પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૬
આરવ અને શૈલીને ખુશ થતા આવતા જોઇ બંનેની માતાઓના મનમાં આનંદ થયો. બંને સારા જવાબની અપેક્ષાથી એમની તરફ તાકી રહ્યા હતા. આરવ એમ વિચારીને ખુશ હતો કે શૈલીએ તેને બચાવી લીધો છે. તે મનમાં શબ્દો ગોઠવીને બોલવા જ જતો હતો ત્યારે શૈલી બોલી:'મમ્મી, અમે વાતચીત કરી લીધી છે. મારો હમણાં લગ્ન કરવાનો કોઇ ઇરાદો નથી. પરંતુ આરવ સાથેની મુલાકાતથી મને થાય છે કે લગ્ન કરી લેવા જોઇએ. આવો છોકરો જલદી મળશે નહીં...'
શૈલીની વાત સાંભળી આરવની આંખોમાં તેની સામે ગુસ્સો ડોકાયો. તેને અવગણીને શૈલી આંખો નચાવતાં બોલી:'કેવું આરવ?'
આરવને થયું કે તે આ જ ક્ષણે શૈલીને જૂઠી સાબિત કરી દે. પછી તેને થયું કે તે એના જેવો થઇ ના શકે. તે મનને શાંત કરતાં બોલ્યો:'હા, વિચાર કરીશ...'
'ચાલો, બંને હકારાત્મક વિચારે છે એટલે આગળ મુલાકાત થતી રહેશે...' શૈલીની મમ્મીએ ખુશી વ્યક્ત કરી.
શૈલી અને એની મમ્મી ગયા પછી આરવે એટલું જ કહ્યું:'મમ્મી, હમણાંથી સપનાના વાવેતર ચાલુ ના કરી દેતી. હજુ સમય લાગશે. અને હમણાં બીજી છોકરીની કોઇ વાત લાવીશ નહીં. આપણી કંપનીનો નવો મોબાઇલ લોન્ચ કરવાનો હોવાથી મારી પાસે સમય નથી.' પછી મનોમન બબડ્યો:'શૈલીને તો હું 'જોઇ' લઇશ...'
આરવ પાસે હવે ખરેખર લગ્ન અંગે વિચારવાનો સમય ન હતો. તેનું સંપૂર્ણ ધ્યાન નવા મોબાઇલની તૈયારી પર હતું. 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીને આ નવા મોબાઇલથી ટક્કર આપવાની હતી.
રચના નોકરી પર હાજર થયા પછી વધુ વખત ગાળતો હોવા છતાં તેના વિશે વધારે વિચારવાનો એને સમય જ મળતો ન હતો. રચનાનો નવા મોબાઇલમાં રચનાત્મક સહયોગ તેનો ઉત્સાહ વધારતો હતો. રચના મોબાઇલની નાની નાની બાબતોમાં પોતાના વિચાર રજૂ કરી રહી હતી. તેણે ટ્રિપલ કેમેરાનું સૂચન કર્યું હતું. અને સેલ્ફી કેમેરા ૧૬ મેગા પિક્સલનો રખાવ્યો હતો. મોબાઇલમાં ૫૦૦૦ એમએચની બેટરી જ યોગ્ય હોવાનું આરવને પણ લાગ્યું હતું.
સતત પંદર દિવસ સુધી મોબાઇલ માટે તૈયારી કર્યા પછી જ્યારે તેનું નિર્માણ શરૂ કર્યું ત્યારે આરવને રાહત થઇ હતી. તેણે પહેલી વખત પોતાની મોબાઇલ કંપનીના નવા મોડેલને વધારે સુવિધા સાથે લોન્ચ કરવા મહેનત કરી હતી. અત્યાર સુધી તેણે મોટાભાગની બાબતો ટીમ પર જ છોડી દીધી હતી. રચનાના આગમન પછી આરવ વધુ રસ લેતો થયો હોવાનું બંને ભાઇઓના ધ્યાનમાં આવી ગયું હતું!
આજે 'ઓલ ઇન વન' મોબાઇલનું નવું મોડેલ 'હાઇફોન' રજૂ થવાનું હતું. મિડીયામાં એક સપ્તાહથી તેની ચર્ચા હતી. બીજી તરફ 'સુપર ફાસ્ટ મોબાઇલ' ના નવા મોડેલ 'ટચ ફોન ૧૦' ની પણ એટલી જ ચર્ચા હતી. બંનેને લોન્ચ કરવાની તારીખ સરખી જ હતી. કાર્યક્રમના સમય વચ્ચે પણ બે કલાકનો જ ફરક હતો. 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીએ તેને હરિફાઇ પૂરી પાડી હોવાનું લાગી રહ્યું હતું. આરવને પોતાના 'હાઇફોન' પર વિશ્વાસ હતો.
'હાઇફોન' રજૂ થયા પછી 'ટચ ફોન ૧૦' ના ફીચર્સ અને કિંમત જાણ્યા પછી તેને ૪૪૦ વોલ્ટનો આંચકો લાગ્યો હતો. એમના ફોનમાં હતી એ બધી જ સુવિધાઓ 'ટચ ફોન ૧૦' માં આપવામાં આવી હતી અને કિંમત ૨૦૦૦ રૂપિયા ઓછી રાખવામાં આવી હતી. આ વાતની ખબર જ્યારે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીમાં ફરી વળી ત્યારે આરવને જવાબ આપવાનું ભારે પડી ગયું.
કિરણ અને હિરેનની બધી ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું હતું. એમની વધુ પ્રોડક્શનની યોજના હતી. પરંતુ 'ટચ ફોન ૧૦' સામે 'હાઇફોન' નું વધારે વેચાણ થવાની શક્યતા ન હતી. કિરણે તરત જ બેઠક બોલાવીને આરવને પ્રશ્ન પૂછ્યો:'આરવ, એ વાતનો તું જ જવાબ આપી શકે છે કે આપણા ફોનની માહિતી કેવી રીતે લીક થઇ ગઇ? આટલા વર્ષોમાં આવું બન્યું નથી.'
'મને જ નવાઇ લાગે છે...' આરવ વિચાર કરતાં બોલ્યો.
'નવાઇ નહીં શંકા જવી જોઇએ. નક્કી આપણી કંપનીનું કોઇ ફૂટી ગયું છે...' હિરેન બોલ્યો.
'બેટા, તું તાત્કાલિક તપાસ કર. આ વાત સારી ના કહેવાય. આટલા વર્ષોમાં પહેલી વખત આવું બન્યું છે. 'ઘર કા ભેદી લંકા ઢાયે' જેવી સ્થિતિ થઇ છે. બે દિવસમાં તારે આ અંગેનો તપાસ અહેવાલ રજૂ કરવો જોઇએ. અને આ માટે જે જવાબદાર હોય એની સામે પગલાં લેવા જોઇએ....' લખમલભાઇ પણ આ મુદ્દે ગંભીર હતા.
'હું આ ઘટનાની જવાબદારી લઉં છું અને એના મૂળમાં જઇને રહીશ...' બોલતી વખતે તેની આંખ સામે રચનાનો ચહેરો તરવરી ઉઠ્યો. આ વખતે તેને એ ચહેરામાં પ્રેમ દેખાયો નહીં.
બેઠક પૂરી કરીને તે પોતાની ઓફિસમાં પહોંચ્યો ત્યારે રચના તેની રાહ જોતી હોય એમ કામ કરતી અટકી ગઇ અને તેને પૂછ્યું:'સર, શું કોઇ સમસ્યા છે?'
'સમસ્યાની તો તને ખબર છે. એનું સ્વરૂપ મોટું થઇ રહ્યું છે. આપણા જેવું જ મોડેલ બીજી કંપનીએ ઓછા ભાવે લોન્ચ કરીને આપણા ગાલ પર તમાચો માર્યો છે...' આરવ ખુરશી પર સ્થાન લેતા બોલ્યો.
'આજ કા યે દિન, કલ બન જાયેગા કલ, પીછે મુડકે ના દેખ પ્યારે આગે ચલ...' ગીત રચનાના કોમ્યુટરમાં વાગવા લાગ્યું. આરવ ગંભીર થઇ બોલ્યો:'રચના, અત્યારે તો પાછળ ફરીને જોવાનું જરૂરી બન્યું છે. મને શંકા છે કે આપણી કંપનીના કોઇની આમાં સંડોવણી છે. તું શું કહે છે?'
'સાચી વાત છે...' રચના સમર્થન આપતાં બોલી.
'તું કોઇને જાણે છે?' આરવે ઉત્સુક થઇ પૂછ્યું.
'હા... નામ આપું?' રચના આત્મવિશ્વાસથી બોલી.
આરવની સામે એના જ એક ભાઇનું નામ ચમકી ગયું.
ક્રમશ: