MOJISTAN - 73 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 73

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

મોજીસ્તાન - 73

મોજીસ્તાન (73)

ડોકટરને બદલે બીજા જ પુરુષનો અવાજ સાંભળી ડોકટરની કેબિનમાં સોફા પર આંખ મીંચીને સુતેલી ચંપા સફાળી જાગી હતી.
એને એમ હતું કે દર વખતની જેમ ડોકટર પોતાને બાહોમાં લઈને ગાલ પર ચુંબન કરીને જગાડશે.પણ ટેમુનો અવાજ સાંભળીને એ ગભરાઈ હતી.જો કે અંદર આવેલો એ માણસ ટેમુ છે એ ચંપાને ખ્યાલ આવ્યો નહોતો.

ડોકટરના ટેબલ પર એમનું સ્ટોથોસ્કોપ પડ્યું હતું એનો ચંપાને ખ્યાલ હતો.ઝડપથી એ ઉઠી અને સોફામાં પાથરેલી ચાદર આખું શરીર ઢંકાઈ જાય એમ ઓઢી લીધી.કદાચ સલામતી માટે કામ આવશે એમ સમજી પેલું સ્ટોથોસ્કોપ એણે હાથમાં લઈ લીધું.

હળવેથી કેબિનના દરવાજા પાસે આવીને એ ઉભી રહી.અંદર આવેલો એ વ્યક્તિ ટેબલ પર બેઠેલી બિલાડીને ભગાડવાની કોશિશ કરી રહ્યો હતો.ચંપા ઉભી ઉભી એની હરકતો જોઈ રહી.

બિલ્લીને તગેડવાનું અઘરું હોવાનું સમજાઈ જતાં ટેમુ પ્રયાસ પડતો મૂકીને અવળું ફર્યો. ડોકટરની કેબિન પાસે સફેદ કપડું ઓઢીને ઉભેલો ઓળો જોઈ ટેમુના પગ ધ્રુઝવા માંડ્યા. એના હાથમાંથી મોબાઈલ પણ પડી ગયો.એ સાથે જ દવાખાનામાં અંધારું ફરી વળ્યું.ફર્શ મોબાઈલ ઊંધો પડ્યો હતો એટલે એ જગ્યા પર થોડું અજવાળું પડતું હતું.ટેમુ મોબાઈલ લેવા વાંકો વળ્યો.

એ જ વખતે અંધારાનો લાભ લઈ ચંપા આગળ વધી.એના હાથમાં રહેલું સ્ટોથોસ્કોપ ગોળ ફેરવીને વાંકા વળેલા ટેમુના બરડામાં ઝીકયું. અને તરત દવાઓના કબાટ પાછળ થોડી જગ્યા હતી ત્યાં સંતાઈ ગઈ.

ટેમુ હવે ગભરાયો હતો.ડેબામાં શું વાગ્યું એની એને સમજણ પડી નહોતી.એ ઓળો ખરેખર ભૂત છે કે કોઈ માણસ છે એ નક્કી કરી શકવાનો સમય ટેમુ પાસે હતો નહિ.

"ક...ક...કો...હોણ..છે આંયા ? જે હોય ઈ સામે આવી જાવ, નહિતર હું ભાગી જઈશ..!" ટેમુને શું બોલવું એ સમજાતું નહોતું.

ટેમુનો અવાજ સાંભળીને ચંપાને હસવું આવી ગયું.કેમ જાણે એના ભાગી જવાથી ચંપાને નુકસાન થવાનું હોય એમ એ ભાગી જવાનું કહી રહ્યો હતો.

"ક..ક...ક..કો...હોણ છે..? તું ઓલ્યા લખમણિયાનું ભૂત છો ? હું..હું...કાંઈ.. ભુ.. ઉ..ઉ..તથી બીતો નથી.. બોલ..કો..હો..ણ છો તું.."

ટેમુ જે રીતે બોલતો હતો એ જોઈને ચંપાને સમજાયું કે ટેમુ લખમણિયાના ભૂતથી ડરતો હોવા છતાં ન ડરતો હોવાની શેખી કરી રહ્યો છે.હજી એ ટેમુ છે એનો ખ્યાલ ચંપાને આવ્યો નહોતો. કારણ કે ચંપા આમેય ટેમુને ખાસ ઓળખતી નહોતી.એને જોઈને એ આ ગામનો હોવાનું એને ખ્યાલ આવી શકે એમ હતું પણ એ મીઠાલાલનો દીકરો ટેમુ છે એનો એને ખ્યાલ નહોતો.જો કે મીઠાલાલનો પણ એને ખાસ પરિચય નહોતો.

ટેમુએ મોબાઈલ ઉઠાવીને ફરીવાર ડોકટરની કેબિન તરફ ફ્લેશ લાઈટ કરી.થોડીવાર પહેલા કેબિનના દરવાજા પાસે ઉભેલો એ ઓળો અદ્રશ્ય થઈ ગયો હતો.ટેમુ હજી કંઈ વિચારે એ પહેલાં જ પ્લાસ્ટિકની એક બોટલ
એના ગાલ પર આવી.

ટેમુને હવે અહીં રહેવામાં જોખમ હોવાનું સમજાઈ ગયું હતું.તરત જ એ બારણાં તરફ ભાગ્યો. અધખુલ્લાં બારણાંમાંથી ટેમુ મુઠીયુવાળીને ભાગ્યો.બારણાં બહારના ઓટલા પરથી કુદવા જતા એ પગથિયું ચુકી ગયો.અને ગડથોલિયું ખાઈને ઢળી પડ્યો.
ટેમુના હાથ કોણી આગળ છોલાઈ ગયા હતા.એની પીડા કરતા ભૂતની બીક વધુ હોવાથી એ જલ્દી ઉભો થયો.ચંપા બારણામાં આવીને ઉભી રહી. ભાગતા ટેમુને વધુ બીવડાવવા એણે તીણી ચીસ પાડી.દવાના કબાટમાંથી બે ત્રણ પ્લાસ્ટિકના ખાલી ડબ્બાઓ એ લેતી આવેલી.એ ડબ્બાઓ ચંપાએ ઉભા થયેલા ટેમુ ઉપર ફેંક્યા.

રાત્રીના શાંત વાતાવરણમાં ચંપાની ચીસથી હબાના ઘર પાસે ઉભેલા ખીજડાના ઝાડ પર નિરાંતે ઊંઘતા કાગડાઓએ જાગીને કાગારોળ મચાવી.એ ઝાડની એક બખોલમાં રહેતું ઘુવડ પણ વિચિત્ર અવાજ કરીને ઉડયું.
પક્ષીઓના કોલાહલને કારણે ચંપાને પણ સચોસાચ લખમણિયાનું ભૂત આવ્યું હોય એમ લાગ્યું.ઝડપથી એણે દવાખાનાનો દરવાજો બંધ કર્યો. દરવાજો ધડામ કરતો ભટકાઈને બંધ થયો.

આવું બિહામણું વાતાવરણ જોઈ ટેમુના પગ ધ્રુજવા લાગ્યા. કઈ બાજુ જવું એ નક્કી કરી ન શકતો ટેમુ આખરે સૌથી પહેલી મદદ ડોકટરની મળશે એવી આશાએ ડોકટરના કવાટર તરફ ભાગ્યો.

હજુ અડધા કલાક પહેલાં જ ચંપા સાથે ચમનીયા કરીને આવેલા લાભુ રામાણી હજી ઊંઘી ગયા નહોતા.આજ રાતે જે બન્યું હતું એ એમની કલ્પના બહારનું હતું.ભૂતના હોવા કે ન હોવા વિશે એમના મનમાં હંમેશા મતમતાંતર રહ્યા હતા.છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બની રહી હતી એનાથી એમનો ભૂત હોવા અંગેનો અભિપ્રાય દ્રઢ થઈ રહ્યો હતો. લખમણિયાના ભૂતને એમણે સવજીની ભજીયા પાર્ટીની પથારી ફેરવી નાંખતા નજરો નજર જોયો હતો.એ પહેલા તખુભાને નદીના પટમાં માર મારતા લખમણિયાને પણ ડોકટરે જોયો હતો.સારું હતું કે એ ભૂતના હાથ હજુ ડોકટર સુધી પહોંચ્યા નહોતા.દવાખાનાની પાછળ હુકમચંદ અને બાબાએ હબાના ઘર પર નજર રાખવા બે જણને મુકેલા હતા એટલે ચંપા મિલનમાં એમને વિક્ષેપ પડ્યો હતો. થોડીવારે એ બંને બાખડી પડ્યા અને લોકો ભેગા થઈ ગયા ત્યારે એમને ડર લાગ્યો હતો કે જો કોઈ દવાખાનું ખોલાવશે તો રંગેહાથ ઝડપાઈ જવાશે.એટલે એ વખતે એમણે લાઈટ કરી નહોતી એટલે એવું કશું બન્યું નહોતું.આજ લાઈટ પણ વારંવાર જતી રહેતી હોવાથી મચ્છરોએ ડોકટર અને ચંપાને ખૂબ ચટકાવ્યા હતા.બહાર ચાલતો દેકારો શાંત થયા પછી તેઓ દબાતા પગલે પોતાના કવાટરમાં આવી ગયા હતા.પેલા બંને આમ એકાએક શા માટે ઝગડી પડ્યા એ સવાલનો જવાબ પણ ડોકટરને સુજયો હતો.સાલો લખમણિયો બંનેને ઝૂડીને ચાલ્યો ગયો હતો.આ લખમણિયો ખરેખર ખૂબ ખેપાની હોવાનું ડોકટરને સમજાઈ ગયું હતું.

એટલે જ ડોકટર જલ્દી ભાગ્યા હતા.ચંપાની ચીસ સાંભળીને તેઓ પથારીમાંથી બેઠા થઈ ગયા.

'નક્કી સાલો લખમણિયો દવાખાનામાં ઘૂસ્યો છે.એને તો દરવાજો બંધ હોય કે ખુલ્લો, ક્યાં કંઈ ફેર પડવાનો હતો.એ તો આત્મા છે. ધારે ત્યારે ગમે તેવું શરીર પણ ધારણ કરી શકે ! સવજીની વાડીએ એણે આજ પરાક્રમ કરી બતાવ્યું હતું.'

'ચંપાને બચાવવા જવું જોઈએ. સાલો લખમણિયો બળાત્કાર કરશે તો એ સાલી મરી જશે.સાલું માંડ એક માણસ મળ્યું છે ! સાવ નાખી દીધા જેવી તો નથી.પણ એને બચાવવા જતા ક્યાંક હવસમાં આંધળો થયેલો અને વર્ષોનો તરસ્યો થયેલો એ પાપી આત્મા મને ચોટશે તો કારણ વગરનું ઘડપણ રોળાઈ જશે. પછી સાલું હેવાયું થઈ ગયું હોય તો મરાઈ જવાય. એના કરતાં ચંપલી ભલે પીલાતી, અમથીય એ ક્યાં મને સાચો પ્રેમ કરે છે.સાલી પૈસાની લાલચુડી છે.આજ ભલે લખમણિયો એને પીલતો, આપણે કંઈ જવું નથી..!' ડોકટર આમ વિચારીને ફરી પથારીમાં પડ્યા.

ટેમુ એ જ વખતે હાંફતો હાંફતો કવાટરના દરવાજે આવી પહોંચ્યો હતો.કવાટરનો દરવાજો જોરથી ભટકાડીને એણે રાડ પાડી,

"ડોકટર સાહેબ, જલ્દી દરવાજો ખોલો.મને અંદર આવવા દો,ઓ સાહેબ ઉઠો..ઉઠો... ઉઠો..."

ડોકટર એ અવાજથી ખીલે બાંધેલું ઢોર ભડકે એમ ભડકયાં.પથારીમાંથી ઊભું પણ થઈ જવાયું ! આજની રાત કોણ જાણે શું લઈને આવી છે એવો વિચાર એમના દિમાગમાંથી વીજળીની જેમ પસાર થઈ ગયો.

"કોણ છે ? અલા કેમ આટલી રાડો પાડે છે નાલાયક ?" કહી ડોકટરે જલ્દીથી બહારની લાઈટ કરી.અંદરનો અધખુલો દરવાજો ખોલીને કવાટર બહાર ઉભેલા ટેમુને જોઈને ડોકટરની આંખો પહોળી થઈ ગઈ.ટેમુના બંને હાથની કોણીઓ લોહીથી નીતરતી હતી અને કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હતાં.

"અલ્યા ડફોળ ક્યાંથી આવી ચડ્યો છે તું ? આટલી રાતે કોની સાથે લડ્યો ?" ડોકટરે પૂછ્યું તો ખરું પણ જવાબ તો ધારી જ લીધો હતો. 'કદાચ ટેમુને લખમણિયો ભેટી ગયો હોવો જોઈએ !'

"ડોકટર સાહેબ, જલ્દી તમે દરવાજો ખોલીને મને અંદર આવી જવા દો.હું તમને બધી વાત કરું છું પ્લીઝ..'' ટેમુએ ધ્રુજતાં ધ્રુજતાં હાથ જોડ્યા.

"ભૂત વાંહે થયું હોય તો માફ કરજે દોસ્ત.તને બચાવવા જતા મારું પણ આવી બને. હરામખોર ખમણિયો બહુ ખતરનાક છે.હું માંડ બચ્યો છું.સવજીની વાડીએ એણે કાળો કેર વર્તાવ્યો છે.તું અહીંથી ચાલ્યો જા..!"

"ખમણિયો નહિ લખમણિયો.. ઈ દવાખાનામાં ભરાણો છે.મને દવાના ડબલા મારીને ઘાયલ કરી નાખ્યો છે.તમે મને આશરો આપો પ્લીઝ.. એ મારો જીવ લઈ લેશે, હજુ મારા લગન પણ થયા નથી. મને તો તમે ઓળખો જ છો ને ? હું ટેમુ...ટેમુ, મીઠાલાલ.પ્લીઝ ડોકટર મને અંદર આવવા દો."

"શું કહ્યું તેં ? દવાખાનામાં ભૂત થયું છે એમ ? ના ના..ત્યાં તો પેલી ચ...મ.." ડોકટર એકાએક અટક્યા.બીકમાં ને બીકમાં હમણે ચંપાનું નામ લેવાઈ જાત ! ટેમુ હજી જાળી ખખડાવી રહ્યો હતો.

"કોણ પેલી ચમ..? ચમ એટલે ચંપા ? ડોકટર દવાખાનામાં કોક છે તો ખરું જ ? શું તમને ખબર છે ? પેલી નર્સ ચંપા રાત રોકાઈ છે ?" ટેમુએ, ડોકટરે અધૂરું છોડેલું વાક્ય પકડ્યું. ડોકટરના નર્સ ચંપા સાથેના છાનગપતિયા એક કાનેથી બીજા કાને થઈને ટેમુના કાન સુધી પણ આવ્યા હતાં. ક્યારેક આવી માહિતી કામ આવતી હોય છે..!

"તો એમ વાત છે ! મને તો ભૂત જ લાગેલું.તો તો હવે ડરવાની કોઈ જરૂર નથી.હું દવાખાનામાં જ આંટો મારું...." કહી ટેમુએ કવાટરનો દરવાજો મૂકી દીધો.

"અરે તું ઊંધું સમજે છે.ત્યાં કોઈ નર્સ બર્સ નથી, દવાખાનામાં એ એકલી રોકાઈને શું કરે ? તું તારા ઘેર જા ભાઈ.વધારે મગજની પથારી ફેરવવાની જરૂર નથી.શું કહ્યું ?"

"જે કહ્યું એ હું સમજી ગયો છું. મેં તમારી લીલાઓની વાર્તાઓ સાંભળી તો હતી.આજ પાકું કરી લઈએ.ચાલો તમારે આવવું હોય તો, નહિતર હું તો હમણાં જ સરપંચ અને બાબાને ફોન કરી છું. આમ, રાતે તમારો રંગમહેલ બનાવવા માટે આ દવાખાનું નથી સમજ્યા ?" થોડીવાર પહેલા પોતાને બચાવવા આજીજી કરતો ટેમુ હવે આક્રમક બની ગયો હતો.
પણ ડોકટર જમાનાનો ખાધેલ હતો.એમ ટેમુ જેવા છોકરાથી ડરી જાય તો તો એ લાભુ રામાણી શાનો ?

"તો જા ભાઈ, એ ચંપા ત્યાં રોકાઈ હોય તેથી તું ગામ ભેગું કરે તો મને શું ફરક પડવાનો છે ? કદાચ બસ ચુકી ગઈ હોય તો રોકાઈ જવું પડ્યું હોય.જો તું એને બદનામ કરવાની કોશિશ કરીશ તો હું તારા પર કેસ ઠોકવડાવીશ. એમ કોઈ બાઈ માણસને રાત્રે હેરાન કરવા માટે કાયદાની ચારસો સત્તરમી કોલમમાં દસ વર્ષની આકરી જેલની જોગવાઈ છે એ તને નહિ ખબર હોય.એટલે ઘરભેગીનો થઈ જા એમાં જ તારી ભલાઈ છે સમજ્યો ? છતાં તારે તારી હોંશિયારી બતાવવાનો શોખ જ હોય તો તને ફાવે એમ કર.પણ આટલી રાતે તું શા માટે દવાખાને આવ્યો એ સવાલનો જવાબ પણ તારે ગામને આપવો પડશે. હું લોકોને સમજાવી શકીશ કે તું એ બિચારીને એકલી જાણીને એની એકલતાનો લાભ લેવા જ આવ્યો હતો.પણ ચંપાએ તને ધોયો એટલે તું હવે એ બિચારી નિર્દોષ અબળાને બદનામ કરવા પર તુલ્યો છો " ડોકટરે કાયદાની કલમનું ગપ્પુ ઠોકીને ટેમુને વિચારમાં નાખી દીધો. 'કદાચ સાલું ઊંધું પડ્યું હોય તો કારણ વગરના હેરાન થઈ જવાય' એ હવે ટેમુને સમજાવા લાગ્યું.

"ઠીક છે, તમે કહો છો તો માની લઉ છું.પણ ક્યારેક તમને બેઉને રંગેહાથ પકડું નહિ તો મારું નામ ટેમુ નહિ ! અત્યારે તો હું જતો રહું છું પણ હવે તમે ધ્યાન રાખજો." કહી ટેમુ ચાલવા માંડ્યો.

"તો દીકરા વહેલી તકે નવું નામ શોધી લેજે.તું હજી દૂધ પીતું બચ્ચું છો. મને ચેલેન્જ આપવા માટે તું હજી બહુ નાનો છો શું કીધું ? છાનોમાનો મીઠાઈ બનાવતા શીખી જા એટલે મીઠલાલને માથાકૂટ નહિ..!" કહી ડોકટરે અંદર જઈ લાઈટ બંધ કરી દીધી.રૂમની બારી સહેજ ખોલીને ટેમુ કઈ તરફ જાય છે એ જોવા લાગ્યા. ટેમુ દવાખાના તરફ જતો નહોતો એ જોઈ ડોકટરને નિરાંત થઈ.પથારીમાં બેસીને એમણે ચંપાને ફોન લગાડ્યો.

*

ડોકટરને ડરાવવા જતા ડોકટરે જે રીતે સામી ફૂંક મારી હતી એને લીધે ટેમુ થોડો હતાશ થઈ ગયો હતો. ' સાલો કાયદા પણ જાણે છે અને મને સારી રીતે ઓળખે પણ છે.બાપાનું નામ મીઠાલાલ છે અને અમે મીઠાઈનો ધંધો કરીએ છીએ એ પણ આ ડોકટરને ખબર છે.માય ગયું બધું, આપણે નકામી ઉછીની વ્હોરવાની કોઈ જરૂર નથી.' એમ વિચારતો ટેમુ ગામના પાળા તરત ચાલ્યો.

ટેમુને અચાનક યાદ આવ્યુ કે બાબો કોઈની પાછળ ગયો છે. ટેમુએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બાબાને ફોન લગાડ્યો.પણ બાબનો ફોન લાગતો નહોતો. બે ચાર વખત ટ્રાય કરીને ટેમુ કંટાળીને ઘેર જઈને સુઈ ગયો.

*

એ વખતે પ્રાથમિક શાળામાં પોચા સાહેબ બેહોશ બાબાનું શું કરવું એ વિચારી રહ્યા હતા. બાબનો જીવ લઈ લેવો એમને જરૂરી લાગતો હતો.કારણ કે જો બાબો જીવતો રહે તો તો ગામમાં ભાંડો ફૂટ્યા વગર ન રહે.પણ બાબા જેવા બ્રાહ્મણના એકના એક પુત્રને મારી નાખવાની હિંમત એ શિક્ષકની છાતીમાં ક્યાંથી હોય ? પોચા સાહેબ કોઈ ક્રિમિનલ માઈન્ડના માલિક નહોતા.એ તો માત્ર ગામમાં કેટલાક લોકો કે જે હંમેશા પોતાની મશ્કરી કરતા હતા એને પાઠ ભણાવવા માંગતા હતા. એવામાં અનાયાસે એમના મિત્રની નાટક કંપનીમાં એમને ભૂતનું પાત્ર મળી આવ્યું; અને એમની યોજનામાં કામ કરવાવાળા બે માણસો પણ મળી ગયા.ભાભાને પહેલીવાર ડરાવ્યાં ત્યારે એમણે જ આ ભૂતનું નામકરણ અને એનો ઈતિહાસ રચી આપ્યો હતો.પણ હવે આ બધું ઉઘાડું પડે તો આબરું સાથે શાળાની નોકરી પણ જાય.વળી ગામ આખું ખાસડા મારે એ અલગ.હબલો અને રઘલો તો એમનું નામ આપીને છટકી જાય કે સાહેબ અમને પૈસા આપતા હતા એટલે એમનું કામ અમેં કરતા હતા..! બધો જ વાંક એમના શિરે જ આવે.બેઆબરુ થઈને ગામ પણ છોડવું પડે.છોકરાઓ પણ બાપ કહેતા શરમ અનુભવશે.જીવન ધૂળધાણી થઈ જવાનું !

પોચાસાહેબ વિચારમાં પડ્યા હતા.ભૂતનો ખેલ રચીને ખરેખર બહુ મોટી ભૂલ તેમણે કરી નાખી હતી.માણસને જ્યારે પરિણામ આવે છે ત્યારે જ જ્ઞાન થતું હોય છે.ખોટું કામ કરતા પહેલા પરિણામ વિશે એકવાર માણસ વિચારતો હોય તો બહુ મોટી આફતમાંથી બચી જવાતું હોય છે.પણ માણસ હંમેશા પોતે કરવા ધારેલું કામ. ખોટું હોવાનું સમજતો હોવાં છતાં કોઈને ખબર નહિ પડે આત્મવિશ્વાસ સાથે કરતો જ રહેતો હોય છે.કોઈપણ પ્રકારનું રહસ્ય; પછી તે ગમે તેટલું ગૂઢ હોય તો પણ એકવાર તો છતું થયા વગર રહેતું જ નથી !

પોચા સાહેબનું રહસ્ય બાબો જાણી ગયો હતો.હવે બાબાનું શું કરવું એ નક્કી થઈ શકતું નહોતું !

હબો,ચંચો અને રઘો પણ આંખ બંધ કરીને બેઠેલા પોચાસાહેબ સામે મોઢું ફાડીને તાકી રહ્યાં હતાં.

(ક્રમશ :)