પ્રકરણ-૧૧
મોહિનીને ખૂબ જ ઝડપથી શ્વાસ ચડવા લાગ્યો. પ્રેમ કપૂર મોહિનીની આવી હાલત જોઈને ખૂબ જ ગભરાઈ ગયાં અને એમણે ખૂબ જ ઝડપથી ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર આવ્યા અને એમણે મોહિનીને તપાસી. પ્રેમ કપૂર ડૉક્ટર હવે શું કહે છે એના ઉત્તરની રાહ જોતાં ત્યાં જ રૂમના બારણાં પાસે ઊભાં રહી ગયા.
ડૉક્ટર હજુ પણ મોહિનીને તપાસી જ રહ્યાં હતાં. હવે પ્રેમ કપૂરની ધીરજ ખૂટવા લાગી હતી. એમણે ડૉક્ટરને પૂછ્યું, "ડૉક્ટર સાહેબ! આમ અચાનક આ રીતે મોહિનીને ફરી આ શું થયું છે?"
ડૉક્ટર બોલ્યા, "હવે વધુ મોડું કરાય એમ નથી. મને લાગે છે કે આપણે હવે ડૉ.અનંત પાઠકને બોલાવવા જ પડશે."
"ડૉ. અનંત પાઠક? એ કોણ?" પ્રેમ કપૂરને સમજ ન પડતાં એમણે ડૉક્ટરને પ્રશ્ન કર્યો.
"ડૉ. અનંત પાઠક જ મનોચિકિત્સક છે અને એ જ મોહિનીને હિપ્નોટાઈઝ કરી શકશે. અને એ જ આપણને મોહિનીના ભૂતકાળના સવાલોના જવાબ મેળવવામાં મદદરૂપ થશે." ડૉક્ટર બોલ્યા.
"તો પછી રાહ શેની જુઓ છો? ડૉક્ટર સાહેબ! જલ્દીથી ડૉ. અનંત પાઠકને બોલાવો અને જેટલું બને એટલો જલ્દી એનો ઈલાજ શરૂ કરો. અને ડૉક્ટર બીજી પણ એક વાત હું તમને કહેવા માગું છું કે, આજે ફરીથી એકવખત મને મોહિનીના ચહેરામાં રેશમનો ચેહરો દેખાયો. આજે ફરી વખત મોહિનીએ મને પ્રેમ કહીને સંબોધન કર્યું. આજે ફરી વખત મોહિની રેશમ જેવું જ વર્તન કરી રહી હતી. આ બધું શું બની રહ્યું છે અમારા બધાનાં જીવનમાં? અમને કોઈને કંઈ જ સમજાઈ નથી રહ્યું." પ્રેમ કપૂરે ડૉક્ટરના આવતા પહેલાં જે કંઈ પણ ઘટનાઓ બની હતી એ બધાનું વિગતવાર વર્ણન કર્યું.
"ઓહ! તો તો મારે તાત્કાલિક જ હવે ડૉ. અનંતને બોલાવવા પડશે. વધુ મોડું કરવું હવે આપણને બિલકુલ પોષાય તેમ જ નથી.
આટલું કહી એમણે પોતાના મોબાઈલ માંથી એક નંબર જોડયો. સામેના છેડેથી ફોન રિસીવ થયો એટલે ડૉક્ટર બોલ્યા, "હેલ્લો! ડૉ. અનંત?"
"યસ. સ્પીકિંગ"
"ડૉક્ટર અનંત. હું ડૉ. રાકેશ વાત કરું છું. મેં તમને વાત કરી હતી ને પેલી સીરિયલ એકટર મોહિનીના કેસ વિષે એના વિશે વાત કરવા માંગુ છું.
"ઓહ! યસ યસ. યુ ટોલ્ડ મી. મને યાદ છે. અરે! હા! કેવી છે એની તબિયત?" સારી છે ને? ડૉ. અનંત બોલ્યા.
"ના, ડૉક્ટર. એ બિલકુલ સ્વસ્થ નથી. એની તબિયત દિવસે દિવસે વધુ ને વધુ લથડતી જ જાય છે ડૉક્ટર! તમે જેમ બને એમ જલ્દી અહીં આવી જાવ. ઈટ્સ અરજન્ટ આઈ થિંક.." ડૉક્ટર રાકેશ બોલ્યા.
"ઓકે, હું થોડીવારમાં જ તમારે ત્યાં પહોંચું છું." એટલું કહી ડૉ. અનંતે ફોન મૂકી દીધો.
****
આ બાજુ પ્રેમ કપૂરે આદિલ કુમારને પણ ફોન કરીને બોલાવી લીધાં. બધાં હવે ડૉ. અનંતની રાહ જોઈ રહ્યાં હતા. થોડીવાર રાહ જોયા પછી ડૉ. અનંત હોસ્પિટલમાં દાખલ થયા.
ડૉ. અનંત હોસ્પિટલમાં આવ્યા. એમની ઉંમર લગભગ ત્રીસેક વર્ષની લાગતી હતી. ડૉક્ટર રાકેશે ડૉ. અનંતને આદિલ કુમાર અને પ્રેમ કપૂરનો પરિચય આપતાં કહ્યું, "આ છે સીરિયલના ડિરેક્ટર આદિલ કુમાર અને આ છે સ્ટોરી રાઈટર પ્રેમ કપૂર."
"હેલ્લો! પ્લીઝડ ટુ મીટ યુ." બંને જણાએ ડૉક્ટર સાથે હેન્ડ શેક કર્યા અને પોતાની ખુશી વ્યક્ત કરી.
"સેમ હિઅર" ડૉક્ટર અનંત બોલ્યા.
પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંનેના મનમાં ડૉક્ટરની જે છબિ અંકિત થઈ હતી એના કરતાં ડૉક્ટર અનંત બિલકુલ અલગ હતા. ઘણીવખત આપણે કોઈ વ્યક્તિની મુલાકાત કરવાના હોઈએ અને એમની સાથે મુલાકાત થાય એ પહેલાં જ એ વ્યક્તિની આપણા મનમાં એક છબિ ચીતરાઈ જતી હોય છે. ઘણીવાર એ વ્યક્તિ આપણી કલ્પનાની છબિ જોડે બંધબેસતી હોય છે અને ક્યારેક એનાથી બિલકુલ વિપરીત પણ હોય છે.
પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંનેના મનમાં ડૉક્ટર અનંતની જે છબિ આકાર પામી હતી એ તો એક પીઢ વ્યક્તિની હતી. પણ અહીં હકીકત તો બિલકુલ અલગ જ હતી. ડૉ. અનંત તો ખૂબ જ નાની ઉંમરના હતા. બંનેને થયું, "આ આટલી નાની ઉંમરના ડૉક્ટર મોહિનીનો ઈલાજ બરાબર કરી તો શકશે ને? બંનેના ચેહરા પરના હાવભાવ જોઈને ડૉ. રાકેશ સમજી ગયા કે, આ બંનેના મનમાં શું પ્રશ્નો છે?
ડૉ. રાકેશ તરત જ બોલ્યા, "તમે બંને બિલકુલ ચિંતા ન કરો. ડૉ. અનંતની ઉંમર ભલે નાની હોય પરંતુ એના કામમાં એ ખૂબ જ પ્રવીણ છે. મોહિનીનો જો કોઈ સારી રીતે ઈલાજ કરી શકે એમ હોય તો એ માત્ર આ ડૉ. અનંત જ છે.
****
ડૉ. અનંત મોહિનીના રૂમમાં આવ્યા..એમણે મોહિનીને તપાસી. તપાસ કરીને એ બહાર આવ્યા અને બોલ્યા, "આપણે આવતી કાલથી મોહિનીના હિપ્નોટીઝમના સેશન શરૂ કરીશું. અત્યારે હવે તમે બધાં ઘરે જાઓ અને આરામ કરો. આવતીકાલે સવારે સાત વાગ્યે આપણે મળીશું."
****
પ્રેમ કપૂર ઘરે આવ્યાં. એમનું મન આજે ફરીથી એકવાર વિચલીત થઈ ઉઠ્યું હતું. આજે ફરી એમણે પોતાની ડાયરી કાઢી અને એમાં લખ્યું.
વિધિના આ કેવા છે લેખ?
જાણ્યા અને અજાણ્યા
અનેક ચહેરાઓનો ભેદ.
એક ચેહરો એવો જાણીતો
ઉકેલવા મથું હું એનો ભેદ.
એક અજાણ્યો ચહેરો હવે
જાણીતો બનીને થયો છે
મારી આ આંખોમાં હવે કેદ.
ઈચ્છું હું મેળવવા ઉકેલ પણ
મન મારૂં અનેક પ્રશ્નોમાં કેદ!
એટલું લખી અને પ્રેમ કપૂરે પોતાની ડાયરી બંધ કરી અને વિચારે ચડ્યા, 'આખરે મોહિની અને રેશમ વચ્ચે શું સંબંધ હોઈ શકે? એવી કઈ કડી છે જે આ બંનેને અત્યારે જોડી રહી છે? અને મોહિની મને જોઈને રેશમ કેમ બની જાય છે? ખેર! મારા મનમાં જે કંઈ પણ પ્રશ્નો અત્યારે રમી રહ્યા છે એનો ઉત્તર તો હવે આવતીકાલે જ મળશે. અત્યારે હવે રાત થઈ ચૂકી છે. મારે હવે સુઈ જવું જોઈએ.' એમ વિચારીને પ્રેમ કપૂર પથારીમાં આડા પડ્યા અને ઉંઘવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગ્યા.
****
બીજા દિવસની સવાર પડી. સૂર્યના કિરણો પ્રેમ કપૂરના માથા પર પડી રહ્યા હતા. રાતે એમને બહુ મોડેથી ઊંઘ આવી હતી. આદિલ કુમારની રીંગ એ એમને જગાડ્યા. તેઓ ઉઠ્યા.
આદિલ કુમાર એ એમને ફોનમાં કહ્યું, "પ્રેમ કપૂર! તમે હોસ્પિટલ આવો છો ને અત્યારે? આજે ડૉ. અનંત મોહિનીને હિપ્નોટાઇઝ કરવાના છે. યાદ છે ને?"
"હા, હા. મને યાદ જ છે. હું થોડીવારમાં હોસ્પિટલમાં પહોંચું છું." એટલું કહી પ્રેમ કપૂરે ફોન મૂક્યો અને હોસ્પિટલ જવા માટે તૈયાર થવા લાગ્યા.