Premrang - 21 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | પ્રેમરંગ. - 21

Featured Books
Categories
Share

પ્રેમરંગ. - 21

પ્રકરણ-૨૧

જેવો શાહિદનો ફોન પત્યો એટલે શાહિદે ફોન મૂકીને પ્રેમ કપૂરને કહ્યું, "તમારા માટે એક સારા સમાચાર છે. બાદલ આવતી કાલે તમને મળવા માટે તૈયાર થઈ ગયો છે. આવતી કાલે એ જ્યાં કહે ત્યાં આપણે જવાનું છે. તમે આવતી કાલે એને મળવા માટે તૈયાર થઈ જજો."

"તારો ખૂબ ખૂબ આભાર. શાહિદ!" પ્રેમ કપૂરે શાહિદનો આભાર વ્યક્ત કરતાં કહ્યું.

બીજા દિવસે શાહિદ પ્રેમ કપૂરને લઈને બાદલને મળવા ગયો. બાદલે શાહિદને પોતાનું લોકેશન મોકલી દીધું હતું. એટલે બંને જણા એ લોકેશનની જગ્યાએ પહોંચ્યા હતા.

પ્રેમ કપૂરે બાદલને હેલ્લો કર્યું. સામે બાદલે પણ પ્રેમ કપૂર જોડે હાથ મિલાવ્યો અને બોલ્યા, "બાદલ ભાઈ! આમ તો તમે જાણતાં જ હશો કે, હું અહીં તમને શા માટે મળવા આવ્યો છું. શાહિદે તમને મારા અને રેશમના સંબંધ વિષે જણાવ્યું જ હશે અને તમે એ પણ જાણતાં હશો કે, હું તમારી પાસેથી શું ઈચ્છું છું."

બાદલ બોલ્યો, "હા, કપૂર સાહેબ. હું બિલકુલ બધી જ વાત જાણું છું. અને હું એ પણ જાણું છું કે, તમે રેશમને ખૂબ જ ચાહો છો. અને તમે એને શોધવા માંગો છો. બરાબર ને? રેશમ જ એ વ્યક્તિ છે જેણે પ્રેમના રંગો તમારા જીવનમાં ભર્યા હતા. અને આ રેશમ મોહિનીની બહેન છે બરાબર ને? અને તમે ઈચ્છો છો કે, હું રેશમને શોધવામાં તમારી મદદ કરું બરાબર ને?"

"હા, બિલકુલ. તમે એકદમ બરાબર જ સમજયા છો. તમે મારી મદદ કરશો ને?" પ્રેમ કપૂરે મનમાં આશાના ભાવ સાથે પૂછ્યું.

પેલી કહેવત છે ને કે, આશા અમર છે. જયાં સુધી માણસ ના જીવનમાં આશાનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી એ આશાના ભરોસે પોતાનું જીવન આસાનીથી વિતાવી શકે છે. ઉમ્મીદ પર જ તો આ દુનિયા કાયમ છે. જ્યારે આશા તૂટી જાય છે તો પછી માણસ પણ તૂટી જાય છે. આશા જીવનનું એ અમૃત છે જેને પીવાથી મનુષ્યના જીવનમાં પ્રેમના રંગો ભરાય છે. આશા જ તો છે પ્રેમરંગ!!

પ્રેમકપૂરના જીવનમાં પણ રેશમના મળવાની આશા હતી. અને આશાથી જ તો અત્યાર સુધી ટકી રહ્યાં હતાં. બાદલે એમને જ્યારે કહ્યું કે, એ રેશમને શોધવામાં એને જરૂર મદદરૂપ થશે ત્યારે એમણે બાદલનો ખૂબ ખૂબ આભાર માન્યો. અને બાદલે એમને રેશમને શોધવા માટે માત્ર એક જ અઠવાડિયાનો સમય માંગ્યો અને પ્રેમ કપૂરે એને એટલો સમય આપ્યો.

બાદલને મળીને પ્રેમ કપૂર ઘરે આવ્યા. અને હવે અઠવાડિયું ક્યારે પૂરું થાય અને ક્યારે એ રેશમને મળી શકશે એની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. આજે ફરી એમના મનમાં કવિતા રચાઈ.

તારી રાહમાં જીવન વિતાવ્યું અડધું.
મળીશ તું એવી મનમાં છે હવે આશા.
સેવીશ હું હવે તારા આ પ્રેમનું પડખું.
ચાહું હું મળે ના મને કદીયે નિરાશા!

આ બાજુ મોહિનીને હવે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. એને ઘરે લઈ જવા માટે હવે આદિલકુમાર આવી પહોંચ્યા હતા.

આદિલકુમાર કુમાર હવે મોહિનીને લઈને એના ઘરમાં દાખલ થયા. મોહિનીએ પોતાના ઘરમાં પગ મૂક્યો. આજે મોહિની ઘણાં બધાં દિવસો પછી પોતાના ઘરમાં દાખલ થઈ રહી હતી. એ આવીને પોતાના ઘરમાં રહેલા સોફા પર બેઠી. આદિલકુમાર પણ એની બાજુમાં આવીને બેઠાં. આદિલકુમાર રસોડામાં જઈને પાણી લઈ આવ્યા. એમણે મોહિનીને પાણી પાયું.

મોહિનીએ પાણી પીધું અને બોલી, "થેન્ક યુ દિલ! ઓહ સોરી! આઈ મીન આદિલ!"

"ઈટ્સ ઓકે, મોહિની. તું મને દિલ કહી શકે છે. હવે હું તારી વાતનું ખોટું નહીં લગાડું." આદિલકુમાર બોલ્યા.

"કેમ? આવો ચમત્કાર કઈ રીતે થઈ ગયો?" મોહિનીએ પૂછ્યું.

"મોહિની! હું તને સાવ સાચી વાત કહું તો જયારે તારી જોડે આ ઘટના ઘટી ત્યારે અને જ્યારે તું હોસ્પિટલમાં હતી એ સમય દરમિયાન મને એ સમજાયું કે, મારા જીવનમાં તારું શું મહત્વ છે. મને એ સમજાયું કે, હું તને પસંદ કરું છું. હું તને પ્રેમ કરું છું. આઈ લવ યુ મોહિની! શું તું મારી સાથે લગ્ન કરીશ?" આજે આદિલકુમારે પોતાના મનની વાત મોહિનીને કહી જ દીધી.

આદિલકુમાર ની આ વાત સાંભળીને મોહિની બોલી, "આઈ લવ યુ ટુ આદિલ! હું તો તને કોલેજના સમયથી ચાહું છું. હું તારી સાથે જરૂર લગ્ન કરીશ. તું જ તો છે મારો પહેલો પ્રેમ. તારા થકી જ તો બન્યું છે મારું જીવન પ્રેમરંગ."

મોહિની અને આદિલકુમાર બંને એ આજે એકબીજાને પોતાના હૈયાંની વાત કરી દીધી. અને બંને એકબીજા સાથે ખુશ હતાં.

એવામાં જ આદિલકુમારનો ફોન રણક્યો. પ્રેમ કપૂરનો ફોન હતો. એમણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી પ્રેમ કપૂરે કહ્યું, "આદિલકુમાર, એક સારા સમાચાર છે. એક અઠવાડિયામાં રેશમની ખબર મળી જશે. શાહિદનો મિત્ર છે બાદલ. એ આપણી મદદ કરશે મોહિનીને શોધવામાં."

"ઓહ! આ તો ખૂબ જ સારા સમાચાર છે." આદિલકુમારે આટલું કહ્યું અને ફોન મૂક્યો અને એમણે મોહિનીની સામે જોયું.

મોહિની પ્રશ્નાર્થ નજરે આદિલકુમારની સામે જોઈ રહી હતી એ આદિલ કુમારની જાણ બહાર ન રહ્યું. એણે મોહિનીના મનના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, "મોહિની! પ્રેમ કપૂરનો ફોન હતો. તારા માટે એક સારા સમાચાર છે. તારી બહેન રેશમની જાણ એક અઠવાડિયામાં મળી જશે."

"અરે વાહ! આ તો ખૂબ જ સારા સમાચાર છે. આજે હું ખૂબ જ ખુશ છું દિલ! ઓહ આઈ લવ યુ. આઈ લવ યુ વેરી વેરી વેરી મચ." આટલું બોલતાં તો મોહિની આદિલકુમારને ખૂબ જ જોરથી ભેટી પડી.

પોતાની બહેનને મળવાની આશાની ખુશી અને આદિલકુમાર સાથેના પોતાના પ્રેમનો એકરાર એ બંનેની ખુશી આજે મોહિનીના ચેહરા પર ખૂબ છલકી રહી હતી.

છલકાઈ રહી છે ખુશી આજ મારા રોમરોમમાં.
તું ને હું બંને છીએ એક દિલ ને એક જ જાન!
વ્યાપી રહ્યો છે હવે પ્રેમરંગ મારા અંગઅંગમાં.
જીવનના પ્રેમરંગનું થયું છે મને હવે તો ભાન!