શીર્ષક : શ્વાસની એફ.ડી. બને ખરી?
©લેખક : કમલેશ જોષી
એક મિત્ર હમણાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. સ્વસ્થ થઈને બહાર નીકળ્યો ત્યારે એણે એક ગહન વાક્ય કહ્યું: મૃત્યુનો ભય ભલભલા માણસને સીધો દોર કરી નાંખે છે. હોસ્પિટલમાં હોઈએ અને ડોક્ટર કહી દે કે તમારા આવનારા ચોવીસ કે અડતાલીસ કલાક બહુ ક્રિટીકલ છે, ત્યારે એ સમયે તમારી ભીતરે વિચારોનો જે પ્રવાહ વહેવાનો શરુ થાય છે એ છે ગંગાનો પ્રવાહ. આવા વિચારો બાઇક કે કારમાં સવાર હોઈએ કે હોટેલમાં પંજાબી ચાઇનીઝ દાબતા હોઈએ કે સાજા-તાજા-માજા હોઈએ ત્યારે નથી આવતા. ત્યારે તો કોઈને સળી કરવાના, નસો ખેંચવાના, પાડી દેવાના, પાઠ ભણાવવાના શકુનિછાપ વિચારોનો ગટરપ્રવાહ આપણી અંદર ધસમસતો હોય છે.
તો શું મૃત્યુનો ભય એ આપણા માટે પોઝીટીવ બાબત છે? એક મિત્રે કહ્યું સલામતીનો અહેસાસ જ માણસને ક્યારેક ફટવી મારતો હોય છે. જેના બે છેડા માંડ ભેગા થતાં હોય એવા માણસના વાણી, વર્તન અને વિચારો માપસરના હોય છે. જયારે જેની દર મહિને મોટી એફ.ડી. બનતી હોય એવા માણસોના વિચારો બેફામ બની જતા હોય છે. એક મિત્ર ફિક્સમાંથી ફૂલ પેમાં આવ્યા એટલે પગારમાં પંદર-વીસ હજારનો વધારો થયો. એ પછી ‘આ લઈ લઉં, તે લઈ લઉં’ એવા વિચારો એને દિવસરાત પજવવા લાગ્યા. કોઈનો નવો મોબાઈલ જુએ એટલે તરત એની કિંમત પૂછે. છ મહિનામાં બે ચાર નક્કામી વસ્તુઓ એણે ખરીદી પણ લીધી. એ પછી એણે મકાનની લોન લીધી. મોટો હપ્તો કપાવાનો શરુ થતાં પગાર પાછો લિમિટમાં આવી ગયો. નવો મોબાઈલ લેવાનું તો દૂર પણ રિચાર્જ કરતી વખતે પણ એ ત્રણ વાર વિચાર કરતો થઈ ગયો. હપ્તો ચૂકવવાની જવાબદારીનો અહેસાસ, અસલામતીની ભાવના એના વાણી, વર્તન અને વિચારો પર લગામ લગાવી ગઈ.
તમે કોઈની સાથે બોલાચાલી કે ઝઘડો કર્યો હોય એ જ વ્યક્તિના અઠવાડિયા પછી મૃત્યુના સમાચાર સાંભળી તમને ખેદ શા માટે થાય છે? મરનાર માણસ તમને બિચારો કેમ લાગે છે? તમારે તો એની સાથે મતભેદ હતો, મનભેદ હતો છતાં ભીતરે ખુશીને બદલે ખેદ કેમ? સજ્જન લોકો આ ખેદ ખાળવા જ બોલાચાલી ટાળતા હોય છે. ઝઘડા દરમિયાન બોલાતા વાક્યો કદી સદવિચાર નથી હોતા. ‘તને જીવતો નહિ મુકું’ કે ‘થાય એ કરી લેજે’ જેવા વાક્યો કોઈ સભાન કે ધ્યાનસ્થ કે પ્રસન્નચિત્ત અવસ્થામાં બોલતું નથી. ‘ગાળાગાળી’ કે ‘મારામારી’ એ ખિન્ન, નાખુશ કે હતાશ હૃદયના વાણી અને વર્તન છે. મનુષ્ય તો આનંદનું સ્વરૂપ છે.
હસતો-નાચતો-આનંદિત મનુષ્ય એટલે જીવતો જાગતો ભગવાન. એક મિત્રે કહ્યું જ્યારથી હું કોરોનામાંથી બહાર આવ્યો છું ત્યારથી મારી લાઇફમાં બહુ મોટો ચેન્જ આવી ગયો છે. ગઈ કાલ સુધી જે નાની-નાની બાબતો મને ગુસ્સો અપાવતી હતી એ જ બાબતો હવે મને હસવા જેવી લાગે છે. લાઇફ છે તો બધું છે. નિર્જીવ નોટોની થોકડીઓ એક તરફ અને જીવંત પરિવાર, મિત્રો, પરિચિતો સાથે હસતા ખીલતા વીતાવેલી ક્ષણો એક તરફ. છેલ્લા શ્વાસ લેતી વખતે, જીવતા માણસોના ભોગે, નોટોની થોકડીઓ કે એફ.ડી. ભેગી કરવામાં ખોટો ટાઈમ વેસ્ટ કર્યો હોય એવો અહેસાસ ચોક્કસ થવાનો. શું આ અહેસાસ માટે છેક છેલ્લા શ્વાસ સુધી રાહ જોવાની જરૂર ખરી?
વિચિત્રતા કેવી છે! આપણને પહેલા શ્વાસ વખતે પણ સ્વજનોની જરૂર પડે છે અને છેલ્લા શ્વાસ વખતે પણ સ્વજનો યાદ આવે છે. બસ, બાળપણ અને બુઢાપાની વચ્ચેનો ગાળો એવો આવે છે કે આપણે કૃષ્ણ વિચારથી દૂર ભાગીએ છીએ. જયારે જોશ અને હોશ બંને હોય ત્યારે એક માત્ર મૃત્યુનો આંચકો, સહેજ અમથું એક્સિડેન્ટ કે જરાક અમથો ધરતીકંપ કે મોટી બીમારીનો રિપોર્ટ આપણને કૃષ્ણં શરણં ગચ્છામિ કરાવી જાય છે. જો આવું કંઈ ન થાય તો આપણે ભલા અને આપણામાં વહેતા શકુનિછાપ વિચારો ભલા. શ્વાસો અને સંબધોની એફ.ડી. તૂટતી રહે અને રૂપિયા, પૈસાની એફ.ડી. બનતી રહે.
યાદ રહે શ્વાસની એફ.ડી. બનતી નથી. બીજું બધું ભલે વધે પણ આપણા શ્વાસની બેલેન્સ રોજે રોજ ઘટી રહી છે. કાશ ઈશ્વરની બેંકે આપણને શ્વાસની ગણતરી કરતી પાસબુક આપી હોત! કાશ રોજ રાત્રે આપણને આપણી શ્વાસની બાકી રહેલી બેલેન્સ જણાવતો એસ.એમ.એસ. કૃષ્ણકાનુડો આપણને મોકલતો હોત! જો આવું હોત તો આપણને પાછા વળી જવાની ખબર તો પડત. જો એવું હોત તો આપણે શ્વાસની આખરી એફ.ડી. સત્કાર્યમાં, યાત્રામાં કે ઈશ્વર સ્મરણમાં વાપરવાનું આયોજન કરી શકત ને!
એક મિત્રે કહ્યું: મેં નક્કી કર્યું છે કે રોજના આઠ કલાક જ નોકરી-ધંધા પાછળ કે અર્થોપાર્જન પાછળ ખર્ચવા, બાકીનો સમય પરિવાર સાથે પ્રભુ ભક્તિ માટે જ વાપરવો. એ સામાન્ય જિંદગી જીવતો મિત્ર જયારે પણ મળવા આવે ત્યારે એના પોઝીટીવ વાણી, વર્તન અને વિચાર હંમેશા ઉત્સાહ વધારનારા હોય. એણે કહ્યું: દરેકમાં કૈંકને કૈંક પોઝીટીવ હોય જ છે. બસ, હું જેને મળું એને એની પોઝીટીવીટીની જાણ કરું. તમે નહિ માનો એવું કરવાથી મને પોતાને જે ફીલ થાય છે એ ટાઢક બીજે ક્યાંય ફીલ થતી નથી. શું આવું કરાય? કોઈને મળીને એનો સદગુણ એને કહેવા, કોઈને ફોન કરી એની પોઝીટીવ બાબત એને જણાવવા જે સમય કે શ્વાસ આપણે ખર્ચીએ એની કૃષ્ણ કાનુડાની બેંકમાં એફ.ડી. થાય ખરી? થાય તો કાનુડો કેટલું વ્યાજ આપે? વિશ્વાસ રાખજો સાતે પેઢીમાં ન ખૂટે એટલું વ્યાજ કાનુડો આવા શ્વાસોની એફ.ડી.નું આપતો હોય છે. બસ, તમને બીજામાં સદગુણ કે પોઝીટીવીટી દેખાવા જોઈએ. છે કોઈ એવું તમારા સિવાયનું પોઝીટીવ વાણી, વર્તન અને વિચાર વાળું તમારા ધ્યાનમાં.. તો ઉઠાવો કદમ અથવા મોબાઈલ અને કરી દો શ્વાસોની એફ.ડી. કેમ કે
‘ન જાને કબ જીવન કી આખરી શામ આ જાયે...
ન જાને કબ મૌત કા પૈગામ આ જાયે...
હમે તલાશ હૈ ઉસ પલકી...
જબ એ જિંદગી કિસી કે કામ આ જાયે...’
- kamlesh_joshi_sir@yahoo.co.in