Premrang - 23 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | પ્રેમરંગ. - 23

Featured Books
Categories
Share

પ્રેમરંગ. - 23

પ્રકરણ-૨૩

બાદલે જ્યારે કહ્યું, "રેશમની ખબર તો મળી ગઈ છે પ્રેમ કપૂર! પણ.."

"પણ શું બાદલ? મને જલ્દીથી કહે. મારી ધીરજ હવે ખૂટી રહી છે. હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. રેશમ ઠીક તો છે ને? ક્યાં છે એ? મને જલદી કહે બાદલ!" પ્રેમ કપૂર બોલવા લાગ્યા. પ્રેમ કપૂરની ધીરજ હવે ખરેખર ખૂટવા લાગી હતી. એ ખૂબ જ અધીરા બની ગયા હતાં.

"તમે પહેલાં તો શાંત થઈ જાઓ. પ્રેમ કપૂર! બહુ પેનિક ન થઈ જાઓ. હું તમને બધું જ કહું છું પણ બધી વાત ફોનમાં થઈ શકે તેમ નથી. હું તમને રૂબરૂ મળીને જ બધી વાત કરવા માંગુ છું. અને હા હું તમારી સાથે સાથે આદિલકુમાર અને મોહિની જોડે પણ વાત કરવા માગું છું. મારું તમારા ત્રણેયની સાથે એકસાથે વાત કરવી બહુ જ જરૂરી છે." બાદલે કહ્યું.

"હા, હા, ઠીક છે. તો હું આદિલકુમાર અને મોહિની બંનેને પણ જાણ કરી દઉં. તમે જ્યાં કહો ત્યાં અમે તમને મળવા આવીએ." પ્રેમ કપૂરે કહ્યું.

"ના, ના, તમે લોકો મને મળવા ન આવશો પરંતુ હું જ તમને મળવા તમારા લોકોના ઘરે આવીશ. હું જ્યારે કહું ત્યારે તમે મોહિની અને આદિલ કુમારને તમારા ઘરે જ બોલાવી લેજો." સામે છેડેથી બાદલે કહ્યું.

"સારું, તો તમે અમને સમય જણાવજો. એટલે હું આદિલકુમાર અને મોહિની બંનેને મારા ઘરે બોલાવી લઈશ." આટલું કહી પ્રેમ કપૂરે ફોન મૂક્યો.

ફોન મૂકતાં જ પાછળથી પ્રેમ કપૂરની મા આવી અને એમણે પોતાના દીકરાને ચિંતિત જોઈને પૂછ્યું, "શું વાત છે પ્રેમ? હું ઘણાં સમયથી જોઈ રહી છું કે, તું ખૂબ પરેશાન રહે છે. એવી તે શું વાત છે કે, જેણે તારું બધું જ સુખ ચેન છીનવી લીધું છે?"

"કંઈ ખાસ નહીં મા! એ તો એમ જ." પ્રેમ કપૂરે વાતને ટાળવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

પણ પ્રેમ કપૂરની મા પણ મા હતી. એમ કંઈ એ હાર થોડી માનવાની હતી?! એણે ફરી પૂછયું, "પ્રેમ! હું તને એક વાત કહું? જો દીકરા! કોઈ પણ વાતને મનમાં દબાવીને રાખવાથી એની આપણાં શરીર પર માનસિક અસર થાય છે. જો તું તારા મનની વાત ખુલીને કરીશ તો તું પણ તારી જાતને હળવી અનુભવીશ. જ્યાં સુધી તું બોલે નહીં ત્યાં સુધી સામેવાળાને કઈ રીતે ખબર પડશે કે, તારા મનમાં શું છે! જીવનમાં વ્યક્ત થવું બહુ જ જરૂરી હોય છે. જે માણસ પોતાના મનની વાત મનમાં જ ભરી રાખે છે એ આગળ જતાં ખૂબ દુઃખી તો થાય જ છે પણ સાથે સાથે એનું શરીર પણ અનેક રોગોનું ઘર બને છે. વાતને મનમાં દબાવીને રાખવાથી તણાવ પેદા થાય છે. અને તણાવ એ અનેક રોગોનું ઘર છે. બેટા! માટે જ તને કહું છું કે, મનની વાત મા ને કહીને પોતાનું મન હળવું કરી નાખ." પ્રેમ કપૂરની મા એ પ્રેમ કપૂરને સમજાવતાં કહ્યું.

"હા, મા! તું ઠીક કહે છે. મારે મારા મનની વાત તને જરૂર કહેવી જોઈએ. તો સાંભળ! મારા મનની વાત." પ્રેમ કપૂર બોલ્યા.

"મા! તને રેશમ યાદ છે? મારી કોલેજ કાળની મિત્ર! અને મોહિની! યાદ છે? મોહિની રેશમની બહેન અને રેશમ મારી મિત્ર!" પ્રેમ કપૂર બોલ્યા.

"હા, બેટા! તે જ તો મને આ બધી વાતો કરી હતી જ્યારે તું ઘરે આવ્યો હતો ત્યારે. અને હું એ પણ જાણું છું કે, તું રેશમને ખૂબ ચાહે છે અને ઈચ્છે પણ છે કે, તને રેશમ મળી જાય. અને એને શોધવા માટેના તું પૂરતાં પ્રયત્ન પણ કરી રહ્યો છે. હું જાણું છું બેટા!" પ્રેમ કપૂરની મા બોલી.

"એ રેશમની ખબર પડી ગઈ છે મા!" પ્રેમ કપૂર બોલ્યા.

"અરે! આ તો ખૂબ જ સારા સમાચાર છે. હું તારા માટે બહુ ખુશ છું. આ તો ખુશીના સમાચાર છે તો પછી તું દુઃખી કેમ છે? બેટા!?" પ્રેમ કપૂરની મા ને હજુ પણ પ્રેમના દુઃખનું કારણ સમજાઈ રહ્યું નહોતું.

"એ એટલા માટે મા! કારણ કે, અમને રેશમની ખબર તો મળી ગઈ છે પણ બાદલે હજુ એ ક્યાં છે? કેમ છે? એના વિષે કોઈ જ ફોડ પાડ્યો નથી એટલે અમને બધાંને એની બહુ ચિંતા થઈ રહી છે. બાદલે આદિલકુમાર અને મોહિની ને પણ અહીં આવવા કહ્યું છે અને એ કહે ત્યારે એ બંનેને આપણા ઘરે બોલાવવાના છે. ત્યાં સુધી એ રેશમ વિશે કંઈ જ જણાવશે નહીં. અને જ્યારે મેં એને રેશમ વિશે પૂછ્યું હતું ત્યારે પણ એણે એ જ જવાબ આપ્યો હતો કે, રેશમ મળી તો ગઈ છે પણ... આ પણ મને બહુ જ પજવી રહ્યું છે મા! શું થયું હશે મારી રેશમ સાથે? એ ઠીક તો હશેને?!" પ્રેમ કપૂર આટલું બોલતાં તો હાંફી ગયા.

પ્રેમની મા એ એને સાંત્વના આપતાં કહ્યું, "તું ચિંતા ન કર દીકરા! બધું સારું જ થશે. બી પોઝીટીવ. રેશમ પણ ઠીક જ હશે. હવે તું વધુ વિચાર ન કર્યા કર અને સ્વસ્થ થઈ જા. બાદલના એ પણ ...નો જવાબ પણ તને ટૂંક સમયમાં જ મળી જશે."

એવામાં પ્રેમ કપૂરના મોબાઈલની રીંગ વાગી. બાદલનો જ ફોન હતો. એણે કહ્યું, "તમે આદિલકુમાર અને મોહિનીને આજે સાંજે પાંચ વાગ્યે તમારા ઘરે બોલાવી લો. હું રેશમ વિશેની વાત કરવા માંગુ છું."

"સારું હું એ બંનેને કહી દઉં છું." આટલું કહી પ્રેમ કપૂરે ફોન મૂક્યો અને આદિલકુમાર અને મોહિનીને પણ પોતાના ઘરે સાંજે બોલાવી લીધા.

સાંજના પાંચ વાગ્યા. બધાં પ્રેમ કપૂરના ઘરે આવી પહોંચ્યા હતા. હવે માત્ર બાદલની જ રાહ જોવાઈ રહી હતી. એવામાં જ ડોરબેલ રણકી. બધાંની નજર હવે દરવાજા પર મંડાઈ.