આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૬
હેવાલીએ ગંભીર અવાજે વાત કરી એ પછી દિયાન ચમકીને હેવાલીની ચિંતા કરવા લાગ્યો. તેને કહ્યું:'હેવાલી...આમ કેમ કહે છે? આપણે એમને વિનંતી કરીશું તો એ આપણી વાત માનશે. આપણી પાસે બીજો કોઇ રસ્તો નથી. ત્રિલોકને મળ્યા પછી એ વાત પાકી થઇ ગઇ છે કે મેવાન અને શિનામિની જોડી હતી. બંને મૃત્યુ પામ્યા છે અને તેમનો આત્મા ભટકી રહ્યો છે....'
'દિયાન, તું સમજતો કેમ નથી? આપણે એમને કંઇ કહી શકીએ એમ નથી...' હેવાલી પોતાની વાતનું પુનરાવર્તન કરતી બોલી.
'તું આમ કેમ કહે છે?' દિયાન નવાઇથી પૂછવા લાગ્યો.
'કેમકે એમણે જે વાતો કહી છે એ બધી સાચી નીકળી છે. અને એમની સાથે વધારે દલીલ કરીએ તો આપણાને નુકસાન પહોંચાડી શકે છે...મને લાગે છે કે આપણે તેલ જુઓ તેલની ધાર જુઓની જેમ ખૂબ શાંતિથી જોઇ વિચારીને આગળનો નિર્ણય લેવો પડશે...' હેવાલી સમજાવતા બોલી.
કાર ચલાવતા દિયાન પણ વિચારી રહ્યો.
બંને ઘરે પહોંચ્યા પછી તન-મનથી થાકી ગયા હતા. બંને મૂંગા મૂંગા જ રહ્યા. જમીને રાત્રે સૂવાની તૈયારી કરતા હતા ત્યારે એક ગભરાટ એમના દિલમાં શરૂ થઇ ગયો હતો. આજે મેવાન અને શિનામિ કોઇ અંતિમ ફેંસલો સુણાવી શકે છે...
બંને એકબીજાને વળગીને સૂઇ ગયા.
સવારે ઊઠ્યા ત્યારે બંને ઘણા દૂર સૂતા હતા.
હેવાલીએ જાગીને જોયું ત્યારે સવારના છ વાગ્યા હતા. દિયાન ઘસઘસાટ ઊંઘતો હતો. તે પોતાની વાત કર્યા વગર રહી શકે એમ ન હતી. તેણે દિયાનને હચમચાવીને ઉઠાડ્યો.
'હેવાલી, શું વાત છે?' દિયાને બગાસું ખાતા પૂછ્યું.
'દિયાન, તારા સપનામાં શિનામિ આવી હતી?' હેવાલીએ સીધો જ સવાલ પૂછી લીધો.
'હં...હા..' દિયાનને કંઇક યાદ આવતા તે ચમકીને બેઠો થઇ ગયો અને હેવાલીને વળગી પડ્યો. તેને ચુંબનોથી નવરાવી દીધી. જાણે ક્યારેય તેનાથી અલગ થવા માગતો ન હોય એમ તેના શરીર સાથેની ભીંસ વધારી.
'દિયાન...દિયાન....આમ વળગીને બેસી રહેવાથી આપણે સાથે રહી શકવાના નથી. ગઇકાલે રાત્રે મેવાને જે વાત કહી છે એ સાંભળીને મને તો અત્યારે ડર લાગી રહ્યો છે...'
'હેવાલી...મને પણ એ જ ડર કોરી રહ્યો છે. આ રાત આપણી સાથે રહેવાની અંતિમ રાત હતી એમ કેમ લાગી રહ્યું છે...'
'દિયાન, પહેલાં તું કહે કે તારી શિનામિ સાથે શું વાત થઇ હતી...'
'ના હેવાલી, પહેલાં તું કહે. તું વહેલી જાગી ગઇ છે...'
'ઠીક છે. આપણે સમય બાગાડવાનો નથી. રાત્રે મને મળવા માટે મેવાન આવ્યો ત્યારે બહુ ખુશ દેખાતો હતો. મને ખ્યાલ આવી ગયો કે આપણે ત્રિલોકને મળ્યા હતા એની એને ખબર પડી ગઇ છે... તેણે હસીને કહ્યું કે મારું અસ્તિત્વ હતું એની સાબિતી તને મળી ગઇ ને? મારું આપેલું સરનામું સાચું હતું ને? મેં કહ્યું કે સરનામું સાચું હતું પરંતુ જે ત્રિલોક નામનો માણસ મળ્યો એ ખોટો લાગતો હતો. એની વાતો અજીબ લાગતી હતી. મેવાન કહે કે ત્રિલોકની બધી વાતો સાચી ન હતી. તેની ઉંમર થઇ ગઇ છે એ કરતાં તેની માનસિક સ્થિતિ સારી નથી. એમણે જે વાત કહી એ બધી સાચી જ હતી. એક જ વાત ખોટી હતી. તે એ કે મેવાન અને શિનામિ પતિ-પત્ની ન હતા. બંને માત્ર પડોશી હતા. સાચી વાત એ છે કે હું તને એટલે કે સુમિતાને ચાહતો હતો. અને તારી સાથે જ લગ્ન કર્યા હતા. શિનામિ સાથે મારે કોઇ સંબંધ ન હતો. અસલમાં ત્રિલોક મારા પિતા છે. તે ચાહતા હતા કે મારા લગ્ન શિનામિ સાથે થાય પરંતુ એ શક્ય ન હતું. આપણે અગાઉના જન્મોથી એકબીજાના થઇને રહ્યા છે. હવે આ જન્મમાં ભલે હું હયાત નથી પરંતુ આપણે સાથે જરૂર જીવી શકીએ છીએ. આપણે આવતીકાલ રાતથી નવું જીવન શરૂ કરવાનું છે. મને લાગે છે કે હવે તને વધારે ખુલાસાની જરૂર ના હોવી જોઇએ. તારી પણ ફરજ બને છે કે તારા જન્મોજનમના પ્રેમને તું સ્વીકારી લે. તારી ખુશનસીબી કહેવાય કે હું તને શોધી શક્યો છું... આવતીકાલે રાત્રિથી આપણે એકલા મળીશું. દિયાન સાથેનો તારો સાથ હતો જ નહીં એટલે પૂરો થાય છે એમ કહી શકાય નહીં. તેં આપેલું વચન તું નિભાવશે એવો મને વિશ્વાસ છે. આવજે...આવજે....'
હેવાલી 'આવજે' શબ્દ એવી અલગ રીતે બોલી જાણે મેવાનના શબ્દો તેના કાનમાં પડઘાતા હોય.
'હેવાલી, આપણે અલગ થવું જ પડશે...' દિયાન બોલ્યો.
'દિયાન, તું આ શું કહે છે? આપણે એકબીજાને આપેલા વચનનું શું? ઊંઘમાં આવીલા સપનાની કે કોઇ આત્માની વાત સાંભળીને આપણે ડરીને અલગ થઇ જવાનું?'
'હા'
'દિયાન, મને તારી પાસે આવી અપેક્ષા ન હતી...શું શિનામિના મોહમાં તું અંધ બન્યો છે?'
'હા...'
દિયાનનો જવાબ સાંભળી હેવાલીને વધારે આંચકો લાગ્યો.
ક્રમશ: