My ba in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | મારી બા

Featured Books
Categories
Share

મારી બા

"બા"
એને ખૂબ નાની વયે પિતાએ દૂર એક શહેરમાં ખાનદાન પરિવારમાં પરણાવી હતી. ઉંમરમાં નાની હતી પરંતુ ઘરનો તમામ કારોબાર તે ચલાવતી હતી તેથી તેનું હુલામણું નામ "બા" પાડ્યું હતું. ગામ -સગું -વહાલું એને "બા" નામ થી બોલાવતું.
. જયાં એને પરણાવી હતી તે કુટુંબ નાનું હતું,પૈસે ટકે સુખી હતું.ઘરનાં બધાં જ નાનાં મોટાં પોતપોતાની રીતે નોકરી ધંધો કરીને સાંજે એક આસને જમતાં હતાં.બા ગામડેથી આવી હતી એટલે હિસાબ પૂરતું ભણી હતી.કેમકે ગામડે તે વખતે એટલી ભણવાની સગવડ ન હતી.ઘરનું તમામ કામ કરી શાળાએ જવાનું.અને તે વખતે હાલના જેમ ટ્યુશન જેવું નામ પણ કોઈ ને મગજમાં ન હતું.શાળાએથી આવીને દફ્તર ખિંટીએ લટકાવીને સાંજનું બધું કામ તેના માથે હતું.ગામડે આખો દિવસ નવરાશ ના મળે.ઢોરને પાવા જવું,ચાર પુળો કરવો,સાંજનું જમણ અને વાસણ માંજતાં રાત ક્યારે થઇ જાય,પહેલો પહોર વીતી જાય ખબર જ ના પડે.એક ઊંઘે સવાર અને સવાર પછી પાછી એજ યંત્ર ગતિએ કામનું ચક્કર ફર્યા કરતું.
યુવાનીનાં ઉંબરે ડગ પડ્યાં કે તરતજ તેના બાપાએ શહેરના મધ્યમ પરિવારમાં "બા" ને આપી દીધી.હરવા ફરવા કે સારું કપડું પહેરવાના ઓરતા નસીબમાં હતા જ નહિ.એ પરિવારના વડીલોએ ઝાઝી તપાસ કર્યાં વગર એક ઓછું ભણેલા પરંતુ રોજમદારી કરતા યુવકને પરણાવી દીધી.બાપના પરિવારમાં પ્રેમ ભાવ પામી જ ન હતી.કે ના સાસરે પામી.બા ને તો માત્ર બધાની મજૂરી જ કરવાની હતી.સમય જતાં એક પછી એક ત્રણ બાળકો થતાં તેની યુવાની અકાળે કરમાઈ ગઈ.યુવાનીના અભરખા ઝંખતી બા ને યુવાનીમાં ક્યાંક ફરવા જવાની કે સારું કપડું પહેરવાનો કે કોઈના પ્રસંગમાં જવાનો વારો આવતો જ નહિ.જો કે એને કોઈ કહેતું પણ નહિ.તેને ગામડાની જુનવાણી ગમાર સમજી તેની માનસિક દશા ખરાબ કરી દીધી હતી.બા ની જેઠાણી પાસે ઘરનો તમામ વહીવટ હતો.સાસુ વરસ પહેલાં મૃત્યુ પામી હતી.સસરા ઘરડા હતા. એક નાની ઓરડીમાં ખોઁખારો ખાતા આ બધાની વચ્ચે ડખલગીરી કરતા નહિ.ઘરનું બધુજ ચલણ જેઠાણીના હસ્તક હતું.પતિની આવક ઓછી હતી એટલે બા ની જેઠાણીનો કંકાસ ચાલુ જ રહેતો.સાથે ત્રણ બાળકો તેમજ જેઠાણીનાં બે બાળકો સાથે નાની નાની વાતે કલેશ રહ્યા કરતો. દરરોજના કંકાસથી પતિ પીવાની આદતે ચડી ગયો. દારૂ પી ને સુઈ જવું.ઊઠીને મજૂરીએ ચાલ્યા જવું.એની જિંદગીમાં તેને હવે કોઈની પરવાહ ન્હોતી.તે દારૂ પી આવી રાતે પોતાની પત્નીને મારઝૂડ કરે.તે રીતે "બા" નું જીવન બહુજ દયાજનક સ્થિતિમાં આવી ગયું.ત્રણ બાળકો લઇ ને પિયર જઈ ને શું કરું? ખૂબ મૂંઝવણ ભરી જિંદગી હતી.પતિ દારૂ પી આવીને મારઝૂડ કરી ઊંઘી જાય,બાળકોનું શિક્ષણ અને ઘરમાં વાતાવરણ બગડવા લાગ્યું.જેઠાણીના પતિનો ત્રાસ સાથે જેઠાણીનો પારો પળપળ વધ્યા કરતો હતો.શું કરવું તેનું 'બા' ને કંઈ જ સૂઝતું ન હતું.
બા રાત્રે એકલી રડતી,નીચે પથારીમાં તે સૂતી તો રડીને આંસુઓથી પથારી ભીની થઇ જતી.તેનું કોઈ સાંભળનાર ના હતું.ભગવાનને કહેતી કે હે! પ્રભુ! મેં કોઈનું કંઈ નહિ બગાડ્યું તો મારા પર આટલો સિતમ કેમ?જવું તો જવું ક્યાં?તે રાત્રે વિચાર કરતી કે હવે મોત જ મારે માટે રસ્તો છે. મરી જઉં.બીજી ક્ષણે વિચાર આવ્યો કે મારા બાળકોનું શું? તેનો બાપ તો પી પી ને પડ્યો રહે છે.મારે મારા બાળકોને માટે મારે જીવવું પડશે.એ વિચારો કરતી તે આખી રાત જાગી રહેતી.મોડું ઊંઘવું,વહેલાં ઉઠવું,ઘરનું કામ,છોકરાઓને શાળાએ મોકલવાનું કામ,રસોંઈ,કપડાં,સાથે જેઠાણીનાં મેણાં મૂંગે મોઢે સહન કરી તે ખૂબ જ કંટાળી ગઈ હતી.તેણે નક્કી કરી લીધું.હવે ઘર મારે માટે ઘર નથી.જીવતું નરક છે.તે અડધી રાતે અંધકારમાં જાગી પોતે પહેરે કપડે સૂતેલાં બાળકોને માથે હાથ ફેરવી તે સડસડાટ નીકળી ગઈ.ક્યાં જવું કોઈ જ ભવિષ્ય ન્હોતું.તે ચાલતી રહી જે રસ્તે તેને દેખાતું તે રસ્તે તે આગળ વધતી રહી.રાતનું રસ્તાનું બિહામણું દૃશ્ય એને કંઈ જ અસર કરતું નહોતું.બસ એક જ મનમાં હતું કે જીવી ને શું કરવું છે? હું આ બાળકો માટે કરું છું તો જેના બાળકો છે તેને તો મારી કોઈ જ કદર નથી.ઉલટું આટલી કાળજી, કામ સાથે મને માર સિવાય ક્યાં કશુંય જીવનમાં મળ્યું છે?
ત્રણ બાળકો લઇ હું બાપ ને ઘેર જઉં પરંતુ ભાભીઓને માથે મારે નથી પડવું.મારે કેટકેટલાના મહેણાં સાંભળવાં?એ મનોમન વિચાર કરતી કરતી દસેક ગાઉ દૂર નીકળી ગઈ.રાતની ચાલી ચાલી ને થાકી હતી.કોઈ ગામ પાદર જેવું લાગ્યું એટલે વડના ઓટલે બેઠી.માટલામાં પાણી હતું તે પીધું.સવાર પડી તો જોડેના મકાનોમાંથી વૃદ્ધો અને વૃદ્ધાઓ સફાઈ કામે આવ્યાં."બા " ને જોઈ,બધાંએ જગાડી નહિ.તેમાંના કોઈ એકે સંસ્થાના ઓફિસ માં બેઠેલા સંચાલકને જાણ કરી.ખૂબ થાકેલી બા વડના નીચે ઓટલે કેટલાય દિવસની થાકેલી બા ઊંઘ લઇ રહી હતી.વૃદ્ધાશ્રમના સંચાલકને જાણ થતાં.બા ને જગાડી.આશ્રમમાં લઇ ગયાં.ચા નાસ્તો કરી બધાંએ થાકી પાકી બા ને ગરમ પાણી આપી સ્નાન કરાવ્યું કપડાં આપી ને શાંતિથી "બા" ક્યાંથી આવ્યાં? કેમ આવવું પડ્યું અહીં તમને કોણ મૂકી ગયું જેવા અનેકવિધ સવાલ એક પછી એક પૂછ્યા.બા એ તમામનો આભાર માન્યો.મને કોઈ મૂકી નથી ગયું.હું જાતે જ રાતનો સહારો લઇ ઘરના તંગ વાતાવરણથી થાકી ગઈ છું.મારો પતિ જે કમાય તે દારૂ પી મને મારઝૂડ કરે છે.ત્રણ બાળકોના ઉછેર પાછળ હું કોઈ મજૂરીએ જઈ શકતી નથી.મૂંગા સહન કરવાનું કારણ જેઠાણીની ઓશિયાળી છું.હું ત્રણ બાળકો મૂકી ક્યાં જઉં? ખૂબ કંટાળી પેટ ઉપર પત્થર મૂકી નીકળી છું. બાકી મરવું હોત તો હું ત્યાં જ ફાંસો ખાઈ મરી જતે.મારા પીધેલા પતિને સબક મળે કે સ્ત્રી વિના ઘર નથી.સ્ત્રીને મારઝૂડ કરવાથી હોય તે લક્ષ્મી પણ જતી રહે છે.છોકરાઓ તેનાં છે.અત્યાર સુધી મોટાં કર્યાં કેમ કર્યાં તેનું તેને ક્યાં ભાંન છે? માટે મેં નિર્ણય કર્યો.. કે બાળકો માટે તે સુધરે તો સારું પીવાનું છોડી નોકરી કરે તો સારું એમ સમજી હું મન મજબૂત કરી નીકળી છું.જીવીશ અને પતિ સુધરશે તો પાછી જઈશ બાકી મારે એ ઘર હવે હરામ છે.મારે ત્યાં નથી જવું.તમારું દરેક કામ કરી લઈશ.બસ ખાવાનો રોટલો,સુવા ઓટલો અને બે છ મહિને એકાદું અંગ ઢંકાય તેટલું કપડું મારે માટે ઘણું છે.જો એ ના કરી શકતાં હો તો હું અહીં ભારરૂપ થવાં નહીં રોકાઉં."
સાંભળનાર બધાની આંખમાં આંસુ હતાં.આશ્રમના વ્યવસ્થાપકે તેને એક રૂમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી.કીધું કે તમારે હવે ક્યાંય જવું નથી.તમને જયાં સુધી મન માને ત્યાં સુધી રહો.તમને જે ગમે તે કામ કરજો.અહીં બધાની હૂંફ છે.ભગવાને તમને અહીં મોકલ્યાં છે.તો તમારા પરિવારજનોને જરુર હશે તો શોધખોળ કરતા આવશે.ત્યારે તમને બધી જ બાંહેધરી તેમની પાસેથી લઇને જ મોકલીશું.પરંતુ હવે બીજા કોઈ વિચાર ના કરશો.
બીજી બાજુ "બા" ઘર છોડી જતાં રહ્યાના ગામમાં સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. આજુબાજુના ગામડે તપાસ કરી,બાળકો પોતાની મા માટે વલોપાત,પીધેલા પતિને વગર પીધે ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા.જેઠાણી માથે પાંચ બાળકો,વૃદ્ધ સસરા અને દિયર,પતિનો ઘરનું તમામ કામનો બોજો આવતાં તેને પણ ખૂબ પસ્તાવો થયો. "બા" ની ખોટ બધે જ વર્તાણી. છાપામાં જાહેરાત આપી. "તમેં જયાં હો ત્યાંથી ઘેર આવો "
એ પરિવારનું એક સમયે સમાજમાં નામ હતું તે આ એક નાનકડા બનાવથી થૂ..થૂ..થઇ ગયું.આખું નગર તે પરિવાર ને થુકવા લાગ્યું.એક માંસ વીતી ગયો. બા ને ગુમાવ્યાનો ભારે પસ્તાવો થતાં આ પરિવાર બદનામ થઇ ગયું.
"વૃદ્ધાશ્રમ તરફથી સંદેશો મળ્યો. તમારાં બાળકો ની "બા" અમારી પાસે જ છે.સન્માન પૂર્વક તેને કોઈ જ જાતની તકલીફ ના પડે તે રીતે અહીં રાખ્યાં છે.ભવિષ્યમાં આ સ્ત્રીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય તો અમુક શરતો આધીન લઇ જઈ શકો છો.હા તમને તેમની જરુર ના હોય તો આશ્રમ તેને કાયાની આશ્રય આપશે... લી. સંચાલક."
ચિઠ્ઠી વાચન કર્યાં પછી નગર આખું "બા " ને વાજતે ગાજતે વૃદ્ધાશ્રમ ખતે લેવા ગયું.બધાની વચ્ચે લેખિત ખાત્રી કરાર સાથે વૃદ્ધાશ્રમ નાં દરેકે બા ને અશ્રુસભર નયને વિદાય આપી.......
(એકાદ વખત વૃદ્ધાશ્રમમાં મુલાકાત લેજો.જીવન જીવવાની ગીતા સમજાઈ જશે )
. -- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)