પ્રાયશ્ચિત પ્રકરણ 77
" ગુરુજી કેતનનું પ્રાયશ્ચિત હવે પૂરું થવા આવ્યું છે. આપની આજ્ઞાનું પાલન કરીને હું અમેરિકા ગયો અને સંકલ્પ કરીને મેં એને મારી પાસે બોલાવ્યો. એનો પૂર્વ જન્મ યાદ કરાવી એના પાપનું પ્રાયશ્ચિત કરવા પ્રેરણા આપી."
" હવે એ સાચા હૃદયથી જાતે સેવાના માર્ગે વળેલો છે. મારી ધારણા કરતાં પણ એની નિષ્ઠા બળવાન છે. હવે એનામાં કર્તાપણાનો ભાવ જરા પણ રહ્યો નથી. અહંકારથી પણ હવે એ દૂર છે. હવે એનો આગળનો માર્ગ શું છે ? આપ આજ્ઞા આપો એ પ્રમાણે હું એને પ્રેરણા આપું. ગુરુજી, આપનો એની સામે પ્રત્યક્ષ થવાનો સમય પાકી ગયો છે !! "
સ્વામી ચેતનાનંદ ઋષિકેશની પોતાની કુટિરમાં ઊંડા ધ્યાનમાં બેસીને સૂક્ષ્મ શરીરે પોતાના ગુરુજીને મળવા હિમાલયની ગુફામાં પહોંચી ગયા હતા અને કેતનની વાત કરી રહ્યા હતા.
" હજુ થોડી પ્રતિક્ષા એને કરવી પડશે. એના બે જન્મ પહેલાં મેં જ એને દીક્ષા આપી હતી. એ પછી એનો નવો જન્મ જમનાદાસ તરીકે એક ખાનદાન કુટુંબમાં કરાવ્યો. પૂર્વ પુણ્યના પ્રતાપે એ ખૂબ જ સુખી પણ થયો પરંતુ લોભ અને લાલચમાં આવીને એણે કરોડોના હીરાની ચોરી કરી અને કોઈનું ખૂન પણ કરાવી દીધું અને મોટું પાપ માથે વહોરી લીધું એટલે ધર્મના કાયદા મુજબ સજા તો ભોગવવી જ પડે." ગુરુજી બોલ્યા.
" એનો એક જ ઉપાય હતો કે અધર્મ દ્વારા પ્રાપ્ત કરેલી અલક્ષ્મી એ પોતે જ પોતાના હાથે સેવાનાં કાર્યોમાં વાપરી નાખે અને ગરીબ પીડિતોના આશીર્વાદ પ્રાપ્ત કરે. એટલે એના પાપનો ભાર હળવો કરવા ફરી પાછો એનો નવો જન્મ એ જ કુટુંબમાં જગદીશભાઈના ઘરે કરાવ્યો. ૨૮મા વર્ષે એને જાગૃત કરવાનો સમય પાકી ગયો હતો એટલે એને એનો પૂર્વજન્મ યાદ કરાવવા મેં તમને અમેરિકા મોકલ્યા. " ગુરુજીની સૂક્ષ્મ વાણી સ્વામીજી સાંભળતા હતા.
આ બધો જ સંવાદ મનોમય જગતમાં થતો હતો. વાણી મૌન હતી.
" તમે તમારા ગયા જન્મમાં મારા શિષ્ય બન્યા અને દીક્ષા લઈને એટલી બધી તપશ્ચર્યા કરી કે આ નવા જન્મમાં તમે નાનપણથી જ અધ્યાત્મના માર્ગે વળી ગયા અને સંન્યાસ પણ લઇ લીધો. તમે સાત ચક્રો પણ સિદ્ધ કર્યાં અને સમાધિ અવસ્થા સુધી પહોંચી ગયા. તમારો આ બીજો જન્મ છે જ્યારે એને આ ત્રીજો જન્મ લેવો પડ્યો છે. તમારી કક્ષા પ્રાપ્ત કરવા માટે હજુ પણ એણે એક જન્મ લેવો પડશે " ગુરુજી બોલ્યા.
" પાછલા જન્મોના સંચિત કર્મોનાં કારણે દરેકની ગતિ અને આત્માની સ્થિતિ અલગ અલગ હોય છે. તમારો આત્મા પહેલેથી જ આગળ પ્રગતિ કરી ચૂક્યો હતો એટલે મારી દીક્ષા પછી તમે આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા. બધા માટે એ શક્ય નથી હોતું. " ગુરુજી બોલ્યા.
" એનો અભિશાપ કુટુંબ ઉપરથી હવે દૂર થઈ ગયો છે પરંતુ એણે શુદ્ધિ માટે હજુ ચારધામ યાત્રા કરવાની જરૂર છે. આ ચારેય ધામમાં ઈશ્વરની ચેતના ઘનીભૂત થયેલી છે એટલે પ્રત્યક્ષ છે. આ પવિત્ર સ્થળોએ દર્શન માત્રથી આત્માની ઊર્ધ્વગતિ થાય છે. જેટલી તમારી ભાવના અને શ્રદ્ધા ઊંચી એટલો તમને ફાયદો થાય."
" દ્વારકામાં તો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા દ્રષ્ટિ એના ઉપર પડેલી છે પરંતુ હજુ ત્રણ ધામ બાકી છે. એ યાત્રા પતી જાય પછી હું નવો આદેશ આપીશ અને આગળનો રસ્તો બતાવીશ. " ગુરુજી બોલ્યા અને પાછા સમાધિમાં ઉતરી ગયા.
*******************
ડિસેમ્બર મહિનામાં જામનગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ જોષીની રાજકોટ ડીસીપી તરીકે ટ્રાન્સફર થઇ. એ પછી માત્ર દશ જ દિવસમાં એમણે અસલમ શેખને પોતાની ઓફિસમાં બોલાવ્યો. અસલમ રાજકોટનો નામી બુટલેગર હતો અને ત્યાં ભાઈ તરીકે જ એની છાપ હતી એટલે પોલીસ રેકોર્ડમાં તો એનું નામ હતું જ.
વિદેશી દારૂના ધંધા સિવાય એણે બીજા કોઈ ગુના નહોતા કર્યા એટલે એના ઉપર પોલીસની બીજી કોઈ ઘોંસ ન હતી. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એ માલ સપ્લાય કરતો અને રેગ્યુલર મોટા હપ્તા પણ આપતો હતો.
" જો અસલમ... મેં અહીં તને ખાસ કારણોસર બોલાવ્યો છે. મારી વાત ધ્યાનથી સાંભળ. હું તને સારી રીતે ઓળખું છું. તું કેતનનો ખાસ મિત્ર છે અને હવે દવાઓના સપ્લાયમાં તું એનો ભાગીદાર બન્યો છે એ પણ મને ખબર પડી છે. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પણ મેં તને જોયો હતો અને એના બંગલાના વાસ્તુમાં પણ તું આવ્યો હતો. મારી નજર બહાર કંઈ પણ નથી હોતું. " ડીસીપી બનેલા આશિષભાઈ અસલમની સામે જોઈ બોલી રહ્યા હતા.
" તું સુરતનો છે અને હું પણ સુરતનો છું.
તને કોલેજકાળ દરમિયાન કેતને મદદ કરી હતી અને મારા કોલેજકાળ દરમિયાન એના પપ્પા જગદીશભાઈએ એટલે આપણા બંનેનું ઋણ એ પરિવાર સાથે છે. કેતનના અને તારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને દારૂના ધંધામાંથી તું બહાર નીકળી જા અને બીજા કોઈને સોંપી દે. દારૂના ધંધામાં રેકોર્ડ ઉપર તારુ કોઈ નામ ના જોઈએ. તારા ઘરમાં પણ કોઈ માલ ના મળવો જોઈએ. " ડીસીપી બોલ્યા.
" હું તને જે આ બધું કહી રહ્યો છું એની પાછળ પણ ચોક્કસ કારણો છે. કેતનને હું મારા દીકરા જેવો માનું છું. એ ખૂબ જ ભોળો પણ છે. ભવિષ્યમાં પણ એના ઉપર કોઈ દાગ લાગે એવું હું ઇચ્છતો નથી. એણે તને દવાઓનો કરોડોનો ધંધો સેટ કરી આપ્યો છે. આ બધી વાત મને કેતને કરી નથી. અમારું પોતાનું પણ એક નેટવર્ક હોય છે. અમારા ખબરીઓ પણ હોય છે. " આશિષભાઈ બોલ્યા.
" બીજું તારા જ માણસ ફઝલુએ તે દિવસે રાકેશનુ મર્ડર કર્યું એ પણ મને ખબર છે. મેં હજુ ફાઈલ આગળ વધવા દીધી નથી. રાકેશની ધમકી પછી મેં મારા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીસિંહને કેતનની સુરક્ષા માટે મૂક્યો હતો. એણે મને રિપોર્ટિંગ આપ્યું હતું કે કેતનભાઇ અચાનક રાજકોટ ગયા છે. રાજકોટ જઈને કેતન આવ્યો તે જ રાત્રે રાકેશનું અચાનક મર્ડર થઈ ગયું. મેં મારા સ્ટાફને ખાનગી રીતે કામે લગાડ્યો."
" કમનસીબે તારા ફઝલુએ રાકેશને એની જ કારમાં ગોળી મારી ત્યારે રાત્રે બાજુમાંથી જે ગાડી પસાર થઈ ગઈ તે પોલીસની જ પેટ્રોલિંગ ગાડી હતી. ગાડી સ્પીડમાં હતી એટલે તાત્કાલિક તો એ લોકોને કંઈ ખ્યાલ ના આવ્યો પરંતુ સબ ઇન્સ્પેક્ટરને શંકા જતાં દસેક કિલોમીટર આગળ જઈને એણે ગાડી યુ ટર્ન લઇને પાછી વાળી." આશિષભાઈ બોલ્યા.
" એ ગાડી સ્થળ ઉપર આવી ત્યારે રાકેશનું મર્ડર થઈ ગયું હતું પરંતુ બીજી કોઈ ગાડી ત્યાં ન હતી. એ લોકોએ પોલીસ સ્ટેશન ફોન કર્યો અને પોસ્ટમોર્ટમ માટે ગાડી મંગાવી. એ દરમિયાન દસેક મિનિટમાં જ ફઝલુની ગાડી ત્યાંથી પસાર થઈ ગઈ. એ આગળથી યુ ટર્ન લઈને પાછો રાજકોટ જવા નીકળેલો. એ ગાડીનો નંબર નોંધી લીધેલો એટલે તપાસ કરતાં એ ગાડી ફઝલુની નીકળી. અમને ખબર પડી કે ફઝલુ રાજકોટનો શાર્પશૂટર હતો અને તારો માણસ હતો. "
" મેં કલ્પના કરી કે કેતન કદાચ રાજકોટમાં તને જ મળવા આવ્યો હોય. તને હું ઓળખતો ન હતો. મેં તારો ફોટો મંગાવી લીધો. એ પછી મેં મારી રીતે તારા વિશે ઊંડી તપાસ ચાલુ કરી તો જાણવા મળ્યું કે તું પણ સુરતનો છે એટલે મેં સુરતથી માહિતી મેળવી કે તું અને કેતન કોલેજમાં સાથે ભણતા હતા અને તને કેતને એ વખતે આર્થિક મદદ પણ કરેલી. હું બધું જ સમજી ગયો. "
" એ પછી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મેં તને જોયો એટલે મને પાકી ખાતરી થઇ ગઈ. એ પછી મેં ફાઈલની ગતિ ધીમી કરી દીધી. " આશિષભાઈ બોલ્યા.
" પરંતુ મારી ટ્રાન્સફર થઈ ગઈ છે એટલે હવે મારા હાથમાં કશું રહ્યું નથી. તારો ફઝલુ ગમે ત્યારે એરેસ્ટ થઈ જશે. શું જવાબ આપવો એ તું એને સમજાવી દેજે. તારું નામ ભૂલથી ક્યાંય પણ ના આવે એ તારે જોવાનું છે." આશિષભાઈ બોલ્યા.
" રાકેશનું ખૂન થયું એમાં કેતનનો કોઈ જ હાથ નથી. એ એકદમ નિર્દોષ છે. અને એણે જામનગર આવીને લોકોની સેવા માટે ઘણું કર્યું છે. કેતન તારી સાથે જોડાયો છે એટલે એને કોઈ છાંટા ન ઉડે એટલા માટે મેં તને આજે બોલાવ્યો છે. અને કેતન એ દિવસે રાજકોટમાં તને મળ્યો જ નથી. રાઈટ ? " ડીસીપી બોલ્યા.
" જી સર સમજી ગયો. ખૂબ ખૂબ આભાર. તમારા સૂચન પ્રમાણે હવે હું આખી વ્યવસ્થા બદલી નાખું છું. તમારો આ ઉપકાર હું હંમેશાં યાદ રાખીશ. " અસલમ બોલ્યો.
" અને બીજી વાત. રાકેશ તિવારીના અડ્ડા માં કામ કરતો હતો એટલે પોલીસ તિવારીને પણ બોલાવી શકે છે. તું એને પણ સમજાવી દેજે. અને તું હોલસેલ મેડીસિન્સના ધંધામાં સેટ થઈ જા. " આશિષભાઈ બોલ્યા.
એ પછી અસલમ ઉભો થઇ ગયો. એણે ડીસીપી સાહેબનો આભાર માન્યો અને સલામ કરીને બહાર નીકળી ગયો. એણે ઘરે પહોંચીને એક્શન લેવાની ચાલુ કરી દીધી.
સૌથી પહેલાં તો એણે ફઝલુને ઘરે બોલાવ્યો.
" દેખ ફઝલુ આજ મુજે ડીસીપી ને બુલાયા થા. મેરે ઉનકે સાથ અચ્છે તાલુકાત હૈ તો મુજે બતા રહે થે. રાકેશ કા મર્ડર તુમને કિયા હૈ વો જામનગર પોલીસ કો પતા ચલ ગયા હૈ. તેરી ગાડી કો પોલીસને દેખ લિયા થા. અબ કભી ભી તુમકો ગિરફતાર કર સકતે હૈં. તુમકો રિમાન્ડ પે લેકે પોલીસ સબ ઉગલવા સકતી હૈ." અસલમ બોલ્યો.
" મર્ડર કરતે હુએ તુમકો કિસીને દેખા નહી થા.વહાં સે તેરી ગાડી નિકલના એક ઇત્તેફાક ભી હો સકતા હૈ. ઇસી લિયે તુમકો કોઈ સજા તો નહીં હો સકતી. લેકિન પોલીસ કા ટોર્ચર હો સકતા હૈ ઔર જબ તક કેસ કા ફેંસલા ના આ જાયે તબ તક જેલ ભી હો સકતી હૈ. " અસલમે કહ્યું.
" તુઝે બચાનેકી મેં પૂરી કોશિશ કરુંગા . પૈસો કી તુ કોઈ ફિકર ના કર.
એક દૂસરા રાસ્તા યે હૈ કી તું કહીં ભાગ જા. રાજકોટ છોડ દે. પૈસો કા પુરા પ્રબંધ મેં કર દુંગા. તેરા ઔર તેરે બીવી બચ્ચોંકા પૂરા ખર્ચા મેં ઉઠાઉંગા. " અસલમ બોલ્યો.
" ભાઈજાન મૈને આપકા નમક ખાયા હૈ. આપ કે લીયે જાન ભી હાજીર હૈ જેલ તો ક્યા ચીજ હૈ. ભાગનેવાલોં મેં સે મેં નહીં હું. જો હોગા દેખા જાયેગા. મેં દારૂ કી ડિલિવરી દેને જામનગર ગયા થા ઔર રાતકો રાજકોટ વાપસ આયા થા. મૈ કિસી રાકેશ કો જાનતા હી નહીં. ઔર આપકા નામ તો બીચ મેં કહીં આયેગા હી નહીં. " ફઝલુ બોલ્યો.
ફઝલુની વાત સાંભળીને અસલમને ખૂબ સંતોષ થયો. એને ખૂબ જ વફાદાર માણસો મળ્યા હતા.
એણે એ પછી પંદર દિવસમાં જ પોતાનો જમાવેલો દારૂનો ધંધો સંપૂર્ણપણે એના વફાદાર ઇમરાનને સોંપી દીધો. એના ઘરની બિલકુલ બાજુ માં જ જે ગોડાઉન હતું એ બીજા એરિયામાં ખસેડી દીધું. તમામ રેકોર્ડમાં ઇમરાનનું નામ લખી દીધું. એના આખા ય નેટવર્કમાં એણે ઇમરાન નું નામ ચાલુ કરી દીધું. ઇમરાન પણ અસલમ જેટલો જ હોશિયાર ચાલાક અને અસલમને વફાદાર હતો.
એણે તિવારીને પણ સચેત કરી દીધો.
" તિવારી...મેરી બાત સુન. મુજે અંદર સે પતા ચલા હૈ કી જામનગર મેં કોઈ નયા સુપ્રિટેન્ડન્ટ આયા હૈ ઔર રાકેશ કે મર્ડર કી ફાઈલ અભી ચાલુ હૈ. ઓર ફઝલુને હી મર્ડર કિયા હૈ વો ભી પોલીસ કો પતા ચલ ગયા હૈ. શાયદ તુમકો ભી વો બુલા સકતે હૈ ક્યોં કી રાકેશ તેરે સાથ કામ કરતા થા. " અસલમ બોલ્યો.
" લેકિન યાદ રખના કી તુમ મર્ડર કે બારે મેં કુછ નહિ જાનતે. રાકેશ સબસે પંગા લેતા થા તો ઉસકે કઈ દુશ્મન થે. બાકી હમારે ધંધે મેં ઉસકો કિસી સે ભી દુશ્મની નહીં થી. ઔર ફઝલુ ઉસ રાત દારૂ કી ડિલિવરી દેને આયા થા." અસલમે કહ્યું.
" જી ભાઈ સબ સમજ ગયા. ઐસા હી બોલૂંગા. " તિવારી બોલ્યો. અસલમથી એ ડરતો હતો.
આશિષભાઈ ની આગાહી સાચી પડી. ઓડેદરા સાહેબે ચાર્જ લીધા પછી ૧૫ દિવસમાં જ રાકેશ ના મર્ડરની ફાઈલ ખોલી હતી.
જોકે આશિષભાઈ એ અગમચેતીથી પોતાની તપાસની એ રીતની નોંધ મૂકી હતી કે બધા માત્ર શકમંદ જ હતા. કોઈ પુરાવા મળ્યા ન હતા. તિવારીને પોલીસ સ્ટેશન બોલાવીને એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. ફઝલુના નામનું પણ વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. ફઝલુ એના વકીલને લઈને આવ્યો હતો.
ફઝલુને રાકેશનું મર્ડર કરતો કોઈએ જોયો ન હતો. એ જામનગર ડીલીવરી દેવા માટે ગયો હતો એટલે રાજકોટ જતી વખતે એની ગાડી ત્યાંથી નીકળી હતી. મર્ડરના કોઈપણ પુરાવા ફઝલુએ છોડ્યા ન હતા. એનું કામ એકદમ પાક્કું હતું. એટલે એ જામીન ઉપર છૂટી ગયો હતો. માત્ર દારૂની હેરાફેરીની કલમ એના ઉપર લાગી હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)