આ એક નાની છતાં રસપ્રદ છે ને દૃશ્ય નિરૂપણ શૈલીમાં લખેલી વાર્તા છે. સંવાદોની જગ્યાએ મનોભાવ અને સામાજિક સ્થિતિને દર્શાવતા વર્ણાત્મક શબ્દો વાચકને એક દૃશ્ય રચવામાં મદદ કરશે તેવી આશા છે. સાથે સાથે જો બંને પાત્રોના ભાવજગતની મર્યાદા અને અપેક્ષાની જલદતા જો વાચક સહજતાથી માપી અને માણી શકે તો આ લખાણ સાર્થક ગણાશે. પ્રતિભાવ આપશો. આભાર.
દૃશ્ય - ૧
ખભે ટીંગાતું દફતર સતત પૃથ્વીને ભેટવા તત્પર હતું. મૂરઝાયેલાં ચહેરા સાથેના વિદ્યાર્થીનો ભાર તેના બૂટ ઢસડાઈને વેંઢારી રહ્યાં હતાં. રસ્તો પણ કર્કશ અવાજે જાણે ફરિયાદ કરી રહ્યો હતો.
દૃશ્ય - ૨
ઘરે પહોંચીને બૂટમોજાંનો ઉલાળીયો કર્યો, વોટરબેગ સોફામાં નાંખી પણ દફતર ધીમેથી ડાઈનિંગ-ટેબલ પર ગોઠવ્યું અને બંને હાથ દફતરના પટ્ટામાંથી સેરવી લીધાં. દફતર સ્થિર ઊભું રહી ગયું હતું. તે ફ્રેશ થઈને કપડાં બદલીને સોફામાં ફેલાયો અને તુરંત તેની માતાએ હોમવર્ક માટેની સૂચનાઓનો મારો શરૂ કર્યો. વિદ્યાર્થીને બધું ધૂંધળું દેખાતું અને અસ્પષ્ટ દબાયેલાં ઘોંઘાટ જેવું સંભળાતું હતું. અચાનક ડોરબેલ વાગી. માતાએ દરવાજો ખોલ્યો અને એક વ્યક્તિ અંદર પ્રવેશી. માતાના મોઢેથી શબ્દો સરી પડ્યાં, "આવો સાહેબ." ટ્યૂશન શરૂ થયું અને વિદ્યાર્થી યંત્રવત્ ગોઠવાઈ ગયો હતો. ટ્યૂશન પૂર્ણ થતાં જ રમવા જવા દેવાની ભીની વિનવણી આખા ઘરને પલાળી ગઈ. મંજૂરી મળતાં જ બાળપણ હાથમાં દડો લઈને બધી ચિંતાઓનો સોફામાં ઘા કરીને ઘર ઓળંગી જવા દોડ્યું.
મોબાઇલ ચેક કરી રહેલી માતાને અચાનક શૂરાતન ચડ્યું અને વિશ્વ યુદ્ધની ઘોષણા સમાન ચિચિયારીથી ઘર ધ્રુજી ગયું, બાળપણ થથરી ગયું, હવા વહેતી અટકી ગઈ અને દીવાલ ઘડિયાળનો સેકન્ડ કાંટો ઘોંઘાટીયો જણાવા લાગ્યો. સહમેલું બાળપણ ફૂલેલી, તરડાયેલી અને શરમાતી આંખ તથા ઢળેલા ખભે ટીંગાઈને પરત હાજર થયું. ટાઇલ્સ સાથે ઘસાતા અંગૂઠાના નખ પીડા આપી રહ્યાં હતાં. માતાએ દુપટ્ટાની ગાંઠ વાળી અને આખા સંસારની રક્ષાની ચિંતા સમાન ગંભીરતાથી પ્રવચન શરૂ કર્યું. બાળપણની આંખે ફરીથી ધૂંધળું દૃશ્ય અને કાને અસ્પષ્ટ બોદો અવાજ ફરી વળ્યો. ધીમેધીમે ખુલ્લી આંખો ઢળવા લાગી, આખું શરીર ગ્લાનિભાવથી નરમ પડવા લાગ્યું અને હાથમાં રહેલો દડો ટાઇલ્સ પર ટપ્પી ખાવા લાગ્યો. લાંબી અને સતત ચાલેલી ઉચ્ચ કક્ષાની સરવાણીમાંથી માત્ર "યુનિટ ટેસ્ટ, પેલાંને તો..., કર્યું શું..., સ્કેટિંગમાં પણ.." વગેરે શબ્દો જ માંડ સમજાયા પણ બાળપણને મૂરઝાવા માટે એટલું પૂરતું હતું.
ઢળેલી આંખોની સામે કૂંડાળું રચાવા લાગ્યું. જાણે એક થાળી સમાન દૃશ્ય રચાયું. જેમાં પ્રથમ ટાઇલ્સ અને પછી વારાફરતી સોફો, સ્ટડી-ટેબલ, પુસ્તક, નોટબુક, કંપાસ, પેન્સિલ, રબર વગેરે પીરસાવા લાગ્યાં. થાળીની કિનારે ટેકવેલી લાકડાની ફૂટપટ્ટી હવામાં ઊંચીનીચી થઈ રહી હતી. ફૂટપટ્ટીને મોં નહોતું છતાં તેનું ક્રૂર અટ્ટહાસ્ય કાનમાં પડઘાઈ રહ્યું હતું. થાળીની આસપાસનું દૃશ્ય ધૂંધળું થઈ ચૂક્યું હતું.
દૃશ્ય - ૩
સફેદીની ચળકાટ ધરાવતા શર્ટ પર ફરીથી ખભા ઢાળતું વેતાળ સમાન દફતર વળગીને સ્થિર હતું. દફતર, ગણવેશ, બૂટ - સઘળું ગતિમાં હતું પણ બાળપણના ચહેરા પરનું સ્મિત થીજેલું હતું. અચાનક રસ્તા પર બાળપણના પગ થીજી ગયાં. શરીર કમરથી નીચું વળ્યું અને હાથ જરા વધુ નીચે છેક ભૂમી સુધી લંબાયા. એક પથ્થર ઊંચકાયો કે જે હવા પર સવાર થઈને ગુલાંટ ખાતો ગતિમાં આવ્યો. 'ટન...' મોટો અને બોદો અવાજ આવ્યો. જેના પ્રભાવમાં બાળપણના ગતિમાં આવેલાં શ્વાસોચ્છ્વાસના સિસકારાં દબાઈ ગયાં હતાં. પથ્થર લોખંડના એક મોટાં હોર્ડિંગને ચૂમીને બાળપણની લાચારીની જેમ ભૂમી પર પરત આવી ચૂક્યો હતો. હોર્ડિંગ પર મોંઘી અને રંગીન સરકારી જાહેરાત ચીપકેલી હતી. જેમાં કેટલાંક અક્ષરો મોટાં કદમાં બિરાજમાન હતાં - "ભાર વિનાનું ભણતર."
(શબ્દ : ૪૪૫)