પ્રકરણ-૭
મોહિનીએ જ્યારે આંખો ખોલી અને એને જ્યારે સામે પ્રેમ કપૂરનો ચેહરો દેખાયો ત્યારે એ બોલી, "પ્રેમ! મને ન ઓળખી તે? તારી રેશમને ન ઓળખી? હું રેશમ છું પ્રેમ! તારી રેશમ!"
અને મોહિનીની આ વાત સાંભળીને પ્રેમ કપૂર તો ત્યાં જ જડની જેમ ઉભા જ રહી ગયા. મોહિનીની આંખોમાં એને રેશમની આંખો દેખાઈ. આવી જ હતી રેશમની આંખો! આવી જ સુંદર! પાણીદાર આંખો હતી રેશમની! આવું જ તેજ હતું રેશમની આંખોમાં પણ! પ્રેમ કપૂરની નજર સામે રેશમની આંખો તરવરી ઊઠી.
ઘણી વખત આપણી જ આસપાસમાં અથવા આપણી આસપાસના લોકો દ્વારા એવી ઘટનાઓ બનતી હોય છે કે, જે આપણને સમજમાં જ નથી આવતી. આવું ક્યાં કારણથી થયું? શા માટે થયું? શું જે કંઈ પણ બન્યું એ યોગ્ય હતું કે નહીં? આપણું મન પણ અનેક પ્રકારના પ્રશ્નોરૂપી વમળમાં ધકેલાઈ જાય છે. મનમાં અનેક પ્રકારના તરંગો ઉઠે છે. ક્યારેક શૃંગ તો ક્યારેક ગર્ત સર્જાય છે. પરંતુ એ તરંગો પર માણસના મનનો કાબૂ નથી હોતો.
અત્યારે પ્રેમ કપૂરની હાલત પણ કંઈક આવી જ હતી. એમનું મન ક્યાંક ભટકી રહ્યું હતું. એમના મન પર એમનો વશ નહોતો. મોહિનીના રૂપમાં રેશમ! એમણે મોહિનીની આંખોમાં જે જોયું એ શું હતું? એ આંખો પ્રેમ કપૂરને વિચલિત કરી રહી હતી.
એવામાં પાછળથી આદિલ કુમાર આવ્યા અને એમણે પ્રેમ કપૂરની તંદ્રા તોડી. "પ્રેમ કપૂર? તમને કહું છું ક્યાં ખોવાઈ ગયા છો? મને ડૉક્ટરે કહ્યું કે, થોડીવાર પહેલાં મોહિનીએ આંખો ખોલી હતી. એ ભાનમાં પણ આવી હતી..." આદિલ કુમાર પ્રેમ કપૂરને પૂછી રહ્યાં હતાં પણ....પણ પ્રેમ કપૂર તો કહીં કહેવાની સ્થિતિમાં જ ક્યાં હતા! એ તો હજુ પણ જડની જેમ ત્યાં જ ઉભા હતા. એ કંઈ જ બોલી શકવાની સ્થિતિમાં જ નહોતા.
છતાં પણ એ માત્ર એટલું જ બોલી શક્યાં, "હા, એણે માત્ર એક ક્ષણ પૂરતી આંખો ખોલી હતી. અને પછી એણે આંખો બંધ કરી દીધી." એ સિવાય એ વધુ કશું જ બોલી શક્યા નહીં.
ત્યાં તો મોહિની ફરી એક વખત સહેજ સળવળી. એણે ફરી આંખો ખોલી. આ વખતે એની આંખોની રોશનીમાં એ તેજ નહોતું જે એણે પહેલી વખત આંખો ખોલી ત્યારે હતું એ બાબત પ્રેમ કપૂરની નજરથી છૂપી ના રહી. એમણે નોંધ્યું કે, આ વખતે એની આંખો સામાન્ય સ્ત્રીની આંખો હોય એવી જ લાગતી હતી. આ વખતે એને રેશમ નહીં પણ મોહિની જ દેખાઈ. એ આંખો મોહિનીની જ હતી. આ વખતે એણે પ્રેમ કપૂરને બદલે આદિલ કુમારની સામે જોયું અને બોલી, "આદિલ! આ બધું શું થઈ ગયું? હું ક્યાં છું?"
આદિલ કુમાર મોહિની પાસે આવ્યા. એણે મોહિનીનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યા, "મોહિની! તું અત્યારે હોસ્પિટલમાં છે." અને આદિલ કુમારે જે કંઈ પણ ઘટનાઓ બની હતી એનું એને વર્ણન કર્યું.
બધી ઘટનાઓને સાંભળીને મોહિની માત્ર એટલું જ બોલી, "પથ્થરમારો? અને એ પણ મારાં ઘર પર! પણ કોઈ મારા ઘર પર પથ્થરમારો શા માટે કરે? મારી તો કોઈ જોડે દુશ્મની પણ નથી તો કોઈ શા માટે મારા ઘર પર પથ્થર ફેંકે?"
"અત્યારે હવે એ બધું વિચારવાનો સમય નથી. તું આરામ કર. તું હજી હમણાં જ ભાનમાં આવી છે. ડૉક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે." આદિલ કુમાર બોલ્યા.
"ઠીક છે. હું આરામ કરું છું." પછી એણે આસપાસમાં નજર કરી. એણે ત્યાં શાહિદ અને પ્રેમ કપૂર બંનેને જોયા પણ પછી એની દ્રષ્ટિ પ્રેમ કપૂર પર જઈને અટકી. એમને જોઈને એણે આદિલ કુમારને પૂછ્યું, "પણ આ સામે ઊભા છે એ કોણ છે? એમની સામે જોઉં છું ને મને કોઈક અજબ પ્રકારની પીડા થાય છે. કોણ છે આ માણસ? એને અહીંથી દૂર લઈ જાઓ.
"મોહિની! એમને ન ઓળખ્યા તે? એ તો આપણી સીરિયલ ના વાર્તાકાર પ્રેમ કપૂર છે." આદિલ કુમારએ જવાબ આપ્યો.
હવે ફરી એકવખત પ્રેમ કપૂર ચમક્યા! એમને લાગ્યું, "આ થોડીવાર પહેલાં જે મને પ્રેમ કહીને સંબોધન કરી રહી હતી એ કોણ હતી? થોડી ક્ષણ પહેલાં જેણે પોતાનો પરિચય રેશમ તરીકે કરાવ્યો એ કોણ હતી? આવા અનેક પ્રશ્નો ફરી એક વખત પ્રેમ કપૂરના મનને ઘેરી વળ્યાં હતા.
"પણ હું તો એમને નથી ઓળખતી. કોણ છે આ? મને કંઈ યાદ નથી આવતું. મને...મને કંઈક થાય છે. મને ચક્કર આવે છે. ઓહ!...આહ...! બધું ગોળગોળ ફરે છે એમને કહો કે, એ જલ્દી અહીંથી ચાલ્યા જાય." આટલું બોલીને મોહિની ફરી એકવખત બેભાન થઈ ગઈ હતી.
મોહિનીની આવી વાત સાંભળીને પ્રેમ કપૂર તો ફરી એકવાર ઉંડા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમને સમજમાં નહોતું આવી રહ્યું કે, આ બધું શું બની રહ્યું છે?!!?
"મોહિની! મોહિની!... શું થાય છે તને? શાહિદ! જલ્દીથી ડૉક્ટરને બોલાવ." આદિલ કુમાર મોહિનીની આવી હાલત જોઈને ખૂબ ચિંતામાં આવી ગયા હતા.
શાહિદ દોડતો ગયો અને ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટર આવ્યા. એમણે મોહિનીને તપાસી. ડૉક્ટરના ચેહરા પરના ભાવ બદલાઈ ગયા હતા એ આદિલ કુમારની ચકોર નજરથી બિલકુલ છૂપું રહ્યું નહીં. એમણે ડૉક્ટર ને પૂછ્યું, "ડૉક્ટર સાહેબ! બધું બરાબર તો છે ને? મોહિની ઠીક તો થઈ જશે ને?"
"તમે મારી સાથે મારી કેબિનમાં આવો. તમારી જોડે ખાસ અગત્યની વાત કરવી છે." ડૉક્ટર બોલ્યા.
આદિલ કુમાર ડૉક્ટરની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને બંને ડૉક્ટરની કેબિનમાં દાખલ થયા.
"શું વાત છે ડૉક્ટર? મને અચાનક ડર લાગવા માંડ્યો છે. તમે આવી રીતે અચાનક અહીં બોલાવ્યો એટલે હું એટલું તો સમજી જ ગયો છું કે, બધું બરાબર નથી. શું તકલીફ છે મોહિનીને?"
હા, તમે બિલકુલ બરાબર જ સમજયા છો. મોહિનીની સ્થિતિ સામાન્ય નથી. ગંભીર છે." ડૉક્ટર જવાબ આપતાં કહ્યું.