અમે માણસીયા રે મોબાઈલયુગના,
કે અમારે ફોન હારે લેવાદેવા,
(આળસિયા રે) માણસિયા રે મોબાઈલ યુગના...
મોબાઈલ...બોલે તો ફોન... બોલે તો સ્માર્ટફોન...અરે, અરે, અરે, હાં ભઈ આગળ બોલે તો સેલફોન...અરે હાં બાપા ટચ ફોન પણ બોલી શકો છો...ખીખીખી😅.. એક એવું અજબ ગજબ અલાદ્દીનનાં ચીરાગ જેવું ખોખું જેમાંથી આખી દુનિયા, અરે આખે-આખા બ્રહ્માંડના દર્શન કરી શકાય છે. કેટલો સુપર સોનિક યુગ આવી ગયો છે ને...કોઈએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આવો સોનેરી સમય પણ આવશે. આજ તો નાનો ટેણીયો પણ આ મોબાઈલ ભાઈની બધી જ કરામતો જાણતો અને કરતો થઈ ગયો છે. ઈનફેક્ટ આપણા કરતાં વધુ તો એ જાણે છે, ત્યારે જ ગમે એનો ફોન હાથમાં આવ્યો નથી કે ફોનમાં ગેમ્સ ડાઉનલોડ કરી નથી. ફોન પરથી આજે બધું જ આરામથી થઈ શકે છે. એક નાનકડી સેફ્ટીપિનથી માંડીને મસમોટાં વિમાન પણ ઓનલાઇન મળી શકે છે. દુર સાતપાર રહેતા સ્નેહીજનો સાથે વાત કરી શકો છો એ પણ એનો ચહેરો જોતા જોતા... કેવો જબરદસ્ત મસ્ત મજાનો સમય છે ને... ટિકિટબુકિંગ, શોપિંગ, બિલ પેમેન્ટ, વેડિંગ પ્લાનર, ડાયટ ચાર્ટ રીડિંગ, રાઇટીંગ, ટ્રાફીક ટ્રેકિંગ, ટ્રાવેલ પ્લાનિંગ, ટીચિંગ...અને આગળ પણ કેટકેટલું...!!! દરેક ઘરમાં આવા બે બે ત્રણ ત્રણ કરામતી ફોન મોજુદ છે. એક વેલએજ્યુકેટેડ માણસથી લઇને ખેતરમાં પાણી વાળતો અભણ ખેડૂત કે કંપનીમાં કામ કરતો મજુર પણ આ ફોન બહુ સારી રીતે ચલાવી જાણે છે.
આ મોબાઈલભાઈનો પણ એક આગવો ઇતિહાસ છે. સૌથી પહેલાનાં ફોન તો ખરેખર કોઈ સ્માર્ટફોન ન હતાં. તે સમયમાં રેડિયોની બોલબાલા હતી જેનાથી ટુ- વે કમ્યુનિકેશન થતું. મોટેભાગે ઇમરજન્સી સર્વિસિસ અને ટેક્સીડ્રાઈવર તેનો ઉપયોગ કરતા. રેડિયો ટેલિફોનનો સફળ પ્રયોગ ૧૯૨૬માં કરવામાં આવ્યો.એ પછી ૧૯૪૬માં કારમાં શિકાગોમાં એ પ્રયોગ થયો. ૧૯૫૬માં સૌ પ્રથમવાર સ્વિડનમાં એક કારમાં મોબાઈલસીસ્ટમ લૉન્ચ થઈ જેનો વજન જ અધધ ૪૦ કિ.ગ્રા એટલે કે બે મણ જેટલો હતો.૧૯૭૩માં મોટોરોલાના જનરલ મેનેજર ડોક્ટર માર્ટીન કૂપર ભાઇએ પહેલો વિધિવત મોબાઈલ કોલ કર્યો જેનું વજન પણ એક કિલોગ્રામ તો હતુ જ. પછી તો ક્રાંતિ થતી ગઈ સાથે સાથે જીજ્ઞાશા પણ વધતી ગઈ, ટેક્નોક્રેટસના અનેક મેળાવડા થયા અને દે ધનાધન મોબાઈલ ભાઈ ની જરૂરિયાત પણ વધતી ગઈ. ધીમે ધીમે એસ.એમ.એસ, રિંગટોન્સ જેવા ઓપ્શન પણ આવતા ગયા.માણસના મૂડસને ધ્યાનમાં રાખી ઈમોજીસ પણ આવ્યા. ઈમોજીસ ની શોધ પાછી જાપાનના શિગેટાકા કુરિતા નામનાં ભાઈએ કરી.ખરેખર બહુ મોજીલો માણસ હશે...😅 માણસોની વધતી જરૂરિયાત અને જિજ્ઞાસા ને લીધે હરીફાઈ પણ ચાલુ થઈ. 1983માં યુએસમાં સૌથી પહેલો મોબાઈલ ફોન વેચાયો હતો જેની કિંમત આશરે 4000 અમેરિકન ડોલર હતી. પછી તો 1999માં પ્રીમિયમ ગણાતા એવા બ્લેકબેરી ફોન લોન્ચ થયો. અફકોર્સ પોતાની બિઝનેસ ક્લાસ સર્વિસના કારણે ફોન બહુ ચાલ્યો. 2007માં મહારાજા આઇફોન ની પધામણી થઈ. પાછળપાછળ ૨૦૦૮માં જ એન્ડ્રોઇડજી પધાર્યા અને 2009માં ફોરજી આવી ગયું. whatsapp પણ ૨૦૦૯માં જ અાવ્યું. આજે whatsappના જ લગભગ 1.2 મિલિયન યુઝર્સ છે અને દરરોજ ૧૦મિલિયન કરતા પણ વધારે મેસેજની આપ- લે થાય છે. આજે તો દુનિયાભરમાં ૧૩૮ જેટલી મોબાઈલ બ્રાન્ડસ અવેલેબલ છે.
સ્માર્ટફોનની ટેકનોલોજી વિવિધ 25000 નાની-મોટી શોધોથી બનેલી છે. ભલે આપડે ગમે એટલો ચાયનાં પ્રોડકટસનો બહિષ્કાર કરવાના ફાંકા મારીએ પણ દુનિયાનાં ૭૦% ફોન ચાયનાંમાં જ બને છે... અત્યારનાં ફોન એપોલો૧૧ ચંદ્ર્યાનમાં રહેલાં કમ્પ્યૂર્ટસ કરતા પણ વધુ શક્તિશાળી છે...મોબાઈલ ફોન પર સૈાથી વધુ બેક્ટેરિયા હોય છે. અાજે દુનિયામાં મોબાઈલ સેક્ટર એ સૌથી ઝડપથી વિકસતું સેક્ટર છે અને મોબાઈલ એ સૌથી વધુ વેચાતું ઇલેક્ટ્રોનિક સાધન છે. ૪ બિલિયન લોકો પાસે આજે પોતાનો ફોન છે જ્યારે ફક્ત ૩.૫ બિલિયન પાસે જ પોતાનુ ટુથબ્રશ છે. ગિનિસ બુક પ્રમાણે Sonymxp3300 એ આજ સુધીનો સૌથી ટફેસ્ટ ફોન છે. ૮૪ ફુટથી નીચે ફેંકતા પણ એને કોઈ જ નુકસાન થયું નતું. iphone 5 black diamond એ મોંઘાંમાં મોંઘો ફોન છે જેની કિંમત ૧૫મિલિયન ડોલર છે જેને બનાવતાં ૯ અઠવાડીયા થયાં અને જેમાં ૧૨૫ ગ્રામ સોનું અને ૬૦૦ હીરા જડવામાં આવ્યા છે. આપણાં શોખીન નીતાં અંબાણી પણ falcon supernova iphone 6 વાપરે છે જેની કિંમત અંદાજે ૩૧૧ કરોડ રૂપિયા છે... નોકીયા ૧૧૦૦ ઇતિહાસમાં સૌથી વધુ વેચાયેલ ફોને છે જેના લગભગ ૨૫૦ મિલિયનથી પણ વધુ પીસ વેચાયા છે.. એપલે ૨૦૧૨માં એકજ દિવસમાં ૩ લાખ ૪૦ હજાર ફોન વેચ્યા હતા મતલબ કે એક સેકંડ માં ૪ ફોન..
જેવો દેશ તેવો વેશ એવી કહેવત છે પણ આજે તો જેવો દેશ એવો તે દેશના ફોનનો વેશ એવું કહીએ તો પણ ચાલે. ખાલી આપણા ભારતમાં જ આશરે 292 મિલિયન લોકો ફોન સાથે જોડાયેલા છે. એક અહેવાલ પ્રમાણે દરરોજ ભારતનો નાગરિક સરેરાશ ત્રણ કલાક ફોનનો ઉપયોગ કરે છે મતલબ કે આપણે મહિનામાં 90 કલાક એટલે કે ત્રણ દિવસ અને 18 કલાક મોબાઈલ પાછળ બગાડીએ છીએ. જાપાનમાં તો 90% ફોન વૉટરપ્રૂફ હોય છે કેમકે જાપાનીઝ શાવર લેતી વખતે પણ ફોન યુઝ કરવાનો શોખ ધરાવે છે. સ્પેનિશ લોકો ફોન વિના ખાઈ પણ શકતા નથી કેમકે ત્યાંનાં ૧૧% ટકા લોકો તો ઓનલાઇન જ ડિનર મંગાવે છે. સાઉથ કોરિયામાં તો વર્ચ્યુઅલ રિટેલ શોપ હોય છે મતલબ કે શોપ માં અલગ-અલગ પ્રોડક્ટના ફોટોસ રાખેલા હોય છે સ્કેન કરો એટલે થોડા ટાઇમમાં તમારી ઘરે એ વસ્તુ ડિલિવર થઈ જાય..! યુકેમાં 22 ટકા લોકો ફોનના હાઈલી-એડિકટેડ છે. યુ.એસ.માં તો અલમોસ્ટ બધા પાસે પોતાનો ફોન છે. બ્રિટનમાં દર વર્ષે એકલાખ ફોન તો લોકો ટોયલેટમાં પાડી નાખે છે... આ પણ ખાલી પબ્લિક આંકડા છે... ઘરનાં ટોઇલેટનાં આંકડા તો બાકી હજું... મલેશિયામાં મોબાઈલ ફોનમાં મેસેજ દ્વારા છૂટાછેડા લેવાનું કાયદેસર ગણાય છે તો વળી ફિનલેન્ડમાં તો ફૉન ફેકવાની સ્પર્ધા યોજાય છે જે સૌથી દૂર સુધી ફોન ફેંકી શકે તે ચેમ્પિયન કહેવાય છે.
સગવડ અને એ જ સગવડ ને અગવડ બનવા વચ્ચે વાળ કરતાં પણ પાતળી ભેદરેખા રહેેલી છે. સગવડ નો ઉપયોગ સગવડિયો હોવો જોઈએ જ્યારે કોઈ વસ્તુ જ જીવન બની જાય ત્યારે એ છેવટે તો માણસને ખોખલો જ બનાવે છે, પછી એ એસી હોય, વાહન હોય, ટીવી હોય કે ફોન... જાણતાં હોવા છતાંય અજાણ્યાં રહીને આજે આપણે આ વસ્તુઓના ગુલામ જ બની ગયા છીએ ને ..ઘણા એવા લોકો જોયા છે ને જે 10 કદમ પણ પોતાના બાઈક વિના ચાલી શકતા નથી અરે અમુક તો એટલા આળસુના પીર છે કે પાંચ ડગલા ચાલવામાં પણ સેલ્ફ મારે... અંતે તો કોઈપણ વસ્તુની અતિશયોક્તિ માણસને જડ, મૂરખ, રોગી, ગુલામ, આળસું અને રઘવાયો જ બનાવે છે. "અતી સર્વત્રે વર્જ્યતે" ની જેમ આજે સમય એ અાવ્યો છે કે આપણો ફોન આપણને ચલાવતો થઇ ગયો છે. ફોન માં બેટરી ઘટવાનો ડર આજે કોઇ અજાણ્યાં સ્થળોએ ખોવાઈ જવાના ડર કરતા પણ વધુ લાગે છે. ફોનની સ્ક્રીન પર દેખાતું લોડિંગ આપણી ધીરજના મીટરની આકરી કસોટી કરી જાઈ છે. મોબાઈલ ગુમાવવાથી કે બગડી જવાથી લોકોને ગુસ્સો અને રોષ પેદા થાય છે જેને નોમોફૉલિયા કહે છે . એ સાથે જ સ્ટ્રેસ, ડિપ્રેશન, લોન્લીનેસ, ઓછી ઊંઘ વગેરે જેવી તકલીફ તો નફામાં છે જ..ફોન આપણને સોશિયલ મીડિયા, ઇન્ફોર્મેશન, ગેમ્સ, એપ જેવી રાહતો આપે છે તો સાથે સાથે ઓનલાઈનફ્રોડ્સ, પોર્નોગ્રાફી, સાઈબર સેક્સ, ગેમ્બલિંગ જેવી આફતો પણ આપે છે . એવરેજ દરેક માણસ દિવસમાં 47 વાર પોતાનો ફોન ચેક કરે છે. એક અહેવાલ પ્રમાણે પાંચ કલાકથી વધુ ઇલેક્ટ્રોનિક સાધનો નો ઉપયોગ કરતા ટીનેજર્સમાં 71% સ્યુસાેઇડ રીસ્ક છે.મોટાભાગના લોકો માટે ફોન વિના રહેવું મુશ્કેલ થઈ ગયું છે પણ ફોનનો ઉપયોગ ઓછો કરીને આપણે આ ફોનની ગુલામીમાંથી બચી શકીએ છીએ. હા શરુઆતમાં મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ. થોડાં સમયમાં "how to breakup with your phone" ના પણ ક્લાસીસ ચાલે તો નવાઈ નહીં.
માણસ આજે મોબાઈલ થઈ ગયો...
હૃદયમાં સચવાઈ જતી અઢળક યાદોના આલ્બમોને,
મૃગજળ રૂપી કેમેરામાં કેદ કરતો થઈ ગયો....
હીલોળે ચડતી લાગણીઓના ઘોડાપુર ને,
સોશિયલ સાઈટ્સના ટફન ચડાવતો થઇ ગયો...
સગાઓને બેકઅપ અને વર્ચ્યુઅલ રીયાલિટીને રેમ તરિકે સાચવીને,
સબંધોના વોલપેપર બદલતો થઈ ગયો...
ડૂબી રહી છે હવે મિલન મુલાકાતો અને જીવંત મહેફિલોની હોડી,
પ્રસંગોમાં પણ પોતાના ફોન રૂપી વહાણને નાંગરવામાંજ રહી ગયો...
નથી રહી આજે બાજુવાળાના ફોનમાં પણ ડોકુ કાઢીને જોવાની નવરાઈ,
માણસ આજે પોતાના ફોનમાં જ એટલો મશગુલ થઈ ગયો...
હાલ ચાલ પણ આજે પુછાઈ રહ્યાં છે ઓનલાઇન,
આ સેવ, ટેગ અને શેરના ચક્કરમાં
માણસજ મોબાઈલ થઈ ગ્યો...!!!
- Riddhi Pambhar