Rajvi - 15 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 15

Featured Books
Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 15

(૧૫)

(ઉગ્રસેન રાજાએ નેમકુમાર સાથે પોતાની પુત્રીનું સગપણ કર્યું. હવે આગળ...)

મતભેદ હંમેશા ચાલ્યા જ કરે છે. કોઈ વાત માટે એકનો મત અલગ હોય અને બીજાનો અલગ. ઉગ્રસેન રાજા લગ્ન વર્ષાઋતુ પછી કરવા માંગે છે.

કૃષ્ણ મહારાજે જયારે સમુદ્રવિજય રાજાને આ બધી વાતો કરી તો તેમને એક નવો મત દર્શાવ્યો.

"જો ભાઈ, આનું ભલું પૂછવું. માંડ માંડ ઠેકાણે આવ્યો છે. એમાં જો બે માસ વીતી જશે તો પાછો ફરી બેસશે."

"પણ કાકાજી, શું થાય? ચોમાસામાં તો ઉગ્રસેન રાજા તૈયાર ન જ થાય."

"આપણે એમને સમજાવીશું."

"પણ એમ તો ઓછું કહેવાય કે અમારો પુત્ર પરાણે પરણવા તૈયાર થયો છે."

કૃષ્ણ મહારાજે પ્રશ્ન કર્યો.

"એમ નહીં, એ તો આપણે એમ જ જણાવવાનું કે અમને પછી ફાવે એવું નથી."

"એટલે પહેલાં કહેણ મોકલ્યું અને હવે વરના બાપ તરીકે દમામ બતાવવાનો, એમ ને."

હસતા હસતા મહારાજ બોલ્યા.

"શું થાય? ભાઈ, આપણી પરિસ્થિતિ એવી છે અને જો આપણે જરા ઢીલું મૂકીશું તો પછી આપણો પાર જ નહીં આવે. માથાભારે પુત્ર સાથે કામ લેવાનું છે. એ ન ભૂલતો... એ તો એના મનમાં આવે એમ કરવાનો. આટલે ઠેકાણે આવ્યો એ જ ઘણું છે."

"એ પ્રમાણે તજવીજ કરી લઈશ. તમે એમાં જરાય ચિંતા ન કરતા, કાકા"

કૃષ્ણ મહારાજે કહ્યું અને સમુદ્રવિજયને થોડી શાંતિ થઈ.

"તું કાલે જ કૌષ્ટુકિને કહેવરાવજે કે મને આવીને મળી જાય. એના સિવાય કોઈ ખીસામાં થી મૂહુર્ત કાઢે એમ નથી."

"એટલે તમારે એના વિજ્ઞાનને પણ તમારી રીતે ઉપયોગમાં લેવું છે, એમ કહો ને."

"તું મને વાતવાતમાં હરાવવાનો, પણ આજે મારી પાસે બીજો રસ્તો નથી."

"આ તમારો પુત્ર મને હરાવીને બેઠો છે, કાકા."

"એટલો તો મારો સંતોષ છે. પણ એ બધામાં આપણે ન હરાવી જાય એ જ જોવાનું છે."

સમુદ્રવિજય બોલ્યા અને કૃષ્ણ મહારાજથી

હસી પડાયું.

"હરાવશે તો પણ આપણે જીત્યાનો આનંદ માણીશું."

"હા, લે... ચાલ, હવે કૌષ્ટુકિને સંદેશો પહોંચાડ."

મહારાજે તરત જ કહ્યું કે,

"જયાં સુધી નેમ પરણશે નહીં ત્યાં સુધી આપણે કોઈ જંપીને નહીં બેસીએ. પછી છે કાંઈ..."

સમુદ્રવિજય રાજાએ મહારાજને આલિંગન આપીને કહ્યું કે,

"તારો તો કેટકેટલો આભાર માનું."

"જરાપણ નહીં."

બંનેના મનઃપ્રદેશમાં નેમ રાજુલ સિવાય કોઈ વિચાર પ્રવેશી શકે એવી કોઈ શકયતા જ નહોતી રહી.

������

"ના મહારાજ, આ ચોમાસામાં તો કોઈ કાળે મુહૂર્ત ન આવે."

કૌષ્ટુકિએ માથું ધૂણાવીને રાજાને કહી દીધું.

"અરે પણ જોશીજી... મારે તો ગમે ત્યાંથી એનું લગ્ન પતાવવું જ છે."

"પણ કોઈપણ સારા કામનો પ્રારંભ વર્ષાઋતુમાં ન થાય, અને એમાંય આ તો લગ્ન. ના, ના, મહારાજ, એવું અમંગળ કામ મારા હાથૂ નહીં થાય."

શિવાદેવી વ્યગ્ર બની ગયા. એમને થોડે દૂર ગાદીના છેડે બેઠેલા કૃષ્ણ તરફ જોયું. એમની આંખમાં થી નીતરતી વેદના કૃષ્ણ મહારાજના હૈયાને હચમચાવી ગઈ. છતાં એ ચૂપ જ રહ્યા. જયારે સમુદ્રવિજયે જોશીને કહ્યું કે,

"ગમે તે કરો પણ મારે તો આ જોગ ખવડાવવો જ છે. ગમે ત્યાંથી, ગમે તે પંચાંગમાં થી પણ સારો દિવસ શોધીને લગ્ન જોઈ આપો."

"પણ મને કારણ તો જણાવો..."

કૌષ્ટુકિને થયું કે આટલી ભયંકર ઉતાવળ પાછળ કોઈ પ્રબળ કારણ કામ કરતું હોવું જોઈએ.

"જુઓ, તમે તો ઘરના જ ગણાઓ. એટલે તમને જણાવવામાં વાંધો નહીં."

શિવાદેવીએ સ્ત્રી સહજ સહેલાઈથી વાત શરૂ કરી.

"આપણો નેમ પરાણે પરણવા તૈયાર થયો છે. હવે આમાં વિલંબ થાય તો પાછો એને મનાવવો ભારે પડે."

"અને જોશીજી, તમે કયાં એવા ઘડિયાં.લગ્ન નથી કાઢી આપતા?"

કૃષ્ણ મહારાજે વચ્ચે કહી દીધું.

"પણ ભાઈસા'બ, તમે આમ સીધી વાત કરો ત્યારે સમજણ પડે ને. આવું હોય તો પછી લગ્નનું મુહૂર્ત હાથવેંતમાં જ શોધી આપવું પડે. કારણ સંજોગો સૌથી બળવાન ગણાય છે.  અને બધા જ કાનૂનો એની આગળ પાંગળા બની જવાના."

"શાબાશ, કૌષ્ટુકિજી."

સમુદ્રવિજય બોલી ઉઠયા.

"તમારા જેવા પંડિત અને સમજુ પુરુષો જયાં વસતા હોય ત્યાં ગમે એવું કામ પાર પડે."

"હવે માંડો જોવા."

શિવાદેવી અધીરા બની બોલ્યાં. કૌષ્ટુકિએ આંગળીના વેઢે દિવસો ગણવા માંડયા. બીજ... ત્રીજ... ચોથ...

"અરે, લો... સારું થયું."

તે ગણગણતા હોય એમ જ બોલે જતા હતા.

કૃષ્ણ મહારાજ અને સમુદ્રવિજય એકબીજા તરફ નજર કરી અને મનમાં ને મનમાં જ મલકી રહ્યા.

"જુઓ મહારાજ..." કૌષ્ટુકિએ ગાંભીર્ય ધારણ કરતાં ઉચ્ચાર્યુ,

"શ્રાવણ સુદિ છઠનો દિવસ સારો છે. હવે આડું અવળું જોયા વિના પતાવી દો એ જ દિવસે."

"અરે, આડું અવળું તો તમે જોવા બેઠા હતા. અમે તો તૈયાર જ છીએ."

શિવાદેવી ઉત્સાહમાં આવીને બોલી પડયા તો કૃષ્ણ મહારાજે મશ્કરીમાં કહ્યું કે,

"કાકી, મુહૂર્ત થી આટલો આનંદ થાય છે તો પછી વહુ લાવીને મને લાગે છે કે ગાંડા જ થઈ જશો."

"અરે ગાંડી થતાં પણ વહુ લાવું એટલે બસ."

શિવાદેવીનો જવાબ સાંભળીને રાજા સમુદ્રવિજય ખડખડાટ હસી પડ્યા અને તેમને  પણ મશ્કરીમાં કહ્યું કે,

"તમારી સાથે હું ગાંડો થવા તૈયાર નથી."

"છતાં હવે આગળનું કામ પતાવવાની તજવીજ કરો. ઉગ્રસેન રાજાને વધામણી તો મોકલવી પડશે ને...."

"અને કૃષ્ણ, એમને જો વાંધો હોય તો સમજાવવા માટે આપણે સત્યભામાને મોકલીએ "

સમુદ્રવિજય રાજાએ કહ્યું.

"એ તો હમણાં કહો એટલીવાર છે. કૂદતી કૂદતી જવા તૈયાર થઈ જવાની."

શિવાદેવીએ સત્યભામાનું નામ સાંભળીને જ બોલી ગયા તો કૃષ્ણ મહારાજ મલકી ગયા.

કૌષ્ટુકિએ ઊભા થવાની તૈયારી કરી ત્યારે જ જાણે એ ત્રણેને એમના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો હોય એમ એ ત્રણે ચમકી ઊઠ્યા.

"અરે, ઊભા રહો, કૌષ્ટુકિજી. અમે તો વાતોમાં તમને સન્માન આપવાનું પણ ભૂલી ગયા. અરે, થોડા સોનૈયા તો મંગાવો."

શિવાદેવી ઉતાવળા અવાજે કહ્યું તો કૃષ્ણે કહ્યું,

"કાકી, એ પણ આવે છે. આમ આકળાં ન થશો."

એટલી વારમાં જ એક સેવક એક થાળમાં સોનૈયા તથા સુંદર પોષાક લઈને આવ્યો.

"તમારી વ્યવસ્થા શક્તિ અદ્ભુત છે."

શિવાદેવીએ કહ્યું.

કૌષ્ટુકિ વિદાય લીધી પછી શિવાદેવીએ કૃષ્ણ મહારાજને ઉગ્રસેન રાજાને સંદેશો મોકલવા કહ્યું.