Prayshchit - 68 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 68

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 68

પ્રાયશ્ચિત પ્રકરણ 68

અસલમ ના વચનમાં સચ્ચાઈનો રણકો હતો એટલે કેતન એ બાબતમાં નિશ્ચિંત થઈ ગયો.

એ પછી કેતને નાહી લીધું અને અસલમે રૂમ સર્વિસમાંથી ચા ની સાથે બ્રેડ ઓમલેટ નો ઓર્ડર આપ્યો અને કેતન માટે ઢોસાનો.

ચા નાસ્તો કરીને કેતને જાનકીને ફોન કર્યો.

" હું હવે નીકળું છું. એકાદ કલાકમાં માટુંગા આવી જઈશ. " કેતને કહ્યું.

" હું ગાડી લઈને દાદર સ્ટેશન ઉપર આવી જાઉં ? " જાનકી બોલી.

" ના.. ના.. હું ટેક્સીમાં ઘરે આવી જઈશ. હવે તો ઘર જોઈ લીધું છે. ડોન્ટ વરી. " કહીને કેતને ફોન કટ કર્યો.

" ઘરે જવાની શું ઉતાવળ છે ? બપોરે જમીને જ જજે ને ? " અસલમ બોલ્યો.

" મારી રસોઈ ત્યાં આજે બનવાની જ છે. પહેલેથી વાત થયેલી જ છે. " કેતન બોલ્યો.

" હા ભાઈ હા ગમે તેમ તોયે જમાઈરાજા છો ! " અસલમે હસીને કહ્યું.

એ પછી અસલમ ની વિદાય લઈને કેતન નીકળી ગયો. સવારના ઠંડા વાતાવરણમાં ટેક્સી કરવાના બદલે એ ચાલતો ચાલતો જ ૧૫ મિનિટમાં ચર્ચગેટ સ્ટેશને આવી ગયો. માત્ર દોઢ કિલોમીટર નું અંતર હતું.

એણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને બધાં સ્ટેશને ઊભી રહેતી લોકલ ટ્રેન પકડી જેથી માટુંગા જ ઊતરી શકાય.

માટુંગા સ્ટેશનથી ટેક્સી કરીને એ જાનકી ના ઘરે પહોંચી ગયો.

" તમે તો ઝડપથી આવી ગયા. મને એમ કે કલાક જેવું થશે. " જાનકીએ દરવાજો ખોલતાં હસીને કહ્યું.

" મારી ગણતરી ખોટી પડી. હું મુંબઈમાં રહેતો નથી ને એટલે અંદાજ ના આવે. " કેતન બોલ્યો.

" હું તો મજાક કરું છું. ચા નાસ્તો કરીને આવ્યા કે બનાવી દઉં ? " જાનકી બોલી.

" ચા પાણી પણ પી લીધાં અને ઢોંસો પણ ખાઈ લીધો. " કેતન બોલ્યો અને સોફામાં બેઠો.

ત્યાં રસોડામાંથી કીર્તિબેન બહાર આવ્યાં એટલે કેતન સોફા ઉપરથી ઉઠીને એમને નીચે નમીને પગે લાગ્યો.

" સુખી રહો દીકરા. અમારે તો કોઈ દીકરો નથી એટલે તમે મારા દિકરા બરાબર જ છો. " કીર્તિબેન લાગણીથી બોલ્યાં.

" કેમ પપ્પા દેખાતા નથી ?" કેતને પૂછ્યું.

" એ કામથી બહાર ગયા છે. થોડીવારમાં આવી જશે. " કીર્તિબેને જ જવાબ આપ્યો.

પંદર વીસ મિનિટમાં દેસાઈ સાહેબ પણ આવી ગયા. સફેદ લેંઘો ઝભ્ભો પહેરેલાં હતાં એટલે એ કોઈના બેસણામાં હાજરી આપવા ગયા હશે એમ કેતને માની લીધું. જીવનની આ પણ એક વાસ્તવિકતા હતી !!

આજે જમવામાં કીર્તિબેને કેતનની પ્રિય દાળઢોકળી બનાવી હતી. આમ તો પુરી અને ફ્રુટ સલાડ બનાવવાની કીર્તીબેન ની ઈચ્છા હતી પરંતુ જાનકીએ જ ના પાડી હતી. કેતનને દાળઢોકળી બહુ જ ભાવતી હતી.

" શું વાત છે !! આજનું મેનુ સરસ પસંદ કર્યું છે. " કેતન બોલ્યો.

" દરેક ઘરની દાળઢોકળીનો સ્વાદ અલગ હોય સાહેબ ! એકવાર ચાખીને કહો ૧૦ માંથી કેટલા માર્ક્સ આપો છો મમ્મી ને ? " જાનકી બોલી.

" મારે કોઈ માર્ક્સ નથી જોઈતા. શાંતિથી જમવા દે એમને. બધાની દાળઢોકળી સરસ જ થાય. " કીર્તિબેન બોલ્યાં.

" દાળઢોકળી ખરેખર સરસ જ થઈ છે. અને સાવ સાચું કહું ? મને દાળઢોકળી એટલી બધી ભાવે છે કે મારા ઘરની, તારા ઘરની અને દક્ષા માસીના હાથની દાળઢોકળી એકસરખી જ સ્વાદિષ્ટ લાગે છે. " કેતન બોલ્યો.

" હવે પોલીટીક્સમાં પ્રવેશવાનો વિચાર તો નથી ને સાહેબ ? ડિપ્લોમેટિક જવાબ આપ્યો તમે તો ! " જાનકી હસી પડી.

જમીને પછી કેતન આરામ કરવા માટે બેડરૂમમાં ગયો. અડધા પોણા કલાક પછી જાનકી પણ કામ પતાવીને આવી ગઈ.

" મને એમ કે તમે તો ઉંઘી ગયા હશો " જાનકી બોલી.

" ભરયુવાન નવોઢા પત્ની ઘરમાં હરતી ફરતી હોય એને કદી ઊંઘ આવે ? " કેતને રોમેન્ટિક મૂડમાં જવાબ આપ્યો.

" બહુ બદમાશ થતા જાઓ છો તમે તો " જાનકી બોલી.

" સાવ સાચું કહું છું. તારી માત્ર હાજરી થી જ મન ચંચળ થઈ જાય છે. યુવાન રૂપાળી છોકરી પાવરહાઉસ જેવી હોય છે મેડમ. બાઈક ઉપર પાછળ બેઠી હોય તો પણ બાઈક ચલાવનારો ૧૦૦ ની સ્પીડથી બાઈક ભગાવે અને ભલભલાને ઓવરટેક કરી દે. એટલે જ સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે ! " કેતને પોતાની ફિલોસોફી સમજાવી.

" તો લગન પહેલાં આ જ્ઞાન ક્યાં ગયું હતું ? જામનગર તમારી સાથે ૩ દિવસ એકલી રહી ત્યારે હું કંઈ ઘરડી નહોતી. " જાનકી ઠાવકાઈ થી બોલી.

" જાનકીના રામ તો મર્યાદા પુરુષોત્તમ છે મેડમ " કેતને હસીને કહ્યું.

" બોલવામાં તમને નહીં પહોંચાય " કહીને જાનકીએ કેતનની છાતી ઉપર માથું ઢાળી દીધું અને જાનકીના બેડરૂમમાં ફરી બે યુવાન હૈયાં હિલોળે ચડ્યાં.

ચાર વાગે જાનકી ચા બનાવવા માટે ઉઠી.

" કેવી રહી મીટીંગ તમારી ? વિનોદભાઈ સાથે પછી સેટિંગ થઇ ગયું ? " જાનકીએ પૂછ્યું.

" વિનોદ માવાણીને તો મેં સામે ચાલીને રૂપિયા કમાવાની તક આપી છે. એ શું કામ તૈયાર ના થાય ? બધું ફાઈનલ થઇ ગયું. અસલમ પણ ખુશ છે. " કેતન બોલ્યો. એણે સ્વામીજી વાળી કોઈ ચર્ચા ના કરી.

" હવે તારે અહીંયા મમ્મી પપ્પાના ઘરે થોડા દિવસ રોકાવાની ઈચ્છા છે ? તો હું કાલે સવારે એકલો જામનગર જાઉં. અને તારે આવવું હોય તો બે ટિકિટ બુક કરાવું. " કેતને પૂછ્યું.

" ના હું તમારી સાથે જ આવું છું. "

" ઓકે તો પછી હું ફ્લાઇટનું બુકિંગ કરી દઉં છું. અને હા આપણે અત્યારે દાદર સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જઈએ છીએ. મુંબઈ આવ્યો જ છું તો દાદાના આશીર્વાદ પણ લઈ લઈએ. મમ્મી પપ્પા ને આવવું હોય તો એમને પણ કહી દે. " કેતને કહ્યું.

જાનકીએ મમ્મીને પૂછ્યું પરંતુ કીર્તિબેને ના પાડી. એ બંને જણાંને એકલાં જ મોકલવા માગતાં હતાં જેથી એમને હરવા-ફરવાની સ્વતંત્રતા મળે.

" તમે લોકો દર્શન કરી આવો. અમે તો ઘણીવાર જઈએ છીએ. " કીર્તિબેન બોલ્યાં.

અડધા કલાકમાં એ લોકો ટેક્સી કરીને સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયાં. સજોડે દાદાનાં દર્શન કર્યાં. હોસ્પિટલના પોતાના નવા સાહસમાં આશીર્વાદ પણ માગ્યા. ઘરે પાછાં આવ્યાં ત્યારે સાડા સાત થયા હતા.

સાંજના ડિનરમાં કીર્તિબેને ભાખરી અને ફ્લાવરનુ શાક સાથે ખીચડી અને કઢી બનાવ્યાં હતાં.

" હોસ્પિટલ કેવી ચાલે છે કેતનકુમાર ?" દેસાઈ સાહેબ જમતાં જમતાં બોલ્યા.

" પપ્પા આવી હોસ્પિટલ આખા જામનગરમાં ક્યાંય નથી. એક પણ બેડ અત્યારે ખાલી નથી. ઉદઘાટન થયું ત્યારે ટીવીની ન્યુઝ ચેનલો માં પણ સારું એવું કવરેજ થયું હતું. એકાદ મહિનામાં મારા બંગલાનું વાસ્તુ કરું ત્યારે તમારા બન્નેની ટિકિટ હું મોકલાવી દઇશ. તમારી દીકરીનું ઘર પણ જોવાશે અને હોસ્પિટલ પણ જોવાશે. " કેતન ઉત્સાહથી બોલ્યો.

" હા હા એકવાર તો જરૂર આવીશું. એ બહાને દ્વારકાધીશનાં દર્શન પણ થશે. " દેસાઈ સાહેબ બોલ્યા.

દેસાઈ સાહેબ અને કીર્તિબેન બંનેને કેતન નો સ્વભાવ ખૂબ જ ગમી ગયો. આટલી શ્રીમંતાઈ હોવા છતાં જરા પણ અભિમાન નહીં. બધાં સાથે ભળી જાય એવો જમાઈ મળ્યો હતો.

મુંબઈથી સવારે ૧૧ વાગ્યાનું ફ્લાઈટ હતું જે બપોરે ૧૨:૧૦ કલાકે જામનગર પહોંચી જતું હતું. કેતન અને જાનકી સવારે ૯ વાગ્યે તૈયાર થઈને નીકળી ગયાં. ટેક્સી કરીને દાદર સ્ટેશન ગયાં અને ત્યાંથી ટ્રેન પકડી સાન્તાક્રુઝ ઉતરી ગયાં. ત્યાંથી ટેક્ષી કરી એરપોર્ટ પહોંચી ગયાં.

બપોરે ૧૨:૧૫ વાગે પ્લેન જામનગર લેન્ડ થયું. મુંબઈ એરપોર્ટ ઉપરથી જ મનસુખ માલવિયા સાથે વાત થઈ ગઈ હતી એટલે કેતનની ગાડી લઈને મનસુખ હાજર જ હતો.

કેતન જેવો એરપોર્ટની બહાર આવ્યો કે એની ટ્રોલીમાંથી મનસુખે બેગ ઉપાડી લીધી.

દક્ષાબેનને પણ સૂચના અપાઇ ગઇ હતી એટલે રસોઈ પણ ઘરે તૈયાર જ હતી. કેતન અને જાનકી હાથ-પગ ધોઈને જમવા બેસી ગયાં. જમવામાં દાળ ભાત રોટલી અને વાલોળનું શાક હતું !

એ પછી ચાર વાગ્યા સુધી બંનેએ આરામ કર્યો. આજે હોસ્પિટલ જવાનો મૂડ ન હતો એટલે કેતન જાનકીને ઘરે જ રોકાવાનું કહીને ઓફિસ ગયો. ગાડીમાંથી જ એણે જયેશ ઝવેરીને ફોન કરી દીધો.

ઓફિસ પહોંચીને એણે જોયું કે બઝર લાગી ગયું હતું. હવે જયેશભાઇ ને બોલાવવા માટે બૂમ નહીં પાડવી પડે. એણે બટન દબાવીને જયેશને બોલાવ્યો.

"હું અંદર આવવાનો જ હતો શેઠ. બીજા તો ખાસ કંઈ સમાચાર નથી. રોજ હોસ્પિટલમાં એકવાર વિઝીટ કરી આવું છું. ત્યાં તો બધુ સરસ ચાલી રહ્યું છે. કાલે આ બઝર પણ ફીટ કરાવી દીધું. " જયેશે રિપોર્ટ આપ્યો.

" આપણે બે વાર ગરીબ અને મધ્યમ વર્ગની કન્યાઓનાં સમૂહ લગ્નની પેપરમાં જાહેરાત આપી હતી પણ એનો કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. લોકોમાં હજુ આ પ્રકારની જાગૃતિ નથી અને આપણું ટ્રસ્ટ નવું છે એટલે હજુ સુધીમાં ટોટલ ૪ કન્યાઓ તરફથી ટપાલ આવી છે." જયેશ બોલ્યો.

" હમ્.... .લગ્નને લગભગ એક મહિનો બાકી છે. તમે ૧૦ જાન્યુઆરી સુધી રાહ જુઓ. જો ૧૦ કન્યાઓ પણ તૈયાર થશે તો આપણે આ સમૂહ લગ્નનો પ્રોગ્રામ બનાવીશું અને નહીં થાય તો આ વર્ષ પૂરતો આ વિચાર આપણે માંડી વાળીશું." કેતન બોલ્યો.

" શેઠ આપણે ગરમ ધાબળા વિતરણ કર્યા એ પેપરમાં પણ આવી ગયું. એ ગરીબ વસ્તી વાળા લોકો પણ ઘણા ખુશ છે. " જયેશ બોલ્યો.

" હવે સાંભળો. રાજકોટ વાળા અસલમ શેખને તમે નામથી તો ઓળખો જ છો. એ આપણા હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પણ આવેલો. એની સાથે જ હું મુંબઈ ગયેલો. અસલમ " મૈત્રી ટ્રેડર્સ " નામની એક ફર્મ ખોલે છે અને એ હોલસેલ દવાઓનો બિઝનેસ ચાલુ કરે છે." કેતન બોલ્યો.

" એકાદ મહિનામાં એની પાસે સેલટેક્સ નંબર પણ આવી જશે. આપણો મેડિકલ સ્ટોર ચાલુ થઈ જાય એટલે તમામ દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝ અને સેલાઇન ના બાટલા આપણે મૈત્રી ટ્રેડર્સ માંથી જ મંગાવવાના છે. સોક્સ આઇવી સેટ અને ઈન્જેક્શનની નિડલ્સ પણ ત્યાંથી જ આવશે. " કેતને કહ્યું.

" તમારે થોડી એક્સરસાઇઝ કરવી પડશે. અથવા તો તમે રાજેશ ને વાત કરજો. તમામ ડોક્ટરો બધા દર્દીઓને અમુક ચોક્કસ પેઇન કીલર એન્ટીબાયોટિક્સ, એન્ટી હિસ્ટામીન, કફ સીરપ વગેરે લખતા હોય છે અને એડમિટ થયેલા દર્દીઓને પણ આપતા હોય છે. ઓપરેશન થિયેટરમાં પણ ચોક્કસ ઇન્જેક્શન વપરાતાં હોય છે. " કેતન કહી રહ્યો હતો.

" આ તમામ કોમન દવાઓ અને ઇન્જેક્શનો નું એક લિસ્ટ બનાવો જેથી હું એ અસલમને પહોંચાડી દઉં. મેડિકલ સ્ટોર ચાલુ થાય ત્યારે આ તમામ દવાઓ અને ગ્લુકોઝ સેલાઇન પૂરતી માત્રામાં આપણી પાસે હોવાં જોઈએ અને અસલમના સ્ટોકમાં પણ હોવાં જોઈએ." કેતને સમજાવ્યું.

" હા એ હું બરાબર રાજેશને સમજાવી દઈશ કારણ કે આખો દિવસ એ હોસ્પિટલમાં જ હોય છે. એટલે દરેક ડોક્ટર પાસે ૧૫ મિનિટ બેસીને એ કોમન લિસ્ટ તૈયાર કરી શકશે. " જયેશ બોલ્યો.

" ઠીક છે. કોઈ ઉતાવળ નથી. આપણી પાસે પૂરતો ટાઈમ છે. અને આપણે આ વર્ષ પૂરતો કન્યાઓના સમૂહ લગ્નનો પ્રોગ્રામ રદ કરીએ છીએ. ઈશ્વરની ઇચ્છા વગર કંઈ થતું નથી. મારા માટે જે યોગ્ય હશે એ પ્રભુ મારી પાસે કરાવી જ લેશે" કેતન બોલ્યો.

" જી શેઠ. તમે અત્યારે પણ ઘણું કરી રહ્યા છો. દ્વારકાધીશની કૃપાથી આજે આખા જામનગરમાં તમારી ચર્ચા ચાલી રહી છે. લોકો હવે તમને ઓળખવા લાગ્યા છે. " જયેશ ઝવેરી બોલ્યો.

" ચાલો હવે હું નીકળું. જાનકી ઘરે એકલી છે. " કહીને કેતન ઉભો થઇ ગયો અને બહાર આવ્યો. સ્ટાફના તમામ સભ્યો સાવધાન થઈ ગયા.

" લિસન...તમારા કોઈના પણ પરિવારમાં ભગવાન ન કરે પણ કોઈ બીમાર પડે તો આપણી હૉસ્પિટલમાં ફ્રી સેવાઓ અપાશે. ઓપરેશન પણ ફ્રી થશે. એ સિવાય કોઈને કંઈ તકલીફ હોય તો વિના સંકોચે મને જણાવી શકો છો. " કેતને સ્ટાફને સંબોધીને કહ્યું.

" સર તમે આ વાત કરીને અમારા બધાનું દિલ જીતી લીધું છે. અમને અહીંયા કોઇ જ તકલીફ નથી. આપની ઓફિસમાં જોબ કરવાની તક અમને આપી એ માટે જયેશ સરનો પણ અમે આભાર માનીએ છીએ. બધા એક ફેમિલીની જેમ જ જોબ કરીએ છીએ. આપ અમારી આટલી બધી કાળજી રાખો છો એ બદલ આખા સ્ટાફ વતી હું આપનો આભાર માનું છું સર. " કાજલ ઉભી થઈને બોલી. આખા સ્ટાફમાં કાજલ વધુ સ્માર્ટ અને બોલકી હતી. કામકાજમાં પણ હોશિયાર હતી.

" અને વિવેક તું પણ રિલેકસ થઈ જજે. ઓફિસમાં શિસ્ત જરૂરી છે એટલે મારે તે દિવસે ગુસ્સે થવું પડ્યું. હું મનમાં કંઈ રાખતો નથી. ચાલો હવે છ વાગી ગયા છે. તમે લોકો પણ નીકળો. " કહીને કેતન સડસડાટ બહાર નીકળી ગયો.

નવી નવી આવેલી અદિતિ તો બૉસને જોઈ જ રહી. કેટલા હેન્ડસમ અને કેટલા દિલદાર બૉસ મલ્યા છે. જાનકી મેડમ ખરેખર નસીબદાર છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)