Prayshchit - 71 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 71

Featured Books
Categories
Share

પ્રાયશ્ચિત - 71

પ્રાયશ્ચિત પ્રકરણ 71

સવાર-સવારમાં જ પેટ ભરાઈ ગયું. થેપલાં એટલાં સ્વાદિષ્ટ હતાં કે કોઈને ખાવાનું ભાન ના રહ્યું.

" કેતન દક્ષાબેનને ફોન કરીને કહી દે કે રોટલીનો લોટ ના બાંધે. ગઇકાલના લાડવા પડ્યા છે તો દાળ ભાત શાક જ બનાવી દે. " જયાબેને કેતનને કહ્યું. કેતને ચાર દિવસ પહેલાં જ દક્ષામાસીને એક સાદો ફોન લઇ આપ્યો હતો.

" ઠીક છે હું કહી દઉં છું. અને આપણે લોકો પણ હવે એકાદ કલાકમાં નીકળીએ જ છીએ. મનસુખભાઈને મેં ૧૦ વાગે આવી જવાનું કહ્યું છે. " કેતન બોલ્યો.

" આપણે આ એરિયાના ન્યુઝપેપર વાળા ને પણ કહેવું પડશે. રોજ સવારે ઊઠીને ચાની સાથે છાપું વાંચવાની ટેવ છે." કેતન બોલ્યો.

" તમે આવી નાની-નાની ચિંતા નહીં કરો. મનસુખભાઈ છે જ ને ? એ બધી તપાસ કરીને પેપર ચાલુ કરાવી દેશે. " જાનકી બોલી.

લગભગ પોણા દસ વાગે મનસુખ માલવિયા જયેશ ઝવેરીની ગાડી લઈને આવી ગયો.

સમગ્ર પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે દસ અને દસ મિનિટ થઈ હતી.

" મનસુખભાઈ તમે ત્રણ વાગ્યા પહેલાં જયેશભાઈની આ ગાડી લઈને આવી જજો. આપણે દ્વારકા જઈ રહ્યા છીએ. રાત્રિ રોકાણ ગોવર્ધન ગ્રીન રિસોર્ટમાં જ કરવાનું છે જ્યાં ગયા વખતે તમે અમને લઈ ગયા હતા. " કેતને સૂચના આપી.

એણે જયેશને પણ ફોન કરી દીધો કે તમારી ગાડી અમે દ્વારકા લઈ જઈએ છીએ અને આવતી કાલે આવીશું.

" અરે શેઠ ગાડી તમારી જ છે. મનસુખ પણ મને ફોન કરીને કહી દેત. આરામથી દર્શન કરી આવો. " જયેશ બોલ્યો.

૧૨.૩૦ આસપાસ બધાં જમવા બેસી ગયાં. દક્ષામાસીને સૂચના આપી હતી એટલે એમણે માત્ર દાળ ભાત અને રીંગણ બટેટા નું શાક કર્યું હતું. પ્રસાદના ઘણા લાડુ વધેલા હતા.

ત્રણ વાગે બંને ગાડીઓ દ્વારકા જવા માટે રવાના થઈ ગઈ. જામનગર દ્વારકા વચ્ચે ખૂબ જ સુંદર હાઈવે બનેલો છે પરંતુ વચ્ચે રોડ પહોળો થતો હોવાથી થોડો રસ્તો ખરાબ છે.

કેતન બે વાર દ્વારકા આવી ગયો હોવાથી દ્વારકાના તમામ રસ્તાની એને ખબર હતી એટલે એણે ગાડી સીધી બ્રહ્મકુંડ બાજુ લઈને પાર્ક કરી. મનસુખની ગાડી પણ એની પાછળ પાછળ આવી.

સાંજ પડી ગઈ હતી એટલે એ લોકો પહેલા ગોમતી ઘાટ તરફ ગયા. આરતીને હજુ થોડી વાર હતી. ગોમતી ઘાટ ઉપર સારી એવી ઠંડક હતી.

ત્યાંથી બજારમાં ચક્કર મારીને ફરતા-ફરતા મંદિરના ગેટ ઉપર આવી ગયા અને મંદિરની અંદર પ્રવેશ કર્યો.

દેસાઈ સાહેબ અને કીર્તિબેન પહેલી જ વાર આ યાત્રાધામમાં આવ્યાં હતાં એટલે જાનકી એમને બધું સમજાવતી હતી. આરતી ની તૈયારી હતી એટલે દર્શનની ભીડ હતી.

કેતન લોકો થોડીવાર મંદિરના ચોકમાં જ એક બાજુ ઉભા રહ્યા. આરતી શરૂ થઈ તે પછી ધીમે ધીમે એ પાછળના ભાગમાં જઈને દર્શન કરી આવ્યા.

એ પછી મનસુખ માલવિયા એના જાણીતા ગુગળી બ્રાહ્મણ ધનેશભાઇને બોલાવી લાવ્યો. કેતન તો ધનેશભાઈને ઓળખતો જ હતો. ધનેશભાઈ એ આખા પરિવારને તમામ મંદિરોનાં દર્શન કરાવ્યાં. આરતી પતી ગઈ હતી એટલે આ વખતે તો અંદર ગર્ભગૃહમાં બે મિનિટ માટે લઈ જઈને દ્વારકાધીશનાં સ્પેશિયલ દર્શન કરાવ્યાં. દેસાઈ સાહેબ અને કીર્તિબેનને પૂજાનો સંકલ્પ પણ કરાવ્યો.

એમને યોગ્ય દક્ષિણા આપીને એ લોકો બહાર નીકળ્યા અને બજારમાં ફરતાં ફરતાં હોળી ચોક તરફ થઈને ફરીથી બ્રહ્મકુંડ પાસે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં આવી ગયાં. રસ્તામાંથી પ્રસાદ પણ લઇ લીધો.

રાત પડી ગઈ હતી એટલે દરિયાકિનારે જવાનો વિચાર માંડી વાળ્યો અને ગાડીઓ ગોવર્ધન ગ્રીન રિસોર્ટ તરફ લઈ લીધી. ગયા વખતે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમ્યા હતા એટલે આ વખતે ગોવર્ધન રિસોર્ટમાં જ જમવાનું નક્કી કર્યું.

રિસોર્ટમાં જઈને કેતને ૨ સુપિરિયર ફેમિલી રૂમ લઈ લીધા. વિશાળ ફેમિલી રૂમ હતા. દરેક ફેમિલી રૂમમાં બે અલગ અલગ રૂમ હતા. વડીલો બધા એક ફેમિલી રૂમમાં ગયા જ્યારે કેતન જાનકી સિદ્ધાર્થ રેવતી અને શિવાની બીજા ફેમિલી રૂમમાં ગયા.

બધા ફ્રેશ થઈને રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. અત્યારે તો બધાંએ ગુજરાતી થાળી જ પસંદ કરી અને બધાંએ ભાતના બદલે ખીચડી કઢી મંગાવી. જમવાનું પ્રમાણમાં સારું હતું.

આદત મુજબ કેતન તો સવારે પાંચ વાગ્યે ઊઠી ગયો. બ્રશ કરીને ધ્યાનમાં બેસી ગયો. આજુબાજુ બધાં ઘસઘસાટ ઊંઘતાં હતાં. દ્વારકાની દેવભૂમિ હતી અને ભગવાન શ્રીકૃષ્ણની ચેતના અહીંના વાતાવરણમાં સક્રિય હતી એટલે કેતનને ઉંડુ ધ્યાન લાગી ગયું.

દેવભૂમિ ઉપર લાગેલું આજનું ધ્યાન કેતન ની જિંદગીમાં અભૂતપૂર્વ હતું ! એ જાણે ઊંડો ઉતરતો ગયો. એક તીવ્ર પ્રકાશનો અદ્ભુત અનુભવ થયો અને કોઈએ એને ખેંચીને એક જ ક્ષણમાં કોઈ જંગલમાં ઉતારી દીધો.

કોઈની આજ્ઞાથી એ એક કેડી ઉપર ચાલતો રહ્યો. એને અંદરથી એવો અહેસાસ થયો કે આ ગંગાનો કિનારો છે. આજુબાજુ હિમાલયનાં શિખરો એને દેખાતાં હતાં. વાતાવરણ અતિશય ઠંડુ હતું. જંગલમાંથી પંખીઓના કલરવ સંભળાતા હતા. બસ એ ચાલતો જ રહ્યો ચાલતો જ રહ્યો. દૂરથી એક કુટીર જેવું એને દેખાયું.

પોતાની જાત ઉપર એનો કોઈ કાબૂ ન હતો. એણે કુટિરમાં પ્રવેશ કર્યો. સામે ભગવાધારી ચેતનાનંદ સ્વામી કુટિરમાં ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા હતા. કેતને એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બધું આપોઆપ જ થતું હતું !

થોડીવારમાં ચેતન સ્વામીએ આંખો ખોલી. બાજુમાં કમંડળ હતું એમાંથી થોડું પાણી લઈને કેતન ઉપર છાંટયુ. હવે કેતન થોડો સ્વસ્થ થઈ ગયો.

" સ્વામીજી હું ક્યાં છું અત્યારે ? હું અહી કેવી રીતે આવી ગયો ? " કેતન બોલ્યો પરંતુ એ મૌન વાણી હતી.

" તારો સ્થૂળ દેહ દ્વારકામાં જ છે. તું અત્યારે મારી સામે ઋષિકેશમાં સૂક્ષ્મ સ્વરૂપે છે. તું બોલી શકે છે પરંતુ તારો અવાજ બહાર નહીં આવે . કારણ કે તું સ્થૂળ નથી. તું તારા એક હાથથી બીજા હાથને સ્પર્શ કરી જો. તને સ્પર્શનો કોઈ જ અનુભવ નહીં થાય. " સ્વામીજી હસીને બોલ્યા.

કેતને પોતાના એક હાથથી બીજા હાથને પકડવા પ્રયત્ન કર્યો પરંતુ બધો અનુભવ જાણે હવામાં જ થતો હતો !!

" હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તું એકદમ સાચા માર્ગે છે. પાછલા જન્મના તારા અપરાધો ધીમે ધીમે બળી રહ્યા છે. અભિશાપ ની વાદળી પણ ઝાંખી થઈ ગઈ છે. તારા સંકલ્પો શુદ્ધ છે અને દિલમાં ગરીબો માટે કરૂણા છે એટલે ઈશ્વર પણ તને ડગલેને પગલે મદદ કરી રહ્યો છે. " સ્વામીજી બોલતા ગયા.

" તેં ગરીબો માટે સદભાવનાથી હોસ્પિટલ ઊભી કરી એ તારું કાર્ય શ્રેષ્ઠ છે અને ગરીબ દર્દીઓ માટે મફત દવાઓનું વિતરણ પણ તારાં ઘણા કર્મોનો ક્ષય કરશે. છતાં હોસ્પિટલ અને દવાઓ એ તારું અંતિમ લક્ષ્ય નથી. "

" તું હોસ્પિટલનો માલિક છે એ ભાવ તારામાં ઉદય પામી રહ્યો છે. માન સન્માન અને પ્રતિષ્ઠા તને ગમવા લાગ્યાં છે. ધીમે ધીમે તને માયા વળગી રહી છે. તે દિવસે તારી ઓફિસમાં તું નાની એવી વાતમાં તારા સ્ટાફની ઉપર ગુસ્સે થઈ ગયો હતો એ તારો અહંકાર હતો !! માલિકીપણાની ભાવના તારામાં પ્રવેશી ગઈ છે. " સ્વામીજી બોલતા હતા.

" લાખો રૂપિયા તું ખર્ચી રહ્યો છે પરંતુ તું એ બધાનો કર્તા છે એ ભાવમાંથી તું બહાર આવી જા. તારી સંપત્તિનો તું ટ્રસ્ટી એટલે કે રખેવાળ છે. માલિક નથી. ઈશ્વર નું કાર્ય ઈશ્વર જ કરે છે. તને માત્ર નિમિત્ત બનાવ્યો છે. હોસ્પિટલ બનાવવાનું કામ તે પૂરું કર્યું. હવે તું હોસ્પિટલમાંથી બહાર આવી જા. સંચાલન કોઈ યોગ્ય માણસને સોંપી દે. ઈશ્વરની કૃપાથી તને યોગ્ય માણસો મળી રહેશે એ મારા આશીર્વાદ છે. "

" અને હા તારા મેડિકલ સ્ટોરમાં મફત દવાઓનું વિતરણ તેં જે ચાલુ કર્યું છે એ માત્ર એક વર્ષ પૂરતું મર્યાદિત કરી દે. આ રીતે ખર્ચા કરવાથી રાજાનો ખજાનો પણ ખૂટી પડે. તારી ભાવના સાચી છે પણ એનો ગેરલાભ લેવાશે. સુખી માણસો પણ મેડિકલ સ્ટોરમાંથી મફત દવાઓ ખરીદશે. " સ્વામીજી બોલતા ગયા.

" કન્યાઓના સમૂહ લગ્નનો વિચાર માંડી વાળ. એના બદલે સ્કૂલ અને કોલેજમાં બહારગામથી આવીને અભ્યાસ કરતી કન્યાઓ માટે એક કન્યા છાત્રાલય બનાવી દે. તારે કોઈની પાસેથી કંઈ લેવાનું નથી. ઉપરથી કન્યાઓ માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કર. કન્યાઓ માતૃ સ્વરૂપે છે એટલે એ રીતે તું જગદંબાની જ પૂજા કરે છે. "

" શરૂઆતમાં તેં વૃદ્ધાશ્રમ ખોલવાનું નક્કી કર્યું હતું. એ વિચાર તો સારો છે પરંતુ તમારા સૌરાષ્ટ્રમાં હજુ માતા-પિતાની કાળજી લેવાય છે. મા-બાપ ને તરછોડી દેવાની ભાવના ત્યાં નથી. એટલે મોટો વૃદ્ધાશ્રમ ભલે ના કરે પણ વૃદ્ધોની સેવા તો ખૂબ જરૂરી છે "

" એટલે વૃદ્ધો માટે એક આશ્રમ જરૂર બનાવ. જ્યાં સાવ ઘરડાં માણસો ભલે ત્યાં રોકાય નહીં પરંતુ ત્યાં આવીને બે ટાઈમ જમી જાય. જેમને સંતાનો નથી અથવા સંતાનો કાળજી રાખતા નથી એવાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને કાયમ માટે ત્યાં રહેવું હોય તો એમના માટે થોડા રૂમ પણ બનાવી દે. ત્યાં એક ડોક્ટરની વ્યવસ્થા પણ કરી દે જે તેમના આરોગ્યની રોજ તપાસ કરે અને મફત દવાઓ પણ આપે. રોજ સાંજે ત્યાં સત્સંગ થાય એવું પણ આયોજન કર. "

" મફત ટિફિન સેવા તું બંધ કરી દે. એના બદલે એક સદાવ્રત દ્વારકામાં ચાલુ કરી દે. ભોજનમાં માત્ર ખીચડી શાક અને છાસ નો પ્રસાદ રાખજે. ત્યાં આવતા સાધુ સંતો અને ગરીબ દર્શનાર્થીઓ સદાવ્રતમાં ભોજન લેવા આવે એવો પ્રચાર અને પ્રસાર પણ કરજે. "

" તારામાં કર્તાપણાની કોઈ ભાવના હોવી જોઈએ નહીં. અહંકાર અને અભિમાન ને ક્યારે પણ નજીક આવવા દઈશ નહીં. આ બધાં કાર્યોમાં ઈશ્વરે તને નિમિત્ત બનાવ્યો છે એ તારું સદભાગ્ય છે. બધાં સાથે પ્રેમથી વર્તન કરજે. હોસ્પિટલના માલિકીપણા ના ભાવમાંથી તું મુક્ત થઈ જજે. "

" કન્યાઓ માટે કન્યા છાત્રાલય બની જાય પછી એનું સંપૂર્ણ સંચાલન તારી પત્નીને સોંપી દેજે. તારા જીવનમાં હજુ પ્રલોભનો આવી શકે છે એટલે ધ્યાન રાખજે. અસલમને પણ મેં આશીર્વાદ આપી દીધા છે એટલે એનામાં પણ પરિવર્તન આવી જશે. તારું પ્રાયશ્ચિત પૂરું થવા આવે એટલે ફરી હું તને આગળનું માર્ગદર્શન આપીશ. " કહીને સ્વામીજીએ ફરી કમંડળમાંથી કેતન ઉપર થોડું પાણી છાંટ્યું.

એ સાથે જ કેતન ધ્યાનમાંથી ઝબકીને જાગી ગયો. એકદમ જ આંખ ખૂલી ગઈ. જોયું તો પોતે રિસોર્ટમાં હતો !!

"અરે સાહેબ....ક્યારની તમને કેતન કેતન ની બૂમો પાડું છું !! ધ્યાનમાં હોય ત્યારે તમને કંઈ સંભળાતું નથી કે શું ? સવારના સાડા છ વાગી ગયા. " જાનકી એની બાજુમાં જ બેસી ને બોલી રહી હતી.

પરંતુ કેતન એક જુદી જ અવસ્થામાં હતો. ધ્યાનનો નશો એને હજુ ઊતર્યો નહોતો. સ્વામીજી સાથેની ઋષિકેશની મુલાકાત હજુ એના દિલોદિમાગ ઉપર કબજો લઈને બેઠી હતી.

આખે આખું દ્રશ્ય બરાબર યાદ હતું. તમામ સંવાદો પણ યાદ રહી ગયા હતા. આવું કઈ રીતે બની શકે ? શું આ રીતે દેહમાંથી સૂક્ષ્મ શરીર છૂટું પડીને બીજે ગમન કરી શકે ? વાત માન્યામાં આવે એવી ન હતી પરંતુ એના જીવનમાં તો બન્યું જ હતું ! સત્યનો અસ્વીકાર થઈ શકે તેમ ન હતો. આ દ્વારકાની ભૂમિનો પ્રતાપ હતો કે સ્વામીજીની કૃપા !!

ધીમે ધીમે કેતન નોર્મલ થયો. એણે જાનકીની સામે જોયું.

" હા આજે જરા થોડું ધ્યાન લાગી ગયું હતું. મેં ખરેખર તારો કોઈ અવાજ સાંભળ્યો નથી. " કેતન બોલ્યો.

" ઘણું સારું કહેવાય સાહેબ . હવે નાહી ધોઈને ફ્રેશ તો થઈ જાવ. હું તો નાહી ધોઈને તૈયાર પણ થઈ ગઈ. તમે તો ક્યારના ધ્યાનમાં બેઠા છો !! " જાનકી બોલી.

કેતન આળસ મરડીને ઊભો થયો. નાહી ધોઈને બહાર આવ્યો ત્યારે સાત વાગી ગયા હતા. એણે બાજુના રૂમમાં જઈને બંને વડીલોને ગુડ મોર્નિંગ કહ્યું.

" પપ્પા તમે લોકો ફ્રેશ થઈ ગયા હો તો ચા નાસ્તો મંગાવી દઉં ? " કેતને પૂછ્યું.

" હા હા મંગાવી લો. તારી મમ્મીએ તો નાહી લીધું છે. મને ન્હાવામાં દસ મિનિટ લાગશે. શિરીષભાઈ અને કીર્તિબેન પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયાં છે. " પપ્પા બોલ્યા.

કેતનના રૂમમાં સિદ્ધાર્થ અને રેવતી તૈયાર થઈ ગયાં હતાં. શિવાની ન્હાવા માટે ગઈ હતી.

કેતને બધાંને માટે ચાની સાથે ગરમાગરમ ગાંઠીયાનો ઓર્ડર આપ્યો. કારણકે દેસાઈ સાહેબ અને કીર્તિબેનને સૌરાષ્ટ્રના ફાફડા ખાવાનો કોઈ અનુભવ ન હતો.

ચા નાસ્તો આવી ગયો એટલે કેતને શિવાનીને મમ્મી-પપ્પા વગેરેને બોલાવી લાવવાનું કહ્યું.

એક જ રૂમમાં બધા ભેગાં થયાં. ચાની સાથે ફાફડા અને કઢીનો આનંદ બધાંએ માણ્યો. કેતને બહાર મનસુખ માલવિયા માટે પણ ચા નાસ્તાનો ઓર્ડર આપેલો હતો.

દ્વારકાધીશનાં સવારનાં દર્શન કરવાનાં બાકી હતાં એટલે ૦૮:૩૦ વાગે બંને પરિવારો ફરીથી બંને ગાડીમાં ગોઠવાઈ ગયાં.

આ વખતે ગાડી કેતને ભથાણ ચોક તરફ પાછળના ભાગેથી લીધી. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા સારી હતી.

ત્યાંથી ચાલતાં ચાલતાં એ લોકો મંદિરે પહોંચી ગયાં. ગઈકાલે રાત્રે આરતીનાં દર્શન કર્યાં હતાં અને પૂજાનો સંકલ્પ પણ કરાવ્યો હતો એટલે અત્યારે શાંતિથી દર્શન કર્યાં. અત્યારે ભીડ પણ ન હતી.

કેતનને આજે ધ્યાનમાં અદ્ભુત અનુભવ થયો હતો એટલે એણે ભગવાન શ્રીકૃષ્ણને દિલથી પ્રાર્થના કરી અને પોતાના હવે પછીના માર્ગમાં પોતાના સારથિ બનવાની પણ વિનંતી કરી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)