Freedom or affordability in Gujarati Motivational Stories by Tru... books and stories PDF | સ્વતંત્રતા કે પરવશતા

The Author
Featured Books
Categories
Share

સ્વતંત્રતા કે પરવશતા

આ વખત નીરજ અને મીરા તેમના પુત્ર સત્વને એના જન્મદિવસના દિવસે રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગયાં.રેસ્ટોરાં ખૂબ જ મસ્ત હતું અને એનું જમવાનું પણ એટલું જ સ્વાદિષ્ટ.સત્વ ને ખુબજ મજા પડી ગઈ.સત્વ આઠ વર્ષનો હતો તે ખૂબ જ લાગણીશીલ અને હોશિયાર બાળક હતો.તેનામાં નીરજ અને મીરા ના સંસ્કાર ખૂબ જ સારી રીતે દેખાઈ આવતા.ત્રણેય જમી ને પાછા ફરતા હતા ત્યાં સત્વની નજર એક પક્ષી વેચવાવાળા પર પડી.સત્વ એ એના પપ્પા ને કહ્યું,પપ્પા આ લોકો પક્ષીઓને પાંજરામાં કેમ પકડી ને રાખે છે.બિચારા પક્ષીઓને પાંજરામાં કેમ ગમતું હશે.આપણે એ બે પક્ષી ને ઉડાડી દેવા જોઈએ.નીરજ અને મીરા પોતાના બાળકની વાતો સંભાળી એકબીજા સામે જોયું.પછી નીરજે કહ્યું,બેટા એ એમની આજીવિકાનું એક માધ્યમ છે.અને બધા પોતાની જરૂરિયાત માટે કોઈક ને કોઈ વ્યવસાય કરે જ.એમને આપણે ના પાડી ના શકાય.પણ,પપ્પા મારે એ પક્ષી ને પાંજરામાંથી ઉડાડી દેવા છે.એમને આઝાદ કરવા છે, આપણને કોઈ રૂમમાં પૂરી રાખે તો આપણને ગમે પપ્પા તમે જ કહો... પ્લીઝ પપ્પા.સત્વ એ થોડા જીદ ના લહેકામાં કહ્યું.જન્મદિવસના દિવસે નીરજ કે મીરા એને નારાજ કરવા નહોતા માંગતા એટલે નીરજે પક્ષી વેચવાવાળા પાસે થી એની પાસે હતા એ બંને પક્ષી ખરીદી લીધાં.બંને પક્ષી સુંદર હતા અને તેમને ઓળખી શકાય એટલે એમના પર અલગ અલગ નિશાન પણ કરેલા હતા.સત્વને ઘરે આવી ને એ પક્ષીઓ જોડે ખૂબ જ મજા આવી ગઈ,એ જાય જાત ના અવાજો કાઢતો રમતો કરતો પછી એમને દાણા પાણી આપી એમની સંભાળ કરી.એની આંખોનું સરનામું જાણે ઊંઘ માટે ખોવાય ગયું હતું.નીરજ અને મીરા ના સમજાવ્યા પછી બીજા દિવસે એમને મુક્ત કરવાની વાત સાથે બધાં સુઈ ગયા.
બીજે દિવસે સત્વતો જાણે સૂરજ થી પણ વહેલા જાગી પાંજરા પાસે બેસી ગયો હતો." પપ્પા આપણે આ પક્ષીઓને આપણા ઘરે જ રાખી લઈએ તો....."નીરજ ને જોતા જ સત્વએ પોતાની ઈચ્છા જણાવી.નીરજ પહેલા તો કઈ ના બોલ્યો પછી થોડું વિચારી ને કહ્યું,સત્વ,તું જ કાલ કહેતો હતો ને પાંજરામાં પક્ષીઓ ને કેમ ગમતું હશે?કોઈ આપણને રૂમમાં પૂરી રાખે તો કેવું લાગે? તો આજે આપણે એમને ખુલ્લા આકાશમાં ઉડાડી દેશું.સત્વનું મન થોડું ઉદાસ થઈ ગયું પણ નીરજ ના સમજવા થી એ માની ગયો.પછી નીરજ,મીરા અને સત્વ ત્રણેય અગાસીમાં ગયા અને પાંજરું ખોલી નાખ્યું.એમાં થી એક પક્ષી થોડીવારમાં બહાર નીકળી ખુલ્લા આકાશમાં ઉડવા લાગ્યું.સત્વ પણ તાળીઓ પાડી ખુશી થી નાચવા લાગ્યો.પક્ષીઓને આઝાદ કરવાનો આનંદ એના ચહેરા પર છલકાઈ આવ્યો હતો.પણ બીજું પક્ષી ત્યાં જ બેસી રહ્યું જાણે ખુલ્લા આકાશનો તેને અણસાર જ નહોતો. પપ્પા આ કેમ ઊડતું નથી?એને કંઈ થયું હશે?.સત્વ એ સવાલ કર્યા.નીરજે કઈ જવાબ ના આપ્યો પણ તેને હાથ થી ઉડાડવા પ્રયત્ન કર્યા અને એ ઉડી ગયું.
બે - ત્રણ દિવસ સુધી મીરા એ એક પક્ષી ને પોતાની બાલ્કનીમાં પાંજરા પાસે બેઠેલું જોતી,એકવાર તેણે નીરજને કહ્યું," નીરજ,આ પક્ષી ને પણ આ પાંજરું બહુ ગમતું લાગે છે,પ્રેમ થઈ ગયો છે પાંજરા સાથે એટલે તો જો એ અંહી પાંજરા પાસેથી ખસતું જ નથી,થોડી થોડી વારમાં પાછું જ આવી જાય છે .હા પપ્પા એને ફરીવાર પાંજરામાં રહેવું લાગે છે,સત્વ એ કહ્યું. ના બેટા એને ફરી પાંજરામાં ના પુરાય એતો થોડા વખતમાં એની જાતે જતું રહેશે ત્યાં સુધી તું રોજ અહી દાણા અને પાણી મૂકજે હો.હો કહીને સત્વ જતો રહ્યો પછી નીરજે મીરા ને કહ્યું," મીરા આ પક્ષી વારંવાર પાંજરા પાસે આવે છે એ પ્રેમ નહિ પણ પરવશતા છે.પાંજરામાં પુરાયેલા રહી એ સ્વતંત્રતા નું મૂલ્ય જ ભૂલી ગયું છે.પાંજરામાં તેને ખોરાક પાણી યોગ્ય સમયે મળી જતા કોઈ વસ્તુ માટે સંઘર્ષ નહોતો કરવો પડતો.અને આ સંઘર્ષ વગર નું જીવન તેને બહારની દુનિયા સાથે સમાયોજન નથી સાધવા દેતું.આ પાંજરું જ એને પોતાનું અસ્તિત્વ લાગે છે.નીરજ ની વાત ને કાપતાં મીરા બોલી બીજું પક્ષી પણ પાંજરામાં જ હતું ને એતો ઉડી ગયું અને પાછું પણ ના આવ્યું.હા કેમ કે એની નજર આકાશ તરફ હતી.એ સ્વતંત્રતા ઝંખતું હતું,પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષ કરવા માટે તૈયાર હતું.તેને ખુલ્લા આકાશનો સ્વાદ ચાખવો હતો અને તેના માટે એ પ્રયત્નો કરવા માટે પણ કદાચ તૈયાર હતું.મીરા હવે આ પાંજરું અંદર મુકી દેજે ખાલી થોડા દાણા પાણી અહી રાખજે એટલે ધીરે ધીરે આ પક્ષી પણ ઉડી જ જશે.
એકાદ બે દિવસ મીરા અને સત્વ દાણા અને પાણી ત્યાં મૂકતા એ પક્ષી આવતું.ત્યારબાદ તેમને પ્રસંગમાં થોડા દિવસ જવાનું થયું.અને પાછા આવ્યા પછી એ પક્ષી આવતું બંધ થઈ ગયું હતું.એકવાર નીરજ,મીરા અને સત્વ પાસે બગીચામાં ફરવા ગયા.રમતા રમતા સત્વ નીરજ ને બોલવા આવ્યો,પપ્પા પપ્પા પેલું જેને પાંજરું બહુ ગમતું હતું ને એ પક્ષી મરી ગયું જલ્દી ચાલો તમને બતાવું."પક્ષી પર ના નિશાન ના કારણે સત્વ તે પક્ષીને ઓળખી ગયો હતો.નીરજ અને મીરા એ તે મરેલા પક્ષી ને જોયું અને નિઃસાસો નાખ્યો એ કદાચ બહાર ની દુનિયા સાથે અનુકૂલન ના સાધી શકવાના કારણે મૃત્યુ પામ્યું હતું.થોડીવારમાં સત્વ ફરીવાર પપ્પા ને બોલવા આવ્યો પપ્પા ઓલું આકાશમાં મોજ થી ઊડતું હતું ને એ પક્ષી.નીરજે જોયું એ ઝાડ પર બેઠું બીજા પક્ષીઓની સાથે અવાજો કરતું હતું.જાણે બધા ભેગા થઈ ને કોઈ ગીત ગાતાં હતાં અને આનંદ કરતા હતાં.એમના જીવન ને માણતા હતા.નીરજે કહ્યું,મીરા બંને પક્ષી આજે
આઝાદ થઈ ગયા.પણ એક પરવશતા ના કારણે દુનિયામાંથી અને એક સંઘર્ષ અને સાહસ ના કારણે પાંજરામાં બંધ જીવન માંથી...
ગુલામી કે બંધન ક્યારેય પરવશતા ના બનવું જોઈએ....
અને સ્વતંત્રતા સ્વચ્છંદતા ના બનવી જોઈએ...
સ્વતંત્રતા હંમેશા સમજ, સાહસ,સંઘર્ષ અને ધેર્ય માંગી જ લે છે...
અને પછી જ જીવન નું ગીત આનંદ થી ગુંજી ઉઠે....