Ruday Manthan - 11 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | રુદયમંથન - 11

The Author
Featured Books
Categories
Share

રુદયમંથન - 11

ઋતા, કેસરીભાઈ અને મુનિમજી બધાય દેસાઈ પરિવારને એકલો મૂકીને રતનપુરાથી જતાં રહ્યાં, રાતવાસો બધાય એકલાં થઈ ગયા, એક તો વરસાદી વાતાવરણ એમાંય જંગલનો આદિવાસી વિસ્તાર બધાને ભય પમાડે એવો વિકરાળ હતો.
ઉપરથી આવતી કાલના નવા નિયમો એમાં એની ભયાનકતા વધારતાં હતા, નિયમો દરવાજાની બહાર લગાવેલાં હતા, એ જોવા બધા દીવાનખંડમાંથી ઓસરી બાજુ આવ્યા, ઓસરીની બહાર બાજુ જે અંધકાર હતો એનાં કરતાં બોર્ડના પાટિયામાં અંધકાર વધારે વ્યાપી રહ્યો હતો, એના લખાયેલા નિયમો બધાનાં માટે કપરા હતાં, હજી વાંચ્યા નહોતા છતાંય નિયમો એના નામથી ભય પમાડતા હતા.
બધા એક સાથે બોર્ડ પાસે ધસી આવ્યા, વાંચવા માટે પડાપડી કરવા માંડ્યા, અણગમતા નિયમો વાંચવા કમને થતી ભીડ કેમ થઈ રહી હતી એ ચોખ્ખું જણાઈ રહ્યું હતી, બધાંને પ્રોપર્ટી લેવાનો રસ દેખાઈ રહ્યો હતો.
"સાંભળો, ભીડ ના કરો આવી રીતે!" - આકાશે બધાની સુકાન સંભાળી,બધાનું ધ્યાન એની તરફ ગયું, આકાશના પ્રભાવી અવાજે બધાને અટકાવ્યા.
"તો શું હવે અમારે રાશનની લાઇનમાં ઉભુ રહેવાનું?" - શિખા આખું બોલી ગઈ.
"મે એવું નથી કહ્યું,બસ બધા શાંતિથી વાંચવા મળે એના માટે કહું છું."
" તો શું કરીએ મોટાભાઈ?" - પવને શાંતિથી પૂછ્યું.
"આપણામાંથી કોઈ એક વ્યક્તિ આ બધા નિયમો વાંચીને બધાને સંભળાવશે અને બધા શાંતિથી સમજી લે, એમાં બધાનો સમય પણ બચી જશે" - આકાશે એનું સઝેશન આપ્યું.
"અહી શું કામ છે? નવરા જ છીએ ને!" - વિધાન બોલ્યો, પવને એની સામે આંખ કાઢી એને એણે મોઢાં પર આંગળી મૂકીને એની ભૂલ સ્વીકારી લીધી.
"સાચી વાત ભાઈ!" - મેઘે સંમતિ દર્શાવી.
"તો કોણ વાંચી સંભળાવશે?" - પવને કહ્યું.
"છ બાળકોમાંથી કોઈને પણ આપો!" - માધવીએ કહ્યું.
"નહિ, હું તો નહિ વાંચું, મને તો નથી આવડતું ગુજરાતી!" - સ્વીટી બોલી, સાથે બીરવાએ એમાં સુર જોડ્યો.
"અમને પણ નહિ ફાવતું, હિન્દી, સ્પેનિશ કે ફ્રેન્ચ હોય તો વાંચી લઈએ થોડું ઘણું બાકી ગુજરાતી,નો વે!" - વિધાન અને તન્મય બોલ્યાં, એમને બીજી ભાષાઓ આવડે છે એની બડાશ હાંકી.
"તો વાંચશે કોણ?" - ત્રિશાએ માથું નકારતા પૂછ્યું.
" રહ્યો હવે મહર્ષિ!તું વાંચીશ કે તારે પણ કોઈ બહાનું તૈયાર છે?" - પવન બોલ્યો.
"હા કાકા, હું વાંચીશ!" બોલતાં એ આગળ આવ્યો.
"સરસ! ચાલો કોઈને તો આવડે છે!" - મેઘ બોલ્યો.
"આવડે છે મને, દાદા એ શીખવાડ્યું હતું, બાકી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્યાં ગુજરતી આવે?" - મહર્ષિએ એના ભણતરમાં ભૂલ કાઢતાં કહ્યું.
"એ બધું પછી જોઈ લઈશું, અત્યારે તું બોર્ડમાં લખેલી નોટિસ વાંચને બકા!" - મેઘ બોલ્યો.
"સારું કાકા! હું વાંચું હવે જરા જવા દો ને ત્યાં!" - એણે બોર્ડ પાસે જવાની જગ્યા માંગી અને વાંચવાનું ચાલુ કર્યું.

............................................................
સુચના
પ્રિય દેસાઈ વારસદાર,
આવતી કાલથી થનાર તમારી એક મહિનાની કસોટી આપ સૌ માટે લાભદાયી નીવડે એવી મારી આશા છે, આપ સૌ એને સારી રીતે પાર કરો એવી શુભકામનાઓ! આ કસોટીના નિયમો નીચે લખેલા છે એ સૌએ પાલન કરવાના રહેશે,એમાં કોઈ ચૂક આપના પરિણામ પર અસર કરી શકે છે એની ખાસ નોંધ લેવી.

- સવારે પાંચ વાગ્યે ઊઠીને, નિત્યક્રમ પતાવીને ગામની વચ્ચે દેરી છે ત્યાં જઈને સાડા પાંચની પ્રભાત આરતી કરવી.
- ન્હાવા માટે ઠંડુ પાણી જ રહેશે.
- પોતાના બાદ કામ જાતે જ કરવાના રહેશે.
- સવારના નાસ્તામાં રોટલા અને દૂધ મળશે, અથવા કોઈ ફળ ખાઈ શકાશે.
- બપોરની રસોઈ માટે ખેતરમાં જઈને શાક લાવી આવવાનુ.
- બધા પુરુષોએ ખેતરમાં ખેતી કાર્ય કરવાનું રહેશે.
- ઘરની સ્ત્રીઓ ઘર કામ જાતે કરીને રસોઈ બનાવવી રહેશે.
- પહેરવેશમાં સાદા વસ્ત્રો આપવામાં આવશે, કોઈએ એ બાબતમાં રકઝક કરવી નહિ.
- બપોરે જમવાનો સમય બાર વાગ્યાનો અને રાતે સાત વાગ્યાનો રહેશે.
- રાતે સૂવાનો સમય નવ વાગ્યાનો રહેશે.
- જીવનશૈલી એકદમ સરળ અને શુદ્ધ રહેશે.
- બધાએ કબીલાના મકાનોમાં રહેવાનું હોવાથી લીંપણની આદત રાખી લેવી.
- જે પાણીની જરૂર હોય એની વ્યવસ્થા ગામના તળાવથી કરવાની રહેશે.
- જરૂરી દૂધ માટે ત્રણ ભેશની વ્યવસ્થા કરવામાં આવી છે.
- ઘર વપરાશ માટે જે કરિયાણું લેવાનું રહેશે એના માટે કેસરીભાઈને લખાવી દેવાનું રહેશે.
- કોઈના પાસે એક પણ રૂપિયો રહેશે નહિ એની ખાસ નોંધ લેવી, જો હોય તો એની પહેલેથી ચોખવટ કરી લેવી.
- કોઈ પણ જાતનું જોખમ કે કિંમતી સામાન હોય એ જમા કરાવી દેવો, જે છેલ્લે પાછો આપી દેવામાં આવશે.
- જો કોઈ તહેવાર કે પ્રસંગ હોય તો એની વ્યવસ્થા માટે અગાઉથી જાણ કરવામાં આવશે.
દરેક વ્યક્તિને સફળ થવા માટે ઓલ ધ બેસ્ટ!

............................................................
મહર્ષિએ આખી સુચના વાંચી, સાંભળીને બધાની આંખો પહોળી થઈ ગઈ.
"હેય, લીંપણવાળામાં રહેવાનું? મને તો બહુ સ્મેલ કરે યાર!" - સ્વીટીએ મોઢું બગડતા કહ્યું.
"તો અમને બધાને કઈ સુગંધ નથી આવતી એમાંથી!" - તન્મય બોલ્યો.
"ખેતરમાં જઈને શું કરવાનું?" - તન્મયએ કહ્યું.
"ખેતરમાં તો કદાચ ખેતી જ કરવાની હોય!" - મેઘએ એને કટાક્ષમાં જવાબ આપ્યો.
"મારાથી તો નહિ થાય! "- તન્મયે ખભા ઉછાળ્યા.
"તો બધું રતનપુરાના આપી દેશે ઓલો મુનીમ."- મેઘે એને ડરાવ્યો.
"આ શું પનોતી બેઠી છે? કોઈ મહારાજને બતાવીએ તો કેવું રહે?" - તૃપ્તિએ બધાને એક વિકલ્પ આપ્યો.
"જાત મહેનત જ કરવાની છે હવે! બાકી એવું જ કરવું હોતે તો આપણાં બોડીગાર્ડ ક્યાં ઓછા હતા?" - પવને સાચું તથ્ય કહ્યું.
"પણ મારાથી રસોઈ તો નહિ બને, મારા પાઠનો સમય હોય છે એ વખતે!" - તૃપ્તિએ રસોઈ કરવાની ના પાડી.
"અને મારા મેડિટેશન અને યોગાનો!તમે જોવોથી ખરા એક દિવસમાં મારા ફિગરમાં કેટલો બદલાવ આવી ગયો!" - શિખા નખરત કરવા માંડી.
"જુઓ અહી બધાએ સંપીને બધા કામ કરવાના છે, બધાનાં સરખા ભાગે કામ વહેચી દેવામાં આવશે, એટલે જેના ભાગે જે કામ આવે એ કરવું જ રહ્યું, નખરા અને નાટકો બંધ કરી દેજો." - આકાશે બધાને કડક થઈને કહી દીધું.
"પણ આકાશભાઈ તમે સમજો તો ખરાં! કોઈએ આવા કામ કર્યા નથી તો..." - શિખા એ વાતને આગળ વધારી.
"જો એ તો સૌ સૌની પોતાની મરજી, ના થાય તો હવે બીજા પણ કઈ નહિ કરી શકે, એવું સમજીને કામ કરવાનું કે તમે બિગબોસ માં આવ્યા છો." - આકાશે શિખાને એના અંદાજમાં જ જવાબ આપ્યો, એ ચૂપ રહી.
"ભલે, કાલની વાત કાલે, આજે રાતે શાંતિથી નિંદર કરી લો, પછી એક મહિનો કસોટી જ છે!" - માધવીએ બધાને સાંત્વના આપતાં કહ્યું.
"આવા ટેન્શનમાં ઊંઘ કોને આવવાની છે ભાભી?"- તૃપ્તિએ માધવીને કહ્યું.
"એ તો થાક છે એટલે આવી જ જશે, અને તું તારે તારી માળા કરજેને,સૌથી પહેલાં તું જ સૂઈ જઈશ!" - માધવીને તૃપ્તિએ શાંતિથી કહ્યું.
"ભલે, જોઈએ એ તો હરીઈચ્છા! હરે હરે!" તૃપ્તિએ એની માળા ફેરવતા કહ્યું.
બધાની વાતો અંદરોઅંદર ચાલુ હતી, ત્યાં રઘાજી આવી ગયા અને સૌને જમવા માટે બોલાવ્યા. રાતના આઠ જેટલો સમય થયો હતો પરંતુ અંધારું એને વધારે ઘેરો કરતો હતો.જમીને સૌ સૂવાની ફિરાકમાં હતા, આંખમાં થાક અને શરીરમાં દુખાવો બધાને વર્તાઇ રહ્યો હતો, આવતીકાલથી બદલાતી ઘડીઓ હવે દૂર નહોતી.

ક્રમશઃ
જુઓ કાલની સવાર...