The Founder in Gujarati Film Reviews by Hitesh Patadiya books and stories PDF | The Founder

Featured Books
Categories
Share

The Founder

The Founder : ફિલ્મ રિવ્યૂ

McDonald આખી દુનિયામાં અતિપ્રસિદ્ધ ફૂડ બ્રાન્ડ છે. આપ એના વિશે શું જાણો છો? ફટાફટ ઓર્ડર લેવા અને તૈયાર ફૂડ ઝડપથી ગ્રાહકને આપવું, ગાડી લઈને સીધું શોપની બારી નજીક પહોંચવાનું અને બારીમાંથી અડધો બહાર લટકીને ઓર્ડર મુજબ ચીજ આપતો સેલ્સમેન, દરેક શોપમાં એક સરખો ટેસ્ટ એટલે કે સ્ટાન્ડર્ડ જાળવવાની નીતિ વગેરે વગેરે...

આ અતિવિશાળ અને અતિપ્રસિદ્ધ બ્રાન્ડ એમને એમ લોકપ્રિય નથી થઈ. ગ્રાહકને સારું, એકસરખું, ઝડપથી અને વાજબી ભાવે (ભૂતકાળની વાત છે હોં) ફૂડ આપવું વગેરે નિયમોની તીવ્ર ખેવના સાથે ઈ.સ.૧૯૪૦ માં બે સગાભાઈઓએ અમેરિકાના કેલિફોર્નિયાના સાન બર્નિન્ડો ખાતે એક શોપ શરૂ કરી. ચડઊતર બાદ પાંચેક ફ્રેન્ચાઈઝી પણ સ્થાપી. પછી વિસ્તાર કરવાનો અભરખો છોડીને અટકી ગયાં. ના, ઉત્સાહ નહોતો અટક્યો. માત્ર વધુ ફ્રેન્ચાઈઝી સ્થાપવાનું બંધ કર્યું. બધી તાકાત પોતાની પ્રથમ શોપની ગુણવત્તા જાળવવામાં ખરચવા લાગ્યા.

પછી? ના, ચિંતા ના કરો. ફિલ્મની આખી વાર્તા નથી કહેવાનો. પણ હા, અત્યંત રસપ્રદ અને મહત્વની અલ્પ બાબતો જણાવીશ.

પછી એક ઘટના ઘટી. એક દિવસ આ ભાઈઓએ પોતાની શોપ માટે મિલ્કશેક મેકરનો ઓર્ડર આપ્યો. જે મિલ્કશેક કંપનીના માલિક કમ સેલ્સમેને માત્ર પૂરો પાડવાનો હતો. ભાઈ કંપનીના કામે બહાર રસ્તામાં જ હતાં (ફિલ્ડમાં - યુ નો!) ભાઈએ પોતાની આદત મુજબ એક પબ્લિક ટેલિફોન બૂથ પરથી પોતાની ઓફિસમાં પોતાની સેક્રેટરીને ફોન કર્યો. કારણ કે મોબાઇલ, ઇન્ટરનેટ વગેરેના જનમની ઘણી વાર હતી. સેક્રેટરીએ વિવિધ સંદેશા વિશે માહિતી આપી. જેમાં કોઈ શોપધારકે ૬ મિલ્કશેક મેકરનો ઓર્ડર આપ્યો હોવાની વિગત રજૂ કરી. બસ, માલિકને શંકા પડી. કારણ કે એક મિલ્કશેક લોકોને વળગાળવામાં પણ રેલા આવતા હતા. તેથી એકસાથે એક જ જગ્યાએ ૬ મશિનનો ઓર્ડર ગળે ના ઊતર્યો. આથી ભાઈએ એ જ બૂથ પરથી ઓર્ડર આપનારને ખરાઈ માટે ફોન જોડ્યો અને જણાવ્યું કે ઓર્ડર આપવામાં કંઈક ભૂલ થઈ લાગે છે.

હવે આવે છે દુનિયાના ઇતિહાસનો એક ટર્નિંગ પોઇન્ટ. ઓર્ડર આપનાર મેકડોનાલ્ડ બ્રધરમાંથી જેમણે વાત કરી તેણે ઝડપથી સ્વીકાર્યું કે "હા, એક્ચ્યુલી મને પણ લાગે છે કે ભૂલ થઈ છે. એક કામ કરો ઓર્ડર ૬ ને બદલે ૮ કરી દો." પછી એકાદ વાક્યમાં જ વાત પતાવીને ફોન કટ કરી નાંખ્યો.

મળ્યોને ઝાટકો! સેલ્સમેન/માલિક/બિઝનેસમેનને પણ ઝાટકો મળ્યો હતો. તેણે તાત્કાલિક માત્ર એક નાની શોપ માટે પણ હદથી મોટો ઓર્ડર આપનાર અને વાત કરવાનો પણ સમય ના હોય તેવા બિઝી બિઝી માલિક અને તેની શોપ જોવાની એવી તો તાલાવેલી થઈ કે કાર સીધી તે તરફ દોડાવી.

પછી! પછી પણ કંઈ સીધુંસટ અને સરળતાથી બિઝનેસ સામ્રાજ્ય નહોતું સ્થપાઈ ગયું. ઘણી ઘટનાઓ ઘટી. બસ, આ ઘટનાઓ જાણવા ફિલ્મ જોવી પડશે.

ફાલ્મ પત્યા પછી એક નવલકથા વાંચ્યા જેટલો આનંદ ચોક્કસથી અનુભવશો. અને આ તો પાછી સત્ય હકીકત.

વધુમાં મિલ્કશેક મેકર કંપનીના માલિક એટલે કે બિઝનેસમેન Ray croc નું પાત્ર ભજવાયું છે અભિનેતા Michael John Douglas ( known professionally as Michael Keaton ) દ્વારા. આ અભિનેતાએ આખી ફિલ્મને જાણે પોતાની જાતમાં આત્મસાત કરીને ફિલ્મની ગુણવત્તા એટલી વધારી છે કે એકવાર જોવાનું શરૂ કર્યાં પછી અટકશો નહીં.

ફિલ્મમાં મારધાડ, ગીત, ભવ્ય સેટ, વિ.એફ.એક્સ વગેરે નથી છતાં મજા આવશે કારણ કે સત્ય ઘટનાઓની હારમાળાની રસપ્રદતા અને ઉચ્ચ અભિનય ક્ષમતા આપને મજા કરાવશે. અંગ્રેજી આવડતું હોય તો પણ હિંદી ડબિંગમાં જ જોજો. વધુ મજા આવશે...

તો ક્યારે જુવો છો એક માહિતીસભર, રસપ્રદ (ઇન્ફોટેઈનમેન્ટ), રમૂજી, સ્વચ્છ (ફેમિલિ મુવી) અને સુંદર અભિનયવાળી આ ફિલ્મ?

- હિતેષ પાટડીયા.