પોલીસ અને ફોરેન્સિક ટીમની કાર્યવાહી પૂરી થતાં તેજપાલ રાજવંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
"હરમન, ઇન્સ્પેક્ટર પટેલ કાલથી તેજપાલ રાજવંશની જે લોકો હત્યા કરી શકે એ લોકોને એની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે અને મને અને તને પોલીસ સ્ટેશનમાં એમની પૂછપરછમાં સહયોગ આપવા માટે સવારે સાડા દસ વાગે હાજર રહેવાનું કીધું છે. એ એવું પણ કહેતા હતાં કે હરમનની વાત સાચી નીકળી, કેસ ખરેખર ખૂબ પેચીદો અને ગરમ છે." સંજયે હરમનને કહ્યું હતું.
"સારું, તો કાલે સવારે હું પોલીસ સ્ટેશન હાજર થઇ જઇશ. પરંતુ ઇન્સ્પેક્ટર પટેલને કહેજે કે મને જ્યાં લાગશે ત્યાં હું પણ કરીશ. પોલીસ સ્ટેશનમાં હું મુકપ્રેક્ષક બનીને બેસી નહીં રહું." હરમને સંજયને કહ્યું હતું.
"સારું, હું કહી દઇશ. તું પણ યાર ઘણીવાર ખૂબ આડો થાય છે." સંજયે હસીને કહ્યું અને ત્યાંથી નીકળી ગયો.
હરમન અને જમાલ ઘટનાસ્થળેથી ઓફિસે આવ્યા હતાં.
"બોસ, મને તો આપણો કોઇ રોલ આ કેસમાં દેખાતો નથી. જ્યાં સુધી પૂછપરછ ચાલે ત્યાં સુધી આપણે પોલીસ સ્ટેશન જવાનું અને આમાં કોઇ ફી તો મળવાની છે નહિ. ખોટો સમય બગાડી ઇન્સ્પેક્ટર પટેલના ખડખડાટ હાસ્યને અને એમને પાન ખાતા જોઇને પોલીસ સ્ટેશનમાં ધુણવાનું જ થશે." જમાલે એનું બ્રહ્મજ્ઞાન હરમનને પીરસ્યું હતું.
"તેજપાલ રાજવંશ જો એનું ખૂન થાય તો આ પાંચ લોકો ઉપર પોલીસે શંકા કરવી એવું એ લખીને ગયો છે અને એ પાંચ જણામાં સુરેન્દ્ર મજમુદારનું નામ પણ છે. માટે સુરેન્દ્ર મજમુદારે આપણને એપોઇન્ટ કર્યા હોવાના કારણે પણ આ કેસ સાથે આપણે આડકતરી રીતે સંકળાયેલા છીએ અને એટલે જ પોલીસ સ્ટેશન જવું પડશે અને બીજું, ઇન્સ્પેક્ટર પટેલે સંજય દ્વારા ખાસ કહેવડાવ્યું છે કે શંકાસ્પદ લોકોની પૂછપરછ થાય ત્યારે મારે પણ ત્યાં હાજર રહી એમને મદદ કરવી અને એટલે જ આપણે પોલીસ સ્ટેશનમાં એ લોકોની પૂછતાછ માટે જવું એ આપણા માટે ફરજિયાત થઇ ગયું છે." હરમને જમાલના સવાલનો જવાબ આપતા કહ્યું હતું.
બીજા દિવસે સવારે સાડા દસે હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. હવાલદારે હરમન અને જમાલને ઇન્સ્પેક્ટર પટેલની કેબીનમાં જવા માટે કહ્યું હતું.
હરમન અને જમાલ ઇન્સ્પેક્ટર પટેલની કેબીનમાં દાખલ થયા ત્યારે સંજય પહેલેથી એમની બાજુની ખુરશીમાં બેઠો હતો.
ઇન્સ્પેક્ટર પટેલે પોતાની બાજુમાં જ બે ખુરશીઓ મુકાવી હતી અને એમની બરાબર સામે ટેબલના બીજા છેડે ત્રણ ખુરશીઓ મુકાવી હતી, જેથી પૂછપરછ કરવામાં થોડી સરળતા થાય.
"આવ હરમન, હું અને સંજય તારી જ રાહ જોતાં હતાં. તું સંજયની બાજુમાં બેસી જા, જેથી પૂછપરછ દરમિયાન આપણને પોતપોતાના પ્રશ્નો પૂછવામાં સરળતા રહે. મેં રમણીકભાઇના દીકરા દિનેશને પોણા અગિયાર વાગે બોલાવ્યો છે અને આપણા બધાં માટે અત્યારે ચા-નાસ્તો મંગાવ્યો છે." ઇન્સ્પેક્ટર પટેલે ખડખડાટ હાસ્ય સાથે કહ્યું હતું.
ચારેય જણે ચા-નાસ્તો કરી રહ્યા હતાં ત્યારે દિનેશ પટેલ આવ્યા છે એવું હવાલદારે ઇન્સ્પેક્ટર પટેલને આવીને કહ્યું હતું. ચા-નાસ્તો પૂરો કર્યા બાદ ઇન્સ્પેક્ટર પટેલે દિનેશભાઇને અંદર બોલાવ્યા હતાં.
"તેજપાલ રાજવંશના ખૂન માટે પોલીસ મારી પૂછપરછ કેમ કરે છે? આ મારા વકીલ સુબ્રમણિયમ રાજુ છે. તેઓ મારા અંગત મિત્ર પણ છે. પોલીસ આ રીતે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકને હેરાન ના કરી શકે. મારા પિતાનું ખૂન થયું છે છતાં હજી એમની લાશ પોલીસ શોધી શકી નથી." દિનેશ પટેલે ખુરશીમાં બેસતા ગુસ્સાથી કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પટેલે દિનેશ પટેલના વકીલ સુબ્રમણિયમ રાજુને તેજપાલે પોલીસ કમિશ્નરને લખેલો પત્ર વાંચવા માટે આપ્યો હતો. વકીલે પત્ર વાંચી અને ઇન્સ્પેક્ટર પટેલને પરત આપ્યો હતો.
"દિનેશભાઇ, પોલીસ જે સવાલો પૂછે એના જવાબો તમારે આપવા તો પડશે. પરંતુ તમારે જે સવાલનો જવાબ ના આપવો હોય તે તમે નહીં આપો તો પણ ચાલશે." દિનેશભાઇના વકીલે એમને સમજાવતા કહ્યું હતું.
"હા તો દિનેશભાઇ, તેજપાલનું ખૂન થયું એ દિવસે અને રાત્રે તમે ક્યાં હતાં?" ઇન્સ્પેક્ટર પટેલે દિનેશભાઇને પૂછ્યું હતું.
"જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, જે દિવસે તેજપાલ રાજવંશનું ખૂન થયું એ દિવસે હું સવારે દસ વાગે ઘરેથી નીકળી ફેક્ટરી ગયો હતો અને રાત્રે નવ વાગે ફેક્ટરીથી પરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ ભોજન કરી અને હું સુઇ ગયો હતો. મને શરીરમાં થોડું તાવ જેવું લાગતું હતું અને એટલે હું જમીને તરત સુઇ ગયો હતો. હું એ વખતે હું ઘરે હતો એની સાબિતી માટે મારા ફેમિલી ડોક્ટર મિતેશ મને તપાસવા માટે આવ્યા હતાં. તમે મારી આ વાતની ખાતરી એમની જોડે કરી શકો છો તેમજ સવારે દસથી રાતના નવ વાગ્યા સુધી હું ફેક્ટરીમાં જ હતો એ વાતની ગવાહી મારો ચારસો માણસનો સ્ટાફ આપી શકે એમ છે." દિનેશભાઇએ પોતાનો જવાબ આપતા કહ્યું હતું.
"તમારા પિતા રમણીકભાઇનું ખૂન થયું છે એવું તમે ચોક્કસપણે કઇ રીતે કહી શકો?" હરમને દિનેશભાઇને પૂછ્યું હતું.
"મારા પિતાશ્રી ઈશ્વરમાં માનવા વાળા હતાં અને અમે આર્થિક રીતે ઘણાં સમૃદ્ધ હોવાના કારણે બીજી કોઇ તકલીફ ન હતી, પરંતુ ઉઘરાણીની બાબતમાં તેઓ ખૂબ જ કડક હતાં અને એ બાબતમાં જ એમને અને તેજપાલને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે દિવસે બોલાચાલી થઇ એના બીજા જ દિવસે મારા પિતા મંદિરે ગયા પછી પાછા આવ્યા નથી અને મારા પિતાશ્રીને મારવામાં તેજપાલ રાજવંશનો જ હાથ હતો." દિનેશભાઇએ એમના પિતા રમણીકભાઇની ગાયબ થવાની વાત વિસ્તૃતપણે કહી હતી.
"તમારી પાસે કોઇ પુરાવા કે કોઇ ગવાહ છે કે તમે કહેલી વાત સાચી છે એ વાતની પુષ્ટિ કરે." ઇન્સ્પેક્ટર પટેલે દિનેશભાઇને પૂછ્યું હતું.
"પુરાવા અને ગવાહ શોધવાનું કામ પોલીસનું છે, મારું નથી. જેમ તેજપાલના કાગળ ઉપર વિશ્વાસ રાખી તમે અમારી પૂછપરછ કરો છો જ્યારે મેં તો આ જ પોલીસ સ્ટેશનમાં એના વિરૂદ્ધ FIR લખાઇ હતી અને એ વાતને પણ બે વર્ષ ઉપર થયા, છતાંય પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી અને અત્યારે તેજપાલ રાજવંશ જેવા ગુંડા અને છેતરપિંડી કરનાર ખૂની માણસના મોત માટે અમારા ઉપર શંકા કરી એના વકીલ બનીને અમારી પૂછપરછ કરો છો." દિનેશભાઇ ખૂબ તપી ગયા હતાં.
"જુઓ મિસ્ટર દિનેશ, અમે કોઇની તરફેણમાં કે વિરૂદ્ધમાં નથી અને અમને અમારું કામ તમારે શીખવાડવાની જરૂર નથી. તમે પોલીસને જો સહકાર નહીં આપો તો એના પરિણામ તમારે માઠા ભોગવવા પડશે અને એમાં પણ મારા જેવા કડક પોલીસ ઇન્સ્પેક્ટરની સામે આવા પ્રકારની વાહિયાત વાત કરશો તો હું ચલાવી નહીં લઉં. તમે કરોડપતિ હશો તો તમારા ઘરમાં હશો. અમારા માટે દેશના બધાં નાગરિક એકસમાન છે." ઇન્સ્પેક્ટર પટેલે પાન મોંઢામાં મુકતા ગુસ્સાથી દિનેશભાઇને કહ્યું હતું.
ઇન્સ્પેક્ટર પટેલને ગુસ્સે થયેલા જોઇ દિનેશભાઇના વકીલે એમને શાંત રહેવા કહ્યું હતું.
"દિનેશભાઇ, તમારા નાના ભાઇ જગદીશ જોડે તમારો પ્રોપર્ટીની તકરારનો કેસ ચાલી રહ્યો છે, આ વાત સાચી છે?" હરમને સવાલોનો દોર ફરી શરૂ કરતા દિનેશભાઇને પૂછ્યું હતું.
"હા, ચાલી રહ્યો છે. પરંતુ આ કેસ સાથે એ કેસને શું લેવાદેવા અને મારો ભાઇ જગદીશ જે પ્રોપર્ટી ઉપર હક કરે છે એ પ્રોપર્ટી મારી ખુદની ઊભી કરેલી છે." દિનેશભાઇ હજી ગુસ્સામાં જ જવાબ આપી રહ્યા હતાં.
"જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, હું રમણીકભાઇનો વર્ષોથી વકીલ છું. રમણીકભાઇએ જે ધંધો ચાલુ કર્યો એ ધંધો દિનેશભાઇએ ખૂબ વધાર્યો છે. જગદીશ એમનાથી દસ વર્ષ નાનો છે અને ધંધામાં બહુ પાછળથી આવ્યો છે. એ ધંધામાં દિનેશભાઇ સાથે પચાસ-પચાસ ટકાના ભાગમાં છે અને એમાં દિનેશભાઇને અને એને કોઇ વાંધો નથી. પરંતુ એ ધંધામાં આવ્યો એ પહેલા દિનેશભાઇએ લીધેલી પ્રોપર્ટી જે દિનેશભાઇની માલિકીની છે. બસ, આટલી વાત જગદીશ સમજવા તૈયાર નથી." દિનેશભાઇની વકીલે ઇન્સ્પેક્ટર પટેલ સામે જોઇ કહ્યું હતું.
"સારું તો દિનેશભાઇ, આજના માટે તમારી આટલી પૂછપરછ કાફી છે, પરંતુ પોલીસને જ્યારે પણ તમારી જરૂર પડશે ત્યારે તમને પૂછપરછ માટે બોલાવી શકે છે." ઇન્સ્પેક્ટર પટેલે દિનેશભાઇ સામે જોઇ કહ્યું હતું.
દિનેશભાઇ અને એમના વકીલ ઊભા થતા હતાં એવામાં જ હરમને દિનેશભાઇને એક સવાલ પૂછ્યો હતો.
"દિનેશભાઇ, આપ લાયસન્સ વાળી રિવોલ્વર રાખો છો?" હરમને પૂછ્યું હતું.
દિનેશભાઇ આ બાબતે મૌન રહ્યા પરંતુ એમના વકીલે આ સવાલના જવાબમાં હા પાડી.
"કાલે આપ આપની રિવોલ્વર લઇ પોલીસ સ્ટેશને આવી જજો." હરમને ઇન્સ્પેક્ટર પટેલ સામે જોયા વગર દિનેશભાઇને કહી દીધું હતું.
દિનેશભાઇના ગયા બાદ ઇન્સ્પેક્ટર પટેલે હરમન સામે જોયું હતું.
"હરમન, દિનેશભાઇ લાયસન્સ વાળી રિવોલ્વર રાખતા હશે એવું તને શેના ઉપરથી લાગતું હતું?" ઇન્સ્પેક્ટર પટેલે હરમનને પૂછ્યું હતું.
"દિનેશભાઇ જ્યારથી અહીં પોલીસ સ્ટેશનમાં આવ્યા ત્યારથી ગુસ્સાથી વાત કરતા હતાં. જે રીતનો એમનો સ્વભાવ છે એ પ્રમાણે એમણે ઘણાંબધાં લોકોને પોતાના દુશ્મન બનાવ્યા હશે એવી ધારણાના આધારે મેં આ સવાલ પૂછ્યો હતો અને એ તરત જવાબ આપવાના બદલે મૌન રહ્યા હતાં અને એમના બદલે એમના વકીલે જવાબ આપ્યો. આ ઉપરથી બે વાત સાબિત થાય છે. એક તો, એ રિવોલ્વર રાખે છે એની જાણ એમના અને એમના વકીલ સિવાય કોઇને નહીં હોય અને બીજું, બની શકે કે તેજપાલ રાજવંશનું ખૂન એમની રિવોલ્વરથી થયું હોય." હરમને ઇન્સ્પેક્ટર પટેલને એની વાતથી વિચારતા કરી દીધા હતાં.
ક્રમશઃ...
(વાચકમિત્રો, ડરનું તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)