પ્રકરણ-૨૪
સાંજના પાંચ વાગી ગયા હતા. બધાં પ્રેમ કપૂરના ઘરે આવી પહોંચ્યા હતા. હવે માત્ર બાદલની જ રાહ જોવાઈ રહી હતી. એવામાં જ ડોરબેલ રણકી. બધાંની નજર હવે દરવાજા પર મંડાઈ. અંતે એ દિવસ આવી જ ગયો કે, જેની બધાં જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
અમુક સમય એવો પણ આવે છે કે, જ્યારે ઈશ્વર માનવીની ધીરજની પણ કસોટી કરી લે છે. આજે પ્રેમ કપૂર, મોહિની અને આદિલકુમાર એ બધાંએ અત્યાર સુધી જે ધીરજ જાળવી રાખી હતી એનો અંત હવે ખૂબ જ નજીક હતો. માત્ર ઘરથી એના દરવાજા જેટલું જ અંતર હતું. આજે બધાંની ધીરજની એ કસોટી હવે પૂરી થવાની હતી.
પ્રેમ કપૂરની મા એ દરવાજો ખોલ્યો. સામે બાદલ ઉભો હતો. પણ આજે બાદલ એકલો ન હતો. એની સાથે રેશમ પણ આવી હતી. હા, રેશમ! જેવી એ આટલાં વર્ષો પહેલાં લાગી રહી હતી એવી જ એ આજે પણ લાગી રહી હતી. આજે પણ એ એટલી જ ખૂબસૂરત લાગી રહી હતી. એના ચહેરા પર બિલકુલ એવી જ ચમક હતી જેવી આટલાં વર્ષો પહેલાં પણ હતી. હા, આ સમય દરમિયાન એની ઉંમર જરૂર વધી હતી પણ હજુ આજે પણ એ જુવાન જ લાગતી હતી. એનો ચેહરો જોઈને ક્યાંયથી પણ એની ઉંમરનો ખ્યાલ બિલકુલ આવતો નહોતો. હજુ આજે પણ એનું શરીર એવું જ રેશમી અને મુલાયમ કોમળ લાગતું હતું.
પ્રેમ કપૂર તો બે ઘડી રેશમને જોઈ જ રહ્યાં. એમની નજર રેશમના ચેહરા પરથી હટી જ રહી નહોતી. એમની આંખો આજે ખુશીના આંસુથી છલકાઈ રહી હતી. જે સમયની એ ઘણાં સમયથી ઈચ્છા રાખતા હતા એ સમય આજે આવી રીતે એમની સામે આવી ગયો હતો. આટલાં સમયથી રેશમને શોધવાની એમના મનમાં જે તલપ હતી તે હવે આજે આવી રીતે અચાનક પૂરી થઈ ગઈ હતી. અને એની ખુશી એમના ચેહરા પર ખૂબ વર્તાઈ રહી હતી. અને એ ખુશીના ભાગરૂપે જ એમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા હતા. આજે ફરીથી એમના મનમાં એક કવિતા રચાઈ.
થયો છે આજે તારો મારા જીવનમાં પુનઃ પ્રવેશ!
મેં અને તે ભજવ્યા છે કેવાં જાતજાતના વેશ?
તારું-મારું જીવન છે રમત એવી, નામ જેનું ચેસ.
બેઉને વાગ્યા જ કરે છે જીવનમાં વારંવાર ઠેસ!
કહે "પ્રીત" જીવન જેટલું આપણું બચ્યું છે શેષ.
એમાં હારીશું નહીં કદીયે આપણે આ જીવનરેસ.
પ્રેમ કપૂર અને રેશમ બંને થોડી ક્ષણો એકમેકને જોતાં જ રહ્યાં. બંનેના મનમાં ભૂતકાળ હવે જીવંત થઈ રહ્યો હતો. બંનેના મનમાં જેમ ફિલ્મની રીલ ચાલતી હોય એમ એક પછી એક ભૂતકાળના દ્રશ્યો પસાર થઈ રહ્યાં હતાં. અને એ સાથે સાથે બંનેના ચેહરા પરના ભાવ પણ બદલાઈ રહ્યાં હતાં.
પહેલાં રેશમ પ્રેમ કપૂર પાસે આવી. એ થોડી ક્ષણ ત્યાં ઉભી રહી અને બોલી, "પ્રેમ!"
એ માત્ર એટલું જ બોલી શકી. "રેશમ!" પ્રેમ કપૂર પણ માત્ર આટલું જ બોલી શક્યાં. એથી વિશેષ કશું જ નહીં. બંને આજે આટલાં વર્ષો પછી મળ્યા હતા પણ હજુ આજે પણ બંને સંવાદ સાધી શક્યાં નહીં. આમ બંને આવી રીતે અચાનક સામસામે આવી ગયાં હતાં એટલે બંનેમાંથી કોઈને પણ કંઈ જ સૂઝી રહ્યું નહોતું. પ્રેમ કપૂર મનમાં જ બોલ્યા, 'ક્યાં હતી તું રેશમ આટલાં વર્ષો સુધી?' ફરી એ મનમાં જ એક કવિતા બોલ્યા,
હું તારી યાદમાં કેવો તડપતો રહ્યો!
મળે તું, એ આશથી જ જીવી રહ્યો!
શોધવાને તને હું કેવો મથતો રહ્યો!
જીવન થીંગડાંને હું હવે સીવી રહ્યો!
સામે રેશમે પણ મનમાં જ ઉત્તર આપ્યો, 'હું પણ તારી યાદમાં જ આટલાં સમયથી તડપી રહી હતી પ્રેમ! તને ખબર છે અત્યાર સુધી ની એક ક્ષણ પણ એવી નથી ગઈ કે, જ્યારે મેં તને યાદ ન કર્યો હોય! પ્રેમ! ઓ પ્રેમ! તું જ તો છે મારા જીવનનો પ્રેમરંગ!'
રેશમ હવે આગળ વધી. એ પોતાની બહેન મોહિનીની સામે ઉભી રહી. એ માત્ર એટલું જ બોલી, "મોહિની!"
અને મોહિની! મોહિની તો રેશમને જોતાં જ દોડીને ખૂબ જ જોરથી એને ભેટી પડી. બંને બહેનોનું આજે કેટલાં બધાં સમય પછી અનોખું મિલન થઈ રહ્યું હતું. અને બીજા બધા જ લોકો આજે બંને બહેનોના મિલનના સાક્ષી બન્યાં હતા.
તારું ને મારું મિલન તો છે કેવું અનેરું!
તું અને હું છીએ જનમ જનમના ભેરું!
આપણા બંનેનું જીવન છે કેવું અદકેરું!
બંનેના પ્રેમરંગથી બન્યું છે જીવન ઘેરું!
બંને બહેનોના જીવનમાં પણ પ્રેમનો રંગ ખૂબ ઘેરો હતો. આજે આટલાં વર્ષો પછી બંને બહેનો મળી હતી એટલે બંને ખૂબ જ ખુશ હતી અને એની ચાડી તો એ બંનેનો ચેહરો પણ ખાઈ રહ્યો હતો.
જીવનમાં પ્રેમનાં કેટલાં બધાં રંગો છે નહીં! પ્રેમનાં અનેક રંગો છે. પ્રેમ અને રેશમનો પ્રેમ! આદિલ અને મોહિનીનો પ્રેમ! રેશમ અને મોહિનીનો પ્રેમ! પ્રેમ થકી જ તો આ જીવન ટકી રહ્યું છે. જીવનમાં પ્રેમનું કેટલું મહત્ત્વ હોય છે નહીં!
આપણું જીવન જો ટકી રહ્યું હોય તો એ માત્ર આપણાં જીવનમાં ભરાયેલા પ્રેમરંગને કારણે. પછી એ માતા પિતાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ હોય કે પછી બે મિત્રો વચ્ચેનો પ્રેમ હોય! પ્રેમના રંગો થકી જ તો આ જીવન જીવવા લાયક બને છે. જે મનુષ્યના જીવનમાં પ્રેમરંગ હોતો નથી એ ખૂબ વહેલો જ મૃત્યુ પામી જાય છે.
આ બાજુ શાહિદના ઘરે એક માણસ આવીને ખૂબ જોરથી બરાડા પાડી રહ્યો હતો, "અરે ઓ શાહિદ! સાલા નાલાયક! નીકળ ઘરની બહાર. હું તો તને છોડીશ નહીં. નીકળ સાલાં! બહાર આવ."
શાહિદને હજુ સમજાઈ રહ્યું નહોતું કે, કોણ આવી રીતે એના ઘરની બહાર બરાડા પાડે છે? એ બહાર આવ્યો. અને એ આંગંતુકને જોતાં જ ચોંકી ઉઠ્યો.