Rajvi - 17 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 17

Featured Books
Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 17

(૧૭)

(ઉગ્રસેન રાજાએ લગ્ન દિવસને વધાવી પોતાની મંજુરી આપી દીધી. ધારિણીરાણીના મહેલમાં લગ્નની ત્યાં તૈયારી ચાલુ થઈ ગઈ. હવે આગળ...)

લગ્નની આગળ ચાલતી વિધિઓ ઘર પરિવારને જોડવા માટે જ બનાવવામાં આવી છે. એમાં જ પરિવારની એકતા અને સંવાદિતા દેખાય છે.

મથુરા નગરી જમાઈના આગમનની પૂરજોશમાં તૈયારી ચાલી રહ્યા છે. રાજુલના મહેલમાં ગૌરીપૂજન અને ગણેશની વિધિ પૂરી થઈ ગઈ હતી. શ્રાવણ સુદિ પાંચમ ની સવાર થઈ. હસી મજાક કરતાં કરતાં રાજુલની પીઠી ચોળવામાં આવી.

જયારે આ બાજુ દ્રારકાનગરીમાં પણ હિલોળે ચડી હતી. તેને પણ સ્વર્ગ સમાન શણગારી દેવામાં આવી હતી.

પાંચમનું પ્રભાત ઊગ્યું અને ભાભીઓનું જૂથ નેમકુમારને ચારે બાજુથી ઘેરી રહ્યું હતું. માતાઓનો આનંદ તો દૂર બેઠા બેઠા જ દેખાઈ રહ્યો હતો. શિવાદેવી, દેવકી વગેરે સલાહ સૂચનો આપી રહ્યા હતા અને એના તાલે તાલે તથા લયે લયે સત્યભામા, જાંબુવતી, રુક્મિણી વગેરેના અંગોપાંગ કામે લાગી ગયા હતા. કયાંય પણ બેસૂરાપણું કે બેતાલપણું દેખાઈ નહોતું રહ્યું. સંવાદિતા બરાબર રચાઈ રહી હતી.

"ચાલો, દિયરજી... બાજોઠે બેસવા."

સત્યભામાએ નેમને ખભેથી પકડીને કહ્યું તો નેમનો આનંદ પણ છાનો ન રહ્યો.

"પણ ભાભી, મને તૈયાર તો થવા દો."

"હવે તમને તૈયાર અમે કરીશું, એ પણ બધાની વચ્ચે. પછી જુઓને તમારો રંગ થાય છે તે."

"એટલે તમે બધા મારી પર સાથે જ આક્રમણ કરવાનાં છો?"

કુમારે દેહને ટટ્ટાર કરીને પૂછ્યું.

"અરે, માત્ર આક્રમણ જ નહીં, પણ તમને પૂરા હરાવવાના છે."

જાબુવંતી પાછળથી આવીને બોલી.

"ઓ ભગવાન..."

નેમે માથે હાથ દેતાં કહ્યું.

"હવે તમારી ભગવાન રાજુલ... અને તમે એના ભગવાન... બાકી કોઈ નહીં, સમજયા."

સત્યભામા બોલી.

ભાભીઓના વૃંદથી ઘેરાયેલા કુમાર મહેલના ચોકમાં આવ્યા, પૂર્વ બાજુ મુખ રાખીને બાજોઠ પર સૌએ એમને બેસાડી દીધા.

"આના કરતાં બધાં મને ઊંચકીને જ લાવ્યા હોત તો..."

કુમારે ભાભીઓની મશ્કરી કરતાં કહ્યું.

"વખત આવે તો એમ પણ કરવું પડશે."

અત્યાર સુધી શાંત રહેલી રુક્મિણી બોલી.

"અલી ઓ, થોડાં ગીતો તો ગાવ..."

દેવકીમાનો અવાજ સંભળાયો.

"વાતો કરવામાં થી જ પરવારતી નથી તો એ બધી શેને ગાય."

શિવાદેવીએ તેમને સાથ પૂરાવતા કહ્યું.

"મોટાં નાં છોરું પીઠી ચોળાવે છે."

સત્યભામા કુમારના કપાળ પર પીઠીના લપેડા કરતાં બોલી.

"અરે ભાભી, આંખોમાં નાંખો છો."

કુમારે બૂમ પાડી,

"તે હવે તમારે નવી આંખે જ જોવાનું છે ને, એટલે."

એટલું કહીને જાબુવંતીએ એમના બેય ગાલ પર પીઠી ચોળી દીધી. પિત્તળવર્ણો દેહ સુંદર લાગી રહ્યો હતો,

રુક્મિણીએ કહ્યું,

"લાવો, હાથ લાંબા કરો."

અને પછી બંને હાથ તદ્દન પીળો થઈ ગયો ત્યાં સુધી બધાએ એમને ઘસી નાંખ્યા.

એટલામાં તો બળદેવ અને કૃષ્ણ મહારાજ પણ ત્યાં આવી પહોંચ્યા.

"ભારે રંગીલો લાગે છે."

બળદેવે કૃષ્ણને કહ્યું.

"અરે, તમે તો આ ભાઈને જાણતાં જ નથી. બાકી આ રંગ ચડાવતા અમને શું વીત્યું છે, એ તો અમારું મન જાણે છે."

"તને તો એનો શોખ છે.... આમ પણ ધમાલ તને ગમે છે."

અને બળદેવે કૃષ્ણને બોલતા બંધ કરી દીધા અને જવાબમાં કૃષ્ણે હસીને કુમારના બાજોઠ પાસે ગયા. એમના માથા પર ઘડામાં થી જળ રેડયું.

"અરે, અરે, તમે બધા ભેગા મળીને ગૂંગળાવી નાંખશો."

કુમારે ગભરાઈને બોલી નાંખ્યું.

"ભલે.. પણ આજે અમારો દિવસ છે."

કૃષ્ણે વધારે ને વધારે પાણી રેડતાં કહ્યું.

"બધા મારા પર વેર તો નથી લેતાં ને?"

"તે તો અમારા પગે પાણી ઉતાર્યું છે, પણ અમે તો તારા પર શીતળ જળવર્ષા કરીએ છીએ. બોલ, અમારા અને તારામાં ફેર ખરો કે નહીં?"

કૃષ્ણે કુમાર સામે ઊભા રહીને કહ્યું.

"જરૂર જરૂર..."

કુમારે પણ હસતાં હસતાં કહ્યું. કૃષ્ણ મહારાજ પણ ટાઠક વળી એને ખુશ જોઈને. બધાએ ભેગા થઈને જમણા હાથે રાખડી બાંધી.

"ભગવાન તમારી રક્ષા કરે."

રુક્મિણીએ આશિષ આપ્યા.

બાજોઠ પરથી ઊભા થઈને કુમાર શિવાદેવી અને દેવકીને પગે લાગ્યા, ત્યાર પછી સમુદ્રવિજય, બળદેવ, કૃષ્ણ વગેરેને પગે લાગ્યા. છેલ્લે ભાભીઓને કહ્યું કે,

"તમે બધાએ મને આજે એટલો બધો હેરાન કર્યો છે કે હું તમારે પગે નહીં પડું. માત્ર નમન જ કરીશ."

છતાં કુમારનું મસ્તક ભાભીઓના ચરણે નમી પડયું.

"હવે આડી માત્ર બે જ રાત છે, પછી પડજો જેના પગે પડવાનું હોય એના."

જાબુવંતી જરા રૂઆબમાં બોલી.

"અનુભવ બોલાવતો લાગે છે."

કુમારે સામો જવાબ આપીને એને ચૂપ કરી દીધી તો સત્યભામા ખુશ થઈ ગઈ. જાબુવંતી નું મ્હોં ચડેલું જોઈને કુમારે એને તરતજ બોલાવી કે,

"ભાભી, અત્યારથી ચૂપ થઈ જશો તો પછી લગ્ન સુધી ચાલશે કેવી રીતે?"

જાબુવંતી ખુશ થઈને બોલી ઊઠી કે,

"હજી લગ્નનો દિવસ તો આવવા દો... પછી ખબર પડી જશે."

રુક્મિણીને આવા લગ્ન માટેના શબ્દોના ગમ્યા એટલે તે ગંભીર થઈ ગઈ.

"થાકી ગયા છો, ભાભી?"

કુમારે રુક્મિણીને પ્રશ્ન કર્યો તો તેને પોતાની જાતને સ્વસ્થ કરીને કહ્યું કે,

"ના રે......"

"હવે તમે બધા એને છોડો."

કૃષ્ણ મહારાજે તેમની પાસે આવીને કહ્યું.

"પણ એમને પોતાને જ આનંદ એટલો બધો થાય છે કે એ જ મશ્કરીમાં થી ઉંચા નથી આવતા."

સત્યભામાએ કમર પર હાથ રાખીને કહ્યું તો,

"એમ વાત છે!"

કૃષ્ણ મહારાજે આંખના ઈશારે પ્રશ્ન કર્યો અને આંખના ઈશારે જ જવાબ પણ મળી ગયો.

કૃષ્ણ જયારે એમના આવાસે પાછા ફર્યા ત્યારે મન ખુશ હતું કે,

'કુમાર આટલો બધો અનુકૂળ બની જશે અને આટલો બધો ઉલ્લાસિત થઈ જશે એની તો કલ્પના પણ નહોતી કરી.'

'વાહ, સ્ત્રી જાતિ વાહ, તું તો પાસે આવ્યા વિના, તારી કલ્પના અને તારા નામ માત્રથી જ પુરુષના આત્માને ઉંચો નીચો કરી નાંખવાની શક્તિ ધરાવે છે. તારી શક્તિને પૂજવી પડશે, તારી આરાધના કરવી પડશે. સંસારક્ષેત્રે તારી સ્થાપના કરવી પડશે."