Prem - Nafrat - 17 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૭

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૭

આરવને થયું કે બેમાંથી એક ભાઇ તો આમાં સામેલ નહીં હોય ને? તે પ્રાર્થના કરતો હતો કે કિરણભાઇ ના હોય તો સારું છે. તેણે મનોમન કોઇ અજાણ્યું નામ નીકળે એમ વિચારતાં રચનાની સામે જોઇ કહ્યું:'તારી પાસે નામ છે? તું હજુ નવી છે છતાં તને અમારી કંપનીના માણસોની- વ્યક્તિઓની દાનત વિશે વધારે ખબર છે? હું માની શકતો નથી...'

રચના હસી.

'તું મજાક કરે છે ને?' આરવને વિશ્વાસ ન હતો.

'ના...' રચના ગંભીર થતાં બોલી:'એ નામ છે રચના...'

'શું?' આરવને થયું કે પોતે નામ સાંભળવામાં ભૂલ કરી નથી પરંતુ રચના પોતે હોય એ માની શકાય એમ નથી. રચનાએ પોતે કાવતરું કર્યું હોય અને એનો એકરાર પણ કરે એ નવાઇ પમાડે એવી વાત હતી.

'તમને અપેક્ષા નહીં હોય પણ મેં એક જુગાર ખેલ્યો છે. તમને લાગે કે મેં ખોટું કર્યું છે તો તમે મને નોકરીમાંથી કાઢી મૂકશો તો ખરાબ નહીં લાગે. આપણી કંપનીના ભલા માટે મેં એક ચાલ ચાલી હતી. જો અત્યારે ખ્યાલ આવ્યો ના હોત તો હું પછી કહેવાની હતી. પરંતુ શંકા વ્યક્ત થઇ એટલે તમારી સમક્ષ સાચું બોલી રહી છું...' રચના ગંભીરતાથી બોલી રહી હતી.

'રચના...તેં આમ કેમ કર્યું? મારી સાથે ચર્ચા કરવાની જરૂર હતી. તને ખબર છે કે તેં આપણા મોડેલની એમને માહિતી આપીને કંપનીને કેટલું નુકસાન કર્યું છે?' આરવ અફસોસ વ્યક્ત કરતાં પૂછી રહ્યો.

'હા, મને એ વાતનો ખ્યાલ છે કે કંપનીને મારી આ ચાલથી લાખોનું નુકસાન થયું છે. પણ મને વિશ્વાસ છે કે એની ભરપાઇ કરોડો રૂપિયામાં થશે...' રચના આત્મવિશ્વાસ સાથે બોલી.

'તેં બહુ મોટું જોખમ લઇને મને ધર્મસંકટમાં પણ મૂકી દીધો છે...' આરવને રચના પ્રત્યે લાગણી હતી એ વ્યક્ત થતી હતી.

'સર, તમે ચિંતા કરશો નહીં. આ વાત આપણી વચ્ચે જ રાખીશું. આગામી માસમાં 'સુપર ફાસ્ટ મોબાઇલ' નું નવું મોડેલ લોન્ચ થવાનું છે. આપણે એની કેટલીક માહિતી મેળવી લઇશું અને કોઇ જાહેરાત વિના તેના બે દિવસ પહેલાં આપણું એવું જ મોડેલ અચાનક લોન્ચ કરીશું. મને મારી મિત્ર સંજના પર પૂરો ભરોસો છે. તે 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી જરૂરી માહિતી અગાઉથી આપી દેશે...' રચનાએ પોતાની યોજના સમજાવી.

આરવને થયું કે રચનાએ એક ડગલું મૂકી દીધું હોવાથી હવે એ જ માર્ગ પર આગળ જવા બીજું ડગલું મૂકવું જ પડશે. બીજો મોબાઇલ લોન્ચ કરવાની તૈયારી કરવી જ પડશે. પરંતુ પિતા અને ભાઇઓને આ યોજના માટે સંમત કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન છે.

આરવને ચૂપ જોઇ રચના બોલી:'સર, તમને લાગતું હોય કે મેં મોટી ભૂલ કે મૂર્ખામી કરી છે તો તમે મને કોઇપણ સજા આપી શકો છો. હું એ ભોગવવા તૈયાર છું...'

'જો તારી યોજના સફળ થાય તો તું પ્રશંસાને પાત્ર ગણાઇશ. ઓકે, હું પપ્પા અને ભાઇઓને વાત કરી જોઉં છું. મને લાગતું નથી કે કોઇ મારી સાથે સંમત થાય...' આરવને ભાઇઓનો ડર હતો.

આરવનો ડર સાચો પડ્યો.

'ભાઇ, આ રીતે કોઇ અજાણી વ્યક્તિ આપણી કંપની સાથે રમત રમી જાય એ સાંખી લેવાય નહીં. મને લાગે છે કે એ છોકરી પર તેં વધારે પડતો ભરોસો બલ્કે આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો. એ છોકરી આપણી કંપની વતી કેવી રીતે આવો નિર્ણય લઇ શકે...?' હિરેન ગુસ્સામાં હતો.

આરવે રચનાની બધી જ વાત ખુલ્લા દિલે બંને ભાઇઓ અને પિતા સમક્ષ કહી દીધી હતી. તે બધાના ગુસ્સાનો સામનો કરવા તૈયાર હતો. અને મનથી એ વાતથી તૈયાર હતો કે રચના તેના જીવનમાં આવે એ પહેલાં જ કંપનીમાંથી નીકળી જવાની હતી. તેને કોઇ સજા ના સુણાવવામાં આવે એટલી જ તેની ઇચ્છા હતી. એણે રચનાને મનથી માફ કરી દીધી હતી.

કિરણ પણ રચનાના પગલાથી ગુસ્સે હતો:'આરવ, કંપની ચલાવવી એ કોઇ રમત વાત નથી એ તું સારી રીતે જાણે છે. એમાં છોકરમતવાળા લોકો ના ચાલે. અમે તારા પર ભરોસો કરીને એને રાખવા માટે હા પાડી હતી. કંપનીને જે નુકસાન થવાનું છે એની ભરપાઇ કોણ કરશે?'

આરવ સમજી ગયો કે એનો ઇશારો રચના પર છે. તેને સજા આપવી જોઇએ એવો મત વ્યક્ત થઇ ચૂક્યો છે. આરવને પોતાને પણ થયું કે પોતે રચનાની પસંદગી કરવામાં થાપ ખાઇ ગયો છે? તેણે કોઇ આકર્ષણથી રચનાને પસંદ કરી હતી કે તેની લાયકાતથી? એ નક્કી કરવાનું તેના માટે જ અત્યારે મુશ્કેલ બની રહ્યું હતું.

આરવ કોઇ જવાબ આપે એ પહેલાં જ હિરેન બોલ્યો:'મારો અભિપ્રાય છે કે રચના સામે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઇએ...કંપની સાથે એણે દગો કર્યો છે. કંપનીની ખાનગી માહિતી વેચી છે...' અને કિરણની સંમતિ માગતો હોય એમ તેની સામે જોયું...'

'ભાઇની વાત સાથે હું સંમત છું....' કિરણ સંમતિ આપતાં બોલ્યો.

આરવ બંને ભાઇની વાત સાંભળીને ચમકી ગયો. તેને એમ હતું કે રચનાને માત્ર નોકરીમાંથી જ કાઢી મૂકવામાં આવશે. પોલીસ ફરિયાદની વાત આરવની કલ્પના બહારની હતી. જે હાથથી રચનાની વરમાળા પોતાના ગળામાં આરોપિત થાય એવું સપનું જોતો હતો એ હાથમાં આરવ હાથકડી જોઇ રહ્યો.

ક્રમશ: