બગીચાની બંને બાજુ ગુલમહોરનાં વૃક્ષોની હારમાળાઓથી સજજ રસ્તા ઉપર કેસરી ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી. રસ્તા પરના બાંકડાઓ ઉપર ઝાકળના બિંદુઓ ચમકી રહ્યા હતા. બગીચાની ડાબી બાજુએ નાની એવી તલાવડી બનાવવામાં આવી હતી. તલાવડીમાં ઉગાડેલા ગુલાબી, સફેદ, કમળો નજરને ઠારી રહ્યા હતા. તલાવડીની આસપાસ નીરવ શાંતિ હતી. ઘોંઘાટિયા શહેરની વચ્ચે માનવ દ્વારા બનાવવામાં આવેલો આ બગીચો પ્રકૃતિના ખોળે રહી શાંતિ મેળવવાનો એક માત્ર સ્ત્રોત હતો. મોર્નિંગ વોક અને લાફ્ટર ક્લબ વાળા સિવાય સવારમાં અહીંયા ખાસ કોઈ નજરે ચડતું નહિ. સાંજના સમયે બાળકોની કિક્યારીઓથી આખો બગીચો ગુંજી ઉઠતો. અહીં બગીચાનાં બાંકડે બેસી કેટલાયે પ્રેમી યુગલોએ હાથમાં હાથ પરોવી પોતના સપનાઓના મહેલો બાંધ્યા હશે.
બાંકડા ઉપર પલાઠી વાળીને ખોળામાં ચોપડી મૂકી બાંકડાને ટેકો લઈ બેઠી વસુધા બંધ આંખોએ વિચારોમાં લીન હતી. સાહિઠની વયે પહોંચેલા અભિરથે વસુધા સામે નજર માંડી. પચાસ વટાવી ચૂકેલી વસુધાને પહેલી વાર બગીચામાં ટહેલતી જોઈ હતી. આમ તો પહેલેથી જ એનો પરિચય હતો એ હાઈસ્કૂલ ટીચર હતી. ને અભીરથ બેંકમાં કારકુન હતો. અવાર નવાર બેંકનાં કામે આવતી વસુધા ગરચરને અભિરથે જોઈ હતી. એના ભરાવદાર શરીર ઉપર કોટનની કડક સાડીમાં એ ગજબની શોભતી હતી. કપાળની વચમાં ચોટાડેલ મોટો લાલ ચાંદલો, અને કાળી ફાઇબરની ફ્રેમામાં મઢેલા ચશ્મા, કાંડામાં ઊંધી પહેરેલ લેધરના પટ્ટા વાળી ઘડિયાળ.એક જાજરમાન વ્યક્તિત્વની માલકીન વસુધા ગરચરનો ભેંટો એક સવારે અનાયાસે જ બગીચામાં થઈ ગયો હતો.
આજે દેખાતી વસુધા બેંકમાં જોયેલી એના કરતાં સાવ અલગ જ દેખાતી હતી. સલવાર કમીઝમાં સજ્જ, લાંબા છૂટાવાળ અને હાથમાં પકડેલી ચોપડી, અભીરથ અને વસુધાની નજર એક થતાં અભિરથે વસુધાને ઈશારો કરી પોતાની નજીક આવવા કહ્યું.
" તમે અહીંયા! ..તમે અહીં રોજ આવો છો?" વસુધા અચકાઇને બોલી.
" હા! બેંકની નોકરી પૂરી થઈ ગઈ. હવે સમય પસાર કરવા અહી સવાર સાંજ આવી પહોંચું છું.શું તમે પણ !
" હવે તો જિંદગી જીવવી છે. પીએચડી કર્યું ત્યાં પરણવાની ઉંમર નીકળી ગઈ. માં બાપે ત્યાં સુધીમાં તો નાના ભાઈ બહેનના લગ્ન પણ કરાવી નાખ્યાં હતા. પછી તો નોકરી અને હું બસ, આમ જ ભાઈ ભાડુંને સાચવામાં જિંદગી પસાર કરી નાખી. પચાસ વટાવ્યા પછી થયું કે મારે તો હજી મારી જિંદગી જીવવાનું બાકી છે. એટલે આજે અહીં આવી ચડી." વસુધાએ ભૂતકાળની વાત ઉખેરતા એક વખત કહ્યું પણ હતું. અને સામુ પોતે પણ અભિરથના જીવન વિશે પૂછેલું.
" ત્રણ વર્ષ પહેલાં મારા ધરમપત્ની ગુજરી ગયા. ત્યારથી એકલો છું. તમે એવું નહિ સમજતા કે છોકરાઓ નથી સાચવતા. એ તો પડ્યો બોલ ઝીલે છે.પણ એની એ જિંદગી છે. એના શાંત જળ જેવા જીવનમાં હું મારી એકલતાના કાંકરા નાખવા નથી માંગતો. મનમાં ઊંડે ઊંડે ખાલીપો અનુભવાય છે. અહીંયા આવું ત્યારે મન શાંતિ અનુભવે છે." અભીરથ ભાવુક થતાં બોલ્યો.
" ખાલીપો! હા બસ એ જ અનુભવું છું. ઊંડે ઊંડે પગ પસરાવીને બેઠી એકલતા ભીડમાં પણ ડંખે છે." ત્યારે વસુધાએ ઊંડા શ્વાસ ભરતા કહ્યું હતું.
પછી તો જાણે ખાલીપાનું સામ્રાજ્ય ઓસરવા લાગ્યું. વસુધા અને અભિરથની સવાર સાંજની બેઠક નિત્ય ક્રમ બની ચૂકી હતી. આ દિવસોમાં પત્નીના ગયા પાછી અભિરથનાં ચહેરાનું ગયેલું નુર પણ પાછું ફરી રહ્યું હતું.
વસુધાના વર્તનમાં પણ ફેરફાર આવી રહ્યો હતો. આ ફેરફાર ઘરના લોકોથી અજાણ્યો ન હતો. ઘણીવાર બીજાના મોંઢેથી સાંભળેલ અભિરથ અને વસુધાના સંબંધો ઉપર ઘરમાં ભૂકંપ પણ આવી ચૂક્યો હતો.
ઘરના લોકોના બળાપાઓ સાંભળીને વસૂધાએ અભિરથને પૂછી પણ નાખ્યું હતું" આપણા સંબંધને શું કહેવાય?"
" મિત્ર! આપણા સંબંધનું એક જ નામ છે." અભિરથે વસુધા સામે હાસ્ય રેલાવતા કહ્યું હતું.
" અભિરથ આપણો સમાજ આની કેમ નથી સ્વીકૃતિ આપતો. સ્ત્રી પુરુષ વચ્ચે લાગણીનો પવિત્ર સંબંધ પણ હોય શકે. એમાં અભદ્રતા લાવવી કેટલી યોગ્ય?" વસૂધાની આંખોમાં પીડાઓ ઉભરાઈ આવતી.
" જો વસુ! સમાજ માટે કહેવું સહેલું છે. પચાવવું અઘરું છે. સમાજ પોતાનામાં બદલાવ ક્યારેય સહન નથી કરી શકતો.શું સારી મિત્રતા એક પુરુષ અને સ્ત્રી વચ્ચે ન હોય શકે?"
" કેમ ન હોય શકે! પરંતુ આપણી આજુબાજુના લોકો આ સંબંધને કોઈ બીજા અલગ જ નામથી જુએ છે."
" જાણું છું. કહેવા દે! શું તને કોઈ ફરક પડે છે."
" ના"
" તો તારા જીવનની ફરી એક અણમોલ પળ તારા આ બુઢ્ઢા મિત્ર સાથે પસાર કરીશ." અભિરથે વસુધા સમક્ષ હથેળી ધરતા કહ્યું.
બંને એકબીજાનો હાથ પકડી ચાલતાં થયા. અને મોબાઈલના રેડિયોમાં ગીત વાગી રહ્યું હતું.
કુછતો લોગ કહેગે! લોગોકા કામ હે કહેના..