શીર્ષક : ભીતરનો ઉત્સવ
©લેખક : કમલેશ જોષી
તહેવાર એટલે લાલ, લીલા, પીળા વસ્ત્રો અને ડિલીશીયસ વાનગીઓ, નાચવું, ગાવું અને મોજ મસ્તી કરવી. અઠવાડિયાઓ, મહિનાઓનો થાક ઉતરી જાય એટલો આનંદ કરવા માટેનો દિવસ એટલે તહેવાર. દિવાળીના દિવસો પહેલા ઘરના રંગરોગાનથી શરુ કરી કપડાની નવી જોડીના પ્લાનિંગ શરુ થઈ જાય. નવરાત્રિના દિવસો પહેલા એની પ્રેક્ટિસ શરુ થઈ જાય. જન્માષ્ટમીના દિવસો પહેલા મેળા ભરાઈ જાય અને રામનવમીના અઠવાડિયા પહેલા રામલીલાના નાટકો શરુ થઈ જાય. તહેવારનું આખું અઠવાડિયું માનવમન જુદો જ ઉમંગ, ઉત્સાહ અનુભવતું હોય. સામાન્ય દિવસોમાં જે રૂટિન લાઈફ ચાલતી હોય, એકનું એક કામ અને એકના એક વિચારો ચાલતા હોય એનાથી કંટાળેલો, થાકેલો માણસ ઉત્સવના દિવસોમાં જરા જુદું વિચારી લે, જુદું જીવી લે.
મારા ભાણીયાએ મને પૂછ્યું: "મામા, આપણે ઉત્સવ શા માટે ઉજવીએ છીએ?" મેં એક સંતે કહેલો જવાબ એને આપ્યો: "કોઈ મહાન ઘટના કે મહાન વ્યક્તિને યાદ રાખવા આપણે તહેવાર ઉજવીએ છીએ. જેમકે દશેરાના દિવસે રાવણવધ થયો એ ઘટનાને યાદ કરી રામત્વ અને રાવણત્વનો ભેદ પેઢીઓ સમજે અને જીવનની દિશા નક્કી કરે એ માટે વર્ષો પહેલા બનેલી એ ઘટનનાને આપણે આજેય ઉજવી રહ્યા છીએ. નવા નવા કપડાં પહેરવા, ભાતભાતના ભોજન ખાવા અને નાચવું-ગાવું એ ઉત્સવનો-તહેવારનો બાહ્ય ભાગ છે, ભીતરે તો તહેવારો આખા જીવનની દિશા અને દશા બદલી નાખે એવું અદ્ભુત ટોનિક લઈને આવ્યા હોય છે. જો એ અંદરનો અર્થ સમજાઈ જાય તો જિંદગીનો પ્રત્યેક દિવસ ઉત્સવ બની જાય." મારો ભાણીયો તો મારી સામે ગંભીર નજરે તાકી રહ્યો. એણે મોં ગોળ કરી મસ્તીભરી સીટી વગાડી.
તમે ક્યારે આવી મસ્ત સીટી વગાડી હતી યાદ કરો. વહેલી સવારે અમારી શેરીમાં દૂધ દેવા આવતો દૂધવાળો આખી શેરીમાં સંભળાય એવી મસ્ત સીટી વગાડતો કોઈ જુનું ભજન ગણગણતો આવતો. બે ઘડી એની સીટી સાંભળવા રોકાઈ જવું પડે એવી મસ્ત ધૂન એ વગાડતો. આપણી સૌની અંદર આવી કોઈ ધૂન પડેલી હોય છે. એ ધૂનની મસ્તીનો અહેસાસ એટલે આપણો ભીતરી ઉત્સવ. કોઈ ફિલ્મી ગીત કે કોઈ ગરબો કે કોઈ ભજન કે એવું કઈ પણ આપણી ભીતરે સતત વાગતું રહે ત્યાં સુધી ભીતરી કોષો, તત્વો જીવનના ઉત્સવને ઉજવી રહ્યા હોય છે. કોર્પોરેટ ઓફિસમાં કામ કરતો કર્મચારી આઠથી દસ કલાક ગંભીર ચહેરો ધારણ કરી ભીતરી ધૂનને સ્વીચ ઓફ કરી મહિનાઓ સુધી, વર્ષો સુધી ચૂપચાપ કમ્પ્યૂટરની સ્વીચોના રુક્ષ ધ્વનિનો રિયાઝ કરવામાં ડૂબી જાય છે ત્યારે ભીતરે ધૂનનો સાઉન્ડ ધીરે ધીરે લૉ થતાં થતાં મ્યુટ થઈ જાય છે. એના શરીરનું ટેમ્પરેચર તો નોર્મલ હોય છે પણ એનું મન, એનો આત્મા ગંભીર બીમારીથી ઘેરાઈ ગયો હોય છે. કમનસીબે બે-ચાર અંગતો સિવાય એની આ બીમારી કોઈને દેખાતીયે નથી.
જિંદગી માટે આપણે કમાઈએ છીએ કે કમાવા માટે આપણે જીવીએ છીએ? જીવનના અમૂલ્ય દશકાઓના ટાઈમ ટેબલ જુઓ તો એમાં જીવંતતાના કલાકો કેટલા? સવારના સાત વાગ્યામાં બસમાં બેસી કમ્પનીમાં પ્રવેશતો એજ્યુકેટેડ ઓફિસર હોય કે કારખાનામાં પ્રવેશતો મજૂર કે કારીગર હોય, એ સાંજે સાત વાગ્યે ઘરે પાછો ફરે ત્યારે ચૂસાઈ ગયેલા ગોટલા કે પીસાઈ ગયેલી શેરડી જેવો થઈ ગયો હોય. એનામાં ટાંટિયા લાંબા કરી ટીવી જોતા પડ્યા રહેવા સિવાય કંઈ કરવાની તાકાત ન હોય. આવું પાછું બે-પાંચ દિવસ નહિ, વર્ષો, દશકાઓ સુધી ચાલે. બહાર કોયલ ટહુકાઓ કર્યા કરે, આકાશે મેઘધનુષ્યો રચાયા કરે, તળાવ ઉપર પક્ષીઓનું ઝુંડ મોટી ચાદરની જેમ અવનવા આકારે ઉડ્યા કરે, બાગબગીચામાં ફૂલડાંઓ ખીલ્યા કરે, નદીઓ અને ઝરણાંઓ વહ્યા કરે પણ આ બધું એને બિલકુલ ન દેખાય. વિશ્વ જેટલું બહાર છે એટલું જ આપણી ભીતરે છે. જો ભીતરે ઉત્સવ હોય તો જ બહારનો ઉત્સવ દેખાય કે સ્પર્શે, નહિંતર ફટાકડાઓ દેકારો લાગે અને નવરાત્રિના ગરબા ખાલી કસરત લાગે.
જો મન ઉત્સાહથી નાચતું હોય તો આપણું કૂદાકૂદ કરવું પણ નૃત્ય બની જાય, જો અંતર પ્રસન્ન હોય તો આપણા રાગડા પણ સપ્તસુરીલા ગીત બની જાય, જો આત્મા ખીલેલો હોય તો આપણું લેક્ચર પણ ભાગવત કથા બની જાય, જો ભીતરે ભક્તિભાવ હોય તો આપણી મજૂરી પણ કર્મયોગ બની જાય, જો ભીતરે કાનુડો ગીતાના સૂર છેડતો હોય તો આપણું ઝઘડવું પણ ધર્મયુદ્ધ બની જાય. ખરો તહેવાર કે ઉત્સવ ભીતરે ચાલતો રહેવો જોઈએ. જો ભીતરે સન્નાટો હોય તો બહારનું બધ્ધું વ્યર્થ. માંદા માણસને ઊંધિયા કે ગુલાબજાંબુમાં પણ સ્વાદ નથી આવતો અને સાજા માણસને રોટલો અને રીંગણનું શાક પણ ડિલીશીયસ લાગે છે.
બે પૈસા કે બે ગાડી કે બે મકાન ઓછા હશે તો ચાલશે પણ બે-ઈમાની નહિ ચાલે. જો તમે કર્મચારીઓ કે ગ્રાહકોનું શોષણ કરીને પૈસો કમાતા હો તો ધનતેરસ તમારા માટે નકામી, જો તમે બાવડાની તાકાત નિર્દોષોને હેરાન પરેશાન કરવામાં વાપરી હોય તો કાળી ચૌદસ તમારી દુશ્મન, જો તમે બુદ્ધિથી કેવળ કાવાદાવા જ કર્યા હોય તો વાગ્બારસ તમારા માટે નકામી, જો તમારા ઘરમાં, સોસાયટીમાં કે ઓફિસમાં તમારાથી નારીશક્તિનું સન્માન ન જળવાતું હોય તો ભાઈબીજ તમારા માટે નથી. ડોક્ટર ભલે તમને હન્ડ્રેડ પર્સેન્ટ સ્વસ્થ અને તંદુરસ્ત કહે પણ તમારી ભીતરે નસેનસમાં માનવ્ય મૃતઃપ્રાય સ્થિતિએ પહોંચી ગયું છે. બહુ મોડું ન કરતા. આ વખતના તહેવારોમાં બાહ્ય કરતા ભીતરી ઉત્સવ પર વધુ ધ્યાન આપજો. કાનુડો તો તમારો સાથ છેક છેલ્લા શ્વાસ સુધી નહિ છોડે. એકાદ સંકલ્પથી શરુ કરો અને જુઓ ચમત્કાર. તમારી ભીતરે ઉત્સવ સર્જવાની તાકાત કેવળ એક જ વ્યક્તિમાં છે અને એ તમે ખુદ છો. જો તમે ધારો તો તમારી ભીતરે ઉજવાતા ઉત્સવને રોકવાની કોઈની ત્રેવડ નથી. ઉદ્ધરેદાત્મનાત્માનમ્. છેલ્લે છેલ્લે તો આપણને સમજાઈ જ જવાનું છે કે ‘રામ નામ સત્ય છે’, પણ ત્યારે આપણે કશું કરી શકીએ એવી સ્થિતિમાં નહિ હોઈએ. તો આજથી જ કેમ નહિ?
તમારી ભીતરે દિવાળીનો ઉજાસ ફેલાય અને નવા વર્ષે તમે ભીતરેથી નવા-નવા રંગબેરંગી વસ્ત્રો જેવા અને મોં ગળ્યું કરતી મીઠાઈ જેવા બની જાઓ એનો મને ઈન્તેજાર રહેશે... મળીએ તહેવારોમાં...
kamlesh_joshi_sir@yahoo.co.in