પ્રકરણ-૨૭
"વોટ?! આ શું બોલો છો?" મોહિનીની વાત સાંભળીને ડૉ. અનંત એકદમ ચોંકી ઉઠ્યાં હતાં. એમને આગળ શું બોલવું એ કંઈ સમજાઈ રહ્યું નહોતું.
પોતે જેમને બચાવ્યો હતો એ માણસ મોહિનીનો બાપ હતો એ જાણીને ડૉ. અનંત ખૂબ જ અસમંજસમાં મૂકાઈ ગયાં હતા.
થોડીવારમાં એ પોતે થોડા નોર્મલ થયાં. એટલે બોલ્યા, "કમાલ છો! હો તમે બંને બહેનો તો?! જે બાપે તમારી બંને પર અત્યાચાર કરવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું એના માટે આજે તમે બંને બહેનો અહીં હોસ્પિટલ સુધી આવી છો એના જેવું મોટું આશ્ચર્ય તો મારા માટે બીજું કંઈ જ નથી. જે માણસે તમારી જોડે આટઆટલું કર્યુ હોય એને તમે બંને બહેનો માફ કઈ રીતે કરી શકો?" ડૉ. અનંત બોલ્યા.
એનો જવાબ આપતાં રેશમ બોલી, "એ માણસ ગમે તેવો ખરાબ હોય પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો અમારે એની મદદ જરૂર કરવી જોઈએ. તમારા માટે તો આ અજાણ્યો માણસ હતો છતાં પણ તમે એમની મદદ કરી ને? તો અમારો તો આ સગો બાપ છે. અમારી રગોમાં એમનું લોહી દોડે છે તો પછી અમારે તો એમની મદદ કરવી જ જોઈએ ને? અમે બંને અમારી ફરજ બજાવવાનું કઈ રીતે ચૂકી શકીએ? અને બાકી રહી એમના કર્મોની વાત! તો એનો ન્યાય તો હંમેશા કુદરત કરે જ છે. અને આ પણ કદાચ કુદરતનો જ ન્યાય હશે ને! એમનું આવી રીતે અકસ્માત થવું, તમારું એમને અહીં લાવવું અને અમારું આજે અહીં હોવું એ પણ ઈશ્વરનો જ ન્યાય છે ને?"
મોહિનીએ પણ રેશમની વાતમાં સૂર પુરાવતાં કહ્યું, "હા, ડૉ. અનંત! રેશમ બિલકુલ ઠીક કહે છે. આ દુનિયામાં ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. આપણે બધાં તો નિમિત્ત માત્ર છીએ.
જો હો ઈશ્વરની ઈચ્છા, તો જ હલે છે પાંદડું!
એ હલાવવા ચાહે તો જ તો ફૂંકાય છે પવન!
હરિના ધ્યાનમાં જો ચોંટે આપણું આ જીવડું!
તો જ ખરે સાર્થક બને છે આપણું આ જીવન!
ડૉ. અનંતને મોહિની અને રેશમની આ વાત સાંભળીને વધુ કંઈ કહેવું યોગ્ય ન લાગ્યું. એ માત્ર એટલું જ બોલ્યા,"તમારા પિતા રૂમ નંબર 104 માં દાખલ છે તમે બંને જ્યારે ઈચ્છો ત્યારે એમને મળી શકો છો."
"ઓકે થેન્ક્યુ ડોક્ટર અનંત!" મોહિનીએ એમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું.
મોહિની અને રેશમ બંને હવે પોતાના પિતાના રૂમમાં દાખલ થઈ. બંનેની નજર પોતાના પિતાના ચહેરા પર પડી અને એમના બન્નેના મનમાં અનેક જૂની યાદો તાજી થવા લાગી હતી જેમાં બહુ સારી યાદો તો હતી જ નહીં. અને એ સાથે જ બંનેના ચહેરા પરના ભાવ પણ બદલાતાં જતાં હતા. ક્યારેક બંનેના ચેહરા પર ગુસ્સાના ભાવ આવી જતાં તો જેવી એમની નજર બેડ પર સૂતેલા પોતાના પિતાના ચેહરા પર પડતી કે, બંનેના ચેહરા પર દયાના ભાવ આવી જતાં હતાં. એ બન્નેના પિતા હજુ ભાનમાં આવ્યા ન હતા. એ હજુ પણ પોતાના પલંગ પર સૂતા હતા.
પહેલા રેશમ એમની પાસે આવી અને બોલી ઉઠી, "બાપુજી આ તમે બધું શું કરી નાખ્યું તમે? કેમ અમને બંને બહેનોને સમજી ન શક્યા?"
થોડીવારમાં રેશમના પિતાએ આંખો ખોલી અને બન્ને બાપ-દીકરીઓની નજર મળી. બંને થોડી ક્ષણો એકમેકને જોઈ રહ્યા. જાણે બંનેના મનમાં કેટલાક સવાલો એકબીજાને પૂછવાના હોય એ રીતે બન્ને એક બીજાને તાકી રહ્યા હતા.
રેશમના પિતાએ હવે રેશમના ચેહરા સામું જોયું અને પછી મોહિનીની સામે જોયું. બંને દીકરીઓના ચેહરાને જોઈને હવે એમના ચેહરા પર પશ્ચાતાપના ભાવ ઉપસી આવ્યા હતા. પહેલાં એમણે રેશમની સામે જોયું અને પછી મોહિનીની સામે જોઈને બોલ્યા, "મોહિની! અહીં આવ. મારી પાસે બેસ."
મોહિની પણ એમની પાસે આવી અને બેઠી. બંને બહેનોને આજે પોતાની સામે જોઈને એમના પિતા બોલી ઉઠ્યાં, "તમે બંને મને માફ કરી દો. મારી દીકરીઓ. હું તમારા બંને જોડે બહુ જ ખોટું કરવા જઈ રહ્યો હતો. શાહિદે પણ મને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ હું એ વખતે એટલો ગુસ્સામાં હતો કે, મને એની કોઈ વાત સમજાણી જ નહીં. પણ જે વાત એ મને ન સમજાવી શક્યો એ આજે મને કુદરતે ખૂબ સારી રીતે સમજાવી દીધું. મારું આ અકસ્માત કરીને! મારા કર્મોની આજે મને હવે સજા મળી ગઈ છે. દરેક મનુષ્યને પોતાના કર્મોની સજા તો આ જ જનમમાં મળી જાય છે એવું આજે મને સમજાઈ ગયું છે. મને પણ મારા કર્મોની સજા આજે મળી ગઈ. તમારા બંને જેવી દીકરીઓ પર તો મારે ગર્વ અનુભવવો જોઈએ એને બદલે મેં તો તમને બંનેને એક ઊંડી ખાઈની ગર્તામાં ધકેલી દીધા. મને માફ કરી દે મોહિની! મને માફ કરી દે રેશમ!" આટલું બોલીને એમણે બંને દીકરીઓની સામે પોતાના બંને હાથ જોડ્યા. અને એ ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યા. જાણે બંને દીકરીઓના ચહેરામાં એમને સાક્ષાત લક્ષ્મીજીના દર્શન કેમ ન થયા હોય!
રેશમ બોલી, "બાપુજી! તમને તમારી ભૂલનો એહસાસ થયો એ જ અમારા માટે અગત્યનું છે. અને હવે અમને બંનેને તમારાથી કોઈ જ ફરિયાદ નથી. અત્યારે હવે તમારે આરામની જરૂરિયાત છે. તમે આરામ કરો. આવતી કાલે ડૉકટર રજા આપી દેશે એટલે આપણે ઘરે જવાનું છે."
બંને બાપ દીકરીઓના જીવનબાગમાં આજે ફરી એકવાર પ્રેમનાં રંગો ખીલ્યા હતાં.
મારા મનબાગમાં ખીલ્યું છે એક ફૂલ.
ફૂલ છે એ એવું, જેનું નામ છે પ્રેમરંગ!
"પ્રીત"ની સુવાસથી મઘમઘતું એ ગુલ!
કેવો છલોછલ છલકી રહ્યો આ પ્રેમરંગ!
થોડીવાર પછી મોહિનીએ પૂછ્યું, "બાપુજી! અમારી મા ક્યાં છે?"
પોતાની દીકરી મોહિનીનો અચાનક આ પ્રશ્ન સાંભળીને એના પિતાના એને શું જવાબ આપવો એ વિચારી રહ્યાં. પણ મોહિનીના આ પ્રશ્નનો ઉત્તર રેશમે આપ્યો.