પાંડવોનો મહેમાન
આ દેખાય અમારું નિર્ધારિત શિખર. રાત્રીના સાડાત્રણ વાગ્યાનો સુદ ચૌદશની ચાંદનીનો પ્રકાશ બરફાચ્છાદિત શિખરો પર રેલાઈ રહ્યો હતો. ચારે તરફ નીરવ શાંતિ. શહેરમાં રાત્રે હોય એનાથી હજારેક ગણી. અમે બેલ્ટ બાંધ્યા, અમારો વિશાળ ખીલો ખડકમાં ઠોક્યો અને 'હર હર મહાદેવ' કરતા સીધા ખડક પાર ચડવા લાગ્યા. આગળ એક મોટી ખાઈ અને નીચે હિમનદી વહેતી હતી. સહુથી આગળના કેપ્ટને એક સીડી ફેંકી અને સામા ખડક પર અડાવી. અમારે વાંદરાની જેમ ચાર પગે હળવે હળવે સીડીનાં પગથિયાં પકડીને આ ખાઈ ઓળંગવાની હતી. રાત હતી એ સારું હતું. નીચે જુઓ તો હજારેક ફૂટ નીચે ખીણ અને એમાં વહેતી નદી.
મારો વારો આવ્યો. મેં પણ વાંદરાની જેમ ચાર પગે ખીણ ઓળંગવી શરૂ કરી. અર્ધે પહોંચ્યો હોઈશ ત્યાં કોઈ કારણે, કદાચ આગલા સાથીના બુટમાં ફસાયેલા હિમના ગાંગડાને કારણે ભીનાશ આવી ગયેલી એની ઉપર મારો હાથ લપસ્યો. પગથી બેલેન્સ જાળવું ત્યાં હું સીડી પરથી નીચે તરફ લબડી પડ્યો. સામેથી મારી તરફ હુક સાથેની દોરડી ફેંકાઈ પણ એક હાથે હું એ પકડી શક્યો નહીં. મેં ઉરાંગઉટાંગ વાનરની જેમ ઝોલું ખાધું અને દોરી પકડી. હું ઝુલીને ફરી સીડી પકડવા તો ગયો પણ પ્રયત્ન નિષ્ફળ જતાં હું પાછો ફેંકાયો. ત્યાં બે પર્વતો વચ્ચેની સાંકડી જગ્યામાંથી પ્રભાતની પહેલી લહેર જેવો વાયુનો ઝપાટો વાયો. મારું લટકવાને કારણે ઢીલું થયેલું બ્લેઝર ફુલ્યું અને એણે પેરેશૂટ જેવું કામ કર્યું. ટ્રાઉઝર્સમાં પણ હવા ભરાઈ. સામાન્ય પવન કરતાં બે પર્વત વચ્ચેથી વાતો પવન, એ પણ આટલી ઊંચાઈએ, ખૂબ શક્તિશાળી હોય છે. મને કાંઈ પણ સમજાય તે પહેલાં હું ઉડયો અને નીચે ખીણ જોતો, હવે ઘણે દૂર. નીચે અમારો ચઢાણ શરૂ કરેલો ખડક નાનોશો દેખાયો. હું હવાના ઝોંકા સાથે ઉડીને ફંગોળાતો નિર્ધારિત શિખરની બિલકુલ વિરુદ્ધ દિશામાં ઉડી રહ્યો હતો. પવનની ઝાપટે જ મને કોઈ બાજ પક્ષીની જેમ બે પર્વતો વચ્ચેની વળાંકદાર જગ્યામાંથી ધકેલ્યો અને એમ વળાંકો વચ્ચેથી ઉડતો, ફંગોળાતો હું કોઈ અજાણ્યા ખડક પર જ આવી ચડ્યો. હજી ઉડયા કરત પણ કોઈ અણીદાર ઊંચા થાંભલા જેવી વસ્તુમાં મારું બ્લેઝર ભરાયું અને હું પડ્યો હોત, ધસડાઈને અનંત ઊંડી ખીણમાં જઈ પડ્યો હોત તેને બદલે કોઈક રીતે અટક્યો. મેં સામે જોયું તો મારા મોતિયા મરી ગયા. યેતિ કે હિમમાનવ કહીએ છીએ એવી ખૂબ કદાવર, આશરે બારેક ફૂટ ઊંચી માનવ આકૃતિ મારી સામે હતી અને હું એના ચરણમાં માથું નાખી પડ્યો હતો. મારાથી ચીસ નંખાઈ ગઈ.
મારે માથે એ જ વજનદાર પગ હળવેથી ફર્યો અને એકદમ ઘેરો, ખડકોમાં પડઘા પાડતો અવાજ એ યેતિના મુખમાંથી શુદ્ધ સંસ્કૃતમાં આવ્યો - "મા ભયમ. પુત્ર, ત્વં કિમ અસી? "
બીજો અવાજ આવ્યો - "કિમ અત્રે આસિત.. ક: તે રાજ્ય એવમ નગર?"
મેં જોયું. એ બોલનાર નવેક ફૂટ ઊંચો, પહેલા યેતિ કરતાં ઓછો કદાવર પણ કદાચ થોડો વધુ પ્રભાવશાળી લાગ્યો.
મને ખુબ નવાઈ લાગી. અહીં આ નિર્જન પહાડ પર, કહો કે બીજી દુનિયા હોય એવી જગ્યાએ સંસ્કૃત બોલતા યેતિ? યેતિ વિશે સાંભળ્યું, વાંચ્યું તો હતું પણ બધી કલ્પનાઓ છે એમ માનતો હતો. ડિસ્કવરી પર હિમમાનવ પરની કથા જોયેલી પણ એમાં એનું પગલું જ બતાવેલું. સાચો હિમ માનવ અને સંસ્કૃત બોલતો?
ધો. 10 માં સંસ્કૃતમાં સારા માર્ક્સ આવેલા અને શોખ ખાતર સંસ્કૃતના કલાસ કરેલા તે કામમાં આવ્યા.
આ લોકો મને ભક્ષ્ય બનાવી ખાઈ તો નહીં જ જાય એની ખાતરી થઈ. મને આ વિશાળ માનવો મારા કોઈ દાદા પરદાદા હોય એવું લાગ્યું. મેં નિર્ભયપણે એમને સંસ્કૃતમાં જ કહ્યું કે હું ભારતવર્ષ દેશમાં મુંબઇ નગરથી આવું છું.
"કસ્ય તે નગર?" પૂછી એમણે નવાઈથી વાત શરૂ કરી.
મેં આવડે એવાં સંસ્કૃતમાં કહ્યું કે પશ્ચિમ સમુદ્રને એક કિનારે આ મહાનગર છે. મારું નામ … છે. હું એક ટુકડી સાથે પર્વતારોહણ કરવા આવેલો.
તમે કોણ? મેં પૂછ્યું.
જવાબ માની શકાય એવો ન હતો. તમને બધાને ટાઢા પહોરનાં ગપ્પાં લાગશે.
"અહં ભીમ: અસ્તિ. સા મમ જ્યેષ્ઠ ભ્રાતા.."
મેં વચ્ચેથી જ પૂછ્યું ,"સમ્રાટ યુધિષ્ઠિર ?"
એ બીજા યતિએ માથું હલાવી કહ્યું "સાધો."
કમાલ છે. ઇ.પૂ. 4500 પહેલાં થઈ ગયેલ પાંડવો ઇ.સ. 2021માં જીવે છે? ખાતરી શી?
મેં પૂછ્યું કે તેઓએ તો સ્વર્ગારોહણ કરેલું ને સદેહે સ્વર્ગમાં ગયેલા ને?
યુધિષ્ઠિર લાગતા, સહેજ મોટું ચામડું પહેરેલા, પહોળા ખભા, ઉભરી છાતી અને ગોળ મોં વાળા યતિએ કહ્યું કે કોઈ સ્વર્ગ એટલે આકાશમાં પૃથ્વી પરથી એમ ઠેકડો મારી જઈ શકે ખરું?
મેં કહ્યું તમે હિમાલયને માર્ગેથી ગયેલા ને એક કૂતરો ભેગો હતો ને એવું એવું કહેવાય છે.
યુધિષ્ઠિરે કહ્યું અમે હિમાલયમાં જ પ્રયાણ કરેલું. દુર્ગમ જગ્યાએ વસી દુનિયાની ને ભરતખંડનાં રાજપાટ સાથે ગંદી રાજ રમતોથી દૂર રહેવા અમે હિમાલય જવાનું પસંદ કર્યું. સ્વર્ગારોહણ એટલે સામાન્ય માનવ માટે અશક્ય એવી ઊંચાઈએ. અને કૂતરું કોઈ દિવસ હિમાલય તો ઠીક, તમારા રૈવતક જેવો પહાડ પણ ચડી શકે?
એમના ઝડપથી બોલાતાં ઉચ્ચ રાજવી ઉચ્ચારો વાળું સંસ્કૃત થોડું જ સમજ્યો. તેમણે બાજુમાં જોયું.
એક યતિ સોનેરી પીળા રંગનું ચામડું પહેરી દૂર બેઠો અગ્નિ પ્રગટાવી રહ્યો હતો. તેની ચામડી પણ પીળી સોનેરી, થોડી ચીનીઓ કે અરુણાચલ મેઘાલયના લોકો જેવી હતી. તેની બેસવાની સ્ટાઇલ વિચિત્ર હતી. નાની સોટી જેવી, કદાચ કોઈ પશુનાં કરોડનાં હાડકાં જેવી ચીજ તેના છેલ્લા મણકાને સ્પર્શે તેમ હતી તેને જરાક જ ટેકે તે હવામાં હોય તેમ બેઠેલો. નહીં પદ્માસન નહીં પલાંઠી. તેણે તરત આંખો બંધ કરી મારી સામે ત્રાટક કર્યું. હવે તેઓ જે કહે એ હું હિન્દીમાં સમજતો હતો અને હું આપોઆપ હિન્દીમાં બોલવા લાગ્યો.
એ કહે હું સહદેવ. મારી પાસે ઘણી તમે આધુનિક યુગના પ્રજાજનો ન સમજો તેવી વિદ્યા છે. એમાં તમારી ભાષા મને કે અમારી તને ખબર ન હોય તો પણ તરત મગજના તરંગોથી એ તમને તમારી ભાષામાં સંભળાય અને તું કહે તે અમને અમારી ભાષામાં.
તો એ રૈવતક એટલે ગિરનાર. દત્તાત્રેય કૂતરાં રાખતા. તેં દત્તાત્રેયની ટૂંક જોઈ હશે.
માય!! ગૂગલ ટ્રાન્સલેટમાં તો બોલવું કે લખવું પડે. આ તો મગજના તરંગોથી જ વાત!
હવે યુધિષ્ઠિરે કહ્યું કે કૂતરું એટલે બધી શ્વાનવૃત્તિ સાથે બધો સરસામાન. કૂતરાની પોતાની ટેરિટરી હોય એમ ભરતખંડ જીતીને 35 વર્ષ રાજ કર્યા બાદ અમારી ટેરિટરી હતી, છે. તેના નકશાઓ સાથે રાખ્યા અને જરૂરી રક્ષણ માટેનો સરસામાન. એ સાથે ચાલી નીકળ્યા.
મેં કહ્યું પણ તમે સાત હજાર વર્ષથી જીવો છો કઈ રીતે? અમે તો, પૃથ્વી પર ક્યાંય પણ 100 વર્ષ તો ભાગ્યે જ જીવીએ. 80- 85 વર્ષ સામાન્ય આયુષ્ય છે.
ત્યાં એક યાક જેવાં પણ એનાથી સાવ જુદાં મૃત પશુને સાફ કરી તેની ખાલમાં બરફનું પાણી ભરેલું તે કોઈક ગૂઢ રીતે ઉકાળતો અત્યંત દૂર, ખડકની ધાર નજીક બેઠેલો પ્રમાણમાં એકદમ સુંવાળી, ચીની કે જાપાનીઝ સ્ત્રીઓ જેવું પણ એકદમ ચમકતી ગુલાબી ત્વચા વાળું છતાં વેલબીલ્ટ શરીર વાળો યતિ બોલ્યો કે માણસનું કે કોઈ પણ પ્રાણીનું આયુષ્ય હવામાં પ્રાણવાયુ લઈ હૃદય કેટલું ધબકે એના ઉપર છે. અમારા વખતમાં એ સરેરાશ 130 વર્ષ જેવું હતું. મોટાભાઈ કૃષ્ણ 125 વર્ષે બાણ વાગી અવસાન પામ્યા એ ખ્યાલ હશે. પ્રાણીઓમાં ગાય બળદ વીસેક વર્ષ, હાથી 200 થી 300 વર્ષ જીવે છે. પછી ખોરાક અને રહેણીકરણી બદલાતી ગઈ એમ આયુષ્ય ઘટતું ગયું.
"જો વૃક્ષોનું છેદન અને ઉદ્યોગોની હવા પ્રદુષિત કરતી ચાલ ધીમી નહીં પડે તો ફરી માનવ આયુષ્ય 45-50 વર્ષ થઈ જશે." વિશાળકાય યતિ ભીમે ચેતવણી આપી અને નજીક પડેલી મોટી પોલી કોઈ ઝાડની ડાળ જેવું લઈ કોઈ અવકાશી પદાર્થ અમારી તરફ આવતો હતો એને ઊંચો કૂદકો મારી નીચેથી જ એક જોરદાર ફૂંક મારી. પેલો પદાર્થ ક્યાંક બીજે ઘુમરાતો જતો રહ્યો. એણે અટ્ટહાસ્ય કર્યું અને કહે 'એ કોઈ કહેવાતી મહાસત્તા દ્વારા ભરતખંડ પર મોકલેલું.. તમે શું કહો છો, પ્લેન હતું. વિમાન. એમાં વિનાશક ચીજો હતી. જોયું, મેં મારી ફૂંક ત્યાં ન પહોંચે એટલે હવામાં ખાસ માર્ગ કર્યો.
સહદેવે તરત કહ્યું, 'એર ટનલ' ભીમ આગળ વધ્યો.
'એ બનાવી હવા ફેંકી અને તેનો માર્ગ બદલી નાખ્યો. કોઈની હિંસા નહીં અને રક્ષણ પણ ખરું.'
યુધિષ્ઠિર કહે અમે હજી હજારેક વર્ષ જીવશું. કદાચ એટલી જરૂર નહીં પડે. પછી આપોઆપ અમારાં શરીર રાખમાં પલટાઈ જશે. ભરતખંડને જરૂર છે ત્યાં સુધી આ 'સ્વર્ગ' માં અમારે રહેવું જરૂરી છે.'
ભીમે મને ઊંચક્યો અને કોઈ બે વર્ષના બાળકને ઉછાળે એમ ઉછાળી તેડ્યો. પછી નીચે મૂકી કહે 'કાંઈ ખાધું પીધું કે નહીં?'
મારાથી કહેવાઇ ગયું ,'તમે તમારા પુત્ર ઘટોત્ક્ચ ને રમાડતા હો તેવું લાગ્યું.'
બે માળના મકાન જેટલી ઊંચી કાયાની વિશાળ આંખોમાં આંસુ આવી ગયાં. કહે 'આમ તો એ જ્યેષ્ઠ પાંડુ હતો. રાજ્યનો હક્કદાર. ખોટી રીતે તેનો વધ થયો. એણે વિરતાથી, મરતાંમરતાં પણ દુશ્મનોનો વિનાશ કર્યો એટલે મને, ક્ષત્રિય બાપને ગર્વ થયો.
ચાલ. કશુંક ખાઈ લે એટલે આ હાડ ગાળતી ઠંડીમાં રાહત રહે.'
એક ખૂણે વળી નકુળે કોઈ પોલી નળીથી થોડી ફૂંક મારી અને અમુક સુકાઈ ગયેલા હીમ પથ્થરો પર આગ પ્રગટી.
યુધિષ્ઠિરે પ્રેમથી બુચકારા જેવો અવાજ કર્યો.
ખભે પશ્મિના શાલ જેવું પશુનાં શ્વેત રૂંછાનું બનેલું ચર્મ ઢાંકેલી, કાનમાં ને કટી પર તથા ગળામાં ક્યારેય ન સુકાય તેવી પ્રક્રિયા કરી હોય તેવાં પુષ્પોની માળા કે અલંકારો ધારણ કરેલી અત્યંત તેજસ્વી સ્ત્રી કોણ જાણે ક્યાંથી પ્રગટ થઈ.
'આર્યા, ભરતખંડના પશ્ચિમ સમુદ્રતટે રહેતા આ પ્રજાજનને ક્ષુધા તૃપ્તિ અર્થે કંઈક પ્રસાદ આપ. તેં એક ચોખાના દાણામાંથી દુર્વાસાની આખી ટોળી જમાડેલી તેમ.' કહી યુધિષ્ઠિર કોઈ ચક્રવર્તી રાજવી જ કરી શકે તેવું ગૌરવ ભર્યું મુક્ત હાસ્ય કરી રહ્યા.
ખ્યાલ આવી ગયો. રાણી દ્રૌપદી.
એક ખૂબ મોટાં સુક્કા કોઠાં જેવાં ફળની કાચલીમાં મને તાત્કાલિક ક્યાંકથી તોડેલ પાનોનો ગરમ રસ અપાયો. પીતાં જ મારામાં ગરમી આવી ગઈ.
મેં પૂછ્યું, 'માતે, આ એવરેસ્ટથી પણ ઊંચાં, વિશ્વને જેની ખબર નથી તેવાં સ્થળે આ પાન ક્યાંથી આવ્યાં?'
એમણે હસતાં હસતાં સહદેવ તરફ જોયું.
'અમે રાજપાટ મુકી સન્યાસ લેવા ગયેલા. આપઘાત કરવા નહીં. મારા વિજ્ઞાને અહીં પણ જરૂરી વસ્તુઓ એટલે કે જીવોના જીન્સ જેવા અવશેષો જે યુધિષ્ઠિરનું કૂતરું કહેવાયેલા, તેમાંથી અલગ જાતની પણ પૃથ્વી પર હોય તેને મળતા અને અનેક ગણા પૌષ્ટિક ગુણો વાળી વનસ્પતિ અને પ્રાણી શ્રુષ્ટિ ઉત્પન્ન કરી. આવ, તને એનો બાગ બતાવીએ. એને પેલે પાર ખૂબ નીચે વાનરો જેવી મનુષ્ય પ્રજાતિ ઉત્પન્ન થઈ છે જે આખા વિશ્વને ત્રાસ આપે છે તે રહે છે. એનાથી તાત્કાલિક રક્ષણ કરવા તો અમે ભરતખંડની ચોકી કરીએ છીએ.
થોડું ઉભો રહે. તને અમારી આ રાજ વસાહત બતાવીએ. તારે કોઈને કાંઈ એના વિશે કહેવાનું નથી.' સહદેવે કહ્યું.
મને પહાડી જમીનમાં શૂન્યથી સર્જન કરનારો લડાખી વિજ્ઞાની યાદ આવ્યો.
ત્યાં તો મારી જેમ જ કોઈ યતિ એકદમ ઝડપથી આવીને ઉતર્યો. એણે ઉડવા માટે સફેદ પાતળું વસ્ત્ર પાંખની જેમ ફુલાવેલું એ સંકેલ્યું અને પેરેશૂટ સાથે ઉતરી દોડીએ એમ દોડી ઉભતાં જ મારી સામે જોયું.
'અતિથિ. અસ્માકં પ્રજા. મા ક્રોધ. શાંતમ.' ભીમ બોલ્યો.
સહદેવે મને કહ્યું કે આ બીજો કોઈ નહીં, અર્જુન છે. એ તને અમે અમારા માટે ઉગાડેલ વનસ્પતિ, નકુળે ઉછેરેલ પ્રાણીઓ અને ભીમ સાથે મળી આ અર્જુને જ મારી પાસેથી સલાહ લઈ બનાવેલ ગુફા મહેલો વગેરે બતાવશે.
મંદિરો કે જાહેર જગ્યાએ ફોટોગ્રાફી વર્જિત હોય તેમ તે બધી એક્દમ અદભુત દુનિયા જોઈ પણ વર્ણન સામાન્ય જગ્યાએ જતાં જ મગજમાંથી ધોવાઈ ગયું.
હા. તો મેં અર્જુનને જ મારા મોબાઇલની વાત કહી જે બેઝ કેમ્પ પછી કામનો ન હોય અને મારી ટુકડીને હું જીવું છું તે જણાવવા કોઈ રસ્તો હોય તે કહ્યું.
તેણે કહ્યું કે અત્યારે હું જે પણ જોઈ રહ્યો છું તે મને કલ્પના જ લાગશે પણ સત્ય છે. તેમની સાથે તેમનું થોડું પણ શીખવા મારે 250 વર્ષ જોઈએ. યુધિષ્ઠિરની આજ્ઞા હોય તો તે પણ થઈ શકે પણ અત્યારે મારે સામાન્ય મનુષ્ય તરીકે જતા રહેવું હિતાવહ છે.
મારું બ્લેઝર તો ફાટી ગયેલું. બુટના ખીલા નીકળી આવેલા. અજબ રીતે નકુળે હાથ ફેરવતાં એ યોગ્ય થઈ ગયા.
ધાર્યું હોત તો વધ કરી અરે ફૂંક મારી ફેંકી દીધો હોત પણ પિતાની જેમ ઉછાળી રમાડયો એ ભીમ, કોઈ અલગ સૂપ પાઈ ભૂખ શમાવી એ રાણી દ્રૌપદી, પ્રજા વત્સલ અને હજુ પણ કોઈ ભાલા જેવી ને એન્ટેના સિગ્નલ ધરાવતી ચીજ જેમાં મારૂં બ્લેઝર ભરાતાં હું અહી પડેલો, એના માલિક યુધિષ્ઠિર, વાંગચુક ની મેગા આવૃત્તિ જેવો સહદેવ, નવી જ તરકીબોથી કાંઈક ને કાંઈક કરતો નકુળ - આ બધાને મળ્યો એ મનાતું ન હતું.
અર્જુને સફેદ વલ્કલ મને વીંટાળ્યું અને મને દોડવા કહ્યું. ફરી ભીમે ફૂંક મારી. યુધિષ્ઠિર આશિષ આપતા હાથ ઊંચો કરી રહ્યા અને..
શિખર પર ટીમ ત્રિરંગો લહેરાવતી હતી. સખત પવનમાં પોલ ખોડી શકાતો ન હતો. મેં ઉતરતાં જ પોલ પકડ્યો. ટીમ લીડરે ત્રિરંગો લહેરાવ્યો અને સલામ કરવા ઉપર જુએ છે ત્યાં...
એ માની શક્યો નહીં કે ધ્વજદંડ ઉપર હું લહેરાતો હતો!
ત્રિરંગાની ઝાપટે હું સરકીને નીચે આવ્યો ને મેં પણ સલામ કરી.
અત્યંત પાતળી હવામાં એ લોકો જનગણમન ગાઈ શકતા ન હતા. મારું ગળું એ જાદુઈ સુપની અસર હોય કે ગમે તે, ખુલ્લું હતું. મેં રાષ્ટ્રગીત ગાયું અને પહાડોમાં પડઘા ગુંજી રહ્યા.
'વી થોટ યુ આર ગોન. હાઉ કમ..?' ટીમ લીડર પૂછી રહ્યો.
મેં ટૂંકમાં સદેહે સ્વર્ગપ્રયાણ અને પાંડવો સાથેની મુલાકાતની વાત કહી જે કોઈએ માની નહીં. ઓછા ઓક્સિજનમાં હેલ્યુસીનેશન થયું હશે કહી વાત ટાળી દીધી.
અમે બેઝકેમ્પ પર આવતાં બધા સલામત છીએ અને શિખર સર કરવાનો લક્ષ્યાંક સફળ રહ્યો એ જણાવ્યું. મારી વાત કોઈએ કરી જ નહીં.
બીજે દિવસે કોઈ મિલિટરી બેઝ કેમ્પમાંથી સમાચાર અખબારોમાં હતા કે આકાશમાં સફેદ વસ્ત્ર જેવામાં ઊડતી માનવ આકૃતિ દેખાયેલી. તેનો ઝાંખો ફોટો પણ હતો. થોડી ચર્ચાઓ ચાલી પછી નક્કી થયું કે જાસૂસી માટે ચીને બલૂન છોડ્યું હશે. સતર્ક રહેવું. કેમ કહેવું કે એ હું હતો!
મારા મિત્રો, મારાં મા બાપ અને મારી ગર્લફ્રેન્ડ પણ મારી વાત હસી કાઢે છે. કહે છે તમે બેભાન હશો ત્યારે એવી ભ્રમણા થઈ હશે.
હું પૂરો સ્યોર છું. ખાતરીપૂર્વક કહું છું કે મેં જે જોયું, અનુભવ્યું એ સાચું છે.
મેં પાંડવોની મહેમાનગતી માણી છે.
***