આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૭
દિયાનનો જવાબ હેવાલીને અપેક્ષિત ન હતો. તે શિનામિના મોહમાં અંધ બન્યો હોવાની વાતને સાચી કહી રહ્યો હતો.
'દિયાન, આ તું શું બોલી રહ્યો છે. સપના સપના હોય છે. તારું સપનું શિનામિ જેવી યુવતી હતી તો પછી મારી સાથે લગ્ન કેમ કર્યા?' હેવાલી રડમસ અવાજે પૂછી રહી.
'હેવાલી, મેવાન અને શિનામિને કારણે આપણા લગ્નજીવનને અસર થવી ના જોઇએ. તું મારી વાતનો અર્થ સમજી નથી. હવે આપણી પાસે અલગ થવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. અને હું શિનામિને સ્વીકારી રહ્યો છું એટલે તને એવું લાગે છે કે હું એના મોહમાં અંધ બન્યો છું. પણ સપનામાં મેં આ આંખોથી એને જોઇ નથી. મારા મનની આંખોએ એને જોઇ છે. મને ખબર છે કે હકીકતની ધરતી અને સપનાનું આકાશ સરખા હોતા નથી. પરિસ્થિતિને આપણે સ્વીકારીને અલગ થવું જ પડશે. મેવાન અને શિનામિને સ્વીકારવા પડશે. એ સિવાય તારો કે મારો કોઇ છૂટકો નથી...ગયા જન્મમાં તું જેમ સુમિતા હતી અને મેવાન સાથે તારા લગ્ન થયા હતા એમ હું રણદીપ હતો અને મારા લગ્ન શિનામિ સાથે થયા હતા. શિનામિએ મને જે વાત કહી એ મેવાનની તારી સાથેની વાત સાથે મળતી આવે છે. મેવાન અને શિનામિ પડોશી હતા. તેમની વચ્ચે મિત્રતા હતી પરંતુ પ્રેમ ન હતો. તેમની વચ્ચે દોસ્તીથી વિશેષ કંઇ ન હતું. કેમકે બન્ને બીજાના પ્રેમમાં હતા. મેવાન સુમિતાને ચાહતો હતો અને શિનામિ મને એટલે કે રણદીપને ચાહતી હતી. ત્રિલોક ચાહતા હતા કે મેવાનના લગ્ન શિનામિ સાથે થાય. જે ચારેયને મંજૂર ન હતું અને એટલે મેવાન-સુમિતા અને રણદીપ-શિનામિના લગ્ન થયા હતા. એ રીતે જોઇએ તો આ જન્મમાં રણદીપ-સુમિતા આપણે ગણાઇએ. જે એમને મંજુર નથી. જન્મજન્મના ચક્રમાં ફેર થવો ના જોઇએ. દરેક જન્મમાં સાથે રહેવા જોઇએ. આપણે આ ચક્રમાં ફસાયા છે. જન્મોજનમની જોડીને ફરી બનાવવા આપણે એમને સહયોગ આપવો જ પડશે.' દિયાન પરિસ્થિતિને સમજાવતા બોલ્યો.
હેવાલીએ તેની સામે ઘણી દલીલો કરી પણ દિયાન એ વાત પર જ અડી રહ્યો કે બંનેએ એમની સાથે જવું જ પડશે. હેવાલીએ આખરે દિયાન સામે ઝૂકવું પડ્યું. તેને દિયાનથી અલગ થવાનું ગમતું ન હતું. તેની પાસે બીજો કોઇ રસ્તો ન હતો. હેવાલીને દિયાન પર વિશ્વાસ હતો કે તે ખોટો નિર્ણય લેશે નહીં. મેવાન-શિનામિના હુકમની તે અવગણના કરી શકે એમ ન હતો. એ બંને આર્થિક કે સામાજિક રીતે બરબાદ કરી શકે એમ ન હતા. પરંતુ માનસિક રીતે એમણે એવો કબ્જો જમાવ્યો હતો કે તેમને ન અનુસરવાનું મોંઘું બની શકે એમ હતું. આજ રાતથી જ એમણે અલગ થવાનું હતું. બંને પાસે હવે એક રાત પણ ન હતી.
...અને એ રાતે બંને 'પ્રકૃતિ' બંગલામાં હતા ત્યારે બે પડછાયા દરવાજા પાસે દેખાયા. દિયાન નીચેના અને હેવાલી પહેલા માળ પર પડછાયાઓનું સ્વાગત કરવા તૈયાર બેઠા હતા. દિયાને જોયું કે શિનામિ જ્યારે રૂમમાં પ્રવેશી ત્યારે દરવાજો બંધ હતો. તેના માટે લાકડું કે લોખંડ કોઇ અવરોધ ન હતા. તે ગમે ત્યાં આવી શકતી હતી અને જઇ શકતી હતી. તે દિયાનના મનમાં નિદ્રાવસ્થામાં અત્યાર સુધી વાતચીત કરતી હતી. દિયાન એને પહેલી વખત ખુલ્લી આંખે જોઇ રહ્યો હતો. તેને શિનામિ એવી જ દેખાઇ જેવી એ સપનામાં આવતી હતી. દિયાને એને આવકાર આપતાં કહ્યું:'આવ શિનામિ...'
'ઓહ! દિયાન! તારો આભાર કે મારી વાતને તેં માની લીધી અને મારી સાથે બાકીનું જીવન વીતાવવા તૈયાર થઇ ગયો...' શિનામિ ગદગદ થતાં બોલી.
'શિનામિ, તારી સાથે જન્મોજનમનું બંધન હોય ત્યારે હું તારા સાથ માટે ઇન્કાર કરી શકું જ નહીં. તું કેટલી સુંદર છે. આપણો સાથ માનવ અવતારમાં જ આવ્યો હોત તો વધુ સારું રહ્યું હોત. હું તને સ્પર્શી શકું એમ નથી. તારી એક આત્મા કે પ્રેત તરીકેની મર્યાદા છે. એ મર્યાદાનું પાલન કરીને આપણે જીવીશું. આવતા જન્મમાં જરૂર આપણે માનવ રૂપમાં આપણું સામાન્ય જીવન જીવી શકીશું...' દિયાન બોલતો હતો અને શિનામિ ખુશીથી એને સાંભળી રહી હતી.
'હા દિયાન, કુદરતને કદાચ મંજુર નથી કે આ જન્મમાં આપણે માનવ રૂપમાં મળીએ. હું શિનામિ હતી ત્યારે તું રણદીપ હતો અને આપણા લગ્ન થયા પછી જે આગની ઘટના બની એમાં આપણે ચારેય બળીને રાખ થઇ ગયા હતા. તમે બે બીજો જન્મ પામી ગયા પણ અમારો આત્મા ભટકતો રહ્યો. અમે તમને બીજા જન્મમાં શોધી શક્યા એનો આનંદ છે...' શિનામિના અવાજમાં દિયાનને મળવાની ખુશી છલકી રહી હતી.
અચાનક ઉપરના માળે કોઇ વસ્તુ ફેંકવાનો અવાજ આવ્યો અને દિયાન ચમકી ગયો. તેને હેવાલીની ચિંતા થઇ. શિનામિ જાણે બધું જાણતી હોય એમ મંદ મંદ મુસ્કુરાતી હતી.
ક્રમશ: