Ruday Manthan - 9 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | રુદયમંથન - 9

The Author
Featured Books
Categories
Share

રુદયમંથન - 9

કીચડમાં ચાલતા ચાલતા બધા આગળ વધ્યા, વરસાદ થોડો ધીમો પડ્યો એટલે થોડી રાહત હતી, વરસાદી ફોરા વાગવાના બંધ થયા, ઝરમર ઝાર હવે માત્ર સ્પર્શ જ કરતી હતી.
થોડા આગળ ચાલ્યા,પાણીના ભરાયેલા ખાબોચિયા પાસે ત્રણચાર કુતરાઓ અચાનક આવી ચડ્યા,દેસાઈ પરિવારની સામે આવીને ભસવા માંડ્યા,અજાણ્યા માણસો જોઈને તેઓ આમ પણ ભસતા હતાં પરંતુ તેઓને જોઈને વધારે જ ભસતા હતાં!
"એય ભૂરા, કાળું! કાં આમ રાડો પાડે સે? આપણાં મહેમાનો સે ઈ તો આમ સુ મંડાઈ ગયા સો?" - ઋતાએ એકદમ કાઠિયાવાડી છટામાં એ કૂતરાઓને ટપાર્યા, દક્ષિણ ગુજરાતમાં આમ કાઠિયાવાડી છાટ જોઈને બધા નવાઇ પામ્યા.
બધા કુતરાઓ જાણે ઋતાની ભાષા સમજી ગયા હોય એમ એની આગળ પાછળ પુછડી પટપટાવવા માંડ્યા, પરંતુ તોય એમની નજર એ તરફ જ હતી, એમને ઘુરવાનું હજી ચાલુ રાખ્યું હતું.
ઋતાની નજર મહર્ષિ તરફ પડી, મહર્ષિના હાથમાં રહેલો રિયાન ઘબરાયેલો હતો, કદી બીજા કૂતરાના સંગે ના રહેલો રિયાન નવા વિસ્તારમાં અજાણ્યા કૂતરાઓને ભસવાથી ડરીને મહર્ષિને લપાતો હતો, મહર્ષિ પણ એને પંપાળતો હતો પણ એને એ ખ્યાલ નહોતો કે રિયાન કેમ આવું કરે છે પણ ઋતાની નજર એની તરફ જતા એ પરિસ્થિતિ સમજી ગઈ કે ગામના કૂતરાઓને દેસાઈ પરિવારથી કોઈ વાંધો નહોતો પરંતુ એમની સાથે આવેલા રિયાનથી વાંધો હતો.એમનાં વિસ્તારમાં કોઈ અજાણ સ્વાન શેને આવી ગયું એની આખી પળોજણ હતી.
"કાળું, આ મહેમાન કહેવાય આવું કંઈ કરાતું હશે? છાના રહો તો! જાઓ અહીંથી આઘા!" એણે કૂતરાઓને લીડરને સમજાવતા હોય એમ કહ્યું, સાનમાં સમજણ પડી ગઈ હોય એમ બધાય દૂર ઊભા રહી ગયા અને પૂંછડી હલાવવા માંડ્યા. ઋતાની વ્હાલભરેલ વાતોથી ગામના કુતરાઓ પણ સમજી જતાં અને અહીંના આદિવાસીઓ પણ!
"જો, ઋતાએ લીધું તે હમજી બી ગેયા! એનું જ હાંભલે!" દલાજીએ બધાની સામે જોઇને કહ્યું.
"ઋતાબેટા તો પહેલેથી છે જ એવી તો, બધાંને સાંભળવું જ પડે!" - મુનીમજીને જાણે ઋતાની બધી ખબર હોય એમ કહેવા માંડ્યા.
ઋતા મંદ મુસ્કાઈ, એણે મહર્ષિ સામે જોઇને કહ્યું, "એ તમારા ડોગીને જોઈને કતરાતા હતાં!"
"આઈ નો! થેંક યુ! આ રિયાન છે" મહર્ષિએ આભાર વ્યક્ત કર્યો અને રિયાનની ઓળખાણ કરાવી અને રિયાનના માથે હાથ ફેરવવા માંડ્યો.
"ઓકે, વેલકમ.." એણે બધાને રસ્તાથી આગળ વધતા કહ્યું.
બધા આગળ વધ્યા, અડધો કિલોમીટર દૂર પહોંચવા આવ્યા, મુસાફરી એમાંય કીચડમાં ચાલવાનો અનુભવ ના હોવાથી બધાનાં થાકમાં વધારો થવા માંડ્યો,થાકની રેખાઓ બધામાં મોઢાં પર તરવરી રહી હતી, શિખાના સીધા વાળમાં હવે વમળો દેખાવા માંડ્યા, સ્વીટીના પિંક શુઝનો કલર બદલાઈને કીચડમાં રગદોળાઈ ગયો,બધાનાં મોંઘાદાટ બ્રાન્ડેડ કપડાં ભીનાં ચોળાઈને ખરાબ થઈ ગયા હતા.
દૂરથી દેખાઈ રહેલી હવેલી હવે સાવ નજીક દેખાવા માંડી, દૂરથી દેખાઈ રહી હતી એનાથી વધુ આલીશાન એ નજીકથી દેખાઈ રહી હતી, માતૃછાયા અને શાંતિસદન બન્ને જાણે સગી બહેનપણીઓ હોય એમ રતનપુરામાં રોનક જમાવી રહી હતી. ઋતા માતૃછાયા તરફ આગળ વધી, હવેલી આગળ બે સિક્યુરિટી ગાર્ડ બધાને સલામી આપવા માંડ્યા, રુતાએ બન્નેને ઈશારો કર્યો એટલે એમણે મોટો ગેટ ખોલી નાખ્યો, બધા એ આલીશાન હવેલીમાં પ્રવેશ્યા.
મહેલનું બાંધકામ જોતાં લાગતું હતું કે એ ઘણી જૂની હતી પરંતુ સમયસર જાળવણી રાખવાથી એનું ટકાઉપણુ હજીય અકબંધ હતું.એના રાતા પથ્થર જાણે રતનપુરાના લાલકિલ્લાની માફક એની જાહોજલાલી ઓકી રહ્યા હતા.એના કમાડની કોતરણી અને બારીના ઝરુખાની ભાત અજાયબ હતી, ઊંચી છત અને એની ઉપર શોભતા ઝુમ્મર નવાબી ઠાઠનો અહેસાસ કરાવતી હતી, રાચરચીલામાં કાઠિયાવાડ અને સાપુતારાના વારલી શૈલીના અનોખા મિશ્રણ વ્યાખ્યયિત થતો હતો.
બધા માતૃછાયામાં પ્રવેશ્યા, જે રીતની ભાત હતી એનાથી તદ્દન જુદી અહીંની રીત હતી, સાદાઈ નીતરતી દરેક વસ્તુઓ હતી, અહી અમુક રૂમો ખુલ્લાં હતા, જેની બહાર જુદા જુદા પાટિયા મારેલા હતાં, નોકરોની ચહલપહલ થઈ રહી હતી, પરંતુ તેઓ કોઇ અલગ સેવામાં જોતરાયેલા હોય એમ લાગી રહ્યું હતું.
ભીના કપડામાં બધા હવે થોડા સુકાવા માંડ્યા, ઋતાએ બધાની ફ્રેશ થવાની તૈયારી પહેલેથી કરી રાખી હતી, સૌ ફ્રેશ થઈને કપડાં બદલીને હળવા થયા, ત્યાં ઋતાએ બધાની દીવાનખંડમાં બેઠકની વ્યવસ્થા કરાવી દીધી.સોફાની ફરતે એક્સ્ટ્રા ખુરશીઓ ગોઠવાઈ ગઈ.અડધા કલાકમાં બધા તૈયાર થઈને દીવાનખંડ તરફ આવી ગયા.
"આવો બધાં, બેસો અહીં!" ઋતાએ બધાને ઘરમાં સોફા પાથરેલા હતાં અને બીજી ખુરશીઓ પર બેસવા કહ્યું.
"હા, ભલે! હાશ થાક્યા!" - કહીને પવન સોફા પર સભ્યતાથી બેઠો.
"થાક તો વર્તાશે ને! આટલી લાંબી મુસાફરી છે તો!" કેસરીભાઈએ પણ બોલતાં બોલતાં ખુરશી પર પોતાનું સ્થાન લીધું.
"મને તો બહુ ઊંઘ આવે છે!" સ્વીટી એ કહ્યું.
"હા પહેલા થોડું કઈ ખાઈ પી લો પછી આરામ કરજો" - ઋતાએ કહ્યું.
બધા શાંતિથી બેઠાં ત્યાં બે ત્રણ નોકરાણીઓ બધા માટે પાણી અને ચા નાસ્તો લઈને આવી ગઈ, ભૂખ્યા તરસ્યા માટે સૌને અત્યારે જે મળ્યું એ છપ્પન ભોગ જેવું લાગવા માંડ્યું, ચાની ચુસ્કી જાણે થાક ઉતારવામાં પોતાનો સારો એવો ભાગ ભજવી રહી હતી. ગરમાગરમ કાઠિયાવાડી ભજિયાં વરસાદી માહોલને અસ્સલ મહેકાવી રહી હતી અને બધાનાં પેટમાં દોડતાં ઉંદર એને સારી રીતે માન આપી રહ્યા હતા.
"હાશ! ચા વગર તો મારું માથું ચડી ગયું હતું, ઋતાબેટા તારો ખૂબ ખૂબ આભાર!" - મુનીમજીએ ઋતાને કહ્યું.
"અરે કાકા, એ તો તમે કહ્યું એટલે મારે કરવું રહ્યું જ અને ના કહ્યું હોત તોય મહેમાન તો કોના ઘરે?" - ઋતાએ એની માણસાઈની છબી બધા આગળ ઉજાગર કરી.
"બધા તો આજના દિવસમાં જ મહેમાન છે, કાલ સવારથી તો એ રતનપુરાના સામાન્ય રહેવાસી જ હશે! તારે જે મહેમાનગતિ કરવી હોય એ આજે કરી લે!"- મુનીમજીએ હસતાં હસતાં ખુલાસો કરતાં કહ્યું.
ઋતાને કઈ સમજ ના પડી, એ એમની સામે જોઈ રહી!
"ધીરે ધીરે બધું સમજાઈ જશે બેટા! તમતમારે અમને સૌને આટલી મદદ કરી એ માટે ધન્યવાદ!" - કેસરીભાઈએ ઋતાની જીજ્ઞાશા સામે રોક મૂકતાં કહ્યું.
"હા,દીકરા! જો હું તને બધાની ઓળખાણ કરાવું, તું ધર્મદાદાને તો સારી રીતે ઓળખે જ છે ને?" - મુનીમજીએ ઋતાને કહેતા ઊભા થયાં.
"હા, એમને તો રતનપુરામાં કોણ ના ઓળખે? એ તો માણસ નહિ ભગવાન છે બધાય માટે!" ઋતાએ ધર્મદાદાની રતનપુરામાં થતી ઓળખ છતી કરી.
"હા, બસ આ એમની લીલીવાડી, એમનાં ત્રણ પુત્રો, એમની વહુઓ અને એમનાં બધાયને બે બે સંતાનો! તું આમ તો ના ઓળખે, કોઈ દિવસ આવ્યા નથી કોઈ અહી એટલે!" - મુનીમજી એ બધાની ઉપરછલી ઓળખ અને છેલ્લાં વાક્યમાં કટાક્ષ કરતાં આકાશ તરફ જોયું, આકાશ નીચું જોઈ ગયો.
મુનીમજીએ બધાની વારાફરતી ઓળખાણ કરાવડાવી, બધાં ઋતા સાથે સહસ્મિત અભિવાદન સાથે મળ્યાં, સંધ્યા ઢળતી રહી, બધાનાં ચહેરા પર મહેમાનગતિનો સંતોષ હતો.
બધાની ઓળખાણો ધીરે ધીરે છતી થવા માંડી એની સાથે જ રિયાન અહીંના માહોલને ઓળખવા માંડ્યો, દીવાનખંડમાં બધાની બેઠકની આજુબાજુ ફરવા માંડ્યો, કોઈ સેટ થાય કે ન થાય પરંતુ એણે રતનપુરાની ધરાને અપનાવી લીધી!

ક્રમશઃ
બધાની ઓળખાણ થઈ, પરંતુ હજી બધા ઋતાને ઓળખાતા નથી...
જુઓ આગળના ભાગમાં...
ઋતાની ઓળખ.... કાઠિયાવાડી બોલી અને રતનપુરાનો મેળ કઈ રીતે?

ક્રમશઃ