આર્ય અને એની સુપર ગેંગ હવે શહેરભરમાં જાણીતી બની ગઈ હતી, શાળામાં પણ એમનું સન્માન કરવામાં આવ્યું હતું, સોહમ આર્યની આ પ્રસિદ્ધિથી ખૂબ જ અકળાઈ ઉઠ્યો હતો, અને બસ દિવસ-રાત એ આર્યને કોઈને કોઈ સબક શિખવાડવા માટેના જ વિચારો કરી રહ્યો હતો.
આજે રવિવાર હોવાથી છોકરાઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યાં ચંદુ ચોપાટ આવીને બધા બાળકોનો આભાર માની અને કાન પકડી બોલ્યો, બાળકો તમારી પાસેથી મને એક બોધપાઠ મળ્યો છે, આજથી હવે કોઇ પણ અજાણ્યા માણસને જોયા જાણ્યા વગર સોસાયટીમાં એન્ટર નહીં થવા દઉં, અને હા હવે દિવસ-રાત એક સિક્યુરિટી ગાર્ડ પણ સોસાયટીના ગેટ આગળ નિમણૂક કરવામાં આવ્યો છે, ત્યાં જ બધા છોકરાઓ આનંદથી ચંદુ ચોપાટની વાત વધાવી લે છે.હવે સોસાયટીમાં પણ આર્ય અને એની સુપર ગેંગનું માનપાન વધી ગયું હતું.
સ્કૂલમાં સોહમ અવાર-નવાર એને પરેશાન કરવા માટે કોઇને કોઇ હરકત કરતો રહેતો પણ હવે રમેશ માસ્તર પણ આર્યની બહાદુરીના કિસ્સા પછી એને કોઈ ખાસ સજા કરતાં નહીં અને નજર અંદાજ કરતાં, આ જોઈ સોહમ મનોમન સમસમી રહેતો.
ગુરુપૂર્ણિમા એક ખૂબ સુંદર અવસર, તે દિવસે આપણને આપણા શિક્ષકોનો આભાર માનવાનો એક અનેરો લહાવો મળે છે. જેમણે આપણું ઘડતર કર્યું, આપણા જીવન અને સંસ્કારોને એક સાચી રાહ બતાવી, એવા શિક્ષકો ને કોટી કોટી વંદન કરીએ તો પણ ઓછા પડે, એવો ગુરુપૂર્ણિમાનો દિવસ આવ્યો.
સ્કૂલમાં બધા બાળકો ખૂબ ખુશ હતા અને કેમના હોય વર્ષમાં આજનો દિવસ એમને અનેરી તક મળતી પોતાના શિક્ષકોનું ઋણ ચૂકવવા માટે, પોતે એક દિવસ માટે શિક્ષક બનવાનો લ્હાવો મળતો અને સાથે બધા શિક્ષકોને પણ આજનો દિવસ આનંદદાયક બની રહેતો. એમને એક દિવસ શિક્ષકની નોકરીમાંથી રજા જો મળતી, અને સાથે બાળકોને શિક્ષક બની બોધપાઠ પણ મળતો.
સ્કૂલમાં આજે દિવસની શરૂઆત શિક્ષકોને ગુલાબના સુંદર પુષ્પ આપી કરવામાં આવી. આજે ચપરાશી, શિક્ષક પ્રિન્સિપલ બધા જ પદ પર નાના બાળકો બિરાજમાન હતા. સ્કૂલ માં ચોતરફ આજે અનેરું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.
આર્ય આજે રમેશ માસ્તરના વેશમાં ખૂબ જ શોભી રહ્યો હતો, જાણે એમની નાનકડી આવૃત્તિ લાગી રહ્યો હતો. પોતાના જ ક્લાસમાં આર્ય એ વર્ગ શિક્ષક બની પ્રવેશ કર્યો...
આજે આર્ય રમેશ માસ્તરના વેશમાં એકદમ રમેશ માસ્તર ની નાનપણની આવૃત્તિ લાગી રહ્યો હતો. ક્લાસમાં એન્ટર થતાં જ વર્ગના બાળકો એને જોઈને હસવા લાગ્યા, આર્યને સમજમાં ન આવ્યું આજે એના જ વર્ગના બધા બાળકો એને જોઈને કેમ હસી રહ્યા છે, એની નજર પ્રથમ બેંચ પર બેસેલા સોહમ પર પડી, એ પણ એની સામે જોઈને તો ક્યારેક બ્લેકબોર્ડ પર જોઈ હસી રહ્યો હતો.
અરે દોસ્તો શાંત થઈ જાઓ આજે હું આપણા વર્ગ શિક્ષક તરીકેનો રોલ ભજવવાનો છું, માટે મને આશા છે કે તમે બધા ચોક્કસ મને પૂરો સાથ સહકાર આપશો. તે સાથે જ વર્ગમાં બધા બાળકો શાંત થઈ ગયા. આર્ય પોતાને ખભે લટકાવેલી બેગ અને બાકીના પુસ્તકો બિલકુલ રમેશ માસ્તર ની સ્ટાઈલમાં જ ટેબલ પર મૂકી ચોક લઇ બ્લેકબોર્ડ પર તરફ ફરે છે, ત્યાં બ્લેકબોર્ડ પર જુએ છે કે, એના પર ચિત્ર-વિચિત્ર ચહેરો દોરેલો હતો, જેની નીચે "આર્ય" એવું નામ લખેલું હતું. હવે આર્યને સમજમાં આવ્યું જ્યારે એ ક્લાસમાં પ્રવેશ્યો ત્યારે બધા એની તરફ જોઈ કેમ હસી રહ્યા હતા, પણ આર્ય હતાશ થવાની જગ્યાએ સ્માઈલ આપી બોલ્યો, અરે વાહ આ ચિત્ર ખૂબ જ સુંદર દોરેલું છે જરૂર મારા કોઈ સારા મિત્રએ જ બનાવ્યું હશે. આર્યને આમ શાંતિથી હસતા જોઈ સોહમ મનોમન ઉશ્કેરાઈ રહ્યો.આ પણ સોહમની જ એક ચાલ હતી આર્યને પરેશાન કરવા માટેજ સ્તો.
ચાલો બાળકો આજે આપણે ગુજરાતી સબ્જેક્ટ ભણવાનું છે બધા પોતપોતાની ગુજરાતીની ટેક્સ બુક બહાર નીકાળો, આર્ય આટલું બોલી ડસ્ટરથી બ્લેકબોર્ડ સાફ કરવા લાગે છે પણ આ શું બ્લેકબોર્ડ માં લખેલું ભુસવાની જગ્યાએ તે પૂરી શાહીથી ખરડાઈ ગયું હતું. ડસ્ટરને ધ્યાનથી જોતા જ આર્યને ખબર પડી જાય છે કે, ડસ્ટરની નીચેના ભાગમાં કોઈએ શાહી લગાવી દીધી હતી જેનું આ પરિણામ હતું. જણાવવાની જરૂર નથી કે આ કાર્યમાં પણ સોહમનો જ હાથ હતો.
આર્ય એ જરા પણ પરેશાન થવાની જગ્યાએ પોતાના જ હાથરૂમાલથી ખુબ સાવચેતીથી આખું બોર્ડ સરસ રીતે સાફ કરી દીધું. કોઈ માણસ આટલું શાંત અને સહનશીલ કેવી રીતે હોય, મારા બધાજ દાવ એની આગળ ઉલ્ટા પડી રહ્યા છે, વિચારતો સોહમ મનોમન સળગી ઉઠ્યો.
બ્લેકબોર્ડ સાફ કર્યા બાદ આર્ય આજનો વિષય બોર્ડ ઉપર લખી રહ્યો હતો, ત્યાંજ પાછળથી એક કાગળ નું બનેલું વિમાન સનનનન... કરતું આર્યના માથા ઉપર આવી પડ્યું. આર્યના માથા પર આમ કાગળનું વિમાન જોઈ આખો ક્લાસ પાછો હસી-હસીને બેવડ વળી ગયો. આજે આર્ય ને સપોર્ટ કરવા એનો દોસ્ત રાહુલ પણ શિક્ષક બન્યો હોવાથી ક્લાસમાં હાજર ન હતો. બાળકોને ફરી પાછા શાંત કરતા આર્યના નાકે દમ આવી ગયો. બધાજ ક્લાસમાં થોડાઘણા તોફાની છોકરાઓ હોય છે, એમજ આર્યના ક્લાસમાં પણ કેટલાક તોફાની છોકરાઓ હતા જે સોહમની ગેંગમાં ભળી ગયા હતા.એમના સપોર્ટથી આજે સોહમ આર્યને પરેશાન કરી રહ્યો હતો.
હજુ આર્ય નો દિવસ કેવી કેવી મુશ્કેલીઓ થી પસાર થવાનો હતો? શું આર્ય આ વખતે સોહમને કોઇ વળતો જવાબ આપશે કે નહિ?
******************
Dhruti Mehta (અસમંજસ)