકે. શ્રીહનુમાનજી જે વાક્ચાતુર્યથી શ્રીરામ અને શ્રીલક્ષ્મણજી વિશે જાણવા પ્રયત્ન કરે છે, તે તેના કુશાગ્ર બુદ્ધિ ચાતુર્યનો પરિચય આપે છે. આ બાબતે શ્રીરામ પ્રભુ એવુ પણ કહે છે કે, ‘એવંગુણગણૈર્યુક્તા યસ્ય સ્યુ: કાર્યસાધકા: । તસ્ય સિદ્ધયન્તિ સર્વેઽર્થા દૂતવાક્યપ્રચોદિતા: ॥’ જેના કાર્ય-સાધક દૂત આવા ઉત્તમ ગુણોથી સંપન્ન હોય છે, એ રાજાના સર્વે મનોરથો દૂતોની વાતચીતથી જ સિદ્ધ થઈ જાય છે. રામાયણમાં શ્રી હનુમાનજીનું બુદ્ધિ ચાતુર્ય દર્શાવતા આવા ઘણા પ્રસંગો છે, માટે જ તેને ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ્’ પણ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે માણસ પાસે બળ અને બુદ્ધિ હોય એટલે તે “વિવેક” ભુલી જતો હોય છે. શ્રીહનુમાનજી ખૂબ જ વિવેકી પણ હતા. વિવેક આવે ભક્તિથી, વિવેક આવે દાસત્વના ભાવથી. શ્રીહનુમાનજી પોતાને પ્રભુ શ્રીરામના દાસ માનતા હતા અને સતત તેની ભક્તિમાં જ મગ્ન રહેતા હતા; માટે ખૂબ જ વિવેકી પણ હતા. તેઓનો આ ગુણ ‘નાઈ સબન્હિ કહું માથા’ ચોપાઈ(જે હવે પછી સુંદરકાંડમાં આવશે)માં ખુબ સુંદર રીતે પ્રગટ થાય છે. જ્યારે આપણે કોઈ કામ કરવા સમર્થ હોઈએ, ત્યારે આપણે અન્યને માથું ઝુકાવવાનું કે વિવેક કરવાનું ભુલી જતા હોઈએ છીએ. તેમાં પણ જો આપણને ખબર પડે કે મારા સિવાય આ કામ બીજું કોઈ કરી શકે તેમ નથી, તો પછી વાત જ શું પુછવી? કોઈનેય જવાબ ન આપીએ. શ્રીહનુમાનજી તો ખરા અર્થમાં વિવેકની ખાણ હતા. તેઓ એક દુર્ગમ કાર્ય કરવા જઈ રહ્યા હતા, જે અન્ય કોઈ કરી શકે તેમ પણ ન હતું, તો પણ બધાને મસ્તક ઝુકાવી, નમન કરી કાર્યની શરૂઆત કરે છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે જે થોડા વિવેકી હોય, તે વડીલોના આશીર્વાદ મેળવીને કાર્યની શરૂઆત કરતા હોય છે; પરંતુ, શ્રીહનુમાનજી તેનાથી પણ એક ડગલું આગળ છે. શ્રીહનુમાનજીએ ફક્ત વડિલોને જ નહી, સબન્હિ એટલે કે ત્યાં ઉપસ્થિત વાનર સેનાના તમામ સભ્યોને, જેમાં નાના-મોટા સહુનો સમાવેશ થાય છે, નમન કરી કાર્યની શરૂઆત કરે છે.
“વિજ્ઞાન” એટલે સામાન્ય રીતે આપણે જે નવી-નવી શોધો થાય છે, તેને જ ફક્ત વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. પરંતુ, વિજ્ઞાન એટલે કોઈ વિષયનું ઊંડું, ઉચ્ચ પ્રકારનું, શાસ્ત્રીય અને અનુભવ સાથેનું જ્ઞાન. જેને આપણે અંગ્રેજીમાં સાયન્સ કહીએ છીએ. શ્રીહનુમાનજી શાસ્ત્રોના જ્ઞાતા અને અનેક વિદ્યાઓમાં પારંગત હતા. તેઓને સીતાજીની શોધના કાર્યમાં તેના આ શાશ્વત જ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર પડવાની હતી. જેમાં સિહિંકાના છળને ઓળખવાનું હોય કે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરવાનું હોય, આવી તમામ વિદ્યાઓનો સમાવેશ થાય છે. આવી તમામ વિદ્યાઓ રૂપી વિજ્ઞાનના ભંડાર છે, શ્રીહનુમાનજી મહારાજ. જામવંતજી શ્રીહનુમાનજીના આ બધા ગુણોથી સુપેરે પરિચિત હતા માટે તેને ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના’ એવા વિશેષણોથી સંબોધે છે કે તેનો પરિચય આપે છે. આગળ શ્રીજામવંતજી કહે છે કે –
કવન સો કાજ કઠિન જગ માહીં । જો નહિં હોઇ તાત તુમ્હ પાહીં ॥
રામ કાજ લગિ તવ અવતારા । સુનતહિં ભયઉ પર્બતાકારા ॥
હે મહાવીર! જગતમાં એવું ક્યું કઠિન એટલે કે અઘરું કાર્ય છે, જે હે તાત! આપનાથી ન થઈ શકે? હે રામભક્ત મારુતિનંદન! આપનો તો જન્મ જ શ્રી રામજીના કાર્ય માટે થયો છે. આટલું સાંભળતા જ શ્રીહનુમાનજી પર્વત આકારના એટલે કે વિશાળકાય થઈ ગયા.
આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં આપણે શ્રીહનુમાનજી માટે કેમ કોઈ કાર્ય અઘરું નથી, તેને શું વરદાનો મળેલા છે? શું શ્રાપ મળેલ છે? જામવંતજીએ તેને ‘આપનો તો જન્મ જ શ્રી રામજીના કાર્ય માટે થયો છે’ એવું કેમ યાદ અપાવવું પડે છે? અને શ્રીરામકાર્ય કરવા માટે જ આપનો જન્મ થયો છે એટલું સાંભળતા જ તેઓ કેમ પર્વતાકાર થઇ ગયા વગેરે જોઇશું.
સર્વે વાચકોને મારા જય સીયારામ….
મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||