Rajvi - 12 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 12

Featured Books
Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 12

(૧૨)

‌(સત્યભામા કૃષ્ણ મહારાજને રાજુલ વિશે કહે છે. નેમકુમારનું મન સંસાર અને વૈરાગ્ય વચ્ચે ખેંચાઈ રહ્યું છે. હવે આગળ...)

નેમ પોતાની મનોસ્થિતિ થી અકળાઈને પોતાના બે હાથથી આંખો બંધ કરી દીધી.

"શા વિચારમાં પડયા છો, દિયરજી?"

એટલામાં સત્યભામાએ નેમના ખભા પર હાથ મૂકતા પ્રશ્ન કર્યો. જાણે સપનું જોતા કોઈએ તેમને જગાડયા હોય તેમ તે ચમકી ગયા.

"સ્વપ્ન જોતા હતા કે શું?... બોલો, કોણ હતી તમારા સ્વપ્નાની દેવી?"

"મને હેરાન ના કરો?"

"જયાં સુધી તમે અમને હેરાન કરશો ત્યાં સુધી અમે તમને હેરાન કરવાના, સમજયા."

સત્યભામાએ નેમને છેડતા કહ્યું અને જવાબની આશા રાખતી બે હાથથી કેડ પર મૂકીને ઊભી રહી.

"હું... હું હેરાન કરું છું?"

"હા... બોલો... સાંભળવું છે વધારે?"

"ના... નથી સાંભળવું!"

નેમ ઊભા થઈને જવા ગયા તો,

"જાવો છો કયાં?"

"તો શું તમે મને કેદ કરશો ભાભી?"

કુમારે હસતા હસતા કહ્યું અને એક જ ઝાટકે પોતાનો હાથ છોડાવ્યો.

"છોડાવો... છોડાવો... પણ અમે એવી પકડ લાવીશું કે જયાં આવી રીતે ઝાટકા મારી હાથ નહીં છોડાવી શકાય."

"તમે બધાં મારી પાછળ કેમ પડયા છો?"

નેમે વ્યગ્રતાથી કહ્યું અને સત્યભામા તે જોઈને ચમકી.

"ખરાબ લાગ્યું?"

"ના રે ના, તમારા આત્માને મારા કારણે દુઃખ થાય છે, ચિંતા થાય છે, એટલે એ સવાલ તો મારે તેમને પૂછવો પડશે."

સત્યભામા એક વૃક્ષની ડાળી પકડીને ઊભી રહી પછી બોલી,

"જુઓ, મારે બીજી વાત પણ કરવાની છે. જો કે, અત્યારે વર્ષાઋતુ તો છે, પણ અમે બધાએ સરોવર પર જળક્રીડા કરવા જવાનું નક્કી કર્યું છે, અને અમારા મુખ્ય મહેમાન તમે છો, તો આવી જજો."

"પણ મહેમાનની સગવડ કે સંમતિની જરૂર ખરી કે નહીં, બસ ઉત્સવ ગોઠવી દેવાનો..."

"જરૂર, એટલે જ તમને કયારે ફાવશે એમ પૂછું છું ને?"

"પણ મારે આવવું જ ન હોય તો?"

"જુઓ, તમારે આવવાનું છે એ તો અમે નક્કી કરી લીધું છે. હવે તમને કયારે ફાવશે એ જ અમારે જાણવું છે."

"આ પણ જુલમ છે, ભાભી!"

કુમારે શિલા પર પાછા બેસી જતા કહ્યું.

"જુલમ કરનાર સ્ત્રી હોય તો જ પુરુષના જીવનમાં મજા આવે."

સત્યભામા ખડખડાટ હસી પડી.

ક્ષણભર માટે કુમાર એ મમતાભર્યા દેહની રેખાઓ ને નીરખી રહ્યો. એ સૌંદર્યની પવિત્ર તાજગી અને મીઠી સુવાસ એને આકર્ષી રહ્યા હતા.

જયારે સત્યભામા તેમના પાસે જવાબની આશાએ ઊભી હતી તેમને વિચારમગ્ન જોઈને,

"નેમને આત્મા તો કલાભર્યો છે, એટલે જ તે સાચા આત્મસૌંદર્ય પ્રતિ એ નફરત નહીં દેખાડી શકે."

"પરમ દિવસે સવારના આપણે જવાનું."

સત્યભામા ફરમાન છોડતી હોય એ જ રીતે કહ્યું. અને કુમાર એનો અનાદર કરી ન શકયા. સસ્મિત તેમને સંમતિ આપવી જ પડી. અને સત્યભામાના પગલામાં વિજેતાનું ગૌરવ ઝળકી રહ્યું.

જગતમાં આપણી પર કોઈ રોષે ભરાય અથવા આપણી નિંદા કરે, તો તો એમને પહોંચાય, એની અવગણના પણ કરી શકીએ. પણ ભાઈ ભાભીના પ્રેમનો અનાદર અને અવગણના કેમ થાય! વીરતા જો વિનમ્રતા ન દેખાડી શકે તો એની કિંમત પણ શી? અને કુલીનતા પણ સૌજન્ય અને સૌમ્યતા દર્શાવીએ તો જ શોભે.

પ્રાતઃકાળથી જ એક પછી એક સેવકો નેમને સંદેશો આપવા આવવા માંડયા કે,

"કુમાર... આપને સરોવર તટે જવા તૈયાર થઈ જવાનું કૃષ્ણ મહારાજે કહેવરાવ્યું છે."

કુમારને તૈયાર થયા વિના છૂટકો નહોતો. સાથે સાથે એમને એમ પણ વિચાર આવતો હતો કે આજે કોણ જાણે પણ મારું આવી બનવાનું છે.

એટલામાં તો વળી રુક્મિણીની ખાસ દાસી આવી પહોંચી. કુમારે મોજડીઓ પહેરતાં કહ્યું,

"અરે, આ આવ્યો..."

અને મનમાં કોઈ ક્ષણે મલકાતાં તો કોઈ ક્ષણે વિચાર મગ્ન થતા નેમે ચાલવા માડયું. નીચે જ સારથી મળ્યો,

"ચાલો કુમારસાહેબ, રથ તૈયાર છે."

"તને કોણે આ રીતે રથ લાવવાની સૂચના આપેલી?"

આખરે કુમારે કંટાળીને એના પર નારાજી કાઢી.

"કૃષ્ણ મહાર જનો આદેશ આવેલો."

સારથિએ ગભરાતા ગભરાતા કહ્યું.

"આ મહારાજ મારો કેડો મૂકે એમ લાગતા નથી."

બબડતા બબડતા કુમાર રથમાં બેઠા.

રથના ઘુઘરીઓ નો રણકાર એમના ચિત્તમાં કંઈ કંઈ નવા સંવેદનો અને સ્પદંનો જગાવતો જતો હતો. ચોમેર વસંતઋતુ એનું સામ્રાજ્ય ફેલાવીને બેઠી હતી. બકુલવૃક્ષ એની સુવાસ પ્રસરાવતો, લોકોને માદકતા પીરસતો જતો હતો. નરનારીઓ ના નાચગાન માટે ચંપક, અશોક વગેરે વૃક્ષો એમ પુષ્પો સહિત લળી લળીને આહ્વાન આપતા હતા. વૃક્ષોની ડાળીઓ બંધાએલા હિંચકા ઝૂલતા હતા. પુષ્પો અને ફળો ભેગા કરતા લોકો પણ વસંતના ઘેનમાં રાગી બની આમતેમ ઘૂમાઘૂમ કરતાં હતાં.

નેમનો રથ એ વસંતઋતુના વેરાયેલા રંગોને દેખતો દેખતો અંતે સરોવરના કિનારે આવી પહોંચ્યો. કૃષ્ણ મહારાજ અને તેમની પટરાણીઓ એમના પહેલા ત્યાં આવી ગયા હતા.

નેમને જોતા જ સત્યભામા વિગેરે સ્ત્રીઓ એમની આસપાસ વીંટળાઈ વળી અને આવ્યા... આવ્યા... કરીને એમને બોલવવા લાગી. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ વ્યક્તિના હાથમાં જાણે મનગમતી વસ્તુ આવે અને જે ઉત્સાહ અનુભવે એવો જ ઉત્સાહ એ સૌના હ્રદયમાં ઊમટી પડ્યો હતો.

થોડી વાર સુધી તો સૌ એ સરોવરતટે બેઠાં પછી કૃષ્ણ મહારાજે કહ્યું,

"ચાલો, હવે આપણે નહાવા જઈએ."

"ભાઈ, આપણે તો ન્હાઈ ધોઈને અને પરવારીને આવ્યા છીએ."

“ત્યારે શું તમને અહીં અમારા દર્શન કરવા બોલાવ્યા છે, એ તો મહેલમાં થતા જ હતા ને..."

રુક્મિણી બોલી.

"ના... એમ નહીં ભાભી, પણ મને ઠંડા પાણીમાં નહાવું નથી ગમતું."

"આ કંઈ શિયાળો નથી, એટલે આવાં બહાના ચાલશે નહીં, સમજયા. કાઢો છાનામાના કપડાં અને મારો ભૂસકો સરોવરમાં."

સત્યભામાએ આદેશ આપતા કહ્યું.

"નહીં તો પછી આ દંડ જોયો છે?"

જાંબુવતી કમળની દાંડી બતાવીને કહ્યું.

"બોલો, પડો છો કે મારું એક ધક્કો?"

સત્યભામાએ કહ્યું.

"ઓ ભાભી, આ તમારું જગદંબા સ્વરૂપ હવે રહેવા દો, આવ્યો હું નાહવા બસ..."

જેવા નેમ સરોવરમાં પડયા કે એની પર ચારે બાજુથી જળનો છંટકાવ શરૂ થઈ ગયો.

અંજલિઓ ભરીભરીને બધાં એના પર જળપ્રહાર કરવા મંડી પડયા. આ બધામાં સૌની વચ્ચે કૃષ્ણ મહારાજ એ તમામ વેલીઓથી શોભતા વૃક્ષની જેમ ઊભા હતા અને પરીક્ષકની અદાથી એ સમગ્ર પરિસ્થિતિને દેખી રહ્યા હતા. અને 'હવે આ કયાં છટકવાનો છે?' એ વિચાર આવતા એમનાથી હસી પડાયું.