શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ:
શુભ કાર્યની શરૂઆત આપણે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીની સ્તુતિથી કરીએ છીએ અને કાર્ય મંગલમય રીતે અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા આશિષ મેળવીએ છીએ. આજે આપણે શ્રી તુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના એક સુંદર સોપાન એવા સુંદરકાંડની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યાં છીએ, ત્યારે નીચે દર્શાવેલી શ્રી તુલસીદાસજી મહારાજની ચોપાઈઓ, જેમાં એક જગ્યાએ મારું નામ મૂકી વિઘ્નહર્તા મંગલ-દાતા શ્રી ગણપતિજીને પ્રાર્થના કરું છું. હે ગજાનન મહારાજ! હે વિઘ્નહર્તા ગણપતિજી! ભગવાન શ્રીરામ અને માતા સીતાજી હંમેશા મારા મન-મંદિરમાં નિવાસ કરે તેવા શુભાશિષ આપો.
ગાઇયે ગનપતિ જગબંદન । સંકર-સુવન ભવાની-નંદન ॥
સિદ્ધિ-સદન, ગજ-બદન, બિનાયક । કૃપા-સિંધુ, સુંદર, સબ-લાયક ॥
મોદક-પ્રિય, મુદ-મંગલ-દાતા । બિદ્યા-બારિધિ, બુદ્ધિ-બિધાતા ॥
માઁગત ઉદય કર જોરે । બસહિં રામસિય માનસ મોરે ॥
સંપૂર્ણ જગતના વંદનીય, ગણોના સ્વામી, ભગવાન શંકર અને માતા પાર્વતીજીના પુત્ર અને તેઓને હંમેશા પ્રસન્ન કરનારા, વિઘ્નહર્તા શ્રી ગણપતિજીના હું ગુણગાન કરું છું. જેઓ સિદ્ધિઓના ભંડાર છે, જેઓ ગજ જેવા મુખવાળા છે, જેઓ સર્વે વિઘ્નોનો નાશ કરનારા છે, જેઓ કૃપાના સાગર છે, સુંદર છે અને સર્વથા યોગ્ય છે, જેમને મોદક બહુ પ્રિય છે, જે આનંદ અને કલ્યાણ પ્રદાન કરનારા છે, જેઓ વિદ્યાના અથાગ સાગર અને બુદ્ધિના અધિષ્ઠાતા છે, એવા શ્રી ગણેશજી પાસે ઉદય બે હાથ જોડીને એ જ વરદાન માંગે છે કે “શ્રી સીતારામજી મારા મન-મંદિરમાં સદા નિવાસ કરે”.
યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥
વિદ્યાના દેવી માતા શારદાની કૃપા વગર શબ્દો ક્યાંથી મળી શકે? માતા સરસ્વતીજીને પણ સાદર વંદન કરી, પ્રસંગોચિત્ત અને અભિવ્યક્તિને અનુરૂપ યોગ્ય શબ્દો પ્રદાન કરે તેવી નત્મસ્તક થઈ વિનંતી કરું છું.
ચિત્રકૂટાલયં રામમિન્દિરાનન્દમન્દિરમ્ । વન્દે ચ પરમાનન્દં ભક્તાનામભયપ્રદમ્ ॥
અર્થાત ચિત્રકૂટમાં નિવાસ કરનારા, માતા સીતાજીના આનંદનિકેતન અને ભક્તોને અભય પ્રદાન કરનારા પરમાનંદસ્વરૂપ ભગવાન શ્રી રામચંદ્રજીને હું કોટી કોટી નમસ્કાર કરું છું. “રામ ત્વમેવાશ્રય:”, હે રામ ભગવાન! તમે જ મારા આધાર છો, હું તમારો સંપૂર્ણ રીતે આશ્રિત છું.
સીતાશોકવિનાશાય રામમુદ્રાધરાય ચ । રાવણાન્તકુલચ્છેદકારિણે તે નમો નમ: ॥
હે મહાવીર હનુમાનજી! આપ માતા સીતાજીના શોકને દુર કરવાવાળા અને પ્રભુ શ્રીરામની મુદ્રિકા ધારણ કરનારા છો. રાવણકુળના વિનાશક એટલે કે રાવણકુળના સંહારના મુખ્ય કારણ એવા ભગવાન શંકરના અગિયારમા રુદ્ર સ્વરૂપ શ્રી હનુમાનજીને હું કોટી-કોટી વંદન કરું છું.
જે ગુર ચરન રેનુ સિર ધરહીં, તે જનુ સકલ બિભવ બસ કરહીં.
જે સકૃત સુમિરત બિમલતા મન સકલ કલિ મલ ભાજહીં
જે વ્યક્તિ પોતાના શ્રીગુરુજીના ચરણોની રજ મસ્તક ઉપર ધારણ કરે છે, તે જાણે સઘળાં ઐશ્વર્યોને પોતાના વશમાં કરી લે છે. તેના ચરણોનું એક વાર પણ સ્મરણ કરવાથી મનમાં નિર્મળતા આવી જાય છે અને કળિયુગના બધા પાપો નાસી જાય છે. જેઓની કૃપા વગર હું કંઇ જ નથી, જેઓની કૃપા વગર આ સુંદરકાંડ વિશે એક પણ શબ્દ લખવાની મારી શક્તિ નથી, મારો પ્રભુ શ્રીરામ પ્રત્યેનો પ્રેમ જેઓના આશિષની ફળશ્રૂતિ છે, જેઓની અસીમ કૃપાથી જ મારું સંપૂર્ણ અસ્તિત્વ છે, તેવા મારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજના ચરણોમાં હું સાષ્ટાંગ પ્રણામ કરું છું.
પ્રભુને ભક્તો વ્હાલા છે અને ભક્તોને પ્રભુ વ્હાલા છે. સુંદરકાંડમાં મુખ્યત્વે રામભક્ત શ્રીહનુમાનજીની કથા છે, તેઓના ચરિત્ર તથા ચરિતનું વર્ણન છે અને તેઓ વિશે કંઈપણ લખવું હોય, તો હૃદયમાં શ્રી સીતારામ વિરાજિત હોવા અનિવાર્ય છે. જો મારા હૃદયમાં સીતારામ બિરાજમાન નહીં હોય, તો ત્યાંથી નીકળેલા શબ્દો કે ત્યાંથી સ્ફૂરેલા વિચારો શ્રીહનુમાનજીને પ્રિય નહીં લાગે, માટે શ્રી ગણપતિજીની સવિનય સ્તુતિ, માતા સરસ્વતીજીને પ્રાર્થના, પ્રભુ શ્રીરામના આશ્રિત થઈ, શ્રી હનુમાનજીને વંદન કરી તથા પૂજ્ય ગુરુદેવના હૃદયથી આશીર્વાદ મેળવી, પ્રભુ શ્રીરામ અને માતા સીતાજી મારા મન અને હદયમાં હંમેશા નિવાસ કરે છે; તેવા ભાવ સાથે સુંદરકાંડની આ સુંદર કથાનો પ્રારંભ કરી રહ્યો છું.
ગોસ્વામી શ્રીતુલસીદાસજી પ્રણિત શ્રીરામચરિતમાનસની દરેક ચોપાઈ એક મંત્ર છે. દરેક ચોપાઈની પાછળ કોઈને કોઈ ગુઢ અર્થ છુપાયેલો છે. દરેક ચોપાઈમાં કોઈને કોઈ સંદેશ છુપાયેલો છે. પરંતુ આખા શ્રીરામચરિતમાનસમાં સુંદરકાંડ અધિક મહત્વ ધરાવે છે, તેવું માનવામાં આવે છે; કારણ કે સુંદરકાંડ એ ભક્તનું ચરિત્ર છે અને ભક્તનું ચરિત્ર પ્રભુને સૌથી વધુ પ્રિય હોય છે. સુંદરકાંડ એ રામભક્ત શ્રીહનુમાનજીની પરાક્રમગાથા છે અને તેથી જ શ્રી હનુમંત્ત ચરિત્રમાં એક અપાર શક્તિ રહેલી છે. શ્રીસુંદરકાંડની કથાનો શુભારંભ, “આ કાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું?” તેવા પ્રશ્નના સામાન્ય માણસોથી લઈ સંતોના વિવિધ તર્કો અને અભિપ્રાયોથી કરીએ.
પ્રથમ અને સરળ મત એવો છે કે, રામાયણમાં મુખ્યત્વે પ્રભુ શ્રીરામના જીવનચરિત્રનું વર્ણન છે. શ્રીરામચરિતમાનસના આ પાંચમાં સોપાન સુંદરકાંડમાં મુખ્ય પાત્ર ભગવાન શ્રીરામ નથી, પરંતુ શ્રી હનુમાનજી મહારાજ છે. અંજની માતા શ્રીહનુમાનજીને તેઓ નાના હતા ત્યારે વ્હાલથી “સુંદર” એવા હુલામણા નામથી બોલાવતા હતા. આ કારણસર શ્રી વાલ્મિકીજીએ આ કાંડનું નામ સુંદરકાંડ એવું રાખ્યું છે.
બીજા એક મત મુજબ માતા સીતાજી એટલે ભક્તિ સ્વરૂપા, માતા સીતાજી એટલે શક્તિ સ્વરૂપા. જ્યારે હનુમાનજી એક સંત કે એક ભક્ત છે. આ કાંડમાં સીતાજીને શોધવાની એટલે કે ભક્તિને પ્રાપ્ત કરવાની કથા છે. જ્યારે એક સાચો ભક્ત ભક્તિને મેળવવા, ભક્તિની શોધ કરવા નીકળે છે, ત્યારે એને કેવા પ્રયત્નો કરવા પડે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તેણે કેવા અને કેટલા પ્રયત્નો કરવા જોઈએ? વગેરેનું તાદ્શ નિરૂપણ આ કાંડમાં કરેલું જોવા મળે છે. આરામના પ્રલોભનથી ન આકર્ષાવાથી લઈ, ભૂખ્યા-તરસ્યા જંગલોમાં ભટકવા સુધી અને સમુદ્ર લાંઘવાથી લઈ, જરૂર પડ્યે લંકા બાળવાનું દુર્ગમ કાર્ય કરવું પડે; તો જ ભક્તિ મળે, તો જ શક્તિ મળે. એક ભક્ત માટે ભક્તિ અને શક્તિની શોધ દર્શાવતો કાંડ ચોક્કસ જ સૌથી સુંદર હોય, માટે આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે. આમ પણ જીવનમાં ભક્તિ નથી મળતી ત્યાંસુધી જ બધા વિઘ્નો અને મુશ્કેલીઓ રહેતી હોય છે. ભક્તિ પ્રાપ્ત થયા બાદ બધુ સુગમ જ હોય છે. જ્યાંસુધી શ્રીહનુમાનજી માતા જાનકીજીને મળ્યા ન હતા, ત્યાંસુધી પ્રલોભન રૂપી મૈનાક, સ્પર્ધક રૂપી સુરસા, ઈર્ષ્યા રૂપી સિંહિકા તથા ભેદબુદ્ધિરૂપી લંકિની વગેરે વિઘ્નો આવ્યા હતા, માતા વૈદેહીને મળ્યા બાદ તો બધા કામો સુગમતાથી જ પૂર્ણ થયા.
આજનો આ પ્રથમ લેખ મંગલાચરણ અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઇએ તો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારતા એવા આ કાંડનું નામ સુંદરકાંડ શા માટે પડ્યુ તેના બે મંતવ્યો પૂરતો રાખીએ છીએ. આગળના લેખમાં આ કાંડનું નામ સુંદરકાંડ કેમ પડ્યુ? તેના વધુ રસપ્રદ કારણો જોઈશું.
સર્વે વાચકોને મારા જય સીયારામ….
મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||