Prayshchit - 73 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 73

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 73

પ્રાયશ્ચિત પ્રકરણ - 73

મેડીકલ સ્ટોરના ફાર્માસિસ્ટને સુચના આપીને કેતન પહેલા માળે પોતાની ચેમ્બરમાં ગયો. બપોરની ચા પીવાની એને ટેવ હતી એટલે એણે જયદીપને ચા લાવવાનું કહ્યું.

" સર જોડે કંઈ નાસ્તો લેતો આવું ?" જયદીપ બોલ્યો.

" ના અત્યારે માત્ર ચા જ લઇ આવ. " કેતને કહ્યું.

ચા પીને કેતન હોસ્પિટલની ફાઈલ જોવા લાગ્યો. આ ફાઈલમાં રોજેરોજનો પેશન્ટ રેકોર્ડ રાખવામાં આવતો હતો. કયા વોર્ડમાં કેટલા પેશન્ટ છે અને કયા ડોક્ટર એની સારવાર કરી રહ્યા છે એની નોંધ રોજે રોજ મૂકવામાં આવતી હતી. કેટલા પેશન્ટ નવા દાખલ થયા અને કેટલા ડિસ્ચાર્જ થયા તે તમામ રેકોર્ડ આ ફાઇલમાં હતો.

આ ફાઇલ આમ તો હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ માટે હતી પરંતુ શાહ સાહેબ એ ફાઈલ સહી કરીને રોજ કેતનના ટેબલ ઉપર જોવા માટે મુકતા હતા.

કેતન ફાઈલ જોતો હતો ત્યાં થોડી વારમાં નીતા મિસ્ત્રી આવી.

" અંદર આવું... સર ?" ચેમ્બરના દરવાજે ઊભા રહીને નીતાએ પૂછ્યું.

" હા.. હા.. આવ ને નીતા " કેતન બોલ્યો.

" સર કાલથી હું રજા ઉપર છું. જલ્પાનાં લગ્ન ૩૦ તારીખે છે. તમારા ઘરે સાંજે કંકોત્રી મળી જશે. તમને ઉપર જતા જોયા એટલે ખાસ આમંત્રણ આપવા માટે રૂબરૂ આવી. " નીતા બોલી.

" હા હા ચોક્કસ આવીશું. પપ્પાને કહે તારા માટે પણ હવે કોઈ સારો મુરતિયો શોધી કાઢે. " કેતન હસીને બોલ્યો.

" લગ્ન કરવાની કોઇ ઇચ્છા જ નથી સર. મારા વિચારો અલગ ટાઈપના છે. મા બાપ મુરતિયો શોધે અને હું હા પાડી દઉં એ મારા સ્વભાવમાં નથી. મારાં સપનાં અલગ છે. નૃત્ય અને અભિનયનો મને બહુ જ શોખ છે. સ્કૂલ-કોલેજોમાં નાટકોમાં પણ ભાગ લેતી. મુંબઈમાં જન્મી હોત તો મેં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરી હોત. જામનગરમાં એવી કોઈ તકો નથી." નીતા બોલી.

" તારે મુંબઈમાં ખરેખર અભિનયની તાલીમ લેવી છે ? તો હું બધી જ વ્યવસ્થા કરી દઉં. પૈસાની જરા પણ ચિંતા ના કર. " કેતન બોલ્યો.

" ના સર. તમે આટલું કહ્યું એનો મને ખૂબ જ આનંદ છે. હું એટલી બધી નસીબદાર નથી સર. તમારી હોસ્પિટલમાં હું ખુશ છું. કમ સે કમ તમને દૂરથી પણ રોજ જોઈ તો શકુ છું." નીતા બોલતાં બોલી ગઈ પણ પછી એને સંકોચ થયો.

" સોરી સર. મારી લાગણીઓને કાબૂમાં નથી રાખી શકતી. હું જાઉં છું. તમે લગ્નમાં ચોક્કસ આવજો. " કહીને નીતા બહાર નીકળી ગઈ.

નીતા આ શું બોલી ગઈ !! નીતા ખરેખર ફિલ્મ લાઈનમાં હોત તો આજે એક ખૂબસૂરત હિરોઈન હોત. ઈશ્વરે એને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું. પહેલી જ નજરે એ નીતાથી આકર્ષાયો હતો. શું નીતા મારા પ્રેમમાં પડી ગઈ છે ? એણે આજે આવું કેમ કીધું ? એક વિચિત્ર વેદના કેતનના દિલને સ્પર્શી ગઈ !! એ ડિસ્ટર્બ થઈ ગયો.

આજે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ શાહ સાહેબ સાથે કેટલીક ચર્ચા કરવાની કેતન ની ઈચ્છા હતી પણ વાત કરવાનો મૂડ જામતો ન હતો એટલે એ ઉભો થઈ ગયો. ત્રણેય વોર્ડમાં એક ચક્કર મારીને કેતન હોસ્પિટલની બહાર નીકળી ગયો.

એણે ગાડી સીધી ઓફીસ તરફ લીધી. એણે ઓફિસમાં પ્રવેશ કર્યો એટલે તમામ સ્ટાફ ઉભો થઇ ગયો.

" રિલેક્સ. તમારે લોકોએ રોજ ઉભા થવાની કોઈ જરૂર નથી. " કહીને કેતન ચેમ્બરમાં ગયો. એણે જોયું કે દરેકના ટેબલ ઉપર ઇન્ટરકોમ કનેક્શન આવી ગયું હતું. અત્યારે કોઈ કારણસર જયેશ બહાર હતો.

મનસુખ માલવિયા કેતનના ગ્લાસમાં પાણી ભરી ગયો.

" શેઠ ચા મંગાવી દઉં ? જયેશ શેઠ કામથી બહાર ગયા છે. " મનસુખ બોલ્યો.

" ના. હોસ્પિટલમાં પીને જ આવું છું. વિવેક અને એની સાથે જે છોકરો બેઠો છે એને અંદર મોકલો" કેતન બોલ્યો.

" જી શેઠ. " મનસુખ બોલ્યો અને બહાર આવીને એણે વિવેક તથા કૌશલ ને અંદર જવા કહ્યું.

વિવેક અને કૌશલ કેતનની ચેમ્બરમાં જઈને એની સામે અદબ વાળીને ઊભા રહ્યા.

" બેસો " કેતને સામેની ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો.

" શું નામ તારું ? " કેતને વિવેકના આસિસ્ટન્ટને પૂછ્યું.

" જી સર.. કૌશલ પારેખ. "

" કૌશલ તારે આવતીકાલથી માત્ર દવાઓનું કામ સંભાળવાનું. હોસ્પિટલનો મેડિકલ સ્ટોર તારા ચાર્જમાં રહેશે. મેડિકલ સ્ટોરની તમામ જવાબદારીઓ તારી પોતાની રહેશે. અને વિવેક તારે હોસ્પિટલની જરૂરિયાત જોવાની. બંને ફાઇલો અલગ બનાવી દો. " કેતન બોલ્યો.

" કૌશલ મેડિકલ સ્ટોરમાં જે પણ દવાઓ અને ઇન્જેક્શનોની જરૂર હોય એ તારે મૈત્રી ટ્રેડર્સ રાજકોટ થી મંગાવીને સ્ટોરમાં પહોંચાડી દેવાની."

" અને વિવેક હોસ્પિટલમાં જે પણ દવાઓ ઇન્જેક્શનો, ગ્લુકોઝ અને સેલાઈનના બાટલા, સોક્સ, આઇવી સેટ વગેરેની જરૂરિયાત હોય એનું ધ્યાન તારે રાખવાનું અને એનો ઓર્ડર તારે પ્લેસ કરવાનો. ક્લીઅર ? " કેતન બોલ્યો.

" જી...સર. " વિવેક કાનાણી બોલ્યો.

" મેડિકલ સ્ટોરમાં ઓપીડી ના જે પણ પેશન્ટો હશે એ લોકો જ દવા લેવા મેડિકલ સ્ટોરમાં જવાના. એટલે મેડીકલ સ્ટોરમાં ગ્લુકોઝ કે સેલાઈન કે પછી આઈવી સેટ રાખવાની જરૂર નથી. આપણે ફ્રી દવાઓનું વિતરણ માત્ર હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓ માટે જ કરીએ છીએ." કેતને કહ્યું.

" જી સર... સમજી ગયો. " વિવેક બોલ્યો.

" ઠીક છે તો પછી એ પ્રમાણે તમે કામની વહેચણી અંદર અંદર કરી લો." કેતને કહ્યું એટલે બંને જણા ઉભા થઈને બહાર નીકળ્યા.

એ પછી એણે અદિતિને અંદર બોલાવી.

" શું નામ તારું ? " કેતને પૂછ્યું.

" જી. અદિતિ. અદિતિ મહેતા આઇ મીન. "

અદિતિ પહેલીવાર બૉસનો સામનો કરી રહી હતી. ચહેરા ઉપર થોડોક ગભરાટ દેખાતો હતો.

" રિલેક્સ. ડોન્ટ બી નર્વસ. બેસી જા. શું અભ્યાસ કર્યો છે ? " કેતને પૂછ્યું.

" જી. એમબીએ ફાઈનાન્સ કરેલું છે. સાથે સ્ટનોગ્રાફી પણ શીખી છું. પરંતુ આજકાલ જોબના બહુ જ પ્રોબ્લેમ છે. મમ્મી પપ્પા બહારગામ મોકલવા તૈયાર નથી. " અદિતિ બોલી ગઈ.

" સારુ. કાલે સવારે ૧૦ વાગ્યાથી તું હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટની જગ્યા સંભાળી લેજે. ત્યાં રાજેશ દવે તને કામ સમજાવી દેશે. હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ નીતા કાલથી રજા ઉપર જાય છે." કેતને કહ્યું.

" જી સર. " અદિતિ બોલી. એટલામાં જયેશ ઝવેરી પણ આવી ગયો. એ સીધો કેતનની ચેમ્બરમાં આવ્યો.

" અરે શેઠ તમે આવવાના હતા તો મને ફોન ના કર્યો ? " જયેશ સામેની ખુરશીમાં બેસતાં બોલ્યો.

" ઓફિસ આવવાનો કોઈ પ્લાન ન હતો. હોસ્પિટલ ચક્કર માર્યું અને ત્યાંથી સીધો અહીં આવ્યો. " કેતન બોલ્યો.

" હોસ્પિટલ ની જાહેરાત આપવા માટે હું ન્યૂઝપેપર ની ઓફિસે ગયો હતો. " જયેશ બોલ્યો.

" નો પ્રોબ્લેમ. અદિતિને હું કાલથી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ટ્રાન્સફર કરું છું. કારણ કે થોડા દિવસ માટે નીતા મિસ્ત્રી નહીં આવે. એની બહેનનાં લગ્ન છે. " કેતને કહ્યું.

" જી શેઠ. તમે જેમ કહો તેમ. અદિતિ કાલથી હોસ્પિટલ જશે. " જયેશ બોલ્યો.

" અદિતિ તું હવે જઈ શકે છે. કાલથી ત્યાં હાજર થઈ જજે " કેતન બોલ્યો.

" જી..સર " કહીને અદિતિ પોતાના ટેબલ ઉપર ગઈ.

"તમે પ્રશાંતને કાલથી અહીં બોલાવી દો. ટિફિન સેવા હાલ પૂરતી આપણે બંધ કરીએ છીએ. એના બદલે બીજું કંઈક વિચાર્યું છે જેની ચર્ચા કાલે કરીશ. જે બહેન થેપલાં સપ્લાય કરે છે એમને હમણાં ના પાડી દેજો અને એમનો હિસાબ પણ કરી દેજો. બે-પાંચ હજાર વધારે આપજો. થોડા સમય પછી આપણે એમને ફરી તક આપીશું." કેતન બોલ્યો.

" પ્રશાંતને વિવેકની જગ્યાએ મૂકવાનો મારો વિચાર છે. વિવેક સિવિલ એન્જિનિયર છે એટલે એની જરુર બીજા એક કામમાં પડશે. એ બધી ચર્ચા આપણે કાલે કરીશું." કહીને કેતન ઊભો થયો.

શેઠ ગયા પછી જયેશ થોડો વિચારમાં પડી ગયો. કેતન શેઠના મનમાં કોઈ બીજો મોટો પ્રોજેક્ટ રમતો લાગે છે. ટિફિન સેવા અચાનક જ બંધ કરાવી દીધી !!

એણે તાત્કાલિક પ્રશાંતને ફોન કરી દીધો જેથી એ થેપલાં સપ્લાય કરનારા બેનને તત્કાલ ફોન કરી શકે.

" પ્રશાંત કેતન શેઠની ઈચ્છા તાત્કાલિક ટિફિન સેવા બંધ કરી દેવાની છે. એમના મનમાં બીજો કોઈ મોટો પ્રોજેક્ટ રમતો લાગે છે. એટલે તું પેલાં બેનને થેપલાં બનાવવાની અત્યારે જ ના પાડી દે. કહી દેજે કે થોડા દિવસ પછી અમે તમારી સેવા ફરીથી લઈશું. તેમનો હિસાબ આપણે કાલે ચૂકતે કરી દઈશું. બીજા પણ થોડા વધારે પૈસા એમને આપીશું. રસોઈયાને પણ ફોન કરી દે. અને કાલથી તારે મારી ઓફિસમાં જ બેસવાનું છે. " જયેશ બોલ્યો.

" ઓકે સર. " પ્રશાંતે કહ્યું.

" સર... કેતન સરે અમને બંનેને પણ અંદર બોલાવ્યા હતા. કાલથી મેડિકલ સ્ટોરની સંપૂર્ણ જવાબદારી મને સોંપી દીધી છે. અને હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી વિવેકભાઈને. " કૌશલ બોલ્યો.

" હા સર. અને એ પણ કહ્યું કે મેડિકલ સ્ટોરમાં માત્ર દવાઓ અને ઈન્જેકશન જ રાખવાનાં. ગ્લુકોઝ, સેલાઈન, સોકસ અને આઇવી સેટ વગેરે સ્ટોક માત્ર હોસ્પિટલમાં જ રહેશે. " વિવેક બોલ્યો.

" આપણે ચીઠ્ઠીના ચાકર. હોસ્પિટલના એ માલિક છે. શેઠ કહે એમ આપણે કરવાનું. એ જે પણ વિચારતા હશે એ સારા માટે જ હશે. શેઠ ખૂબ જ બુદ્ધિશાળી છે અને પ્લાનિંગ થી ચાલે છે. કદાચ હજુ પણ થોડા ફેરફાર શેઠ કરશે એવું એમની વાત ઉપરથી લાગે છે." જયેશ બોલ્યો.

" તમને બધાને પગાર તો સારો મળે છે. જે પણ કામ સોંપવામાં આવે તે દિલ દઈને કરવાનું. આવી નોકરી તમને ક્યાંય નહીં મળે. " જયેશ બોલ્યો.

ઓફિસમાંથી બહાર નીકળીને કેતન સીધો ઘરે જ ગયો. જાનકી ઘરે એકલી હતી.

" કેમ આજે એકલા એકલા નીકળી પડ્યા સાહેબ ? " જાનકીએ પૂછ્યું.

" સાવ સાચું કહું તો આજે હોસ્પિટલ કે ઓફિસ જવાનો કોઈ મૂડ જ નહોતો. બસ ચક્કર મારવાના ઇરાદે નીકળી ગયો હતો. " કેતન બોલ્યો.

" વાર તો ઘણી લાગી. " જાનકીએ કહ્યું.

" ઓફિસે જાઓ એટલે કંઈ ને કંઈ કામ નીકળે જ. સ્ટાફને કેટલીક સૂચનાઓ આપી એટલે ચર્ચા કરવામાં વાર લાગી." કેતને સ્પષ્ટતા કરી.

સાંજે સાત વાગ્યાની આસપાસ નીતા મિસ્ત્રી અને એના પપ્પા જશુભાઈ મિસ્ત્રી કંકોત્રી આપવા માટે આવ્યા.

" સાહેબ તમારે આ લગ્નમાં ખાસ હાજરી આપવાની છે. તમારા કારણે જ જલ્પાનાં આ લગ્ન થઈ રહ્યાં છે." મિસ્ત્રી અંકલ બોલ્યા.

" અમે ચોક્કસ હાજરી આપીશું વડીલ." કેતને કહ્યું.

" સાહેબ તમે નવા બંગલામાં રહેવા જવાના છો એવું નીતા કહેતી હતી. તમે મકાનનું વાસ્તુ કર્યું એ સમાચાર મને નીતાએ જ આપ્યા" જશુભાઈ બોલ્યા.

" હા વડીલ તમારા આશિર્વાદથી હવે હું મારા પોતાના બંગલામાં જઈશ." કેતન વિવેકથી બોલ્યો.

" અમારી પટેલ કોલોનીને તમારી મોટી ખોટ પડશે સાહેબ. " જશુભાઈ બોલ્યા.

" તમને કે આપણા કોઈપણ પડોશીને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો અડધી રાત્રે મને ફોન કરજો વડીલ. મારાથી બનતું બધું હું કરી છૂટીશ. " કેતને એમને આશ્વાસન આપ્યું.

" તમને હવે જામનગરમાં ફાવી ગયું ભાભી ? " નીતાએ જાનકીને પૂછ્યું.

" હા નીતાબેન. મને તો જામનગર સારું લાગે છે. મુંબઈ જેવું ધમાલિયું જીવન અહીં નથી. અહીં ઘણી શાંતિ છે." જાનકી બોલી.

" થોડી ચા બનાવી દઉં નીતાબેન ? " જાનકી બોલી.

" ના અમે નીકળીએ જ છીએ." નીતા બોલી અને ઊભી થઈ.

એ લોકો ગયા પછી થોડીવારમાં રસોઈ માટે દક્ષામાસી આવી ગયાં. સવારે જ એમણે ઢોકળાનું ખીરુ પલાળેલું હતું એટલે આજે ચા સાથે ઢોકળાનો પ્રોગ્રામ હતો.

કેતન અને જાનકીએ જમી લીધું પછી થોડીવારમાં વાસણ ધોવા અને રસોડું સાફ કરવા ચંપાબેન આવી ગયાં. ચંપાબેન નું કામ ખૂબ જ ચીવટવાળું વાળું હતું.

" ચંપાબેન તમે એરપોર્ટ રોડ ઉપરના મારા બંગલામાં કામ કરવા માટે આવશો ? કારણકે અમે લોકો ત્રણ-ચાર દિવસમાં ત્યાં જતા રહીશું. " કેતને પૂછ્યું.

" મારાથી તો ત્યાં નહીં અવાય સાહેબ કારણ કે મેં બીજાં કામ પણ બાંધેલાં છે. તમને ત્યાં જરૂર હોય તો મારી નાની બેન જશીને મોકલી આપું. એનું કામ પણ મારા જેવું ચોખ્ખું જ છે. તમારે એને આખો દિવસ રાખવી હોય તો ય વાંધો નથી. ઘરનું નાનું મોટું કામ કર્યા કરશે. રસોઈ પણ સારી આવડે છે." ચંપાબેન બોલ્યાં.

" અરે આ તો તમે સરસ વાત કરી. આખો દિવસ ઘરે રોકાતી હોય તો તો અતિ ઉત્તમ. પણ એ રોકાશે ખરી ? તમે એને પૂછી જોજો ને . કહેજો કે પગારની કોઈ ચિંતા ના કરે. " કેતન બોલ્યો.

" સાહેબ પૂછવાની જરૂર જ નથી. એ બિચારી એકલી છે. લગન થયા હતા પણ પાછી આવી છે. છૈયું છોકરું કંઈ છે નહીં. ૩૦ વર્ષની છે. મારી માની સાથે રહે છે. એના કામમાં કહેવું નહીં પડે. એને બિચારીને આવક ચાલુ થઇ જશે. એ સમર્પણ હોસ્પિટલ પાસે રહે છે એટલે એને નજીક પડશે. ચાલતી આવી જશે. તમારી સોસાયટીનું નામ આપી દેજો. " ચંપાબેને વિસ્તારથી જશીનો પરિચય આપ્યો.

દક્ષામાસી તો આવવાનાં જ હતાં. હવે કામવાળીનો પ્રોબ્લેમ પણ સરસ રીતે પતી ગયો.

કેતને ચંપાબેન ને પોતાના નવા બંગલાનું એડ્રેસ એક ચિઠ્ઠીમાં લખી આપ્યું.

" એને કહેજો પરમ દિવસે રવિવારે સવારે ૯ વાગ્યાથી આ નવા બંગલામાં આવી જાય. અમે પણ સવારે જ શિફ્ટ થઈ જઈશું. તમારો હિસાબ પણ કાલે કરી દઈશું " કેતને કહ્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)