My poems My world in Gujarati Poems by KIRIT PATEL books and stories PDF | મારી કવિતા, મારી દુનિયા

Featured Books
Categories
Share

મારી કવિતા, મારી દુનિયા

મોસમ ના આ વરસાદોની, તોય વાદળાં ગરજે શાને ?

ઉર મારું આનન્દે ઝૂમે, તોય આંખડી ચૂએ શાને ?

પાણીના રેલા સમ જીવન, સરસર ઝટપટ વહી જાતું

મૃત્યુનો ઓથાર નજીક તોય, જીવવાની આ ઝન્ખના શાને ?

એક માટીના પિંડ બન્યા બે, છતાંય નસીબ કેવાં નોખાં ?

હાથી ઝૂલે એકના ઘરે, દ્વિતીયને ત્યાં ફાકા શાને ?

ફાટી ધરા, ને મોલ સુકાયા, મેહુલાનો અણસાર નથી

છતાંય આંખોની છાજલીઓ, આકાશે મંડાય છે શાને ?

ચાર કોળિયા મળે તો ઘણું, બાકી બધું પ્રદર્શન છે

જીવવું થોડું વેશ છે ઝાઝા, સમજણમાં ના ઉતરે શાને ?

મારું મારું સહુ કહે છે, સંગે કોઈ ન જાવા રાજી

પાનાં ફેરવે રોજ ગીતાનાં, માયા તોય ન છૂટતી શાને ?

સતનો મારગ છે શૂરાનો, કાયરનું અહીં કામ જ શુ છે ?

માલ પારકો ખાઈને તને, ઓડકાર પણ આવે શાને ?

ગ્રાફ આ નિશદિન જાય છે ઊંચે, દુષણ, ઝૂઠ, અનીતિનો

કોઈ તો કહો !! આ માનવતાની મરણપથારી થઈ શાને ?

પરત ચડી ગઈ છે વર્ષોની, મુજ દિલ પર તમને ભૂલ્યે

આજ અચાનક આપની યાદે, મન આ તરલ બન્યું શાને ?

**************************************

નીકળ્યો છું હું શોધવા માટે, તેજકિરણ એક સોનેરી

રસ્તો મારો રોકે છે એ, ગાઢ રાત અંધારી

ધુન મારી છે, એકલો ભલે, સાધક બનવાને આતુર

તિમિર અડાબીડ ચોતરફ પણ, આલોકિત છે અંત:પુર

ધીમી ધીમી વહે સરિતા, સિંધુ મિલન કાજે વ્યાકુળ

જેટલી કાળી નિશા પાછલી, ઉર મારું એટલું ઉજ્જવળ

આવે પ્રલોભન એક એકથી, નિદ્રા, આળસ, સંમોહન

ત્યારે ત્યારે જાગતું મારી, આંખોમાં એક નવચેતન

નથી મિંચાતી આંખો મારી, નમણી એ સુખશય્યા પર

જાય લપેટાવા મન મર્કટ, વિશ્રાંતિની માયા પર

પડછાયો નિષ્પંદ મૌન છે, શીતળ સમીરની લહેરો

સામે મારી નાવ ટૂટેલી, સન્મુખ ઉદધિ ઉભો ઘેરો

પડકારોનાં પડઘમ વાગે, રક્ત વહે છે અતિ વેગે

ભાન ગુમાવે અંગો જ્યારે, શ્રદ્ધા મારી ત્યાં જાગે

થયો હું મક્કમ, ફેરવી નૌકા, લીધાં હલેસાં હાથોમાં

છાતીમાં વિશ્વાસ ભરીને, નીકળ્યો પ્રબળ પ્રવાહોમાં

ના પૂછો આ જીવન ખેપમાં, શું પામ્યો ને શું ખોયું ?

અથક પરિશ્રમનું સુવર્ણ મેં, નિજ ચક્ષુથી છે જોયું

Kirit Patel(11-25-2021)

+++++++++++++++++++++++++

આંખમાં જો સ્મિત રમે તો, માણસો ક્યાં દૂર છે ?

બળ હશે શ્રધ્ધામાં તો, ભગવાન પણ ક્યાં દૂર છે ?

મુઠ્ઠી ભરી લે ખન્તની, કિસ્મતને મૂક અભરાઈ પર

મનસૂબો મક્કમ કરો તો, મંઝિલો ક્યાં દૂર છે ?

ચિંતા કર્યે કંઈ ના વળે, બાળી કરી દે રાખ એ

ફિકરના ફાકા કરું તો, ગગન પણ ક્યાં દૂર છે ?

ઈરાદાઓથી ચાલે જિંદગી, એમાં ઢીલ કદી ચાલે નહિ

ડગલું ભરીશ એકવાર તો, મેરુ શિખર ક્યાં દૂર છે ?

શું વિધિ શું પંડિતો, શુભ મુહૂર્તો પણ શા કામનાં ?

સમજ કેળવો ઉભય પ્રતિ, ઋતુ ખુશીઓની ક્યાં દૂર છે ?

આવરણો તોડવાં અઘરાં, લોભ-મોહ, કે હર્ષ-શોકનાં

ચિત્તથી છોડું આસક્તિ, તો મોક્ષનું દ્વાર પણ ક્યાં દૂર છે ?

ડૂબી જઈને મળે મોતી, દાઝી મરે એ દેખનારા

દરિયો આગનો કર પાર, તો મેહબૂબ પણ ક્યાં દૂર છે ?

ના મૂક હથિયાર હેઠાં તું, મેદાને જંગમાં ક્યારેય

થા સવાર ન્યાયના રથ પર, તો જીત પણ ક્યાં દૂર છે ?

Kirit Patel(01-12-22)

###########################

તું ફૂલ બની મહેકે જગમાં, એ ગૌરવ તને મુબારક હો

હું ડાળી પરનો કઁટક છું, તુજ રક્ષાનું અભિમાન મને

દમકે, ચમકે તું સ્વર્ણ બની, એ આભા તને મુબારક હો

હું લૌહ બની ટીપાઉં ભલે, ઓજાર થયાનું માન મને

તું પર્વત અચળ, અટલ બનજે, એ સ્થિરતા તને મુબારક હો

ખળખળ વહેતી સરિતા હું બનું, નિર્મળ વહેવાનું માન મને

તું સફળ થઈને ગગન ચૂમે, એ ઉન્નતિ તને મુબારક હો

હું યાયાવર એક રાહી છું, જગ ભટક્યાનું અભિમાન મને

સ્મિત રમે હંમેશા અધરો પર, એ ખુશીઓ તને મુબારક હો

રસ્તા પરની હું ધૂળ બનું, રજ ચરણ થયાનું માન મને

સંબંધ અવર છે યુગયુગનો, સંવેદન તને મુબારક હો

મુજ પક્ષે પ્રતીક્ષા ચિરસંચિત, સઁજોગનું નિત્ય હો ભાન મને

Kirit Patel(01-10-22)