પ્રકરણ-૧
"લાઈટ કેમેરા, એક્શન..."
અને સામેના છેડે એક દ્રશ્ય ભજવાયું.
"મને ભુલી જા હવે મધુ.."
"પણ હું તને કેવી રીતે ભૂલી જાવ? હું તને પ્રેમ કરું છું. હું તારા વિના જીવી નહીં શકું રમણ."
"અરે! મધુ! પ્રેમ જેવું કશું જ હોતું નથી આ દુનિયામાં. હોય છે તો માણસને માત્ર માણસની જરૂરિયાત."
"સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની. લોકો આ જરૂરિયાતને પ્રેમનું નામ આપીને એમ માનવા લાગે છે કે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આજે કદાચ તને એવું લાગતું હશે કે, તું મને પ્રેમ કરે છે પણ આવતી કાલે કદાચ એક સમય એવો પણ આવશે કે, જ્યારે હું તને યાદ પણ નહીં આવું. સમય હંમેશા પ્રેમને પણ પસાર કરી નાખે છે. લોકો કહે છે પ્રેમ કરું છું પણ હું તો કહીશ કે, પ્રેમ જેટલો મોટો કોઈ વહેમ નથી. પ્રેમ એ માણસના મનનો સૌથી મોટો વહેમ છે."
"ના, એવું ક્યારેય નહીં બને રમણ. હું ખરેખર સાચા દિલથી તને ચાહું છું. અને હું તને ક્યારેય ભૂલી નહીં શકું. તને લાગે છે જરૂરિયાત છે એટલે પ્રેમ છે અને મને લાગે છે કે, પ્રેમ છે એટલે જરૂરિયાત છે. તને ભલે આજે પ્રેમ વહેમ લાગતો હોય પણ હું તને એટલું જ કહીશ કે, તારા મનનો આ સૌથી મોટો વહેમ છે કે પ્રેમ વહેમ છે. પ્રેમ વહેમ નથી."
"ઓકે... કટ કટ." સિરિયલના ડિરેક્ટર આદિલ કુમાર બોલ્યા. "બાકીનું શૂટિંગ આપણે હવે આવતીકાલે કરીશું."
સીન પૂરો થયો અને આદિલકુમારએ પોતાના મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો. સામે છેડે રીંગ જઈ રહી હતી. એ સામેથી ફોન ઉપડે એની રાહ જોઈ રહ્યાં.
"હેલ્લો! આદિલકુમાર! કેમ છો?" સામેના છેડેથી પ્રેમ કપૂર બોલ્યા.
"બસ મજામાં. આજે રાતે મારા ઘરે મળી શકીએ આપણે? ડીનર સાથે લઈએ? અને સીરિયલના આગળના એપિસોડની વાર્તાની ચર્ચા પણ કરી લઈએ કેમ? બરાબર ને?"
"જી બિલકુલ." સામેથી પ્રેમ કપૂર બોલ્યા અને એમણે ફોન કટ કરી નાખ્યો.
પ્રેમ કપૂર આદિલ કપૂર પ્રેમ પરીક્ષા નામની જે સીરિયલ બનાવી રહ્યાં હતા એના પટકથા લેખક તેમ જ સંવાદ લેખક પણ હતા.
*****
રાત પડી ચૂકી હતી.
આદિલકુમારની ડોરબેલ રણકી. એમણે દરવાજો ખોલ્યો. સામે છેડે પ્રેમ કપૂર ઉભા હતા. એમણે એમને આવકાર આપતાં કહ્યું, "ઓહ! આવો આવો પ્રેમ કપૂર. હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો."
"તો તો હવે આપકી ઈંતઝાર કી ઘડિયા ખત્મ હુઈ. હમ જો પધાર ગયે હે..". આટલું બોલી પ્રેમ કપૂર હસવા લાગ્યાં.
"જી બિલકુલ.. બિલકુલ..." આદિલકુમાર એ પણ એમની વાતમાં સૂર પુરાવ્યો.
"રઘુ..ડિનરનું ટેબલ તૈયાર કર." આદિલકુમાર એ રઘુને બૂમ પાડી.
રઘુ આવીને ટેબલ સજાવી ગયો. આદિલકુમાર અને પ્રેમ કપૂર બંને ડાઈનીંગ ટેબલ પર બેઠા અને એમણે જમવાનું શરૂ કર્યું.
"આગળ ઉપર હવે તમે શું વિચાર્યું છે? વાર્તાને કંઈ રીતે આગળ વધારવા ઈચ્છો છો?" આદિલ કુમાર એ પૂછ્યું.
"મેં તો એવું વિચાર્યું છે કે, હવે અહીંથી રમણ અને મધુ છૂટા પડી જશે. અને રમણ મધુ ને છોડીને બહુ દૂર ચાલ્યો જશે અને મધુ પોતાના માતાપિતા જ્યાં કહેશે ત્યાં લગ્ન કરી લેશે અને પછી દસ વર્ષનો લીપ આવશે. એ દરમિયાન મધુ પોતાના પતિ અને બાળકો સાથે સેટલ થઈ ગઈ હશે. અને એક દિવસ અચાનક દસ વર્ષ પછી રમણ ફરી એક વખત મધુ ની સામે આવશે. હજુ એટલું વિચાર્યું છે પછી આગળ ઉપર જોઈએ કે મારા મનમાં આ વાર્તા કંઈ રીતે આકાર લે છે." પ્રેમ કપૂર બોલ્યા.
"હા, વિચાર તો સારો છે. પણ એક મુશ્કેલી છે.."
"કેમ? શું મુશ્કેલી છે?"
"તમે તો જાણો છો કે આ આખી સીરિયલ માં એક માત્ર મુશ્કેલી જે કોઈ છે એ એકમાત્ર એની હિરોઈન જ છે. કેટલાં નખરાં હોય છે એના! એમાં આપણે એને આ લીપ ની વાત કરીશું એટલે એ આટલી મોટી ઉંમર નું પાત્ર ભજવવા રાજી થશે?"
"કેમ નહીં થાય? એ જરૂર થશે. આખરે દરેક કલાકાર માટે પોતાની પર્સનાલિટીથી અલગ રોલ કરવો ચેલેન્જ હોય છે. એ જરૂર તૈયાર થશે. આ જે મેં તમને કહ્યું છે એ જો તમે એને સમજાવી શકો તો... એ જરૂર તૈયાર થઈ જશે." પ્રેમ કપૂર એટલું કહી અટક્યા.
"હા, વાત તો તમારી બિલકુલ સાચી છે. હું મનાવી લઈશ એને. અને ડિરેક્ટર માટે પણ નખરાળી હિરોઈન સાથે કામ કરવું એ પણ એક ચેલેન્જથી કંઈ કમ થોડું છે! બરાબર ને?" આટલું બોલતાં તો આદિલકુમાર હસી પડ્યા. અને પ્રેમ કપૂર પણ એમના આ હાસ્યમાં સૂર પુરાવતાં હસી પડ્યા.
પ્રેમ કપૂર બોલ્યા, "આદિલકુમાર! આપણું આ ફિલ્ડ પણ કેટલું વિચિત્ર છે નહીં? એક બાજુ તમે કંઈક અલગ વાર્તા લખીને અલગ કરવાની કોશિશ કરો અને બીજી બાજુ લોકોને એ પસંદ આવે પણ ખરા અને ન પણ આવે. એક વાર્તાકાર માટે લોકોને શું પસંદ આવશે એનું કેટલું ધ્યાન રાખવું પડે છે નહીં? અને ઘણી વખત તો કોઈ લેખક સમાજનાં વિચારોથી કંઈ અલગ લખવાની કોશિશ કરે તો સમાજ એને આસાનીથી અપનાવી પણ નથી શકતો અને કેટલાંક કિસ્સાઓ તો એવા પણ બનેલા છે કે જેમાં લેખકની જિંદગી નો પણ ભોગ લેવાઈ ગયો હોય છે."
"હા, બિલકુલ સાચી વાત છે તમારી. પણ હું તમને એક પ્રશ્ન પૂછું?" આદિલ કુમાર એ પૂછ્યું.
"હા, હા. પૂછો."
"મેં હંમેશા જોયું છે કે, તમે તમારા પુસ્તકો માં જે વાર્તા લખો છો એ બધી જ વાર્તામાં વિષયોનું વૈવિધ્ય હોય છે. પણ સીરિયલ માં તમે જે વાર્તા લખો છો એનો વિષય હંમેશા પ્રેમ જ હોય છે. એનું શું કારણ?" આદિલ કુમાર એ પોતાના મનમાં ઘણાં સમયથી જે પ્રશ્ન હતો એ આજે પૂછી નાખ્યો.
"એનું કારણ માત્ર એટલું જ છે કે, પુસ્તકો માં હું એ લખું છું જે મારે લખવું હોય છે. ત્યાં મને એ ડર નથી હોતો કે, લોકોને કેવું લાગશે. મારે જે કહેવું હતું એ તો મેં પુસ્તકના માધ્યમથી કહી દીધું હોય છે અને લોકોએ નક્કી કરવાનું હોય છે કે, એને એ પુસ્તક ખરીદવું છે કે નહીં? જ્યારે સીરિયલમાં એવું નથી હોતું. એમાં તમારે લોકોને શું ગમશે એ સૌથી પહેલાં વિચારવું પડે છે. અહીં તો જો લોગો કે લિયે લિખતા હૈ વો હી બિકતા હૈ. અને લોકોનું ના વિચારીએ તો સીરિયલ બંધ કરવાની નોબત પણ આવી શકે છે." પ્રેમ કપૂર એ કહ્યું.
"હા, સાવ સાચી વાત છે તમારી. પણ સીરિયલમાં તમે માત્ર પ્રેમના વિષય પર જ કેમ વાર્તા લખો છો?" આદિલકુમાર એ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો.
"પ્રેમ પર એટલા માટે લખું છું કારણ કે, એક તો મારું નામ પ્રેમ છે." આટલું બોલી હસ્યા અને બોલ્યા, "ચાલો મજાક બાજુમાં રાખીને સાચી વાત કહું તમને! આ દુનિયામાં જો લોકોને કોઈ ગમતો વિષય હોય તો એ પ્રેમ જ છે. તમે ભૂતકાળમાં નજર નાખશો તો જોશો કે, લવ સ્ટોરીઝ હમેશાં આપણા દેશના લોકોની પહેલી પસંદ રહી છે. અમર પ્રેમથી લઈને ડી ડી એલ જે, કુછ કુછ હોતા હૈ સુધી. આજે પણ આશિકી જેવી ફિલ્મો વધુ ચાલે છે અને એની સિકવલ પણ બને છે. પ્રેમ એક એવો રંગ છે જેમાં એકમાં અનેક રંગ છુપાયેલા છે. પ્રેમનાં અનેક રંગ છે. અને મને ગમતો આ રંગ છે. પ્રેમરંગ!" પ્રેમ કપૂરએ કહ્યું.
"કહેવાય છે કે, દરેક લેખકની વાર્તામાં ક્યાંક ને ક્યાંક પોતાની આત્મકથા છુપાયેલી હોય છે. ખરાબ ન લાગે તો એક વાત પૂછું? શું તમારા જીવનમાં પણ એવો કોઈ પ્રેમનો રંગ છે?" આદિલ કુમાર એ પૂછયું.
આદિલ કુમારનો આ પ્રશ્ન સાંભળી પ્રેમ કપૂર ભૂતકાળમાં સરી ગયા.