સુરેન્દ્ર મજમુદારની તર્કસભર વાત સાંભળી હરમન વિચારમાં પડી ગયો હતો. હજી હરમન કોઈ સવાલ સુરેન્દ્રભાઈને પૂછે એ પહેલાંજ એમણે એમની વાત આગળ વધારી હતી.
“મારી પાસે બીજો પણ એક સબૂત છે એ વાતનો કે મારો ડર સાચ્ચો છે એ વાત મારી પાસેના એ સબૂત દ્વારા સાબિત થઇ જશે. આ જુઓ મારા મોબાઈલની અંદરની CCTV ફૂટેજમાં રેકોર્ડ થયેલ વિડીઓ કલીપ જોતાં તમને ખબર પડી જશે કે પરમ દિવસે રાત્રે એક વાગે આ નકાબધારી માણસને એણે મારા બંગલામાં મારું ખૂન કરવા માટે મોકલ્યો હતો. પરંતુ CCTV કેમેરા અને સિક્યુરીટી ગાર્ડને જોઈને એ માણસ પાછો ભાગી ગયો.” આટલું બોલીને વિડીઓ કલીપ ખોલીને મોબાઈલ ફોન એમણે હરમનને હાથમાં આપ્યો હતો.
હરમને આખી વિડીઓ કલીપ જે લગભગ દસેક મીનીટની હતી એ ખુબ ધ્યાનથી જોઈ લીધી અને મોબાઈલ સુરેન્દ્ર મજમુદારને પાછો આપ્યો હતો.
“તમારો શક સાચો પણ હોય એવું બની શકે છે. પરંતુ એવું પણ હોય ને કે આ વ્યક્તિ ચોરી કરવાના ઈરાદાથી તમારા કમ્પાઉન્ડમાં આવ્યો હોય અને CCTV કેમેરા અને સિક્યુરીટી ગાર્ડને જોઈ અને ડરીને ભાગી ગયો હોય. કારણકે જો એ ખૂન જ કરવા આવ્યો હોત તો એણે તો નકાબ પહેરેલો જ હતો તો એ તમારું ખૂન કરીને પછી જ બહાર નીકળી જાત. એને ક્યાં પકડાઈ જવાનો ડર હતો? એટલે કદાચ આ વ્યક્તિ ચોરી કરવા આવ્યો હોય એવી શક્યતા મને વધારે લાગે છે.” હરમને સુરેન્દ્રભાઈને પોતાની સમજદારી બતાવતાં કહ્યું હતું.
હરમનની વાત સાંભળી સુરેન્દ્રભાઈ થોડીવાર માટે મૌન રહ્યા હતા અને થોડીવાર પછી બોલ્યા હતા.
“હરમનભાઈ, કદાચ તમારી વાત સાચી પણ હોય હું તમારી વાતનો ઇનકાર નથી કરતો. પરંતુ મારા મનમાં એ વાત બરાબર બેસી ગઈ છે કે તેજપાલ રાજવંશ જ મારું ખૂન કરી નાખશે. જેમ તેણે રમણીકભાઈને ઠેકાણે પાડી દીધા હતા એવી રીતે એ મારું પણ ખૂન કરશે. મારા મનમાંથી આ ભય જતો જ નથી.” સુરેન્દ્ર મજમુદાર હથિયાર હિંમતના નીચે મૂકતા પોતાની છેલ્લી વાત રજૂ કરી હતી.
“સુરેન્દ્રભાઈ તમારી પાસે તેજપાલ રાજવંશનું ઘરનું કે ઓફિસનું સરનામું હશે? તો મને આપોને.” હરમને સુરેન્દ્ર મજમુદાર સામે જોઈ કહ્યું હતું.
“કેમ તમારે શું કામ છે?” સુરેન્દ્ર મજમુદારે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું.
“ના મારે બીજું તો કાંઈ કામ નથી. પરંતુ હું એ સરનામાં ઉપરથી એ વ્યક્તિ વિશે તપાસ કરવા માંગું છું. અને એ વ્યક્તિ કેટલો ખતરનાક છે એ તપાસ કરતાં આપણને ખબર પડી શકે તો આપણે અત્યારથી જ એના વિરુદ્ધના પુરાવા ભેગા કરી પોલીસને આપી શકીએ જેથી પોલીસને પણ કાર્યવાહી કરવાની ખબર પડે. આતો તમારી ઈચ્છા હોય તો આપણે આ રસ્તે ચાલીએ. હું એ માટે તમને દબાણ નથી કરી રહ્યો.” હરમને પોતાનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું.
“હા, તમારી વાત સાચી છે. હું તમને એની ઓફિસનું અને એના ઘરનું બંને સરનામા આપું છું. હરમનભાઈ, જો એવી કોઈ માહિતી એકત્રિત થાય તો ચોક્કસ પોલીસ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે. જોયુંને તમે કોઈને કોઈ રસ્તો કાઢી જ નાખશો એવો મને અને મારી પત્ની બંનેને વિશ્વાસ હતો.” આ વાત ચાલી જ રહી હતી ત્યારે પુષ્પાબેન મજમુદાર ચા-નાસ્તો લઈને રૂમમાં પ્રવેશ્યા હતા.
“પુષ્પાબેન, ચા-નાસ્તો ફરીવાર ક્યારેક કરીશ. અત્યારે મારે અને જમાલને નીકળવાનું છે. સુરેન્દ્રભાઈ સાથે મારે દરેક મુદ્દા પર ખુલીને વાતચીત થઇ ગઈ છે. માટે હવે આપ આ બાબતથી નિશ્ચિંત રહેજો. મારાથી બનશે એટલું હું ચોક્કસ કરીશ. હું તમારો કેસ હાથમાં લઉં છું.” આટલું બોલી હરમન ઉભો થયો હતો.
“બહુ સરસ, તમે અમારો કેસ હાથમાં લીધો. એટલે મને પણ થોડી નિરાંત થઈ અને રાત્રે હવે અમે શાંતિથી સુઈ પણ શકીશું. અત્યારે ફેક્ટરી મારો દીકરી સંદીપ સંભાળે છે. સંદીપ અને મેનેજરો ફેક્ટરી સંભાળી રહ્યા છે. સંદીપ હજી ૨૫ વર્ષનો જ છે, માટે મેનેજરો ઉપર લગભગ બધું કામ છોડેલું છે. એને પણ એના પપ્પાની ખુબ ચિંતા રહે છે.” આટલું બોલી એમણે સુરેન્દ્રભાઈ સામે ઈશારો કર્યો હતો.
સુરેન્દ્રભાઈ પુષ્પાબેનનો ઈશારો સમજી ગયા હતા.
“હરમનભાઈ, તમારી ફી કેટલી થશે?” સુરેન્દ્રભાઈ એ સવાલ કર્યો હતો.
“સુરેન્દ્રભાઈ, આપ ચિંતા ના કરો, મારી ફી જે હશે એ હું તમને કહી દઈશ. પણ અત્યારે મારી ફી આપવાની જરૂર નથી. આ કેસ પૂરો થઇ જાય પછી આપ આપશો તો ચાલશે.’ આટલું બોલી હરમન અને જમાલ બંગલામાંથી બહાર નીકળી ગયા હતા.
બંગલાની બહાર પાર્ક કરેલી ગાડી પાસે હરમન અને જમાલ આવ્યા હતા. હરમન ડ્રાઈવીંગ શીટ પર બેસવા જતો હતો અને એની નજર બંગલાના ક્રોસમાં રહેલા મોટર ગેરેજ ઉપર પડી. જેના ઉપર લખ્યું હતું અબ્દુલ મોટર ગેરેજ. નામ વાંચી હરમને ગાડી એ ગેરેજ તરફ લઈ લીધી હતી.
હરમને ગેરેજમાં જઈને ગેરેજના માલિકનું નામ પૂછ્યું હતું.
હરમનનો સવાલ સાંભળી એક પ્હાડી માણસ ગેરેજમાંથી બહાર આવ્યો હતો.
“મારું નામ અબ્દુલ છે. આ મારું ગેરેજ છે. બોલો, તમારે શું કામ છે?” પ્હાડી માણસે હરમન સામે ગુસ્સાથી જોઈ પૂછ્યું હતું.
ક્રમશઃ ......
(વાચકમિત્રો, ડરનું તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ )