(૧૮)
(નેમકુમારની પણ પીઠી ચોળવવાની વિધિ મજાક મશ્કરીમાં પૂરી થાય છે. હવે આગળ...)
શ્રાવણ સુદિ છઠનો દિવસનો પ્રાતઃકાળ ઊગી ગયો. લગ્ન દિવસ પણ આવી પહોંચ્યો. સૂરજના કિરણો વર્ષા હોવા છતાં પણ થોડા પ્રગટ થયાં અને કુમારને લગ્નની શુભેચ્છાઓ પાઠવીને થોડી જ ક્ષણોમાં ચાલી ગઈ.
એટલામાં જ સૂરજ પણ થનગનતો આવી ગયો, જાણે કિરણો એના નાથ સૂરજદેવને જ બોલવવા ગઈ હોય તેમ કોહીનૂર હીરાની જેમ તે ચમકવા લાગી.
"ઓહો... આજે તો સૂરજદાદા પણ તમને આર્શીવાદ આપવા આવી પહોંચ્યા."
રુક્મિણીએ રથમાં બેસવા જઈ રહેલા કુમારના કાનમાં કહ્યું,
"તમારા બધાનો પ્રતાપ છે."
કુમારે પણ જવાબ આપતા કહ્યું.
"ના, તમારા સૌભાગ્યનો પ્રતાપ!"
રુક્મિણીને મળેલો યશ ના જીરવી વકી અને તેની વિનમ્રતાએ એને આનંદ ન માણવા દીધો.
"ચાલો, હવે વરઘોડાનો સમય થઈ ગયો છે."
જાબુવંતી એટલામાં કયાંયથી હાંફળી હાંફળી આવતા બોલી અને આવી હતી એવા જ વંટોળવેગે તે ત્યાંથી ચાલી ગઈ.
કુમારના માથે છત્ર શોભવા લાગ્યું.
છત્રધારી અને ચામરધારીઓ એમની બે બાજુ ચાલતા હતા. મહેલની બહાર આવ્યા ત્યારે રથ એમને માટે તૈયાર જ ઊભો હતો. શ્વેત અશ્વો પણ રાજુલને મળવા માટે અધીરા બની ગયા હોય એમ થનગનતા ઊભા હતાં. જમીનને અડતા એમના પૂંછડાના વાળ કુમારને માટે ધરતીને સાફ કરતાં હોય એમ આમતેમ ફરતાં હતાં.
જયારે નેમકુમારનું અંગ તો ઝગારા મારતું હતું અને એ દેહમાંથી જાણે પ્રકાશની હજારો કિરણો છૂટતી હોય તેમ વાતાવરણ પણ તેજસ્વી ભાસતું હતું. શરીર પરનાં આભૂષણો પર હાથ ફેરવતાં નેમકુમારને વિચાર આવ્યો...
'શા માટે માનવજીવનમાં આવાં બહારી તત્વો સૌંદર્યવૃદ્ધિ માટે વપરાતાં હશે. રાજુલ તો વળી આના કરતાં અનેકગણા વધારે મૂલ્યવાન અલંકારો ધારણ કરશે.
પણ એનાથી તેનું સાચું સૌંદર્ય ઢંકાયેલા જશે કે વિશેષ દીપી ઉઠશે? અને એ પણ મને મળવા માટે અત્યારે તૈયાર જ થતી હશે ને?'
અંતઃપુરની તમામ સ્ત્રીઓ સુંદર ગીતો ગાઈ રહી હતી અને એ તેમના કાને અથડાઈ.
"લાડલો વળી વળી પાછું જુએ..."
અને સાચે સાચ એમણે પાછળ નજર કરી. નાંખી નજર પહોંચે એમ નહોતું. સાજન ઘણું હતું. હજારો હાથીઓ ધીમે ધીમે ધરતીને માપતાં હોય એમ મહાલતા મહાલતા વિધવિધ રાજવીઓને લઈને ચાલતા હતા. પાછળ શિબિકાઓમાં રાણીઓ ઊત્સાહભરી
બેઠેલી દેખાતી હતી. અને એમનો સ્વર કુમારના અંતરમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો પ્રગટાવતો જાણે સમગ્ર બ્રહ્માંડને એ લગ્નની વધામણી આપતો જતો હતો.
સવારે રાજમાર્ગ પર લોકોનાં જૂથોના જૂથો વરઘોડો જોવા ઊમટી પડયા હતા. સૌની પ્રેમાળ નજરો એમના પર મંગલ અક્ષતની માફક વેરાતી જતી હતી અને સ્નેહભીના એ સમગ્ર પ્રજાગણને જોઈ કુમારનું મન પણ અહોભાવથી ભીનું થઈ ગયું.
"સદાયે માનવી માનવી વચ્ચે આવો પ્રેમભાવ રેલાતો રહે તો લાગે છે કે જીવનમાં કદી સ્વર્ગની ઈચ્છા જ ન કરે."
અને એ વિચારપ્રવાહમાં એમને સૌને બે હાથ જોડીને નમન કર્યું. સૌની નજર જાણે તેમને મૂક સંદેશો આપી રહી હતી કે,
'સદાને માટે આવો સદભાવ અને શુભકામના દાખવતા રહેજો....'
માનવસમુદાયની મૂક આશિષ લઈને તેમનો
રથ આગળને આગળ વધતો જતો હતો.
દૂરથી ઉગ્રસેન રાજાનો મહેલ દેખાવા લાગ્યો. 'વરઘોડો આવે છે... વરઘોડો આવે છે... ' એ અવાજથી સૌના અંતર વરને જોવા ઉતાવળાં થઈ ગયા.
અંતઃપુરની અટારીએ રાજુલની સખીઓ વરઘોડાના આગમનની વાટ જોતી ઊભી રહી. દૂરથી વાજિંત્રોના અવાજ અને ધૂળના ગોટાઓએ એમની આંખો ખેંચવા માંડી.
"અરે, રાજુલને બોલાવી લાવીએ..."
એક સખીએ વાત રજૂ કરી અને પ્રસ્તાવના મૂકી. અને જયાં એ વાકય બોલાયું ન બોલાયું ત્યાં તો આખુંયે જુથ અંદર દોડી ગયું.
અંદરના ખંડમાં ઘીના દીપક સામે સ્થિર નજર કરી રાજુલ બેઠી હતી. નાજુક નમણી રાજુલે આજે લાલ કલરની સુંદર ચણિયાચોળી પહેરી હતી. ગળામાં પાંચ હાર ક્રમબધ્ધ પહેર્યા હતા. હાથમાં કેટલાય સોનાના કંગન અને દસે આંગળીમાં સોનાના વેઢ. તેના પગમાં સોનાની પાયલ અને પગમાં સુંદર મજાની કારીગરી વાળા વેઢલા પહેર્યા. કેડમાં કંદોરો એ પણ ઘૂઘરી વાળો રણકતો હતો. માધવી તેને બરાબર તૈયાર કરી રહી હતી. એના ઉપર પાનેતરની ચૂંદડી અને એની કિનાર એના બેય ગાલને વધારે લાલિમા આપતી શોભી રહી હતી.
તેના શરીર પર અલંકારો પહેરાવેલા પણ તે અલંકારથી કે અલંકાર તેનાથી ચડિયાતા હતા, એની બંને વચ્ચે હોડ લાગી હતી. પણ જયારે એ અલંકારે પોતાને દર્પણમાં જોયું તો રાજુલનું આત્મિક સૌંદર્ય તો તેના શારીરિક સૌંદર્ય કે પહેરેલા અલંકાર કરતાં પણ ચડિયાતા હતાં. એવામાં હાથ પરની સૌભાગ્યચૂડીઓ તરફ નજર કરતાં જ એ શરમાઈ ગઈ. એણે જમણા હાથ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલામાં તો માધવી બોલી ઊઠી કે,
"લો, આ સંખીમંડળ પણ આવી પહોંચ્યું."
"ચાલ રાજુલ, બહાર ચાલ... જરા વરને જોતો ખરી કે કેવા દેખાય છે."
વૃદાં બોલી તો રાજુલે શરમાતી અને નીચી નજરે જ જવાબ આપ્યો.
"વૃદાં, મારે નથી આવવું..."
"અરે... ગાંડી, અત્યારે જોઈશ તો ચોરીમાં જોવાનો લ્હાવો અધૂરો નહીં રહે."
"અને કઈ કન્યા વરને જોવા છાનીમાની બારીએ કે અગાશીમાં નથી ઊભી રહેતી, કહે જોઈએ તો..."
શશિલેખાએ ટહુકો કરતી હોય એમ જ બોલી પડી.
"પણ આ બહેનબા તો શરમનો અવતાર છે."
માધવી બોલી.
"ચાલ હવે ઊભી થા... અને અટારીમાં ચાલ..."
અને સૌએ એને બાજોઠ પરથી હાથ પકડીને ઊભી કરી.
અળતાવાળા પગને હળવે હળવે ઉપાડતી રાજુલ અટારી ભણી ચાલી. ગળામાંનો હાર એના પગલાં સાથે તાલ મીલાવતો ડોલતો હતો. ચંદ્રમુખી કન્યા જેવી રાજુલને જોઈ સખીઓ વધારે ઉલ્લાસમાં આવી ગઈ.
"વાહ રે મારી સહેલીનો સ્વાંગ..."
વૃદાં બે હાથ પહોળા કરતી બોલી ઊઠી.
"વૃદાં, તું હવે બસ કર... "
શશિલેખાએ એને ધમકાવી અને એ ધીમે સ્વરે ગાવા લાગી તો વૃદાં મોટેથી સ્વર પૂર્યો.
"રાજુલ ગોરી બેઠાં બારીએ રે.
જુએ નેમિની વાટ..."