Prayshchit - 75 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 75

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 75

પ્રાયશ્ચિત પ્રકરણ 75

આઇસ્ક્રીમ વિશેની કેતનની મજાક સાંભળીને જાનકી પણ હસી પડી જ્યારે ખરેખર ફ્રીજમાંથી આઈસ્ક્રીમ નીકળ્યો !

" તમે વળી ક્યારે આઈસ્ક્રીમ લઇ આવ્યા ? " જાનકીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

" એ આપણા જયેશભાઈની મહેરબાની છે. કેટલો બધો ખ્યાલ રાખે છે એ આપણો ? " કેતન બોલ્યો.

" અરે સાહેબ શું કામ મશ્કરી કરો છો ? બહુ નાનો માણસ છું. તમે અમારી જિંદગી બનાવી દીધી તો ખ્યાલ તો રાખવો જ પડે ને !! " જયેશ નમ્રતાથી બોલ્યો.

જાનકી ત્રણ બાઉલમાં આઈસ્ક્રીમ લઈને આવી અને દરેકના હાથમાં આપ્યો. રસોડામાં જઇને એણે જશીને પણ આપ્યો. એક બાઉલ પોતે લીધો.

" શાહ સાહેબ કેતનભાઇ શેઠ હવે નવા બે પ્રોજેક્ટ કરી રહ્યા છે. બહારગામથી જામનગર ભણવા આવતી તમામ વિદ્યાર્થીનીઓ માટે એક મોટું કન્યા છાત્રાલય બનાવે છે. જ્યાં રહેવા જમવાનું પણ એકદમ ફ્રી રહેશે. ૧૦૦ કન્યાઓ આ છાત્રાલયમાં રહી શકશે. "

" બહુ ઉમદા વિચાર છે કેતન સાહેબ તમારો." શાહ સાહેબ બોલ્યા.

" બીજો પ્રોજેક્ટ વૃદ્ધાશ્રમનો છે. એ આશ્રમમાં સિનિયર સિટીઝન માટે ગાર્ડન અને લાઇબ્રેરી પણ બનશે. સાથે યોગા અને મેડિટેશન હોલ પણ બનશે જેમાં અવારનવાર સત્સંગનું આયોજન પણ થશે. હું કાલથી જ આ બે પ્રોજેક્ટ માટે જગ્યા શોધવાનું ચાલુ કરું છું. " જયેશ ઉત્સાહથી બોલ્યો.

" આ ઉંમરે તમે લોકોના કલ્યાણ માટે આટલું બધું વિચારો છો એ ખરેખર આશ્ચર્યની વાત છે. દાનેશ્વરી કર્ણની વાતો મહાભારતમાં વાંચી છે પરંતુ આજના યુગમાં તમે એનાથી જરા પણ કમ નથી. " શાહ સાહેબ ખરેખર આ બધું સાંભળીને પ્રભાવિત થઈ ગયા હતા.

" તમે માનો છો એવું કંઈ જ નથી શાહ સાહેબ. મારાથી જેટલું થઈ શકે એટલું કરું છું. અને મારા જીવતાં મારા સગા હાથે જ આ બધું કરવા માગું છું. મને નામ અને પ્રતિષ્ઠાનો કોઈ જ મોહ નથી. જન સેવા એ જ પ્રભુસેવા એ મારો મંત્ર છે. "

" હું પોતે મેનેજમેન્ટનો માણસ છું. મારો વિષય કોમર્સ હતો. મેડિકલ લાઈનમાં મને કંઈ ગતાગમ પડતી નથી. એટલે હોસ્પિટલની માયામાંથી હવે મુક્ત થઈ ગયો અને બધું તમને સોંપી દીધું. માલિકીપણાની ભાવના અભિમાન પેદા કરે છે સાહેબ" કેતન બોલ્યો.

કરોડોની હોસ્પિટલનો માલિક આવી વાત કરે એ શાહ સાહેબની સમજની બહાર હતું !!

" હવે તમારે જવું હોય તો જઈ શકો છો સાહેબ. બસ આ ચર્ચા કરવા માટે જ તમને બોલાવ્યા હતા. " કેતન બોલ્યો એટલે શાહ સાહેબ ઉભા થયા. કેતને એમની દરવાજા સુધી વિદાય આપી.

" જયેશભાઈ કન્યા છાત્રાલય અને વૃદ્ધાશ્રમનો નવો જે પ્રોજેક્ટ આપણે કરીએ છીએ એનું તમામ કામકાજ વિવેક કાનાણીને આપજો. એ સિવિલ એન્જિનિયર છે અને હોસ્પિટલ નું રીનોવેશન એણે ખૂબ જ સારી રીતે સંભાળ્યું હતું. " કેતન બોલ્યો.

" જી... શેઠ " જયેશ બોલ્યો.

" પ્રશાંત ને હોસ્પિટલની ફાઈલ આપી દેજો. પ્રશાંત હોસ્પિટલ સપ્લાય અને કૌશલ મેડિકલ સ્ટોર સપ્લાય સંભાળશે. આમ પણ પ્રશાંત માર્કેટિંગનો માણસ છે."

" અને કાજલને કહી દેજો કે શાહ સાહેબનો સેલેરી આવતીકાલની ઈફેક્ટ થી ૫૦% વધારી દે. નવો સુધારો બેંકને પણ જણાવી દે. " કેતન બોલ્યો.

" જી શેઠ. એ બધું હું કરી દઈશ. "

" અને તમે કાલે માળીને જરા મોકલી આપો ને ! મારે ગાર્ડનમાં કેટલાક ફૂલ છોડ ઉગાડવા છે. તુલસીના રોપા પણ લગાડવા પડશે. એને એ પણ કહી દેજો કે રેગ્યુલર ગાર્ડનને મેન્ટેન કરે ! " કેતને સૂચના આપી.

" હા શેઠ હું કાલે સવારે જ માળીને મોકલી આપું છું. " જયેશ બોલ્યો.

" બસ તો હવે નીકળો. આજે રજાના દિવસે પણ મેં તમારો ટાઈમ લીધો."

" શેઠ એવું ના બોલશો. આ તો મારું ઘર છે. ચાલો હું જાઉં. " કહીને જયેશ ઉભો થઇ ગયો.

એ ગયો પછી જાનકી બહાર આવી.

" આજે તો તમે બહુ જ બીઝી થઈ ગયા. મીટીંગો પણ લાંબી ચાલી. " જાનકી બોલી.

"હા જાનકી કેટલાક નવા પ્રોજેક્ટ વિચારી રહ્યો છું એટલે સ્ટાફની થોડીક ફેરબદલની ચર્ચા કરી રહ્યો હતો. એક કન્યા છાત્રાલય માટે ગંભીરતાથી વિચારી રહ્યો છું અને એક વૃદ્ધાશ્રમ બનાવવાની પણ મને ધ્યાનમાં પ્રેરણા મળી છે. " કેતન બોલ્યો.

" હા તમારો વિચાર તો સારો છે. પણ તમે બધી જગ્યાએ પહોંચી વળશો ? " જાનકીએ પૂછ્યું.

" જો જાનકી આટલી મોટી હોસ્પિટલ પણ વ્યવસ્થિત રીતે એની મેળે ચાલે જ છે ને ? આપણે હોસ્પિટલ જઈએ છીએ તો પણ આપણે શું કરીએ છીએ ? ખાલી આપણી હાજરી જ પુરાવીએ છીએ ને ? એટલે બહુ ચિંતા નહીં કરવાની. જેણે સૃષ્ટિનું સર્જન કર્યું એ જ આ બધું આપણી પાસે કરાવી રહ્યો છે. " કેતન બોલ્યો.

" તમને જેમ યોગ્ય લાગે તેમ કેતન. હું તો જસ્ટ વાત કરું છું. "

કેતન અને જાનકી આ રીતે સોફા પર બેસીને વાતો કરી રહ્યાં હતાં ત્યાં ૫૫ વર્ષ ની આસપાસ ની એક વ્યક્તિ અને એમની દીકરીએ કેતનના દરવાજે આવીને ડોરબેલ દબાવ્યો.

" હું અંદર આવું સાહેબ ? " પેલા ભાઇએ કેતનને જોઇને પૂછ્યું.

" હા હા આવોને અંકલ ! " કેતને હસીને આવકાર આપ્યો અને બેસવાનું કહ્યું.

" જી મારું નામ કિરણ પંચમતિયા. આ મારી દીકરી આનલ. અમે લોકો પણ આ જ સોસાયટીમાં રહીએ છીએ ૩૦ નંબરના બંગલામાં. જે દિવસે તમારુ વાસ્તુ હતું એ દિવસે અમારું પણ વાસ્તુ હતું. આખી સોસાયટી માં બીજું કોઈ હજુ રહેવા આવ્યું નથી એટલે એમ થયું કે તમારો પરિચય કરીએ. " કિરણભાઈ સોફા ઉપર બેસતાં બોલ્યા,

" તે દિવસે તમારું વાસ્તુ હતું એ દિવસે મારી દીકરીએ તમને જોયેલા અને એ ઓળખી ગઈ કે તે દિવસે ટીવીમાં જોયેલા એ જ સાહેબ અહી રહેવા આવ્યા છે. એટલે આજે એ જ મને અત્યારે આગ્રહ કરીને લઈ આવી. એ મેડિકલ કોલેજના બીજા વર્ષ માં છે. " કિરણભાઈ એ કહ્યું.

" નમસ્તે અંકલ " આનલ બોલી.

" જી નમસ્તે. મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે જણાવજો. તમને લોકોને મળીને આનંદ થયો. પાડોશી તો પહેલું સગું ગણાય. " કેતન બોલ્યો.

" મારો અંબર સિનેમા રોડ ઉપર રેડીમેડ કપડાંનો શો રૂમ છે. આનલ કહેતી હતી કે નવી હોસ્પિટલ બની એ તમારી છે. " કિરણભાઈ બોલ્યા.

" જી કિરણભાઈ. અરે જાનકી આ લોકોને આઈસક્રીમ આપ ને. પહેલીવાર આપણા ઘરે આવ્યા છે. " કેતન બોલ્યો.

" અરે ના ના સાહેબ અમે તો જસ્ટ પરિચય કરવા જ આવ્યા છીએ. તમે કોઈ તકલીફ ના લેશો. "

" તકલીફનો કોઈ સવાલ જ નથી વડીલ. આઇસ્ક્રીમ ઘરમાં જ છે. તમને ચા ફાવતી હોય તો ચા બનાવી દે. " કેતન બોલ્યો.

" ઠીક છે. ચા બનાવવાની માથાકૂટ ના કરશો. આઇસ્ક્રીમ ચાલશે. " કિરણભાઈ બોલ્યા.

જાનકી એ પ્રમાણ શીખવાડી દીધેલું એટલે જશી જ બાઉલમાં આઈસક્રીમ કાઢીને લઈ આવી.

" તમે સુરતના છો એવું ટીવી ઉપર તે દિવસે આનલે સાંભળેલું. " કિરણભાઈ બોલ્યા.

" હા વડીલ. અત્યાર સુધી પટેલ કોલોની માં ભાડે રહેતો હતો. "

" તમે ફર્નિચર ખુબ જ સરસ કરાવેલું છે. અમે જરૂર પૂરતું ફર્નિચર તૈયાર જ ખરીદ્યું છે. તમે તો ગાર્ડન પણ બનાવી દીધો છે. " કિરણભાઈ કેતનના બંગલાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

" આન્ટીને પણ લઈ આવવા હતા ને ?"
જાનકી બોલી.

" એ પણ ક્યારેક આવશે. અત્યારે તો સાંજે રસોઈ કરવાની હોય ને. ચાલો હવે હું રજા લઉં. તમે પણ ઘરે પધારો. એ બહાને પરિચય વધશે. " કિરણભાઈ ઉભા થતાં બોલ્યા.

" આનલ તું આવતી જતી રહેજે. મને પણ થોડી કંપની રહેશે. તારું નામ મને બહુ ગમ્યું. ઉનાળામાં મારા નણંદ શિવાનીબેન પણ અહીંયા રહેવા આવી જશે પછી તારી કંપની એમને પણ ગમશે. એ તારી જ ઉંમરનાં છે. " જાનકી બોલી.

" ચોક્કસ આવીશ. તમારું નામ શું ?"

" જાનકી. " જાનકી બોલી.

" તમારું નામ પણ ખૂબ સરસ છે જાનકીબેન. " આનલ હસીને બોલી અને એ લોકો પોતાના ઘરે ગયાં.

" તમે બહાર ગાર્ડન માટે હવે હિંચકો મંગાવી લો. આપણે રહેવા આવી ગયાં છીએ એટલે ડીલીવરી લેવામાં કોઈ વાંધો નથી. રોડ ઉપરનું મકાન છે એટલે બહાર ખુલ્લામાં બેસીએ તો ટાઈમ પણ પસાર થાય. " જાનકીએ કહ્યું.

" હા એ તેં સારું યાદ કરાવ્યું. હું અત્યારે જ જયેશભાઇને ફોન કરી દઉં છું. હીંચકો કાલ સુધીમાં આવી જશે. મેં જયેશભાઇને માળીનું પણ કહ્યું છે. એ મહેદીની વાડ પણ સરખી કરી દેશે. નવું ઘાસ પણ ઊગાડશે અને તુલસીની સાથે કેટલાક ફૂલોના છોડ પણ રોપી દેશે. " કેતન બોલ્યો.

" હા એ વિચાર તમને સારો આવ્યો." જાનકી બોલી.

સાંજે સાત વાગ્યે રીક્ષા કરીને દક્ષાબેન રસોઇ કરવા માટે આવી ગયાં. આવતી વખતે એ શાકભાજી આદુ મરચાં મીઠો લીમડો ધાણાભાજી વગેરે લેતાં આવ્યાં. જુના બંગલે પણ શાકભાજી દક્ષાબેન જ લાવતાં. કેતન એમને પૈસા આપી દેતો.

" બોલો બેન આજે શું રસોઈ બનાવું ?"
દક્ષાબેને જાનકીને પૂછ્યું.

" તમને જે યોગ્ય લાગે તે બનાવો માસી. તમારા હાથનું બધું જ અમને ભાવે છે. ક્યારેક કંઇક સ્પેશિયલ ખાવાની ઈચ્છા થશે તો અમે તમને ચોક્કસ કહીશું. " જાનકી બોલી.

દક્ષાબેને રસોઈ બનાવી લીધી અને કેતન તથા જાનકીએ જમી લીધું એ પછી વાસણ તેમજ કચરા પોતું કરીને જશી પણ એના ઘરે ગઈ. એનું કામ પણ એ લોકોને ગમ્યું.

" હમણાં તો ઠંડી પણ બહુ પડે છે કેતન." રાત્રે સૂતી વખતે જાનકી બોલી.

" હિમાલય બાજુ હિમવર્ષા થાય એટલે આપણા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે. અમારા શિકાગોમાં ઘણી ઠંડી પડતી હતી. એની સરખામણીમાં તો આ ઠંડી કંઈ જ નથી. " કેતન બોલ્યો.

" લોકો લગ્ન કરીને શિમલા મનાલી નૈનીતાલ કે સ્વિટ્ઝર્લેન્ડ કેમ જાય છે ?
અને હનીમૂન માટે ઠંડી સીઝન સૌથી શ્રેષ્ઠ ગણાય છે એવું અનુભવી વડીલો પણ કહે છે. " કેતન બોલ્યો.

" જાઓ ને હવે. કયા વડીલો તમને આવી શિખામણ આપવા માટે આવ્યા ? અને હવે હનીમૂન હનીમૂન ક્યાં સુધી કહ્યા કરશો ? બે મહિના પૂરા થશે. " જાનકી બોલી.

" લગ્નનું પહેલું વર્ષ આખું હનીમૂન વર્ષ ગણાય. " કેતન બોલ્યો.

" એ પણ તમારા વડીલોએ કહેલું ? "

પણ પછી સંવાદો ઓછા થતા ગયા અને સાંનિધ્ય વધતું ગયું. કેતન અને જાનકી એકબીજામાં ખોવાઈ ગયાં.

રાબેતા મુજબ સવારે વહેલા ઊઠીને એણે ધ્યાન કર્યું. એ પછી નાહીધોઈને એ ફ્રેશ થઈ ગયો ત્યારે સાડાસાત થઈ ગયા હતા. જાનકી ચા બનાવવાનું વિચારતી હતી ત્યાં જ દક્ષાબેન આવી ગયાં.

હોસ્પિટલે હવે જવાની જરૂર ન હતી. ઓફિસમાં એનું પોતાનું કોઈ કામ ન હતું. કેતન અત્યારે એક એવી નિવૃત્તિની સ્થિતિમાં હતો કે એણે માત્ર વિચારવાનું જ હતું અને પ્રવૃત્તિઓ એની મેળે થયા કરતી હતી. એ હાજરી આપે કે ના આપે કોઈ ફરક પડવાનો ન હતો. પ્રવૃત્તિઓને એણે ગતિમાં મૂકી દીધી હતી અને પોતે એનો માત્ર દૃષ્ટા હતો !!

કેતનના આદેશ માત્રથી જયેશ ઝવેરી એક્શન માં આવી જતો હતો. એ એક પ્રમાણિક માણસ હતો અને કેતનને ખૂબ જ વફાદાર હતો. કેતનનો એ પડયો બોલ ઝીલતો. પારસમણિના સ્પર્શથી જેમ લોખંડ પણ સોનું બની જાય એમ કેતને ઘણા લોકોની જિંદગી બનાવી દીધી હતી.

પોતાના સ્ટાફને કેતન છુટ્ટા હાથે પગાર આપતો. ઓફિસના કર્મચારી વર્ગને પણ મહિને ૫૦ હજારનો પગાર આપતો. જયેશ ઝવેરીને એક લાખનો પગાર મળતો અને વેગનઆર કાર ગિફ્ટ મળી હતી એ અલગ. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે મહિને માંડ ત્રીસ-પાંત્રીસ હજાર મળતા. કેતનના કારણે એનું માન સન્માન પણ વધી ગયું હતું. હોસ્પિટલના ડોક્ટરો પણ એને સલામ કરતા.

જયેશે ઓફિસ પહોંચીને નવા પ્રોજેક્ટો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. મને વિવેક અને પ્રશાંતને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા.

" કેતન શેઠ હવે એક મોટુ કન્યા છાત્રાલય બનાવવા માગે છે. અને સાથે સાથે એક વૃદ્ધાશ્રમ પણ બનાવવા માગે છે. જ્યાં વૃદ્ધાશ્રમની સાથે સાથે સિનિયર સીટીઝન માટે ગાર્ડન, સત્સંગ હોલ અને લાયબ્રેરી પણ બનશે. આ બંને પ્રોજેક્ટ વિવેક તારા અંડરમાં રહેશે. તારી બધી જ ફાઈલો આજે તું પ્રશાંતને આપી દે. જો કે હમણાં થોડા દિવસ તું પ્રશાંતને બધું શીખવાડી દે. " જયેશે કહ્યું.

" ઠીક છે સર. " વિવેક બોલ્યો.

" પ્રશાંત તારે હોસ્પિટલ સંભાળવાની છે. મેડિકલ સ્ટોર કૌશલ સંભાળશે. તારે હોસ્પિટલની તમામ જરૂરિયાતો પૂરી પાડવાની. હોસ્પિટલના સ્ટાફની રજાઓ વગેરે જોવાનું. મહિનાની આખર તારીખે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફનું લિસ્ટ તારે કાજલને આપી દેવાનું. જેથી સેલેરીનું સ્ટેટમેન્ટ એ બેંકને પહોંચાડી દે." જયેશ બોલ્યો.

" ઓકે સર. " પ્રશાંત બોલ્યો.

" વિવેક તું અદિતિના રિસેપ્શન ટેબલ ઉપર જ બેસજે. બહારના કોલ પણ એટેન્ડ કરજે. શેઠની ઈચ્છા પર્સનલ સેક્રેટરી રાખવાની નથી એવું મને લાગે છે. એમણે અદિતિને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધી એનો મતલબ એ એને હોસ્પિટલમાં જ એડજેસ્ટ કરી દેશે." જયેશ બોલ્યો.

" જો કે અદિતિને અહીંયા કોઈ કામ હતું જ નહીં. હોસ્પિટલમાં થી કૉલ આખા દિવસમાં બેથી ત્રણ માંડ આવે છે. સરને કોઈ ડિક્ટેશન આપવાનું હોતું નથી. સર ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. " કાજલ બોલી.

" તારી વાત સાચી છે કાજલ. સરનું ઓબ્ઝર્વેશન ખૂબ જ શાર્પ છે. એમણે અમેરિકાથી મેનેજમેન્ટ કર્યું છે. એ માત્ર કલાક માટે ઓફિસમાં આવે તો પણ ઘણી બધી નોંધ લેતા હોય છે. " જયેશ બોલ્યો.

એ પછી જયેશે જામનગર સીટી થી બહાર ૧૦૦૦૦ વાર ના બે પ્લોટ જોવા માટે રિયલ એસ્ટેટ ના એના બે ત્રણ જૂના મિત્રોને ફોન કરવાનું ચાલુ કર્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)