પ્રકરણ-૨૫
શાહિદના ઘરે એક માણસ આવીને ખૂબ જોરથી બરાડા પાડી રહ્યો હતો, "અરે ઓ શાહિદ! સાલા નાલાયક! નીકળ ઘરની બહાર. હું તો તને છોડીશ નહીં. નીકળ સાલાં! બહાર આવ."
શાહિદને હજુ સમજાઈ રહ્યું નહોતું કે, કોણ આવી રીતે એના ઘરની બહાર બરાડા પાડે છે? એ બહાર આવ્યો. અને એ આંગંતુકને જોતાં જ ચોંકી ઉઠ્યો.
એ આગંતુક બીજું કોઈ નહીં પણ મોહિની અને રેશમનો નાલાયક સગો બાપ હતો.
શાહિદ બહાર આવ્યો અને એને જોઈને એ વધુ જોરજોરથી બરાડા પાડવા લાગ્યો, "એ સાલા નાલાયક! ક્યાં છે મારી દીકરી? બોલ ક્યાં છુપાવી છે તે એને? અને ક્યાં છે તારો પેલો જાસૂસ મિત્ર બાદલ? તમને બંનેને તો હું જીવતાં નહીં છોડું! ખૂન કરી નાખીશ તમારા બંનેનું પણ એ પહેલાં હું રેશમની ખબર મેળવવા માંગુ છું. જલ્દીથી કહી દે ક્યાં છુપાવીને રાખી છે તમે બંનેએ મારી દીકરી રેશમને? અને એકવાર જો રેશમ મળી ગઈ ને તો પછી તો મારા માટે મારી બીજી દીકરી મોહિનીને શોધવાનું પણ ખૂબ આસાન બની જાશે. સાંભળ્યું છે, બહુ મોટી હિરોઈન બની ગઈ છે! સાલી બંને જણીઓ મને ચકમો દઈને ભાગી નીકળી હતી? હવે તો હું બંનેની ભાળ મેળવીને જ રહીશ. રેશમ તો માંડ મારા હાથમાં આવી જ ગઈ હતી પણ મોહિની! મોહિની હજુ મારા હાથમાં આવી નથી. જે દિવસે બંને મારા હાથમાં આવી ગઈને..! એ દિવસે બંનેને હું છોડીશ નહીં. મારાથી વિરુદ્ધ જઈને બંને ભાગી ગઈ હતી ને? હવે હું પણ જોઉં છું કેમ ભાગે છે એ?" આટલું બોલતાં તો એ ગુસ્સાથી તમતમી ઉઠ્યો હતો.
શાહિદે એને શાંત પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "પહેલાં તો તમે એકદમ શાંત થઈ જાઓ. હું તમારી જોડે શાંતિથી વાત કરવા માંગુ છું."
"પણ હું હવે શાંતિથી કોઈ જ વાત કરવા માંગતો નથી." મોહિનીનો બાપ બોલી ઉઠ્યો.
"ઠીક છે ત્યારે. આ બધું કરીને તમે સાબિત શું કરવા માંગો છો? શા માટે તમારી દીકરીઓનું જીવન નરક બનાવવા માંગો છો? એનું સેક્સ ચેન્જનું ઓપરેશન શા માટે કરવા માંગો છો? એમ કરીને તમે સાબિત શું કરવા માંગો છો?"
શાહિદે પૂછ્યું.
"હું એનું જીવન નરક બનાવવા માંગુ છું? અરે ઓ મૂરખ માણસ! હું તો એ બંનેની જિંદગી સ્વર્ગ સમાન બનાવવા માંગુ છું. તને શું ખબર આજના જમાનામાં દીકરાઓનું શું મહત્ત્વ હોય છે? અને દીકરાઓના માતા પિતાની શું કિંમત હોય છે? સમાજ ઈજ્જત પણ એને જ આપે છે જેને દીકરાઓ હોય છે. દીકરીના બાપે તો હંમેશા નમતાં જ રહેવું પડે છે. અને મારે એવી રીતે નમીને જીવવું નથી. દીકરાઓ જ સાચા વારસદાર કહેવાય છે. અને એટલે જ હું એ બંનેને મારા દીકરા બનાવવા માંગુ છું. હું એ બંનેને મારા વારસદાર બનાવવા માંગુ છું તો એમાં ખોટું શું છે?" રેશમનો બાપ બોલ્યો.
શાહિદે એને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "હા, એ બરાબર છે પણ હવે જમાનો બદલાઈ ગયો છે. પહેલાં જેમ દીકરીને દૂધ પીતી કરી દેતાં હતાં એમ હવે કોઈ કરતું નથી. લોકો હવે દીકરીઓને પણ દીકરા જેટલું જ મહત્ત્વ આપે છે. જમાનો ઘણો આગળ વધી ગયો છે. અને આપણે પણ જમાના પ્રમાણે બદલાવું જ જોઈએ. કારણ કે, પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. આજે અનેક દીકરીઓ પોતાના પગ પર ઉભી છે. એમાં તમારી દીકરીઓ પણ સામેલ છે જ. તો ઊલટું તમને તો એ બંને પર ખૂબ ગર્વ થવો જોઈએ. અને આવી બંને દીકરીઓ પર ગર્વ લેવાને બદલે તમે તો એનાં જ શરીર સાથે ચેડાં કરવાનું વિચારી રહ્યા છો? તમે જાણો છો આજે મોહિનીના કેટલાં બધાં ચાહકો છે? લોકો મોહિનીને કેટલી પસંદ કરે છે? ક્યારેય એ બાજુ દ્રષ્ટિ કરી છે તમે? તમારે તો ગર્વ અનુભવવો જોઈએ આવી દીકરીને જન્મ આપવા બદલ. તમે લોકોનું શા માટે વિચારો છો? લોકો તો ચાર દિવસ બોલીને ચૂપ થઈ જવાના છે? પણ તમારી દીકરીઓ? એ જ તમને ભવિષ્યમાં કામ આવશે. કોઈ બીજું તમારી મદદે નહીં આવે. તમારાં મુશ્કેલીના સમયમાં આ બંને દીકરીઓ જ તમને કામ આવશે. ત્યારે તમે મારી આ વાત યાદ કરજો."
પણ અત્યારે હજુ મોહિનીના બાપને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું. એ ગુસ્સામાં ધુંઆપુંઆ થઈને ત્યાંથી બહાર નીકળી ગયો અને પોતાની કારમાં બેસીને એ ખૂબ જ ગુસ્સામાં કાર ચલાવવા લાગ્યો. જે ગતિથી એની કાર ચાલી રહી હતી એ જોતાં તો એવું જ લાગતું હતું કે, હમણાં જ એ કોઈને આંટી દેશે પણ...પેલું કહેવાય છે ને કે, જૈસી કરની વૈસી ભરની. અને એ નિયમ અનુસાર જ સામે છેડેથી પૂરપાટ આવી રહેલાં ટ્રકની સામે એ પોતાની કારનું બેલેન્સ ન જાળવી શક્યા અને એમની ગાડી ખૂબ જ જોરથી ઉછળી પડી અને ઉંધી થઈને પડી. એ બેભાન થઈ ગયાં હતા. એમના માથામાંથી સખત લોહી વહેવા લાગ્યું હતું.
આ બાજુ પ્રેમ કપૂરના ઘરમાં બધાનું અનોખું મિલન થઈ રહ્યું હતું. એવામાં જ આદિલ કુમારનો મોબાઈલ રણક્યો. એમણે ફોન રીસીવ કર્યો. સામે છેડેથી શાહિદ બોલ્યો, "મોહિની અને રેશમના બાપનું એક્સિડન્ટ થયું છે. અત્યારે એ હોસ્પિટલમાં છે. તમે બને તો જલ્દીથી મોહિની અને રેશમને લઈને અહીં ઝડપથી આવી જાવ."
"ઠીક છે, હું એ બંનેને લઈને આવું છું." આટલું કહી આદિલ કુમારે ફોન મૂક્યો.
આદિલ કુમારના ચેહરા પરના બદલાતાં ભાવ જોઈને બધાં એકસાથે પૂછી ઉઠ્યાં, "શું થયું?"
"આપણે બધાં એ અત્યારે જ હોસ્પિટલ જવું પડશે." આદિલકુમારે અત્યારે માત્ર એટલો જ જવાબ આપ્યો.
"હોસ્પિટલ? કેમ?" પ્રેમ કપૂરે પૂછ્યું. બધાનાં ચેહરા પર હવે ચિંતાના ભાવ ઉપસી આવ્યા હતા.
"કારણ કે, મોહિની અને રેશમના બાપનું એક્સિડન્ટ થયું છે. મને હમણાં જે ફોન આવ્યો હતો એ શાહિદનો ફોન હતો અને એણે મને જણાવ્યું. એણે એ પણ જણાવ્યું કે, મોહિનીનો બાપ એના ઘરે આવ્યો હતો. શાહિદે એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન પણ કર્યો પણ એ કોઈ જ વાત સમજવા જ તૈયાર નહોતો અને ગુસ્સામાં એ એના ઘરેથી નીકળી ગયો અને પછી ગુસ્સાના આવેશમાં એ ખૂબ તેજ ગાડી ચલાવી રહ્યો હતો. અને રસ્તામાં જ એમને આ અકસ્માત નડ્યો." આદિલ કુમારે કહ્યું.
આ વાત સાંભળીને રેશમ અને મોહિની બંને બહેનો બોલી ઉઠી, "આપણે હોસ્પિટલ જવું જોઈએ. ગમે તેમ હોય પણ અંતે તો એ આપણો બાપ છે. આપણે બંનેએ આપણી ફરજ ન ચૂકવી જોઈએ."
બધાં લોકો હવે હોસ્પિટલ જવા માટે રવાના થયા.