(અંબાલાલ નો ખજાનો કઈ રીતે સાફ કરવો એનો આખો પ્લાન જીગ્નેશના દિમાગમાં ફીટ થઈ ચૂક્યો હતો. હવે એ એને અમલ માં મૂકે એ પેહલા અંબાલાલ નો મુખ્ય ચાકર સુખદેવ એને હવેલીએ લય જાવા આવે છે...)
સાંજે સાત વાગ્યા ન વાગ્યા ત્યા. સોમનાથની ઝૂંપડીએ સુખદેવ પોહચી ગયો.
"સોમનાથ. એય સોમનાથ." અવાજ સાંભળીને સોમનાથ અને જીગ્નેશ બન્ને બાહર આવ્યા. જીગ્નેશને જોઈને કતરાતા સુખદેવ બોલ્યો.
"હાલો મેમાન. હવે અમારી મેમાનગતી માણો."
"હા.હા.હાલો.હુ તૈયાર જ છુ."
"મારો વાલો બોવ ડાયો. હાલ ત્યારે મોર થા." જીગ્નેશનુ બાવડું ઝાલીને પોતાની આગળ ધકેલતા સુખદેવ બોલ્યો. જીગ્નેશને ક્રોધતો ધણો આવ્યો. એણે દાંત કચકચાવ્યા. ડાબા હાથની અડબોથ સુખદેવના ડાચા ઉપર ફટકારવાની એને ઈચ્છા થઈ આવી. પણ પોતાનાં મગજ ઉપર કાબૂ જાળવી રાખતા સોમનાથને ઉદ્દેશીને બોલ્યો.
"આપણે સવારે મળીશું સોમનાથ ભાઈ. અને મે જે કીધું છે એ ભુલતા નહીં હો."
"અને તુ પણ ચિંતા ન કરીશ જીગ્નેશ. હુ તને સવારે હવેલીએ તેડવા આવીશ." સુખદેવ અને જીગ્નેશ હવેલી તરફ રવાના થયા. રસ્તામાં એક પચાસેક વર્ષના આધેડ ભાભા. હાથમા પૂજાની થાળી લઈને સામાં મળ્યા. જીગ્નેશને જોઈને ટહુક્યા.
"અહોભાગ્ય અમારા. જે રસ્તામાં મહેમાનના દર્શન થયા. સુખદેવ. મહેમાનની કાળજી રાખજે. બરાબરની આગતાસ્વાગતા કરજે. એમને કોઈ વાતની મણા નો રે એનુ ઘ્યાન રાખજે." અતડો અને આખાબોલો લાગતો સુખદેવ હાથ જોડીને નમ્રતાથી બોલ્યો.
"તમે જરાય ચિંતા ન કરશો બાપુ. મેહમાન ને કોઈ વાતની ઉણપ નય આવવા દવ." ભાભાએ જીગ્નેશ તરફ મધ ઝરતું સ્મિત ફેંક્યું અને પોતાનાં માર્ગે ચાલતા થયા. જીગ્નેશે જિજ્ઞાસા વશ પૂછ્યું.
"કોણ હતા આ મુરબ્બી.?"
"અમારા અન્નદાતા. અંબાલાલ શેઠ."
"હે!" આશ્ચર્ય નો ઉદગાર જીગ્નેશના ગળામાંથી નીકળ્યો.
હવેલીએ પોહચતા જ સુખદેવે જીગ્નેશની અંબાલાલના કહેવા પ્રમાણે આગતા સ્વાગતા શરુ કરી. સહુથી પહેલાં એણે એક ઠોસો જીગ્નેશના પેટમાં માર્યો. જીગ્નેશ આ હુમલા માટે શારીરિક કે માનસિક રીતે બિલકુલ તૈયાર ન હતો. એ પેટ પકડીને બેવડ વળી ગયો. જીગ્નેશના વાળને પોતાની મુઠ્ઠીમાં જકડતા સુખદેવે દાંત પીસીને પૂછ્યું.
"બોલ. કોણ છે તુ. અને શુ લેવા આવ્યો છે દૌલતનગરમા.?" જીગ્નેશને સામો પ્રહાર કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. પણ એવુ કરવાથી બધું કામ બગડશે એનો ખ્યાલ પણ હતો. એટલે જાણે કરગરતો હોય એમ એ ધ્રુજતા સ્વરે બોલ્યો.
"ભાઈસાબ. હુ તો મારાં ભાઈબંધ ના આગ્રહને વશ થઈ ને અહી આવ્યો હતો. પણ મને જો ખબર હોત કે અહી આવવું એ ગુનો છે. તો હુ ક્યારેય ન આવત. અને આજેતો શપથ લવ છુ કે અંહી થી કાલે ને કાલે ચાલ્યો જઈશ. અને પછી ક્યારેય આ તરફ ફરીને પણ નહી જોવ." ડરવાનો જોરદાર અભિનય કરતા જીગ્નેશને સારુ આવડતું હતું. આંખોમાં કુત્રિમ આંસુ પણ એ લય આવ્યો. એની અસર સુખદેવ ઉપર મહજ અંશે થઈ. એને જીગ્નેશ ઉપર દયા આવી હોય એમ લાગ્યું. જીગ્નેશના જટીયા એણે છોડી દીધા.
પણ અવાજમાં કરડાકી જાળવી રાખતા બોલ્યો.
"મનમાં કંઈ પણ ખોટ હોય તો મનમાં જ રેહવા દેજે સમજ્યો."જીગ્નેશે ડાયા છોકરા ની જેમ હકાર માં ડોકું હલાવ્યું.
"તારા માટે જમવાનું મોકલું છુ. વાળું કરીને સામેના ખુણામાં સુઈ જજે. અને સવાર સુઘી ત્યાંથી હલતો નહી. હુયે મોડી રાતે આવીને અહી તારી પાસે જ સુવાનો છું. સમજ્યો.?" જીગ્નેશ બરાબરનો સુખદેવના હાથમા સપડાયો હતો. પણ ધીરજ જાળવ્યા વિના છુટકો ન હતો. સુખદેવ તો ચાલ્યો ગયો. હવે એ જમવાની થાળીની રાહ જોઈ રહ્યો હતો. વાળુમાં એના માટે ચટણી. રોટલો ને છાસ આટલુ જ આવ્યુ હતું. વાળુની વાનગીઓ જોઈને મનોમન સુખદેવ ને કંઈ કંઈ ચોપડાવતા એણે થોડુક જ ખાધું. અને પછી એને સૂચવેલી જગ્યાએ આંખો બંધ કરીને સુવાનો ડોળ કરતો એ પડી રહ્યો. પણ પંદર મિનિટમાં જ એને નિંદર લાગી ગઈ. અચાનક મધરાતે જ્યારે એની આંખ ખુલી. તો એણે ત્રાસી આંખે સુખદેવની પથારી તરફ જૉયું. તો સુખદેવ જાગતો પડ્યો હતો. એટલે એ સુખદેવના સુવાની રાહ જોતો ઊંઘવાનો ડોળ કરતો પડ્યો રહ્યો. એને ફરી થી નિંદર આવવા લાગી હતી. પણ એ નીંદરને દુર હડસેલી રહ્યો હતો. એ સુખદેવના ઘોરવાની ઇન્તજરીમાં મહાદેવનું રટણ કરતો પડ્યો હતો. અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મહાદેવે જાણે એની પ્રાથના સાંભળી. અને સુખદેવ સુખની નિંદ્રામાં ઘેરાયો........ શુ હવે જીગ્નેશ ખજાનો મેળવી શકશે? રાહ જુવો...