ઈશાન: બોલ ડિયર, શું કરે છે તું ?
અપેક્ષા: કંઈ નહીં બસ તારી રાહ જોતી હતી. મને એમ કે, દર વખતની જેમ આજે પણ તું મને લેવા માટે મારા ઘરે આવીશ.
ઈશાન: સોરી યાર, હું થોડો બીઝી હતો એટલે ન આવી શક્યો અને બીજી વાર સોરી કે મેં તારી ઓળખાણ નમીતા સાથે ખોટી રીતે કરાવી. પણ નમીતાની માનસિક હાલતને લઈને હું થોડો સીરીયસ હતો તેથી મારે એવું કહેવું પડ્યું માટે તું ખોટું ન લગાડતી ઓકે ?
અને બોલ શું કરે છે આજે ? આવે છે ને તું સ્ટોર ઉપર ?
અપેક્ષા: ના, આજે મારી તબિયત થોડી બરાબર નથી માટે હું નહીં આવી શકું.
ઈશાન: આવતીકાલે તો આવીશને ?
અપેક્ષા: હા, આવતીકાલનું જોવું હું તને ફોન કરીને કહીશ.
ઈશાન: ઓકે.
અપેક્ષા અર્ચનાના કહેવાથી ઈશાન સાથે વાત તો કરી લે છે પરંતુ ઈશાન તેને માટે જે શબ્દ બોલ્યો હતો તે શબ્દ તે ભૂલી શકતી નથી અને માટે ઈશાનના સ્ટોર ઉપર જવા માટે તેનું મન તૈયાર નથી.
બીજે દિવસે સવાર સવારમાં ફરીથી ઈશાનનો ફોન આવે છે પરંતુ આજે પણ મારી તબિયત હજુ બરાબર નથી તેમ કહી તે સ્ટોર ઉપર નહીં આવી શકું તેમ જ કહે છે અને ફોન મૂકી દે છે.
આજે પણ અપેક્ષાના સ્ટોર ઉપર આવવાના ઈન્કારથી ઈશાન થોડો વધુ દુઃખી થઈ જાય છે અને મૂંઝવણમાં મુકાઇ જાય છે. તેને શું કરવું કંઈ જ સમજમાં નથી આવતું થોડી વાર વિચાર કર્યા બાદ તે પોતાની મોમને કહીને અપેક્ષાના ઘરે અપેક્ષાને લેવા જવા માટે નીકળી જાય છે.
અક્ષત અને અર્ચના બંને પોતાના કામ ઉપર જવા માટે નીકળી ગયા હોય છે ઘરે અપેક્ષા એકલી જ હોય છે. ડોર બેલ રણક્યો એટલે તેણે બારણું ખોલ્યું અને કંઈપણ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલી ગઈ તેનો મૂડ જોઈને ઈશાન એટલું તો સમજી જ ગયો હતો કે હજી અપેક્ષા એ વાતને ભૂલી શકી નથી.
ઈશાન પણ તેની પાછળ પાછળ તેના રૂમમાં ગયો અને તેણે અપેક્ષાને પોતાની બાહોપશમાં જકડી લીધી
અને તેના ગાલ ઉપર એક ચુંબન કર્યું અને પછી તેને મનાવવાની કોશિશ કરતો હોય તેમ બોલવા લાગ્યો કે, " ડિયર તું હજી નારાજ છે મારાથી ? ભૂલી જા એ વાતને મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કર હું તને આમ મારાથી રિસાયેલી કે નારાજ નહીં જોઈ શકું હું તને ખૂબજ પ્રેમ કરું છું તને હંમેશા ખુશ જોવા ઈચ્છું છું અને આમ મારી સામે જો અને સ્માઈલ કર. મારે તો મારી પહેલાની અપેક્ષા જ જોઈએ છે. "
પરંતુ અપેક્ષા ઈશાનને ભેટીને એકદમ રડવા લાગી જાણે તે પણ બે દિવસ ઈશાનથી દૂર રહીને દુઃખી દુઃખી થઈ ગઈ હોય તેમ. ઈશાને તેને પ્રેમથી શાંત પાડી અને પોતાની સાથે લઈ જવા તૈયાર થવા માટે સમજાવી.
અપેક્ષા ઈશાનને ગમતું યલો કલરનું ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને તૈયાર થઈ ગઈ એટલે બંને સ્ટોર ઉપર જવા માટે નીકળી ગયા.
ઈશાન અપેક્ષાને સ્ટોર ઉપર મૂકીને પોતાના ઘરે ગયો અને ઘરે જઈને જોયું તો નમીતા પોતાના રૂમમાં ન હતી ઈશાને પોતાની મોમને પણ પૂછ્યું અને પોતાના આખાય ઘરમાં બૂમાબૂમ કરી મૂકી પરંતુ નમીતા તો કોઈને પણ કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી.
ઈશાન અને તેની મોમ ખૂબજ ચિંતામાં મૂકાઈ ગયા હતા ઈશાન વિચારી રહ્યો હતો કે, અરે બાપ રે, આ શું થઈ ગયું ? મને જે વાતનો ડર હતો તેવું જ થયું માટે જ હું તેને એકલી છોડવા નહતો માંગતો. ઑ માય ગોડ, હવે આને ક્યાં શોધવી?
અને મનમાં ને મનમાં બબડતો હતો કે, મારો ભગવાન રિસાઈ ગયો છે કે શું મારાથી, હું એક બગડેલી બાજી સુધારવા જવું ત્યાં તો બીજી બાજી બગડી જાય છે. હવે આ નમીતાનું શું કરવું ?
એકસાથે આવા અનેક વિચારો ઈશાનના મનને ઘેરી વળ્યા. શું કરવું ક્યાં જવું ? કંઈ સમજમાં આવે તે પહેલા તો ઈશાનના સેલફોનમાં રીંગ વાગે છે અને નમીતા વિશે જ ફોન હોય છે. ઈશાન નમીતા વિશેની વાત સાંભળીને ચોંકી ઉઠે છે.
ઈશાનના સેલફોનમાં કોનો ફોન આવ્યો હશે ? એવી કઈ વાત હશે જેનાથી ઈશાન ચોંકી ઉઠ્યો ?
જોઈએ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/1/22