Ruday Manthan - 3 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | રુદયમંથન - 3

The Author
Featured Books
Categories
Share

રુદયમંથન - 3

આપે જોયું કે ધર્મસિંહના અવસાન બાદ એમને લખેલું વિલ વંચાઈ ગયું, અગાઉ સંમતિ આપીને બેસેલા પરિવારને શું એમની શરતો મંજૂર રહેશે? તેઓ રતનપુરા જઈને એક મહિનો વિતાવશે?

"શું???" પરિવારના અડધાથી ઉપરની વ્યક્તિએ એકસરખો આઘાતજનક ઉદ્દગાર સ્વરી દીધો, એ ઉદ્દગાર સાથે જાણે તેઓ વિલની શરતોને નામંજૂર કરતાં હોય એમ! શિખાના મોઢાના હાવભાવ એવા વિચિત્ર હતા કે જોઈને આ ઉદ્દગારની ભયાનકતા વધારે ભયાનક લાગવા માંડી, એની ઊંચી થયેલી ભ્રમરો અને એની વચ્ચે રહેલો મોટો ચાંદલો એનો અણગમો સીધો જાહેર કરતાં હતાં.
ઘરમાં સૌથી નખરા ભરેલી સ્વીટીને બન્ને હાથ ઉછાળી "હાઉ ધિસ પોસિબલ? વી આર નોટ ગોઇંગ ટુ રતનપુર!" અણસમજ સ્વીટી એની નાદાનીમાં એની સ્વચ્છંદતા સાથે બોલી ગઈ, બાળકોના ભણતરનો પ્રભાવ અહી દેખાઈ રહ્યો હતો, અંગ્રેજીમાં ભણતર તો બહુ સારું કરી લેતા બાળકોમાં સંસ્કાર નિમાર્ણનો અભાવ ભારોભાર રહેલો હતો એ અહી દેખાઈ રહ્યું હતું, મોટાની વાતમાં સીધો જવાબ આપતા સ્વીટી અચકાઈ નહિ.
મેઘે એની સામે આંખો કાઢતા અને વિલનાં વાંચન બાદ થયેલી ઉલ્જન સાથે, "સ્ટોપ ઇટ સ્વીટી! અમે હજી છીએ, તારે વચ્ચે ટાપસી પુરાવાની જરૂર નથી!"
સ્વીટી ચૂપ થઈ ગઈ અને પાછળ પડેલી ખુરશીમાં જઈને બેસી ગઈ, એનો હાથ એના માથા પર અનાયાસે મૂકીને એ શોક વ્યક્ત કરવા લાગી, એની સાથે બીરવા અને ત્રિશા જઈને બેસી ગયા, તેઓ અંદરોઅંદર કઈક ગપસપ કરવાં લાગ્યા, પણ ખરી ગસપસ તો નોકરાણી મધુ અને ઘરનો ડ્રાઈવર વિનોદ કરવા માંડ્યા.
"જોયું, સાહેબ બહુ પાક્કા નીકળ્યાં!" મધુએ મોઢાં પર હાથ રાખતાં વિનોદને કહ્યું.
"હા, હંધાયની અકડ ઠેકાણે આવી જશે હવે! કો'ક દી ગામડે રહે તો ખબર પડે પૈસો કેવી રીતે આવે છે!"
"ધરમદાદાએ મહેનત કરીને ભેગુ કરેલું આ લોકો લૂંટવા બેઠાં સે, હવે સબક શીખશે!"
"હા, ઇ તો જોઈએ હવે, સ્વીટી સાહેબાએ તો નનૈયો ભણી દીધો!"
" જોયે રાખ મધુડી, આપણે તો તમાશો જોવાનો જ છે! આ બધા હવે શું ભવાઈ કરે છે!" વિનોદે મધુંને કહ્યું.
"છના રહો કાકા, ધર્મદાદાની આ લોકો કેવી કદર કરે છે એ જોઈએ!"
બન્ને જણ ખૂણામાં ઉભેલા ચૂપ થઈ ગયા, ધર્મવિલામાં લાગેલી આગમાં સળગતા પરિજનો હવે ધીરેધીરે બહાર આવવા માંડ્યા.આકાશે આપેલી બાહેંધરી એટલે એ નતમસ્તક સ્વીકૃતિ આપી રહ્યો હતો, બધાયમાં આકાશ સમજુ હતો, એને આપેલી જૂબાનીનો એ પાક્કો હતો, એને પણ આ શરતો મંજૂર નહોતી પરંતુ બોલેલા બોલની આગળ એ વિવશ થઈને બેઠો હતો, પરંતુ એની પત્ની માધવી ધુઆપુઆ થવા લાગી હતી.
"આકાશ, જો તારા આપેલા વચનમાં બધાય હવે ફસાયા!" એણે ક્રોધ સાથે એની સામે જોયું.
"માત્ર મારી સહમતી નહોતી, બધાએ હા ભરી હતી અને મને શી ખબર હતી કે પપ્પા આવું લખીને જશે!"- આકાશે બચાવ પક્ષમાં કહ્યું.
"મને તો ખબર જ હતી કે બાપુજી આવું કંઇક બાફાશે જ! એમને આપણને સૌને હેરાન જ કરવામાં રસ હતો!" - શિખાએ તણખા ઝર્યા.
" ચૂપ રહે શિખા! તારા કાવાદાવા હવે અહી ના ચાલુ કરી દે." પવને શિખાને અટકાવી.
"કાકી સાચું જ કહે છે, દાદા પહેલેથી આપણને હેરાન જ કરતા હતા, આખો દિવસ મને અને તન્મયને એમનાં ગાર્ડનમાં મજૂરી કરાવ્યા કરતા હતાં! સાચે ને તન્મય?" વિધાને એની નસમજણના સુર રેલાવ્યા.
"સ્ટોપ ઇટ વિધાન!" તૃપ્તિએ એના દીકરા વિધાનને બોલતાં અટકાવ્યો. એ ચૂપ થઈ ગયો પરંતુ એના મનમાં ઉઠેલા અંગારા એની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
"જે પણ હોય એ હવે સ્વીકારવું રહ્યું!" મહર્ષિએ એનું પણ નિવેદન આપી દીધું, આ બધાયના સમજુ હોય તો મહર્ષિ, એ એના દાદાનો સૌથી લાડકો એટલે એમના સહવાસમાં વધારે રહેતો.દાદાની છત્રછાયામાં રહીને દાદાના સંસ્કાર એના રુદયમાં પહેલેથી સિંચાયેલા હતા, એની વાણીમાં મીઠાશ મહેકતી હતી, દાદાએ કરેલાં નિર્ણયમાં એને સંપૂર્ણ વિશ્વાસ હતો, દાદા કોઈ દિવસ કોઈનું ખોટું નહિ થવા દે એની ખાતરી મહર્ષિને પહેલેથી હતી.
"તો તું તારે જા રતનપુર! અમારે તો નથી આવવુ! જોયું છે કોઈ દિવસ ગામડું?" - બિરવા અકળાઈ ગઈ.
"જોયું તો નથી, પરંતુ દાદા જોડે વાતો બહુ સાંભળેલી છે ત્યાંની! ત્યાંના સાદા જીવનની!" મહર્ષિ દાદાના સંસ્કાર સાથે શાંતિથી જવાબ આપ્યો.
"બહુ આવ્યો સાદા જીવનવાળો! અહીંની જાહોજલાલી મૂકીને ત્યાંના ગોબરમાં..!! છી...હું તો નહિ રહી શકું.! શિખાએ એનાં નખરણા અંદાજમાં નાક દબાવ્યું.
" શિખાવહુ... એ ના ભૂલશો કે એ ગોબરના સહારે આજે તમે આ જાહોજલાલી ભોગવી રહ્યા છો." મુનીમજીએ શિખાને કહ્યું.
"એ તો અમારા સદનસીબ! કે એમને આટલું સારું જીવન મળ્યું!"
" પણ અહી પહોંચવા માટે ધર્મસિંહ કેટલાં ઘસાયા હતાં!" મુનીમજીએ ધર્મસિંહનો પક્ષ રાખતાં કહ્યું. શીખએ મોઢું મચકોડતા કઈક મનમાં ને મનમાં બબડાટ કરવા માંડ્યો.
આ બધાની વચ્ચે કેસરીભાઈ બધાને જોઈ રહ્યા હતાં, એકેએકના હાવભાવ એ બહુ સારી રીતે વર્તી રહ્યાં હતાં, એમને એવા ઝટકાની પહેલેથી ખબર જ હતી, એટલે એમનાં મુખ પર હજીય કોઈ માખી નહોતી ઉડી રહી, એમનાં તો રોજના આવા કામોમાં એનાથીય વધારે ધમપછાડા જોયા હોઇ એ શાંત મુદ્રામાં જ હતા, પરંતુ બધાનો આવો ઉપહોહ જોઈ એમણે મૌન તોડયું.
"સૌએ પોતાની અભિવ્યક્તિ કરી લીધી હોય તો હું કઈક કહી શકું?" - એમણે એમની છટા સાથે કહ્યું.
"હવે શું કહેવાનું? બધો તો દાટ વાળી દીધો! બોલો હજીય કઈ હોય તો!" મેઘ વરસી પડયો.
"શાંત ભઈલા શાંત! એ તારા પરમપૂજ્ય પિતાજીનો નિર્ણય છે! તું નહિ સ્વીકારે?" કેસરિભાઈએ સમજાવટ સાથે કહ્યું.
"શું પરમપૂજ્ય? એમની પ્રોપર્ટી લેવા માટે સાવ ગુલામ બની જવાનું અમારે?"
"એમણે ક્યાં ગુલામ બનવા કહ્યું? માત્ર એક મહિનો જ રતનપુરા જવાનું છે! એમાંય અમે સાથે છીએ ને!"
"તો શું થઈ ગયું? અમારા બાળકો કઈ રીતે એડજેસ્ટ કરશે ત્યાં? એમની સ્ટડીમાં પ્રોબ્લેમ થશે તો?" માધવીએ કહ્યું.
"એ બધું તમે મારા અને જેસંગજી પર છોડી દો! બધી વ્યવસ્થા અમે કરી આપીશું."
"જોડે મધુને તો લઈ જઈશું ને?" શિખા બોલી.
"ના, ત્યાં તમારે બધું કામ જાતે કરવાનું રહેશે?" જવાબ સાંભળી શિખા વધારે બેબાકળી બની ગઈ.
"સારું, હવે મોડું થઈ ગયું છે, અમારે નીકળવું પડશે! કાલે સવારે છ વાગ્યે તૈયાર થઈ જજો! અમે મીની બસ લઈને આવી જઈશું, આપણે સૌએ એમાં જ જવાનું છે, કોઈ પર્સનલ ગાડી લેવાની નથી."
"ભલે!"આકાશે સહમતી આપી, બન્ને હાથે નમસ્કાર કર્યા!
જેસંગજી અને કેસરીભાઈ દરવાજા તરફ નીકળી ગયા અને અહી બાળકોના પડેલાં મોઢાં પર ગુસ્સાનો વરસાદ વહી રહ્યો હતો.

ક્રમશ....
જુઓ બીજો ભાગ......
સવારે છ વાગ્યે બધા ભેગાં થાય છે?
બધા રતનપુર જવા તૈયાર થાય છે?