પ્રાયશ્ચિત પ્રકરણ 72
ધ્યાન અવસ્થામાં સ્વામીજીનો આટલો અદભુત અનુભવ કર્યા પછી અને એમનાં સાક્ષાત દર્શન પછી કેતનના મનને ખૂબ જ શાંતિ મળી હતી. અલૌકિક દિવ્ય અનુભવ આજે એને થયો હતો એટલે કર્મનો બોધ આપનાર ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય મૂર્તિ સામે એણે દિલથી પ્રાર્થના કરી.
સ્વામીજીની વાત એકદમ સાચી હતી કે માન-સન્માન પ્રતિષ્ઠા એને હવે ગમવા લાગ્યાં હતાં. કરોડોની હોસ્પિટલનો પોતે માલિક બની ગયો હતો બધા જ એને સલામ કરતા હતા એનાથી એનો અહમ્ પોષાતો હતો !! તે દિવસે એણે વિવેકને પણ ધમકાવી દીધો હતો. એ સ્ટાફ સાથે ડિસ્ટન્સ રાખવા માગતો હતો. સ્વામીજી આ વાત પણ જાણી ગયા હતા.
સ્વામીજીની વાત સાચી છે. મારે આ બધી જંજાળથી છૂટકારો મેળવવો જોઈએ. માત્ર કર્મ કરવાનું પણ કર્મ નો અહંકાર પેદા નહી કરવાનો. હોસ્પિટલ બનાવી દીધી હતી. હવે હોસ્પિટલની માયામાંથી મારે બહાર નીકળી જવું જોઈએ. હું અહીં કોઈ બિઝનેસ કરવા નથી આવ્યો. સેવાનો યજ્ઞ મારે ચાલુ રાખવો જોઈએ તો જ સાચું પ્રાયશ્ચિત થાય !
સ્વામીજીએ જે જે સૂચનો કર્યાં તે દિશામાં મારે હવે સક્રિય થવું પડશે. વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ અને કન્યાઓ માટે કન્યા છાત્રાલય ! અહીં દ્વારકામાં જ એક સદાવ્રત !! હું એક સંસારી સાધુ છું અને સાધુ તો ચલતા ભલા !! કોઈપણ સ્થળે મારું વળગણ ન હોવું જોઈએ.
" તમે ક્યાં ખોવાઈ ગયા છો કેતન ? " જાનકી બોલી. ગાડી ચલાવતાં ચલાવતાં કેતન પોતાના વિચારોમાં ખોવાઈ ગયો હતો.
" નહીં બસ..દર્શન કરવાની મજા આવી. દર્શનનો જ આનંદ માણતો હતો." કેતન બોલ્યો. મંદિરેથી દર્શન કરીને તરત જ બંને ગાડીઓ જામનગર તરફ આગળ વધી રહી હતી. સવારે દર્શન કરવા જતી વખતે જ રિસોર્ટનું બિલ ભરી દીધું હતું અને ચેક આઉટ કરી દીધું હતું.
દૂરથી જગત મંદિર દેખાતું હતું અને એની હવામાં ફરકતી ધજા જાણે કે કેતનને આગળના માર્ગની લીલી ઝંડી આપી રહી હતી ! દરિયાઈ પવનની ગતિથી સતત ફરતી રહેતી આજુબાજુની પવનચક્કીઓ પણ કેતન ને ગતિમાં રહેવાની પ્રેરણા આપતી હતી.
જામનગર પહોંચ્યા ત્યારે બપોરનો એક વાગવા આવ્યો હતો. દક્ષાબેનને રસોઈ કરવાની ના પાડી હતી. કેતને ગાડી સીધી બ્રાહ્મણીયા ડાઇનિંગ હોલ તરફ લીધી.
કેતન હવે જામનગરમાં પરિચિત ચહેરો બની ગયો હતો એટલે કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈ એને ઓળખી ગયા. એણે ઉભા થઈને બધાને આવકાર આપ્યો.
જમવાનું સરસ હતું. જમ્યા પછી અહીં દિલથી છાશ આપવાનો રિવાજ હતો. સૌરાષ્ટ્રમાં આમ પણ છાશ નું મહત્વ વધારે છે.
જમીને ઘરે પહોંચ્યા ત્યારે લગભગ અઢી વાગવા આવ્યા હતા. બધાંને થોડી વાર આરામ કરવાની ઈચ્છા હતી. ૪:૩૦ સુધી બધાંએ આરામ કર્યો.
" હવે આવતી કાલની મુંબઈની ટિકિટ બુક કરાવી દે કેતન. અને મુંબઈથી સુરતની અમારી ટિકિટ પણ તત્કાલ કોટામાં લઈ લે " ચા પીતાં પીતાં જગદીશભાઈ બોલ્યા.
" એ તો હું હમણાં કરાવી દઉં છું પપ્પા." સિદ્ધાર્થ બોલ્યો.
" કાલે બપોર પછી અમે લોકો પણ બપોર પછી નવા બંગલામાં શિફ્ટ થઈ જઈશું. " કેતન બોલ્યો.
" કાલે ચૌદશ છે. હમણાં બે દિવસ રહેવા દે. રવિવારે પૂનમ છે એટલે એ દિવસે તમે લોકો ત્યાં જતા રહેજો. આમેય બે દિવસમાં કંઇ ખાટું-મોળું થવાનું નથી. ભલે વાસ્તુ કર્યું પણ રહેવા જવામાં પણ સારો દિવસ જ પસંદ કરવો. " જયાબેન બોલ્યાં.
" ઠીક છે મમ્મી રવિવારે જઈશું." કેતનના બદલે જાનકી બોલી.
" તમારે લોકોને સાંજે ક્યાંય ફરવા જવાનો વિચાર છે ? કંઈ ખરીદી કરવી હોય તો. " કેતને પૂછ્યું.
" તમારે લોકોને જવું હોય તો જાઓ. હું તો ઘરે આરામ કરીશ. જામનગરની બાંધણી પ્રખ્યાત છે પણ આપણા ઘરમાં કોઇ પહેરવાનું નથી. અને હવે બધું જ સુરતમાં મળે છે. ખાલી ફરવા જવું હોય તો જઈ આવો. " જયાબેન બોલ્યાં.
" તો પછી એમ કરીએ. જૈન વિજય ફરસાણનાં ગુલાબજાંબુ ખૂબ જ સરસ આવે છે અને ત્યાંથી ડ્રાય ફ્રુટ કચોરી પણ લઈ આવું. બંને ઘર માટે થોડા અડદિયા પણ પેક કરાવી દઉં. મારી ગાડીમાં જેને આવવું હોય તે આવી જાઓ. " કેતન બોલ્યો.
કેતનની સાથે જાનકી રેવતી અને શિવાની જોડાઈ ગયાં. સિદ્ધાર્થ ઘરે રોકાઇ ગયો અને ટિકિટ બુક કરાવવાના કામમાં લાગી ગયો.
મનસુખે ગાડી જૈન ફરસાણ તરફ લઈ લીધી. ૧૦ મિનિટમાં તો બધાં પહોંચી પણ ગયાં.
કેતને બંને ઘર માટે ત્રણેય વસ્તુ પેક કરાવી અને બીલ ચૂકવી દીધું. શિવાનીના કહેવાથી ત્યાંથી લાખોટા તળાવ તરફ હેવમોર આઈસ્ક્રીમ તરફ ગાડી લીધી. ત્યાંથી આઈસ્ક્રીમનાં પેકેટ લઈને કાર ને પટેલ કોલોની તરફ વાળી. સુરતીઓને આઈસક્રીમ બહુ જ પ્રિય હોય છે.
" તમે લોકો તો બહુ જલદી આવી ગયાં " કીર્તિબેન બોલ્યાં.
" જામનગર મુંબઈ જેવું મોટું નથી મમ્મી. ટ્રાફિક સિગ્નલના કારણે આટલી પણ વાર થાય છે નહીં તો હજુ પણ વહેલાં આવી જાત. " જાનકીએ જવાબ આપ્યો.
સાંજે સાત વાગ્યે દક્ષાબેન પણ હાજર થઈ ગયાં. એમના કામમાં એ બહુ જ નિયમિત હતાં.
" બોલો બેન... આજે રસોઈમાં શુ બનાવું ? " મહેમાનો વધારે હતાં એટલે દક્ષાબેને જયાબેનને પૂછ્યું.
" સવારે હોટલમાં જમ્યાં છીએ એટલે અત્યારે સાદું જ બનાવી દો. ભાખરી શાક અને ખીચડી. સાથે દુધ કે છાશ ! કેમ કીર્તિબેન ? તમારે કોઈ ફેરફાર કરવો હોય તો મને વાંધો નથી હોં . " જયાબેન બોલ્યાં.
" ના..ના...એ જ બરાબર છે. "કીર્તિબેન બોલ્યાં.
રાત્રે ૮:૩૦ વાગ્યે બધાં જમવા બેસી ગયાં. દક્ષાબેનના હાથની ભાખરી પણ એકદમ સોફ્ટ થઈ હતી. ભાખરીની સાથે જગદીશભાઈ, જયાબેન અને કીર્તિબેને વાડકીમાં છાશ લીધી જ્યારે બાકીનાં બધાંએ દૂધ લીધું.
" પ્રસાદના ૬ ૭ લાડુ હજુ વધ્યા છે. જેની ઇચ્છા હોય તે લઈ શકે છે." જયાબેને કહ્યું.
" મમ્મી મને તો આપી જ દે " શિવાની બોલી.
શિવાનીની સાથે સાથે જાનકી રેવતી અને કેતને પણ પ્રસાદનો લાડુ જમવામાં લીધો.
" બાકીના આ ત્રણ લાડુ કાલે સવારે ખાઇ લેજો. " જયાબેન બોલ્યાં.
" પહેલાના અમારા જમાનામાં તો ચુરમાના લાડુ ખાલી ઘઉંના કરકરા જાડા લોટમાંથી જ બનાવતા. હવેના રસોઈયા ઘઉંના લોટમાં થોડો ચણાનો કરકરો લોટ પણ ઉમેરે છે. " જમતાં જમતાં જયાબેન બોલ્યાં.
"મમ્મી અમારી રસોઈ ની શોખીન છે. " કેતન બોલ્યો.
" હા હોં... મને બધી વસ્તુ આવડે પણ હવે વર્ષોથી રસોઈયો રસોઈ કરે એટલે આપણે બધું ભૂલવા માંડ્યાં." જયાબેને કહ્યું.
રાત્રે દસ વાગે જાનકીએ અંદર જઈને બધાંને માટે બાઉલમાં આઈસક્રીમ કાઢ્યો અને ડ્રોઈંગરૂમમાં આવીને બધાંના હાથમાં આપ્યો
"આ ફેરવેલ આઈસ્ક્રીમ છે. આ મકાનમાં છેલ્લીવાર આપણે આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં છીએ....એન્જોય એન્ડ ચિયર્સ !! "કેતન બોલ્યો.
આઇસ્ક્રીમનો આનંદ માણીને બધાંએ સૂવાની તૈયારી કરી.
" નવા બંગલામાં આજુબાજુ કોઈ વસ્તી નથી એટલે થોડા દિવસ તમને લોકોને સુનું બહુ લાગશે કેતન. એક બે મહિના હજુ અહીં ખેંચી નાખો." જગદીશભાઈ બોલ્યા.
" ના પપ્પા. ભલે એ સોસાયટીમાં વસ્તી નથી પણ આજુબાજુની સોસાયટીઓ વસ્તીવાળી છે અને આખી રાત કાલે ટ્રાફિક નો અવાજ આવતો હતો એટલે વાંધો નથી. " કેતન બોલ્યો.
એ પછી ૫ ૧૦ મિનિટ આડી અવળી વાતો કરીને બધાં સૂઇ ગયાં.
મોબાઈલમાં એલાર્મ મૂકેલું હતું એટલે બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે બધાં ઉઠી ગયાં. તૈયાર થવામાં સવારના સાડા આઠ વાગી ગયા.
સવારે સાડા અગિયાર વાગે ઘરેથી નીકળી જવાનું હતું. આજે દક્ષાબેનને થોડાંક વહેલાં બોલાવ્યાં હતાં. નવ માણસોની રસોઈ કરવાની હતી.
પોણા અગિયાર વાગ્યે બધાં જમવા બેસી ગયાં. દાળ ભાત રોટલી અને ભીંડાનું શાક હતું. જાનકી પણ રોટલી બનાવવામાં મદદ કરી રહી હતી.
મનસુખને કહીને જયેશની ગાડી પણ મંગાવી રાખી હતી. ૧૧:૩૦ વાગે એ લોકો એરપોર્ટ જવા માટે નીકળી ગયાં.
" ચાલો કેતનકુમાર...જામનગરમાં ખૂબ જ મજા આવી. એ બહાને આટલી ઉંમરે દ્વારકાધીશનાં દર્શન કરવાનો મોકો મળ્યો. હોસ્પિટલ અને બંગલો બંને અમને ગમ્યાં." એરપોર્ટ ઉપર દેસાઈ સાહેબ કેતનને કહી રહ્યા હતા.
" તમે હાજરી આપી એનાથી અમને પણ ખૂબ જ સારું લાગ્યું. તમને પણ ખાતરી થઈ ગઈ કે જાનકી અહીં સુખી જ છે. સુરત છોડ્યાનું એને કોઈ દુઃખ નથી. " કેતન બોલ્યો.
" અરે એ શું બોલ્યા કેતનકુમાર ? જાનકી ગમે ત્યાં રહે તમારી સાથે એ સુખી જ છે. અમને તો ખાતરી જ છે. દીકરી લગ્ન કરે એટલે એ પતિની જ થઈ જાય. અમારી સાથેના ઋણાનુબંધ પૂરા થઈ ગયા. " કીર્તિબેને જવાબ આપ્યો.
એ પછી બોર્ડિંગ પાસ લઈને પરિવાર આગળ વધી ગયો. પરિવારની વિદાય આપતાં જાનકી અને કેતનની આંખો ભીની થઈ ગઈ. જિંદગીની યાત્રા આમને આમ આગળ વધતી જ રહે છે.
ઘરે આવીને કેતન થોડો ઉદાસ થઈ ગયો. ઘરમાંથી એક સાથે સાત મહેમાનો વિદાય થઈ ગયા. અને એમને મહેમાનો પણ કેમ કહેવાય ? ઘરનાં જ આત્મિય સ્વજનો ! ત્રણ દિવસથી ઘરમાં કેટલો બધો કલરવ હતો !! પરિવારની હૂંફ એક અલગ જ હોય છે !!
" જાનકી આપણા બે મહત્વના પ્રસંગો પતી ગયા. હોસ્પિટલનું ઉદઘાટન પણ થઈ ગયું અને બંગલાનું વાસ્તુ પણ ! હવે કયા પ્રસંગે આપણો પરિવાર જામનગર આવશે ? હવે કોઈ બહાનું રહ્યું નહીં આમંત્રણ આપવાનું !! હવે એકલા ચાલવાનો સમય આવી ગયો. " કેતન બોલ્યો.
" આજે કેમ આટલા બધા નિરાશ થઈ ગયા છો સાહેબ ? કુટુંબ ને મળવા માટે પ્રસંગની કે બહાનાની ક્યાં જરૂર છે ? આપણું ઘર છે આપણે ગમે ત્યારે જઈ શકીએ છીએ. મે મહિનામાં તો શિવાની બેન પણ આવી જવાનાં છે. " જાનકી બોલી.
જાનકીના આશ્વાસનથી કેતન થોડો હળવો થયો પરંતુ સંપૂર્ણપણે ઉદાસીનતા ગઈ નહીં. વિચારોને ખંખેરવા એણે હોસ્પિટલ જવાનો નિર્ણય લીધો.
" તું એક કામ કર. તું બપોરે ઘરે આરામ કર. હું હોસ્પિટલનું એક ચક્કર મારી આવું છું. " કેતન બોલ્યો અને ગાડી ડ્રાઇવ કરીને હોસ્પિટલ જવા નીકળી ગયો.
મનસુખ માલવિયા એરપોર્ટથી સીધો જયેશભાઈની ઓફિસે ગાડી આપવા ગયો હતો. કેતને એને ફોન કરી દીધો.
" મનસુખભાઈ ....હમણાં ઘરે આવવાની જરૂર નથી. હું હોસ્પિટલ જાઉં છું. તમે ઓફિસમાં જ રોકાઈ જાઓ. જરૂર હશે તો હું બોલાવી લઈશ." કેતન બોલ્યો.
" ભલે શેઠ. " મનસુખ બોલ્યો.
કેતને હોસ્પિટલ પહોંચીને સૌથી પહેલાં નવા ખુલેલા મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી. અંદર જઈને વાત કરવાની એની ઈચ્છા હતી પરંતુ બહાર લેનારાની ભીડ એટલી બધી હતી કે એ અંદર ના ગયો પણ પાંચ મિનીટ બહાર જ ઉભો રહીને જોવા લાગ્યો.
અંદર ૪ જણાનો સ્ટાફ હતો એમાંથી ૩ જણા તો દવાઓ શોધી શોધીને આપવામાં વ્યસ્ત હતા અને એક વ્યક્તિ કોમ્પ્યુટરમાં દવાઓની એન્ટ્રી કરતો હતો. પૈસા તો લેવાના હતા નહીં એટલે બિલ આપવામાં નહોતું આવતું.
કેતન થોડીવાર પછી અંદર ગયો. હજુ ત્રણ વાગવા આવ્યા હતા અને ઓપીડી ચાર વાગે ચાલુ થતી હતી.
કેતન પોતાની ચેમ્બરમાં જવાના બદલે નીચે જ એક ખુરશીમાં બેઠો. એણે સિક્યુરિટીવાળાને રાજેશને બોલાવવાનું કહ્યું. સિક્યુરિટીવાળો દોડતો જઈને ઉપરથી રાજેશને બોલાવી લાવ્યો.
સરને નીચે પેશન્ટોની ખુરશીમાં બેઠેલા જોઇને રાજેશને પણ આશ્ચર્ય થયું.
" જી સર. " રાજેશ બોલ્યો.
" મેડિકલ સ્ટોરમાં મેઈન માણસ કોણ છે ? કારણ કે મારા માટે તો ચારેય જણા નવા છે. " કેતને પૂછ્યું.
" મનીષ શાહ સિનીયર ફાર્માસીસ્ટ છે. એને ઇન્ચાર્જ બનાવ્યો છે. બીજો ફાર્માસિસ્ટ કમલેશ છે. જ્યારે બીજા બે છોકરાઓ મદદનીશ છે. " રાજેશ દવે બોલ્યો.
" સારું મનીષ ને જરા બોલાવી લાવ. " કેતને કહ્યું.
" જી સર. " રાજેશ બોલ્યો અને દોડતો જઈને મનીષને બોલાવી લાવ્યો.
રાજેશે મેડિકલ સ્ટોરમાં જ મનીષને કેતન સરનો પરિચય આપી દીધો હતો એટલે મનીષ ચૂપચાપ આવીને કેતન ની સામે ઊભો રહ્યો.
" જી સર. હુ મનીષ " મનીષ બોલ્યો.
" જો મનીષ આપણે અત્યારે પ્રાયોગિક ધોરણે મફત દવાઓનું વિતરણ ચાલુ કર્યું છે. તમારે લોકોને થોડા સાવધાન રહેવાની જરૂર છે. બહારના માણસોને ખબર પડશે અથવા તો બીજા મેડિકલ સ્ટોર વાળાઓને ખબર પડશે તો એ પણ ખોટા માણસો મોકલી મોકલીને દવાઓ મંગાવતા થઈ જશે. "
" જી સર.. આપની વાત એકદમ સાચી છે. " મનીષ બોલ્યો. કેતન સરની વાતથી એ પ્રભાવિત થયો.
" આપણો ઉદ્દેશ ગરીબોને મફત દવા આપવાનો છે એટલે એનો ગેરલાભ બધા લોકો ના લે એ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. આપણી હોસ્પિટલના જ ડોક્ટરોએ હોસ્પિટલના છાપેલા પેડ ઉપર જે પ્રીસ્ક્રીપશન લખ્યું હોય અને નીચે સ્ટેમ્પ મારેલો હોય એના ઉપર જ મફત દવાઓ આપવી. " કેતન બોલ્યો.
"બહારથી કોઈ પણ વ્યક્તિ દવા લેવા આવે તો દવાની પૂરી કિંમત લઈ લેવી. નો ડિસ્કાઉન્ટ ! માત્ર અને માત્ર ઓપીડી માં હોસ્પિટલના છાપેલા પેડ ઉપર અને એ પણ આપણી જ હોસ્પિટલના ડોક્ટરોની સાઈન હોય તો જ એનું વિતરણ ફ્રીમાં. અંડરસ્ટેન્ડ ? " કેતન બોલ્યો.
" જી સર. આપની વાત બરાબર સમજી ગયો અને બાકીના સ્ટાફને પણ હું સમજાવી દઉં છું. " મનીષ બોલ્યો.
" ગુડ... અને રાજેશ તું પણ બધા ડોક્ટરોને કહી દેજે કે દરેક પ્રીસ્ક્રીપશન ની નીચે સાઇન કરીને સ્ટેમ્પ લગાવે. આપણે દરેકને સ્ટેમ્પ આપેલા જ છે. " કેતને કહ્યું.
" જી સર. હું આજે જ તમામ ડોક્ટરોને સૂચના આપી દઉં છું. " રાજેશ બોલ્યો.
" અને મનીષ જો સાઇન અને સ્ટેમ્પ ના હોય તો પેશન્ટને સાઇન કરાવવા પાછો મોકલવાનો. હોસ્પિટલના પેડનો પણ દુરુપયોગ થઈ શકે છે. બી કેરફુલ ! " કહીને કેતન ઊભો થયો અને પગથિયાં ચડીને ઉપર પોતાની ચેમ્બરમાં ગયો.
બરાબર એ જ વખતે કેન્ટીનમાં લંચ લેવા ગયેલી નીતા મિસ્ત્રી પગથિયાં ઊતરી રહી હતી. બંનેએ એકબીજાની સામે જોયું. કોઈ કંઈ બોલ્યું નહીં.
નીતા નિઃસાસો નાખીને નીચે ઉતરી ગઈ. ઘણું કહેવું હતું પણ વાણી મૌન હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)