ઈશાન અને તેની મોમ ખૂબજ ચિંતામાં મૂકાઈ ગયા હતા ઈશાન વિચારી રહ્યો હતો કે, અરે બાપ રે, આ શું થઈ ગયું ? મને જે વાતનો ડર હતો તેવું જ થયું માટે જ હું તેને એકલી છોડવા નહતો માંગતો. ઑ માય ગોડ, હવે આને ક્યાં શોધવી?
અને મનમાં ને મનમાં બબડતો હતો કે, મારો ભગવાન રિસાઈ ગયો છે કે શું મારાથી, હું એક બગડેલી બાજી સુધારવા જવું ત્યાં તો બીજી બાજી બગડી જાય છે. હવે આ નમીતાનું શું કરવું ?
એકસાથે આવા અનેક વિચારો ઈશાનના મનને ઘેરી વળ્યા. શું કરવું ક્યાં જવું ? કંઈ સમજમાં આવે તે પહેલા તો ઈશાનના સેલફોનમાં રીંગ વાગે છે અને નમીતા વિશે જ ફોન હોય છે. ઈશાન નમીતા વિશેની વાત સાંભળીને ચોંકી ઉઠે છે.
ઈશાનના સેલફોનમાં નમીતાના હાઉસમાં જે વ્યક્તિ ભાડે રહે છે તેમનો ફોન હતો. તેમના કહેવા પ્રમાણે નમીતા ટેક્ષી ભાડે કરીને ત્યાં પોતાના ઘરે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને જોર જોરથી બૂમો પાડી પાડીને તેના ભાડુઆતને ઘરમાંથી બહાર નીકળવાનું કહી રહી હતી અને તેમને ધમકી પણ આપી રહી હતી કે, "જો તમે અત્યારે ને અત્યારે આ ઘરમાંથી બહાર નહીં નીકળો તો હું પોલીસ કમ્પલેઈન કરીશ અને તમને જેલમાં પુરાવી દઈશ પણ આજે ને આજે જ હું તમને મારા ઘરમાંથી બહાર કાઢીને જ જંપીશ."
નમીતાના આવા સમાચાર સાંભળીને ઈશાનના તો હોશ કોશ જ ઉડી ગયા હતા પરંતુ નમીતા પાસે ખૂબજ જલ્દીથી પહોંચવું પણ ખૂબજ જરૂરી હતું તેથી એક ક્ષણની પણ રાહ જોયા વગર તે પોતાની કારની ચાવી હાથમાં લઈને ભાગ્યો અને રસ્તામાં તેણે નમીતાના કન્સલ્ટિંગ ડૉક્ટર સાથે પણ વાત કરી અને નમીતાના આ તોફાનની વાત કરીને તેને કઈ દવા આપવી તે પણ પૂછી લીધું
નોન સ્ટોપ કાર ચલાવીને તે નમીતાના ઘરે પહોંચી ગયો.
ત્યાં જઈને તેણે પહેલા તો નમીતાને પાણી પીવડાવ્યું અને ખૂબજ પ્રેમથી તેને શાંત પાડવાની અને સમજાવવાની કોશિશ કરી પરંતુ નમીતા કોઈની પણ વાત સાંભળવા કે માનવા બિલકુલ તૈયાર ન હતી.
છેવટે તેણે નમીતાને જોરથી એક લાફો મારી દીધો પછી નમીતા થોડી શાંત પડી અને ત્યારબાદ ઈશાને તેને ફરીથી શાંતિથી પ્રેમથી સમજાવવાની કોશિશ કરી કે, "આ ઘર તારું જ છે જે તને જ મળવાનું છે પરંતુ અત્યારે તે રેન્ટ ઉપર આપેલું છે જે બને તેટલું જલ્દીથી આપણે ખાલી કરાવી દઈએ છીએ અને પછીથી તું શાંતિથી અહીં તારા ઘરમાં રહેજે હું તને રહેવા દઈશ પણ અત્યારે તું શાંત રાખ."
ઈશાને નમીતાને સમજાવીને પોતાની કારમાં બેસાડી અને તેને પોતાના ઘરે લઈ આવ્યો ત્યારબાદ ડૉક્ટર સાહેબના જણાવ્યા મુજબની દવા તેને આપી દીધી અને તેને તેના રૂમમાં લઈ જઈને સુવડાવી દીધી.
લગભગ અડધો કલાકમાં નમીતા ઘસઘસાટ સૂઈ ગઈ અને ત્યારબાદ ઈશાને થોડી રાહત અનુભવી.
થોડી વાર ઈશાન રિલેક્સ થયો અને એટલામાં તેના સેલફોનમાં અપેક્ષાનો ફોન આવ્યો જેને ઈશાન એવું કહીને આવ્યો હતો કે તે ઘરે જઈને દશ પંદર મિનિટમાં જ પાછો સ્ટોર ઉપર આવે છે.
અપેક્ષા છેલ્લા એક કલાકથી ચાતકની જેમ ઈશાનની રાહ જોઈ રહી હતી અને થોડા નારાજગી ભર્યા અને દુઃખી અવાજે જ તે ઈશાનને પૂછી રહી હતી કે, તે સ્ટોર ઉપર જવાનો પણ છે કે નથી જવનો ?
ઈશાને અપેક્ષાને નમીતાએ કેવું તોફાન કર્યું તે વાત જણાવી ત્યારે અપેક્ષાને ખરેખર સમજાયું કે, કદાચ તેથી જ ઈશાન નમીતાને એકલી મૂકવા નથી માંગતો અને તેને ઈશાનની ખરેખર દયા આવી ગઈ.
થોડીવાર પછી ઈશાન જરા રિલેક્સ થયો અને સ્ટોર ઉપર પહોંચી ગયો અને અપેક્ષાની સાથે તેણે નમીતાની તબિયત વિશે ચર્ચા કરી તેને એ ચિંતા હતી કે નમીતા હવે પછી ફરીથી વારંવાર આવું તોફાન તો નહીં કરેને ?
અપેક્ષાએ તેને પાછી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી. પણ ઈશાનનું મન તેમ કરવા માટે માનતું ન હતું.
હવે ઈશાન નમીતા માટે શું નિર્ણય કરે છે આપણે આગળના ભાગમાં જોઈશું....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/1/22