Rajvi - 19 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 19

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 19

(૧૯)

(નેમકુમારનો વરઘોડો દ્રારિકામાં નીકળીને મથુરાનગરીએ પહોંચે છે. ત્યાં બધા જ વરને જોવા ઉત્સુક છે. હવે આગળ...)

સંયોગ... એકબીજા જોડેનો સંયોગ આ બધું જ ભાગ્યને આધીન છે. પણ સાથે એટલું જ સાચું એ પણ છે કે સંયોગ શબ્દની સાથે સદાને માટે વિયોગ સંકળાયેલો જ છે અને રહેશે જ.

"રાજુલ ગોરી બેઠાં બારીએ રે.

જુએ નેમિની વાટ..."

વૃદાં જયારે મોટેથી ગાવા લાગી તો શશિલેખાએ તેને ધમકાવતાં કહ્યું,

"તું જરા છાની મર. આખું ગામ જાણશે કે રાજુલ અહીં બેઠી છે."

"એમાં કંઈ કોઈની ચોરી છે? રાજુલ એના વરને નહીં જુએ તો કોણ જોશે. જા... જા... તું તો આવીને આવી જ રહી. ચાલ રાજુલ, બરાબર પાળને પકડીને ઊભી રહે એટલે ચોખ્ખું દેખાય."

વૃદાંએ રાજુલને ખભેથી પકડીને આગળ કરી.

રાજુલ શરમાતી પાળ પકડીને ઊભી રહેવા ગઈ તો એના કંકણોએ રણકાર કર્યો... જાણે નેમને પાણિગ્રહણ માટે આહ્વાન આપતાં કંકણો પર તેને વહાલ ઉપજ્યું હોય તેમ એને ડાબા હાથથી જમણાં હાથ પર રહેલા કંકણને પંપાળવા માંડયું અને આંખોમાં ખુશીના આસું ઉભરાયાં. તે પાછી વિચારોમાં ખોવાઈ ગઈ કે,

'હમણાં થોડા દિવસ પહેલા જ માધવીએ મને કૃષ્ણ મહારાજનો શંખ નેમકુમારે વગાડયો તે વાત કરેલી. કેટલું અદભુત બળ... છતાં સૌમ્ય વાણી... પ્રભુ, કયાં પુણ્યબળે એમને મારો સ્વીકાર કર્યો.'

થોડી ક્ષણો તો એની છાતી ગર્વથી ફૂલી ગઈ. અને જાણે સત્યભામાની મસ્તી ભરેલી આંખો અને મદભર્યા અંગને પડકારતી હોય એમ એ ગણગણી.

"મારા કૃષ્ણ... મારા કૃષ્ણ... કરતાં હતાં ને તો હવે જોજો કે સ્વામી એમને કેવા પાછળ નાંખી દે છે. હવે જ એ બધાની સાન ઠેકાણે આવવાની છે."

'કિન્તુ અભિમાન ન કરીએ' એવો જાણે અંતરિક્ષમાં થી અવાજ ઊઠયો અને એ વિચાર ત્યાં જ રોકી લીધો.

"અલી, ભારે ભાગ્યવાન નીવડી! ત્રણ લોકોને અજવાળે એવો ભરથાર છે. પણ જરા તેમને હાથમાં રાખજે. આમ સાવ શીળી બનીશ તો તો તને સાવ ઘોળીને પી જશે."

"તું પણ શું વૃદાં, આજે એને ભડકાવવા બેઠી છે... બિચારીને સાવ નરમ કરી નાખી."

શશિલેખાએ પાછી એને આગળ બોલતાં અટકાવતી બોલી.

"તો જ બળ આવશે... આ તો અત્યારથી જ એવું મોં કરીને બેઠી છે કે જાણે નેમકુમારની આજ્ઞા સાંભળવા જ બેઠી હોય."

"હા, રાજુલ હો.. વૃદાંની વાત મને પણ થોડીઘણી સાચી લાગે છે."

શશિલેખા આંખો પહોળી કરતાં બોલી અને એણે રાજુલની મ્હોં ઊંચું કરી તેની આંખોમાં આંખો પરોવવાનો પ્રયત્ન કર્યો.

"આમ આંખ ભીની શાની થાય છે. જરા સ્વસ્થ થા અને તારું પણ અસ્તિત્વ છે એવું બતાવ. તું તો જાણે એનામાં દબાઈ જવા જ તૈયાર થઈને બેઠી છે. પેલી સત્યભામાની જેમ પોતાના પતિ સાથે રૂઆબ થી વાત કરવાની!"

સખીએ એને અભિનય કરીને જોડે ઉપદેશ પણ આપતી જતી હતી.

પરંતુ રાજુલના કાને કોઈ જ શબ્દ ન અથડાયો એ તો નિઃશબ્દ બનીને દૂર દૂર જોતી  જ રહી હતી. રથના અશ્વો એને વધારે સમીપ લાગી રહ્યા હતા અને સખીએ દૂરથી બોલતી હોય એવો જ તેને આભાસ થતો હતો. અને રથમાં બેસેલો પેલો માનવી, એ એક વ્યક્તિ એના માટે આખા વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી હતી, જયારે બાકી બધું જ એમાં વિલય પામી ગયું હતું.

મહેલ દેખાતા અશ્વો પણ જાણે દોડવા માંડયું હતું, પણ સારથીએ તો 'આ વરઘોડો છે... જાન જઈ રહી છે, નહીં કે તમે યુધ્ધ કરવા માટે જઈ રહ્યા છો.' એમ સમજાવવા રાશ ખેંચીને સમજાવીને કાબુમાં રાખવા પડતા હતા.

"પશુઓ પણ કેવા સમજે છે..."

સારથીને વિચાર આવ્યો. એટલામાં તો ભયંકર કોલાહલ અને ચીસાચીસ નેમિકુમારને કાને પડયાં.

"આ બધો શેનો અવાજ છે?"

તેમને સારથીને પ્રશ્ન કર્યો. ત્યાં તો વળી કોઈ ઘોર આક્રંદ કરતું હોય એવો અવાજ સંભળાયો.

"આટલી બધી ચીસાચીસ અને રાડારોળ કોણ કરે છે?"

કુમારે ભ્રમર ખેંચતા પૂછ્યું. છતાં સારથીએ કોઈ જવાબ ન આપ્યો.

"શતાયુ... કેમ જવાબ નથી આપતો, તને પણ કંઈ નથી સંભાળતું કે નથી લાગતું? પણ મને લાગે છે કે આ મારી ભ્રમણા છે, છતાં આ કોલાહલ પણ અસહ્ય છે."

તેમને સારથીને જરા જોરથી સંબોધ્યો.

સારથી કુમારનું બોલવું સાંભળીને ગભરાઈ ગયો, છતાં હિંમત કરીને ધીમેથી જવાબ આપ્યો કે,

"મને પણ બરાબર ખબર નથી. છતાં લગ્ન પ્રસંગના ભોજન સમારંભ માટે પ્રાણીઓને પૂરી રાખવામાં આવે છે એ તો મને ખબર છે. કદાચ એટલે જ એ બધાં પણ બૂમાબૂમ કરતા હશે."

"પૂરી રાખવાનું કારણ?"

કુમારે જાણે ભયાનક વાત સાંભળી હોય એમ આશ્ચર્ય અને કંપ અનુભવ્યાં.

"વાહ, તમે પણ ખરા છો, ભાઈ. જાનને જમાડવા માટે તો સર્વશ્રેષ્ઠ વાનગીઓ જ બનાવવી જોઈએ ને... અને એ માટે આવું તાજું માંસ જ જોઈએ."

"એટલે આવી ચીસાચીસ કરીને હણાએલા જીવો પર આપણે મિષ્ટ વાનગીઓ ઉડાવવાની?"

કુમારે રોષમાં પૂછ્યું.

"એમ જ ચાલતું આવ્યું છે."

સારથીએ લગામ ખેંચતા કહ્યું.

"પણ આવું ભોજન તો ગળે જ ન ઉતરે."

"આપણા કુળમાં પણ આવા કંઈક સમારંભો ઉજવાયા છે."

"પણ આવો અનુભવ કોઈ દિવસ નથી થયો."

"આ તો જાન જમાડવાની, અને એ પણ યદુકુળના કુમારને. એમાં જરાપણ કચાશ ન જ ચલાવાય, અને ઉગ્રસેન રાજાને પણ આ લગ્નમાં ઘણું ઉજવવાનું છે. છેલ્લી પુત્રીના લગ્ન છે એટલે પછી શું બાકી રહે?"

"શતાયુ... મારે.વધારે નથી સાંભળવું. જો એકના આનંદ અને જીવન પાછળ લાખોનો સંહાર થતો હોય તો ધૂળ પડી એ આનંદમાં, અને ધિક્કાર છે એ જીવનને..."

"સ્વામી..."

શતાયુની તો જીભ અચકાઈ ગઈ.

"રથને પાછો વાળ."

નેમકુમારે આજ્ઞા કરી.

"પણ કુમાર..."

શતાયુના હાથમાંથી પકડેલી લગામ ઢીલી પડી ગઈ.

"મારો હુકમ છે કે રથને પાછો વાળ..."

કુમારે મેઘગર્જના કરતાં કહ્યું.

અટારીએ ઊભેલી રાજુલને રથને ઊભો રહેતા જોયો. તેને નરી આંખ કરી બરાબર અવલોકન કરવા માંડયું. વૃદાં, શશિલેખા અને સખીમંડળ પણ જોઈ જ રહ્યા.

એટલામાં તો રથના અશ્વો કૂદ્યા અને આંખના પલકારામાં પાછા વળ્યાં.

"ઓહ..."

રાજુલથી તીણી ચીસ નંખાઈ ગઈ.