Darr bu tandav - 5 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ડરનું તાંડવ - ભાગ 5

The Author
Featured Books
Categories
Share

ડરનું તાંડવ - ભાગ 5

ડરનું તાંડવ

ભાગ-5

ગોળીબારથી ચેતવણી


હરમન હસતાં-હસતાં જમાલે પૂછેલા સવાલોનો જવાબ આપી રહ્યો હતો.

"જમાલ, મેં તેજપાલને બધી વાત કહી દીધી એનું સીધું કારણ એ છે કે તેજપાલ પોતે રમણીકભાઇ એની પત્ની વિશે આ બંન્ને મુદ્દાઓથી તો એ વાકેફ હતો જ, પરંતુ સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે કે નહિ એ વાતની એને જાણ છે કે નહિ એનું નિરીક્ષણ મારે એના મોંઢાના હાવભાવ ઉપરથી કરવું હતું. માટે એ જાણતો હતો એ વાતની સાથે-સાથે સુરેન્દ્ર મજમુદારની વાત પણ રજૂ કરી દીધી. પરંતુ એના મોંઢાના હાવભાવ ઉપરથી એ ચોક્કસ જાણતો ન હતો કે સુરેન્દ્ર મજમુદાર એનાથી ડરે છે. ઘણીવાર આંટીઘૂંટી કર્યા વગર વાત સીધી કહી દઇએ તો કામ સરળ બની જતું હોય છે." હરમને ગાડી ઓફિસના પાર્કીંગમાં પાર્ક કરી અને ગાડીમાં બહાર નીકળ્યો હતો.

હરમન અને જમાલ જેવા ગાડીમાંથી બહાર નીકળ્યા એવું તરત જ કોઇએ એમના ઉપર બંદૂકની ગોળી છોડી હતી. ગોળી હરમનની બાજુમાંથી પસાર થઇ અને ગાડીના કાચને તોડીને અંદર પ્રવેશી ગઇ. હરમન અને જમાલ દોડીને ગાડીની પાછળ સંતાઇ ગયા હતાં. જમાલે કમર ઉપર લટકાવેલી રીવોલ્વર કાઢી. બંન્ને જણ હજી બંદૂકથી સામો પ્રહાર કરે એ પહેલા જ બીજી ગોળી છૂટી અને એમના તરફ આવી. બંન્નેએ માથું નીચું નમાવી દીધું. જમાલે ગોળી છોડનાર સામે નિશાનો લીધો અને એ બંદૂકનું ટ્રીગર દબાવવા જાય એ પહેલા જ બ્લેક કપડામાં બાઇક ઉપર બેઠેલ ગોળી છોડનાર વ્યક્તિ બાઇક ઉપર ભાગી ગયો. હરમન અને જમાલ ગાડીની પાછળથી ઊભા થયા અને લીફ્ટ તરફ જવા લાગ્યા.

"બોસ, પોલીસ ફરિયાદ કરવી પડશે. ત્રણ વર્ષ પહેલા આ બંદૂક લીધી હતી. આજે પહેલીવાર કમર ઉપરથી કાઢવી પડી. આપણા ઉપર આ ગોળીબાર સુરેન્દ્ર મજમુદારના કેસના કારણે જ થયો છે." જમાલે હરમન સામે જોઇ તરત પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

બંન્ને લીફ્ટમાંથી બહાર નીકળી ઓફિસમાં પ્રવેશ્યા હતાં.

"આ ગોળીબાર આપણને મારવા માટે નહિ, પરંતુ આ કેસ છોડવાની ચેતવણી આપવા માટેનો હતો. પોલીસ ફરિયાદ કરીશું તો પોલીસ હજાર સવાલ આપણને પૂછશે અને આપણી પાસે એકેય સવાલના જવાબ નહિ હોય. માટે પોલીસ ફરિયાદ કરવાનો વિચાર છોડી દે. હવે એ વિચાર કે આ ગોળીબાર આપણા ઉપર કોણે કરાવ્યો?" હરમને જમાલને સવાલ પૂછ્યો અને એ પોતે પણ થયેલા ગોળીબાર વિશે ઊંડા વિચારે ચઢી ગયો હતો.

"બોસ, આ ગોળીબાર પેલા બાંગ્લાદેશી અબ્દુલે કરાવ્યો લાગે છે. એના મનમાં ડર ઘુસી ગયો હશે કે તમે એને પકડાવી દેશો." જમાલે ગોળીબાર વિશે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું.

"તારી વાત સાચી હોય તો સારું છે. પરંતુ જો એના સિવાય બીજા કોઇએ કરાવ્યો હોય તો એટલું ચોક્કસ સમજી જજે કે આ કેસ ખૂબ ગરમ છે. કોઇ વ્યક્તિ આ કેસમાં એવી સંકળાયેલી છે કે જે નથી ઇચ્છતી કે આપણે સત્ય સુધી પહોંચી શકીએ." હરમને ખૂબ વિચારીને જમાલને કહ્યું હતું.

"મને તો એ જ સમજાતું નથી કે આ કેસમાં વિચારવા જેવું શું છે? સુરેન્દ્ર મજમુદારને ફોન કરીને કહી દો કે તમે હવે નિર્ભય થઇને ઘરની બહાર ફરો. અમે તેજપાલ રાજવંશ જોડે મળીને વાતચીત કરી લીધી છે. એની દાનત તમારા પૈસા આપવાની ચોક્કસ નથી, પરંતુ ખૂન કરવાની દાનત છે નહિ." જમાલે કેસને ચપટીમાં ઉકેલી નાંખતો હોય એવી રીતે કહ્યું હતું.

"જમાલ, ઉપરવાળો જ્યારે બુદ્ધિ વહેંચતો હતો ત્યારે તું ક્યાં હતો?" હરમને હસીને જમાલને પૂછ્યું હતું.

"બોસ, મેં તો સાચી જ વાત કહી છે. આપણે જે કેસ માટે ગયા હતાં એ કેસનું સમાધાન થઇ ગયું. સુરેન્દ્ર મજમુદારને આ વાત કહી આપણી ફી લઇને આપણે છૂટા થઇએ." જમાલ બોલી રહ્યો હતો પરંતુ હરમન કોઇ બીજા વિચારમાં જ મગ્ન હતો.

"જમાલ, તને યાદ છે? પાંચ વર્ષ પહેલા આપણે એક જાસૂસને મળ્યા હતાં. એ જાસૂસ પણ હતો અને સીંગર પણ હતો. એનું નામ તને યાદ છે?" હરમને જમાલને ભૂતકાળની યાદ કરાવતા પૂછ્યું હતું.

"મારી પાસે મારી ડાયરીમાં લખ્યું હશે. હું થોડી મિનિટોમાં જોઇને કહું." આટલું બોલી જમાલ કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો.

હરમન પણ ઊભો થઇ આંટા મારવા લાગ્યો અને નામ વિચારવા લાગ્યો હતો. થોડી મિનિટો બાદ જમાલ કેબીનમાં અંદર આવ્યો એ જ વખતે હરમનના મગજમાં પણ ચમકારો થયો.

"જમાલ, તું બોલતો નહિ. હું તને એનું નામ કહું. એનું નામ જાસૂસ સંજય હતું. બરાબર છેને?" હરમને જમાલ સામે જોઇ પૂછ્યું હતું.

"બોસ, એકદમ બરાબર... જાસૂસનું નામ સંજય સુતરીયા હતું અને એ સીંગર પણ હતો. પરંતુ તેજપાલ રાજવંશે જે સંજય સુતરીયાનું નામ દીધું એ આપણે વિચારીએ છીએ એ જ જાસૂસ સંજય સુતરીયા છે એવું કઇ રીતે માની લેવાય?" જમાલે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"તારી વાત સાચી છે. જાસૂસ સંજય સુતરીયાનો મોબાઇલ નંબર તારી પાસે લખેલો હોય તો મને એ નંબર આપ." જમાલ મોબાઇલ નંબર લખીને જ લાવ્યો હતો. એણે મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી હરમનને આપી હતી.

હરમને જમાલે આપેલા મોબાઇલ નંબર ઉપર રીંગ કરી હતી. સામે છેડેથી ફોન ઉપડ્યો હતો.

"હલો... જાસૂસ સંજય સુતરીયા?"

"હા, કોણ બોલો?"

"હું જાસૂસ હરમન બોલું."

"અરે... હરમન, મારા મિત્ર, આટલા વર્ષે મને યાદ કર્યો!!!"

"હા, એક કામ આવી પડ્યું, એટલે તને યાદ કર્યો. મેં એક કેસ લીધો છે અને એ કેસ બાબતે તેજપાલ રાજવંશની પૂછપરછ કરતા તારું નામ સામે આવ્યું હતું. એ બાબતે મારે તને થોડી પૂછપરછ કરવી છે."

થોડીવાર માટે સંજય સુતરીયા ફોનમાં ચૂપ રહ્યો હતો.

"હરમન, હું તારા સવાલના જવાબ આપવા તૈયાર છું, પણ બધાં જ જવાબ તારે સાંભળીને તારે જે જરૂરિયાત હોય એ વિગત લઇને મારી સંડોવણી કોઇ જગ્યાએ ના થાય એનું ધ્યાન રાખીને તારે મારા દ્વારા મળેલી માહિતીનો ઉપયોગ કરવાનો રહેશે." સંજય સુતરીયાએ પાળ બાંધતા કહ્યું હતું.

"મને મંજૂર છે. તું મારી ઓફિસે આવી જા. આપણે અહીં બેસીને શાંતિથી વાત કરી લઇએ." હરમને તરત જવાબ આપ્યો હતો.

હરમને સંજયને પોતાની ઓફિસનું સરનામું વોટ્સએપ કર્યું. અડધો કલાકમાં જ સંજય હરમનની ઓફિસે આવી ગયો હતો.

સંજયને બેસવાનું કહી હરમને સંજય માટે ચા-નાસ્તો મંગાવ્યો હતો.

"સંજય, તેજપાલ રાજવંશ વિશે તું શું જાણે છે?" હરમને પૂછ્યું હતું.

"તેજપાલ રાજવંશની પત્ની અને હું કોલેજમાં સાથે ભણતા હતાં. એના મૃત્યુના છ મહિના પહેલા અમે પાછા પરિચયમાં આવ્યા હતાં. મને એની સાથે પ્રેમ થઇ ગયો અને અમે બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ બાબતની પરમીશન માટે હું એના પિતા દીપકભાઇને પણ મળી આવ્યો હતો. એ પણ ઇચ્છતા હતાં કે એમની દીકરી તેજપાલ જોડે છૂટાછેડા લઇ મારી જોડે લગ્ન કરે, પરંતુ જે દિવસે એનું ખૂન થયું એ દિવસે એણે મને સવારે ફોન કરી તેજપાલ અમારા બંન્નેના રીલેશન વિશે બધું જાણી ગયો છે એવું જણાવ્યું હતું અને એટલે એ તેજપાલનું ઘર છોડીને કાયમ માટે એના પિતા દીપકભાઇના ઘરે રહેવા જઇ રહી છે આટલું એણે મને ફોનમાં જણાવ્યું હતું." સંજયે ચાનો કપ હાથમાં લેતા કહ્યું હતું.

"એનું ખૂન જ થયું છે અને આત્મહત્યા નથી એવું તું છાતી ઠોકીને કઇ રીતે કહી શકે?" હરમને સેન્ડવીચનો એક પીસ હાથમાં લેતા સંજયને પૂછ્યું હતું.

"હરમન, તું પણ કેવી વાત કરે છે? અમે બંન્ને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમે બંન્ને એકબીજાથી ખૂબ ખુશ હતાં. અમે અમારા સોનેરી ભવિષ્યના સપના જોવા લાગ્યા હતાં અને એ ફોન કરીને મને ખુશીથી જણાવે છે કે તે હવે ઘર છોડીને ખુશીથી જઇ રહી છે, તો તું જ વિચારને કે દોઢ કલાકમાં એવું તો શું બન્યું હોય કે એણે આત્મહત્યા કરવી પડી હોય? આ આત્મહત્યા નથી, ખૂન જ છે. મેં ખૂબ તપાસ કરી, પરંતુ ખૂન તેજપાલે જ કર્યું છે અથવા તો કરાવ્યું છે એવા કોઇ પુરાવા મને મળ્યા નહિ. પોલીસે તો ખાસ કશી તપાસ કરી જ ન હતી, કારણકે તેજપાલે પૈસા ખવડાવી પોલીસવાળાઓને ખરીદી લીધા હતાં અને જે રીતે બને છે એ રીતે એ એની પત્નીનો ખૂની હોવા છતાં કોર્ટમાં નિર્દોષ છુટી ગયો." સંજયે કહ્યું હતું.

"મારા ઉપર આજે ગોળીબાર કરવામાં આવ્યો હતો. નીચે પાર્કીંગમાં જ મારા ઉપર આજે બે ગોળી છોડવામાં આવી હતી. એ વખતે જ હું સમજી ગયો હતો કે કેસ ગંભીર છે." હરમને સંજય સામે જોઇ કહ્યું હતું.

"ચોક્કસ તેજપાલ રાજવંશે આ ગોળીબાર કરાવ્યો હશે." સંજયે ચોંકી જઇને કહ્યું હતું.

"હરમન, તારે તેજપાલ રાજવંશની જરૂરિયાત કઇ રીતે પડી?" સંજયે હરમનને પૂછ્યું હતું.

સંજયના સવાલનો જવાબ સવિસ્તારપણે હરમને એણે આપ્યો હતો.

"સુરેન્દ્ર મજમુદારનો ડર ખોટો નથી. તેજપાલ ગમે તેનું ખૂન કરી શકે એમ છે. દારૂના વ્યસનના કારણે એ માનસિક રીતે વિકૃત બની ગયો છે." સંજયે હરમનની વાત સાંભળ્યા બાદ જવાબ આપતા કહ્યું હતું.

ક્રમશઃ ...

(વાચકમિત્રો, ડરનું તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)