હોસ્પિટલ થી છૂટા પડીને ક્રિશય અને વિશ્વમ ઘરે જઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે વધારે પડતું શાંતિનું વાતાવરણ જળવાયેલું હતું ...
" તો તને તારો જવાબ મળ્યો...?" શાંતિને ભંગ કરીને અચાનક વિશ્વમ બોલી ઉઠ્યો...
કંઈ પણ બોલ્યા વગર ક્રિશય ગાડી ચલાવી રહ્યો હતો...એના મનમાં પણ આ જ વિચાર ચાલી રહ્યો હતો પરંતુ એ આ ટોપિક ઉપર ચર્ચા કરવા માંગતો ન હતો ...
વિશ્વમ નું ઘર આવતા એ કંઈ પણ બોલ્યા વગર ગાડીમાંથી ઉતરીને ચાલવા લાગ્યો...એ જાણતો હતો કે ચૂપ થઈ ગયેલા ક્રિશય ને બોલાવો એ કોઈ સિંહ ની પૂછડીએ પાપડ બાંધવા જેવું કામ હતું ...
" ......" દેવ્યાની એ ઘણું વિચાર્યા બાદ રૂદ્ર ને ફોન જોડ્યો...પરંતુ છેલ્લી ત્રણ મિનિટ થી બંને તરફ મૌન નું વાતાવરણ ફેલાયેલું હતું...
દેવ્યાની હજુ પણ અસમંજસ માં હતી ... વિશ્વમ વિશે રૂદ્ર ને કંઈ રીતે કહેવું એ એને સમજાતું નહોતું...
" હવે કંઇક બોલીશ કે ચૂપ રહેવા જ ફોન કર્યો છે....?" રૂદ્ર બોલ્યો...
"હા... મારે તમને...." ' તમને ' ઉપચાર કરતા દેવ્યાની ને ખ્યાલ આવ્યો કે રૂદ્ર એ એને ' તું ' કહીને ઉચ્ચારી હતી...
દેવ્યાની નું બોલતા બોલતા અટકી જવાનું કારણ રૂદ્ર ને તુરંત સમજાઈ ગયું.....
"ઇટસ્ ઓકે તું મને તું કહી શકે છે ..."
વિશ્વમ ની વાત ને ભૂલીને હવે દેવ્યાની એ વાતની અસમંજસમાં હતી કે જેની સાથે લગ્ન થવાના છે એને તું કહીને કંઈ રીતે ઉચ્ચારું...
"લુક.... આપણે હજુ એકબીજાને જાણતા ઓળખતા નથી ... આપણા મેરેજ થવાના છે પણ એની પહેલા આપણે એકબીજાને ઓળખવા પડશે...જાણવા પડશે...અને એની માટે આપને કોઈ પતિપત્ની કે કપલ ની જેમ તમે તમે કહીને રહેશું તો ઓળખવામાં ઘણો ટાઇમ લાગી જાશે...એટલે આપણે ફ્રેન્ડ બનીને એક નવા જીવનની શરૂઆત કરીશું જેનાથી એકબીજા સાથે થોડું ખુલીને શેરિંગ કરીશું અને એકબીજાને ઓળખીશું..."
રૂદ્ર ના એટલા લાંબા પેરેગ્રાફ બોલ્યા બાદ પણ સામેના છેડે સન્નાટો છવાયેલો જ હતો...
"હેલ્લો.... દેવ્યાની તું સાંભળે છે...?"
"હ..હા..."
"તો વાંધો નહિ મને એમ થયું હું એકલો જ બબડી રહ્યો છું....બોલ હવે તારે મને જે કહેવું હતું એ...."
રૂદ્ર ને વિશ્વમ વિશે કહીને કોઈ ભૂલ કરતી હશે...પોતે વિશ્વમ ને તો કેટલા સમયથી ભૂલી ગઈ હતી એટલે વિશ્વમ ને છોડવાનું દુઃખ એટલું નહતું જેટલું વિશ્વમ વિશે જાણીને રૂદ્ર દેવ્યાની ની ખુશી માટે એને છોડી દેશે એ વાતને લઈને થતું હતું....
સામેના છેડે એટલી બધી શાંતિ છવાયેલી જોઇને રૂદ્ર બોલી ઉઠ્યો....
" લિસન....તારે જે વાત કહેવી છે એ બોલાતી ન હોય તો તું મેસેજ કરીને કહી શકે છે..."
દેવ્યાની ને પણ આ ઉપાય સારો લાગ્યો... એ કંઇક બોલે એ પહેલા રૂદ્ર બોલી ઉઠ્યો...
"તને જ્યારે ઠીક લાગે ત્યારે મેસેજ ટાઇપ કરીને સેન્ડ કરી દેજે ...હું વેઇટ કરીશ...." બોલીને રૂદ્ર એ ફોન કટ કરી દીધો...
' આઈ થીંક શી લવસ્ મી...' મનમાં વિચારીને રૂદ્ર એ સ્માઇલ કરી અને પોતાનું કામ કરવા લાગ્યો...
હજુ પણ કાન ઉપર ફોન રાખીને બેઠેલી દેવ્યાની એ કંઈક વિચાર્યું અને પોતાના ફોનમાં કોન્ટેક્ટ લીસ્ટ ઓપન કરી...
V અક્ષર ટાઇપ કરીને એણે વિશ્વમ નો નંબર જોયો અને ડિલીટ કરી દીધો...
થોડા સમય બાદ દેવ્યાની એ કોઈક નો યાદ રાખેલો નંબર લખીને ડાયલ કર્યો અને ફોન કાને ધર્યો...અને રીંગ વાગે એ પહેલા જ ફરી પાછો ફોન કટ કરીને બેડ ઉપર ફેંકી દીધો...
અગત્સ્ય નું નામ સાંભળીને અયાના તો ખુશીથી ઉછળી રહી હતી ....
જ્યારે પહેલી વાર એ અગત્સ્ય ને મળી હતી એ દિવસ એને યાદ આવી ગયો...નદીકિનારે હાથમાં સફેદ ગુલાબનું ફૂલ લઈને બેઠેલો અગત્સ્ય કોઈ હીરા જેવો લાગી રહ્યો હતો....
અગત્સ્ય ના ખ્યાલોમાં ખોવાયેલી અયાના પોતાના ફોનની રીંગ સંભળાતા અચાનક ખ્યાલોમાં બહાર આવી ...ફોન કરનાર અગત્સ્ય જ હશે એવું અનુમાન લગાવીને ફોન હાથમાં લીધો...અને ફોનની સ્ક્રીન ઉપર નામ વાંચ્યા વગર જ ફોન કાને ધરી દીધો...
" હેલ્લો...." ખૂબ ઉત્સાહ માં આવીને અયાના બોલી ઉઠી ...
"સાંભળ અયાના....." સામેના છેડેથી આવતો અવાજ અયાના ને અજાણ્યો ન લાગ્યો એટલે એણે ફોનની સ્ક્રીન ઉપર નામ વાંચ્યુ ત્યારે જાણ થઈ કે ફોન ક્રિશય નો હતો ...
" હા બોલ ક્રિશય...."
ક્રિશય ઘરે આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી ખૂબ શાંત દેખાય રહ્યો હતો ...એના મમ્મી પપ્પા એ પણ ક્રિશય ને આ રીતે જોઇને કોઈ સવાલ ન કર્યો એ બંને એવું સમજતા હતા કે નવા નવા પ્રેમ માં આવું થતું હોય છે ...જ્યાં પ્રેમ હોય ત્યાં મીઠો ઝઘડો પણ થતો હોય છે ....
ક્રિશય બહારથી ખૂબ શાંત દેખાતો હતો પરંતુ એની અંદર અયાના અને સમીરા નામનું વાવાઝોડું ફૂંકાય રહ્યું હતું....એને કંઈ સમજાતું ન હતું...
ડિનર બાદ પોણી કલાક વિચારીને ક્રિશયે નિણર્ય લીધો કે અયાના ને કોલ કરીને અત્યારે જ બધી વાત સીધી સપાટ કરી દેવી છે એટલે એના અને સમીરા ના જીવનમાં કોઈ કઠિનતા ન આવે....
ફોન કરવો કે ન કરવો એમાં પંદર મિનિટ બરબાદ કરીને છેલ્લે ક્રિશયે અયાના ને ફોન જોડ્યો...
સામેના છેડેથી ' હેલ્લો ' સાંભળીને ક્રિશય ને ખ્યાલ આવી ગયો કે અયાના ખૂબ સારા મૂડ માં છે ...કદાચ એનું કારણ સમીરા પાસેથી ક્રિશય ને મેળવી લેવાની ખુશી હોય શકે એવું ધારીને ક્રિશયે આગળ બોલવાનું ચાલુ કર્યું ...
"સાંભળ અયાના..."
" હા બોલ ક્રિશય...."
" તે આજે જે સમીરા ને કહ્યું એ તારે કહેવાની જરૂર નહોતી..."
અયાના ને યાદ આવ્યું કે અયાના એ જ્યારે સમીરા ને દેવ્યાની અને વિશ્વમ ની વાત કરી ત્યારે ક્રિશય ત્યાં હાજર હતો એટલે એના વિશે વાત કરવા માટે ફોન કર્યો હશે કારણકે એના પછી એ આજે ક્રિશય ને મળી જ નહતી ...
"એમાં પ્રોબ્લેમ શું છે....?" પરંતુ અયાના ને સમજાતું નહતું કે ક્રિશય ને આ વાતથી શું પ્રોબ્લેમ હશે ...
" જો અયાના હું એમ નથી કહેતો કે પ્રેમ કરવો ગુનો છે પરંતુ આ રીતે કોઈકના પ્રેમ સામે..."
અયાના ને ખ્યાલ આવ્યો કે કદાચ આ વાતથી વિશ્વમ ને દુઃખ લાગ્યું હશે એટલે એની માટે ક્રિશય અયાના ને કહી રહ્યો હતો ...
" ઓહ...આઇ એમ સો સોરી મને ખબર નહતી કે આ રીતે એને દુઃખ લાગશે ...હું એ વાતને સંભાળી લઈશ હવે....પરંતુ તું ખાલી એટલું યાદ રાખજે કે એકથી થયેલો પ્રેમ ક્યારેય પૂરો નથી થતો...હમેંશા પ્રેમ શબ્દ ને પૂરો કરવા માટે બંને તરફથી લાગણી હોવી જરૂરી છે....તો જ એ પ્રેમ સફળ થાય છે..." અયાના એ દેવ્યાની અને રૂદ્ર ને ધ્યાન માં લઈને ક્રિશય ને આ લાઈન કહી જેથી એ વિશ્વમ ને સમજાવી શકે....
અયાના એ કહેલ શબ્દો સાંભળીને ક્રિશય ને ખૂબ આનંદ થઈ આવ્યો...હું અને સમીરા એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે અયાના પોતાના પ્રેમને અટકાવી દેવા માટે રાજી થઈ ગઈ એ જાણીને ક્રિશય ને પોતાની નાનપણ ની ફ્રેન્ડ ઉપર ગર્વ થઈ આવ્યો...
" તું ઘણી સમજદાર બની ગઈ છે..." ફરી પોતાના જૂના અંદાજ માં આવીને ક્રિશયે કહ્યું...
" હા સમજદાર તો હોવ જ ને ફ્રેન્ડ કોની છું...." અયાના પણ આજે અગત્સ્ય ના નામથી ખૂબ જ સારા મૂડ માં હતી એ પણ પોતાના ક્રિશય સાથેના જૂના અંદાજ માં આવી ગઈ...
બંને એ થોડીઘણી હસી મજાક કરીને ફોન મૂક્યો...
ક્રિશય ને હવે અંદરથી પણ થોડી શાંતિ થઈ હતી ...હવે એને અયાના થી કોઈ શરમ નહિ આવે કે પછી કંઈ પ્રોબ્લેમ નહિ થાય...બસ હવે કાલે સવારમાં સમીરા સાથે એકવાર વાત કરીને બધું સીધુ સપાટ કરી દેવું છે....
"પપ્પા ...વિશ્વમ...." દેવ્યાની એ ઘણો વિચાર કર્યા બાદ એ એના પપ્પા પાસે આવીને ઊભી રહી અને બોલી...
" બેસ અહીંયા....." પોતાની બાજુમાં જગ્યા કરીને એના પપ્પા ચશ્મા કાઢીને બોલ્યા...
દેવ્યાની ખૂબ ડરી ગયેલી દેખાતી હતી પહેલા પણ વિશ્વમ ના કારણે ઘરમાં ઘણું બધું થઈ ગયું હતું...બાપ દીકરી એક મહિના સુધી એકબીજા સાથે ઓછું બોલ્યા હતા....આજે બધું બરોબર થઈ ગયું હતું છતાં એ આજે વિશ્વમ ની વાતને લઈને આવી હતી એટલે એ થોડી ડરી રહી હતી ...
દેવ્યાની કંઇક બોલે એ પહેલા એના પપ્પા બોલી ઉઠ્યા...
" જો દીકરા...હમણાં સગાઈ છે પછી લગ્ન..." એ આગળ બોલે એ પહેલા એના મમ્મી રૂમમાં આવ્યા અને અડધું સાંભળીને પોતાનું બોલવાનું ચાલુ કરી દીધું...
"હા છોકરા ક્યારે મોટા થઈ જાય એ જ ખબર નથી રહેતી...કાલે સગાઈ પરમદિવસે લગ્ન ....બે દિવસમાં તો ઘર સુનુસુનું થઈ જશે..." બોલતા બોલતા એના મમ્મી રડવા લાગ્યા અને પોતાની સાડી ના પલ્લુથી આંસુ લૂછી નાખ્યા...
એના મમ્મી ને આ રીતે જોઇને બંને બાપ દીકરી હસવા લાગ્યા...
" મમ્મી , શું બોલે છે ...હજુ તો વાર છે લગ્ન ને ...અને અમે એ ટોપિક ઉપર વાત નથી કરી રહ્યાં...અમે તો..." એના પપ્પા સામે જોઇને દેવ્યાની એ એનું વાક્ય અધૂરું છોડ્યું...
" કરો તમતમારે હું સાંભળીશ ખાલી બસ...." સામેની ખુરશી ઉપર ગોઠવાઈને એના મમ્મી હોઠ ઉપર આંગળી રાખીને બેસી ગયા...
રૂમમાં શાંતિ જોઇને એના પપ્પા એ ફરી એનું બોલવાનું ચાલુ કર્યું....જાણે ફિક્સ ડાયલોગ જ બોલવા આપી દીધો હોય એ રીતે એના પપ્પા એ એનું વાક્ય ત્યાંથી જ ચાલુ કર્યું...
"જો દીકરા...હમણાં સગાઈ છે પછી લગ્ન...અને એકવાર લગ્નના બંધનમાં બંધાય જાય પછી એ સાત જન્મો સુધી બંધાયેલા રહે છે...તને હજુ પણ એમ થતું હોય કે તું રૂદ્ર સાથે ખુશ નહિ રહી શકે અને વિશ્વમ સાથે પરણવા માંગતી હોય તો...." પોતાની વાત અધૂરી મૂકી દીધી છતાં દેવ્યાની અને એના મમ્મી સમજી ગયા હતાં...
એના મમ્મી ની હોઠ ઉપર રાખેલી આંગળી ધીમે ધીમે નીચે સરકી ગઈ ...અને થોડી ભોંઠપ અનુભવવા લાગ્યા આટલી સિરિયસ વાતમાં એ પોતે કંઈ વાત કરીને ક્યાં પહોંચી ગયા હતા....
" વિશ્વમ સારો છોકરો છે પરંતુ આપણો અને એનો ધર્મ અલગ છે...હું એમ નથી કહેતો કે બીજા ધર્મ ના લોકો સારા ન હોય પરંતુ આપણા અને એના ધર્મ ના રિવાજો ઘણા અલગ હોય છે....હા હવે આવી વિચારધારા કોઈ નથી રાખતું...પરંતુ અમે જૂના જમાનાના છીએ ...એટલે અમારા વિચારો અમારા ધર્મ પ્રત્યે સ્થિર રહે છે...બાકી જો તારી ઈચ્છા હોય અને તારો પ્રેમ સાચો હોય તો હું તારા વિશ્વમ સાથે લગ્ન કરાવી દેવા તૈયાર છું..."
એના મમ્મી ની આંખોમાં જળજળિયા આવી ગયા હતા...
દેવ્યાની પણ રડુ રડુ બની ગઈ હતી એ એના પપ્પા ને ગળે વળગી પડી અને પોતાની આંખોમાંથી આંસુની ધાર કરી ...
પોતાની દીકરી લગ્ન કરીને સાસરે ચાલી જાશે એટલે એનાથી છૂટા પડવાનું દુઃખ સમજીને ધર્મમાં ખૂબ માનતા એના પપ્પા પણ આજે એની દીકરી ની સામે હારી ગયા હતા...
એના મમ્મી ઊભા થઈને એની નજીક આવ્યા અને દેવ્યાનીના માથા ઉપર હાથ ફેરવીને બોલ્યા...
" હવે પસંદગી તારે કરવાની છે .... રૂદ્ર અને વિશ્વમ બંને સારા છોકરા છે..."
આ સાંભળીને દેવ્યાની એના મમ્મી ને વળગી પડી અને ત્યારબાદ પોતાનો રૂમ તરફ પાછી ફરી....
( ક્રમશઃ )